ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર

ગલબાભાઈ નાનજીભાઇ પટેલનું દૂધ જેવુ વ્યક્તિત્વ :- એચ. બી. દેસાઈ.

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોનીકદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમાગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે, જે વડગામ વેબસાઈટ ઉપરસમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવશે. આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું.- નિતિન]

 

ચોથી સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ મારી પહેલી મુલાકાત, ડેરીના મેનેજરની જગ્યા માટેની. ઇન્ટરવ્યુ દૂધ સાગર ડેરીની ઑફિસે ગોઠવાયેલ. મને સીધો સવાલ કરી બેઠા : “અમૂલની આવી સારી લાંબી નોકરી છોડીને અમારી નવી એવી સંસ્થામાં, જેના વિકાસ અંગે હજુ શંકા છે, તમે આવવાનું કેમ સાહસ કરો છો ?”

જરા આંખો ઝીણી કરી મને માપવા મથી રહ્યા હોય તેવા ગલબાભાઈની આંખો સામે જોઈ ઘડીભર હું વિચારમાં પડી ગયો. મેં નમ્રતાથી જવાબ આપ્યો : ‘સ્વતંત્ર રીતે કામ કરવાની તક માટે.’ અને મારા મનમાં આ માણસની કુનેહ માટે કંઈક શ્રધ્ધા જન્મી હતી કે એમની રાહબરી નીચે શંકા રાખવાની જરૂર નથી.

હું નોકરી ઉપર હાજર થયો. તે દિવસે તેઓ શ્રી હાજર ન હોઈ બીજા દિવસે અમારી મુલાકાત થઈ. સૌથી પહેલો સવાલ; ‘કાલે આવવામાં કોઈ તકલીફ તો નહોતી પડીને ?’ નવા માણસને નજીક ખેંચી લેવાની એક કેવી સુંદર રીત ! આ ગામડિયા જેવા દેખાતા આ વ્યક્તિત્વને ઓછા આંકવાની –Under estimate કરવાની ભૂલ કેવી રીતે કરી શકું ?

મારા રહેઠાણ ઉપર ટેલિફોન તો જોઈએ જ, તપાસ કરતા કનેકશન મળવામાં ઘણી વાર લાગે તેવું. મુ. શ્રી ગલબાભાઈને વાત કરી, તો થોડો વિચાર કરી કહે: “તમે ચિંતા ન કરો. જિલ્લા પંચાયતનો એક ટેલિફોન ફાજલ છે. આપના નિવાસસ્થાને ટ્રાન્સફર કરી આપું છુ.”– અને તે માટે જરૂરી મંજૂરી મેળવી લઈ, મને ફોન અપાવી દીધો. કેમ માની શકાય કે આ માણસને ટેલિફોનની અગત્યતા વિશે કંઈ સમજાવવું પડે તેમ હતું ? અને કહ્યું કે “ફાજલ ટેલીફોન છે, જ્યારે અહીં વિકાસકામમાં ઉપયોગ થાય છે.”

જિલ્લામાં ગામડાના વીજળીકરણ અંગે ખૂબ ધીમી કામગીરી ચાલે. ઘણીવાર તેઓ અકળાઈ ઊઠે અને મૂંઝવણને વાચા આપે. તેઓની નિમણૂક વિજબોર્ડના સભ્યપદે થઈ. તે વખતે શ્રી એસ.ટી. રાજા વીજળીબોર્ડના અધ્યક્ષ. શ્રી રાજા સાથેની એક મુલાકાત વખતે મારી રૂબરૂમાં જ પૂછ્યું. “રાજા સાહેબ, બોર્ડ વીજળી આપવા તૈયાર છે, લોકો લેવા તૈયાર છે; પછી આમાં અડચણ ક્યાં આવે છે? ગામડાંની માંગણીનો નિકાલ વર્ષોના વર્ષો સુધી કેમ થતો નથી ?” ફરી પાછુ થોડું અટકી મારી સામે જોઈને કહે: “વેચનાર અને લેનાર બંને તલપાપડ છતાંય જુઓને કંઈ કારણ સમજાય છે.?”

રાજા સાહેબ નિરુત્તર રહ્યા. થોડી બીજી વાતો કરી અમે છૂટા પડ્યા. પરંતુ તે પછી સ્થાનિક ઑફિસે કામમાં ખરેખર ઝડપ કરી અને જિલ્લાના ગ્રામ્ય વીજળી-કરણના શ્રી ગણેશ એ પછી મંડાયા.

અમદાવાદ-ગાંધીનગર જવાનું થાય ત્યારે જિલ્લા પંચાયત, ડેરી, અને એવા બધાં જ કામો ભેગાં લેતા જાય. પ્રવાસમાં વધારે કામ થઈ તેવી રીતે જ વહેલા નીકળે અને રાત્રે મોડા પાછા ફરે.

