સ્વપ્ન દ્રષ્ટા શ્રી ગલબાભાઈ (બનાસકાકા) ના સ્વપ્નનું વાસ્તવિક સ્વરૂપ બનાસડેરી.
આજથી ૪૫ વર્ષ પૂર્વેના સમયમાં આ જીલ્લાનો ખેડૂત આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હતો. તેની આવકનાં ખેતી સિવાય અન્ય કોઈ સાધન ન હતાં. જીલ્લાની વિષમ ભૌગોલિક પરિસ્થિતિ, સારા રસ્તાઓ અને વાહન વ્યહવારના અભાવને કારણે કોઈ ઉદ્યોગ ધંધા વિકસેલા ન હતા. ખેતી પણ કુદરત ઉપર આધારિત હતી..ખેતીની સાથે સાથે ખેડૂતો પશુ પાલન કરતા. દૂધનું વ્યવસ્થિત બજાર ના હોવાના કારણે તેમજ અંધશ્રધ્ધાને કારણે વેપારીઓ ખેડૂતોને યોગ્ય વળતર ના આપતા જેના કારણે ખેડૂતોનું નિયમિત શોષણ થતું.
ખેડૂતોની આવી દશા જોઈ ખેડૂત આગેવાન સ્વ. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ખૂબ જ વ્યથા અનુભવતા અને પોતે ખેડૂતના આગેવાન તરીકે કામ કરતા હોઈ ખેડૂતને બેહાલ પરિસ્થિતિમાંથી બહાર લાવી આર્થિક રીતે પગભર કેમ કરવા તેની સતત ચિંતા કરતા.
સ્વ. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વડગામ તાલુકાના નાનકડા નળાસર ગામમાં એક સાધારણ પરિસ્થિતિ વાળા ખેડૂત પરિવારમાં તા. ૧૫.૦૨.૧૯૧૮ ના રોજ જન્મેલા તેઓએ ચાર ચોપડી જેટલું પ્રાથમિક શિક્ષણ મેળવેલ હતું. પરંતુ કોઠાસુઝ ભારે હતી. શાળા જીવનથી તેઓ બીજાઓ કરતાં અલગ તરી આવતા. અન્ય માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખતા. ખેડૂત પુત્ર હોવાને નાતે ખેડૂતની મુશ્કેલીઓને નજીકથી અનુભવી હતી અને તેને હલ કરવાના પ્રયત્નો જીવનપર્યત ચાલુ રાખ્યા હતા.
પાલનપુરના નવાબ સાહેબે વેરાઓના સુધારા માટે એક એડવાઈઝરી બોર્ડની સ્થાપના કરેલ તેમાં તેમની ખેડૂતોના પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરેલ હતી તેમાં સક્રિય રહી ઈસબગુલ ઉપરનો ટેક્ષ માફ કરાવેલ અને ઘંઉના પોષક ભાવો નક્કી કરાવેલ હતા. આથી તેઓ ખેડૂતોમાં પ્રિય થઈ પડ્યા અને ખેડૂતોએ પોતાના આગેવાન તરીકે સ્વીકારી તેમનામાં વિશ્વાસ મૂક્યો.
પૂજ્ય રવિશંકર મહારાજ અને સંતબાલાજીના માર્ગદર્શન અને પ્રેરણાથી જીલ્લામાં ખેડૂત મંડળની સ્થાપના કરેલ અને તેના પ્રમુખ બનેલા. કૂપમંડૂક્તાની દશામાં જીવતા ખેડૂતોને બહારની દુનિયા સાથે પરિચિત કરાવવા માટે તેમના નેતૃત્વ હેઠળ અનુક્રમે ૧૯૫૮, ૧૯૬૧ અને ૧૯૬૮ માં ભારતદર્શન ટ્રેઈન યાત્રાઓ કાઢેલ હતી.
આ પહેલા તેઓએ અર્થોપાર્જન માટે વિવિધ વ્યવસાયો કરેલ હતા. પરંતુ મન ખેડૂતોની સેવામાં ને કાયા દુકાનમાં. પરિણામે કોઈ વેપારમાં સફળ થયા નહીં. તેઓએ સને ૧૯૪૭-૪૮ માં મુંબઈ ખાતે અંધેરી ઈસ્ટમાં બનાસડેરી ફાર્માના નામે વ્યવસાય શરૂ કરેલ તેમાં આવેલ આર્થિક ખોટથી તેઓશ્રીને વ્યક્તિગત નુકશાન થયું હતું પરંતુ બનાસકાંઠાની ખેડૂત પ્રજા માટે આશિર્વાદરૂપ બની કારણ કે તેમાં આજની બનાસડેરીનાં બીજ સમાયેલાં હતાં.