એક વખત ચોમાસાની રાત્રે પાછા ફરતાં મને કહે: “દેસાઈ સાહેબ, પાલનપુર જવામાં મોડું થાય તો વાંધો તો નથી ને ?” મે કહ્યું, “ના.” ગાડી તેમના વતન તરફ વાળતાં મને કહે: “વરસાદ પડે તેવું છે. અને ઘર આગળ ચાર ખુલ્લામાં પડી છે. ધેર કોઈ છે નહીં એટલે જરા ઢાંકતા જઈએ.” રાત્રે સાડા નવ-દશ થવા આવ્યા હશે, ઘેર ગયા અને જાતે જ મોદ કાઢીને ઢાંકવા માંડ્યા. હું પણ જોઈને ઊભો રહું તેમ ન હતો. બધું ઠીકઠાક કરી પછી જ અમે પાલનપુર આવ્યા.

નળાસરથી મોડો સંદેશો આવેલો. તેમને ઘેર જવું. છેલ્લી એસ.ટી. બસ નીકળી ગયેલી. મને કહે સંધની ગાડી આપો. ડ્રાઈવર તો હતો નહી. મેં કહ્યું ગાડી લઈ જાઓ સાહેબ. અને આપની પાસે રાખશો. સોમવારે લેતા આવશો. મને કહે: “એમ નહિ, મારી સાથે એન્જિનિયર ચંદોરીકર સાહેબને મોકલો. તે મને મૂકીને રાત્રે પાછા આવી જશે. તમારે ગમે ત્યારે ગાડીની જરૂર પડે અને સોમવારે મને ઘણી બસો મળી રહેશે. “સંઘ પાસે ત્યારે પાસે એક જ જીપ હતી અને ડેરીના કામને કોઈ અગવડ ના પડે તેની તેઓ ખૂબ જ કાળજી રાખતા.

ગામડાની તળપદી ભાષામાં તેઓ ખૂબ વેધક અને સૂચક વાત રજૂ કરી દેતા. એકવાર ડેરીમાં પસંદગી માટે ઉમેદવારોને બોલાવેલા. એક ભાઈ વાક્યે વાક્યે સાહેબ શબ્દ વાપરે અને ખૂબ નમ્રતા દેખાડવા પ્રયત્ન કરે. ઉમેદવારના ગયા પછી કહે-“નમન નમન મેં ફેર હૈ બહોત નમે નાદાન !”– વ્યક્તિની પરખ કરવાની કેવી સચોટ સૂઝ હતી !

દૂધસાગર ડેરીના શ્રી વી.એમ.પટેલ, એન.ડી.ડી.બી ના શ્રી જશભાઈ પટેલ અને હું ધાનેરા શીત કેન્દ્ર તરફ જઈ રહ્યા હતા. મુ. ગલબાભાઈ ખભા ઉપર એક મોટું દોરડું (વરેડુ) અને માટીનો મોરિયો લઈ સામે મળ્યા. મેં ગાડી રોકી કહ્યું: ચાલો આપને બસ   સ્ટેન્ડ મૂકી જાઉ.” હું વિચારતો હતો: આ જિલ્લા પ્રમુખ તેમના પટાવાળાને સ્ટેન્ડ સુધી આ બધું ઉપડાવીને લઈ શકત. એમના પટાવાળાનું નામ ગોવાભાઈ. મેં કહ્યું “ગોવાને મૂકવા લાવવો હતો ને ?” ત્યારે કહ્યું : “મને કંઈ ભાર ના લાગે અને ગોવાનું કામ રખડે નહી.”

“ના ભાઈ ના, તમે જાઓ; ડેરીના કામમાં પળનુંય મોડું થાય તે પાલવે તેમ નથી.” અમે કંઈક કહીએ તે પહેલાં તો તેઓ સ્ટેન્ડ તરફ ચાલતા થયા. અમે ત્રણેય આ ફકીર જેવા સ્વાશ્રયી નેતાની પીઠ જોતા જ રહી ગયા.

ડેરી માટે ટાટાની વેજિટેબલ મિલવાળી જગ્યા લેવાનું લગભગ નક્કી જેવું જ હતું. એક રસ ધરાવતી વ્યક્તિએ મુ. શ્રી ગલબાભાઈને કોરા ચેકની ઑફર સામે ચકાસી જોયા. કહ્યું : “આ જગ્યા ડેરીને અનુકૂળ નથી, તેવા બહાનાસર તમે લેવાનું માંડી વાળો.” આ સાવ સહેલું પણ હતું, કારણ કે આ જગ્યાએ એક મોટો ઉદ્યોગ પણ નિષ્ફળ ગયો હતો. એટલે જમીન અંગે વહેમ ઊભો કરીને પણ આ વાત ફેરવી શકાય તેમ હતી. તેઓશ્રીએ સપ્રેમ ચેક પાછો ઠેલી કહ્યું : “ભાઈ, મારું ઘર તો હું ઉછી-ઉધાર કરી ચલાવી લઉં છું. અને મારે જોઈએ પણ કેટલું ? ઘરના રોટલા તો ધરતીમાતા પૂરા પાડે છે. પછી શું જોઈએ. ?” આ વાત મારે કાને પડી. હું આવાક બની ગયો. ઊંચી પ્રામાણિકનો આથી મોટો શું માપદંડ હોઈ શકે ?

ડેરીની નવી જગ્યાએ થોડા મજૂરો રાખી સફાઈની કામગીરી હાથ ધરી હતી. તેઓ અવારનવાર આવતા, કામથી માહિતગાર થતા. નવા કામો અંગે સૂચનાઓ આપતા. મારી સાથે સાથે વાતો કરતાં કરતાં ચાલતા. એક છાપરામાં કેન્ટીન જેવું, ચા-પાણીની સગવડ ઊભી કરી હતી તે તરફ ગયા. નીચે ખૂણામાં બે કપ પડેલા. પૂછ્યું તો આ કપ હરિજન કામદારો માટે હતા.

ક્રોધથી જાણે આંખો બહાર નીકળી જાય તેવા પ્રયત્ન કરતી દશામાં બોલી ઊઠ્યા”“ ઊઠાવો આ કપ અને મૂકો બધાના ભેગા. ખબરદાર છે આવું કંઈ અહીં ચલાવ્યું છે તો.”

જેણે ભવની શરૂઆતથી હરિજનોને મિત્ર માન્યા હોય તેવો આ જીવ આ સ્થિતિ કેમ સહન કરી શકે ?

ત્રીજી જાન્યુઆરી ૧૯૭૧ની એ કારમા દિવસે વહેલી સવારે નીકળી હું આણંદમાં મીટીંગમાં વ્યસ્ત હતો…મને કોઈએ કહ્યું : Desai your chairman expired સ્થળ અને કામનું ભાન ભૂલી હું દિગમૂઢ બની ગયો. ઉપરના બધાં અને એવાં અનેક ચિત્રો મારા સ્મરણપટ પર ફરી વળ્યાં.

કોઈ મને ખભો હલાવી ઢંઢોળતું હતું : “ચાલો હું તમારી સાથે આવું છું. આપણે પાલનપુર જલદી પહોંચવું પડશે.” શ્રી વી.એચ.શાહ સાહેબનો ચહેરો મને માંડ માંડ સ્પષ્ટ થતો દેખાયો અને ફરી જાણે હું મારી મૂર્છામાં સરી પડ્યો.

ડૉ. કુરિયન સાહેબને ગલબાભાઈ કહી રહ્યા હતા : “હવે જાહેરજીવન, રાજકારણમાં એવું બની ગયું છે કે ડગલે ને પગલે આત્માને છેતરતા જ જવું પડે તેમ છે. હું અકળાઈ ગયો છું. આ મુદત પુરી થયા પછી ભલી મારી ડેરી અને ઘર.”

ફરી રૂમનો કોલાહલ મને સંભળાતો હતો : શું થયું ? કેમ થયું ? ભલો માણસ, સારો માણસ, પાંચેક વર્ષ ટકી ગયા હોત તો સારું…વિગેરે શબ્દો મારે કાને અથડાતા હતા. અને મારું મન જાણે આ વાતની સાક્ષી પૂરતું હતું. વધુ જીવ્યા હોત તો ડેરીની પ્રગતિ સાથે સાથે જિલ્લામાં ખાંડનું કારખાનું અને કદાચ સહકારી કાંતણમિલ ઊભી થઈ શકી હોત.

એકવાર સમાજવાદની વાત નીકળી તો કહે : “સમાજવાદ ઉપર ભાષણ કરવા જનાર પોતાની ફાઈલો ઉપાડવા પટાવાળાને સાથે લઈને આવે તેવો આપણો આ સમાજવાદ. અને પછી જાણે ખેદ વ્યક્ત કરતા હોય તેમ બોલ્યા : શા માટે છેતરતા હશે તેમની જાતને અને જનતાને !”

એમની નિસ્પૃહી નિષ્ઠાવાન અને કંઈક કરી છૂટવાની જલદી કરી નાખવાની તમન્ના, ન્યોચ્છાવર કરી દેવાની વાતો….ડેરીને કોઈ બેઠકનું તેમણે ભથ્થું સ્વીકાર્યુ નથી. કોઈ મિત્ર આને ચોખલાઈ ગણાવતા ત્યારે કહેતા : ‘ઠીક છે. તમે લો, મારું હું જાણું.’ તેમની પ્રતિભા પ્રમાણિક્તા, ત્યાગ – આવા કાર્યો અને વર્તનોમાંથી ઊભી થઈ હતી અને એટલે જ કદાચ તેમની તેમામ મનોકામનાઓ પૂરી કરવાનું બળ તેમને મળ્યા કરતું હશે.

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.