પાડોશી જીલ્લા મહેસાણામાં ઊભી થઈ રહેલી દૂધ સાગર ડેરી તરફ સ્વ. શ્રીનું ધ્યાન ગયું અને આણંદની અમૂલ ડેરીની સફળતા, મહેસાણાના સ્વ. શ્રી માનસિંહભાઈના માર્ગદર્શનને તેમનામાં દૂધના ધંધા વિશે પડેલી શ્રધ્ધા જાગૃત કરવાનું બળ પૂરું પાડયું.
આ આર્ષદ્રષ્ટાએ ખેડૂતોના જીવન પરિવર્તન અને ગ્રામ્ય અર્થકારણના એક સબળ માધ્યમ તરીકે બનાસડેરીની કલ્પના કરી હતી તેને સાકાર કરવાનો ભગીરથ પુરુષાર્થનો આજથી અમૂક વર્ષો પૂર્વે ઉમરદશી નદીના કિનારે શુભારંભ કરવામાં આવ્યો.
સને ૧૯૬૬ માં ૮ દૂધ ઉત્પાદક મંડળીઓની રચના કરી તેનું દૂધ એકત્ર કરી મહેસાણા ડેરીમાં મોકલવાનું શરૂ કર્યુ. તા. ૩૧ મી જાન્યુઆરી -૧૯૬૯ ના શુભ દિને બનાસકાંઠા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધની વિધિવત સ્થાપના થઈ અને તેઓ તેના પ્રથમ પ્રમુખ બન્યા. તા. ૧ લી નવેમ્બર ૧૯૬૯ થી બનાસડેરીએ સ્વતંત્ર રીતે કામાગીરી શરૂ કરી.
તેઓ ગામેગામ ફરીને સ્થાનિક ખેડૂતોને સહકારી ડેરી સ્થાપવા અને દૂધ એકત્ર કરવા માટે પ્રોત્સાહિત કરતા તેઓની એવી રજૂઆત રહેતી કે, “બહેનો છાણનો ટોપલો ઉપાડે છે, મોં ઉપર ભેંસનું મૂતર રેલાય છે, એરૂઓના ભોડામાં રહી ઘાસ કાપે છે, બાળકો સાચવે, જાનવરો સાચવે આંધળી મહેનત કરે છે.” આમ દૂધના ધંધામાં બહેનો કેટલો ભાર વહન કરે છે તે સમજાવી દૂધના ધંધામાં તેઓને ભાગીદાર બનાવવાનું કહેતા તેઓનું એક સ્વપ્ન હતું કે, “મારે મારા જીલ્લાના છેવાડા ગામમાં રહેતી કોઈ વિધવાબેન દાતરડાના હાથા ઉપર સ્વમાનભેર જીવન ગુજારી શકે તેવો ધંધો વિકસાવવો છે.”
પરંતુ દૂધ વેચવું એટલે દિકરો વેચવો જેવી અંધશ્રધ્ધામાં માનતા, ખાનગી દૂધના વેપારીઓની પક્કડમાં આવી ગયેલા, રૂઢિગત પધ્ધતિએ પશુપાલન કરતા ખેડૂતોને સંગઠિત કરી સહકારી પધ્ધતિએ દૂધ વેચવા તૈયાર કરવા એ સરળ વાત નહોતી પરંતુ હિંમત હારે તે ગલબાકાકા નહીં તેમણે ખેડૂતોને સમજાવીને, સમજાવીને, શરમાવીને ધીરે ધીરે દૂધ વેચતા કર્યા.
સ્વ. શ્રીના પ્રયત્નોથી ઉત્તરોત્તર મંડળીઓની સંખ્યા અને દૂધ ઉત્પાદનમાં વધારો થતો રહ્યો. ભારત સરકારની ઓપરેશન ફ્લડ યોજના – ૧ નીચે આ જીલ્લાને આવરી લેવામાં આવ્યો.
૧૯૭૨માં ડેરીના પેચ્યુરાઈઝીંગ વિભાગ અને ખીમાણા શીત કેન્દ્ર કાર્યરત થયા. ઓક્ટોબર-૭૨ થી ધાનેરા શીત કેન્દ્ર કાર્યરત થયું.
પરંતુ આ આનંદ લાંબો ટકે તે પહેલાં સ્વપનદ્રષ્ટા શ્રી તેમના સ્વપ્નો અધુરાં મૂકી તા.૦૩.૦૧.૧૯૭૩ ના રોજ તેમનો નશ્વરદેહ છોડીને ઇશ્વરના દરબારમાં સદાયને માટે સ્થાન લઈ લીધું.
આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય લેખો વાંચવા અહીં ક્લીક કરો.