વડગામ તાલુકાની કોમી એક્તાની પ્રતિક નસીરાપીર દરગાહ.
તાજેતરમાં વડગામ તાલુકાના ઉમરેચા ગામે કોમી એકતાની પ્રતિક ઐતિહાસિક નસીરાપીર દરગાહનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
મને આજે ભારતમાં અંગ્રેજોના આગમન પહેલાંનું ભારત ઉમરેચા ગામે દ્રશ્યમાન થયું, જે સમયે હિન્દુ કોણ? કે મુસ્લિમ કોણ ? એ જાણવુ મુશ્કેલ હતું કેમ કે એ સમયે સૌ સાથે હળી મળીને રહેતાં હતાં, તેવી કોમી એકતા આજે ઉમરેચા ગામે દ્રશ્યમાન થઈ. – હારૂનખાન બિહારી-મેપડા (વડગામ)
તા.૨૫.૧૧.૨૦૧૮ ને રવિવારના રોજ વડગામ તાલુકાના ગાયકવાડ પાલનપુર ની સરહદે આવેલ ધાણધાર અને વડગામ તાલુકાનુ છેવાડાના ઉમરેચા ગામે કોમી એકતાનુ પ્રતિક સમાન નશીરાપીર દરગાહનો જીર્ણોદ્ધાર નો પ્રસંગનું આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે જિલ્લાના વિવિધ સામાજિક તેમજ રાજકિય અગ્રણીઓ તેમજ આસપાસના ગામડાઓની અસંખ્ય હિન્દુ – મુસ્લિમ સમાજના લોકો પોતાનો મુલ્યવાન સમય આપી હાજર રહ્યા હતા,
આ પ્રસંગે ગામમાં વરઘોડો કરવામાં આવ્યો હતો તેમજ ભજન, કવાલી, સૂફી સંતવાણીનુ પણ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં આવનાર લોકોને સમસ્ત ગામ લોકો દ્વારા સ:વિશેષ આવકાર સાથે ભોજન (પ્રસાદી) પણ આપવામાં આવેલ હતી.
આ દરગાહ વિશે લોકમુખેથી જાણવા મળેલ છે કે આ સ્થાન ૭૦૦ વર્ષ પૌરાણિક છે, આ સ્થાન પર બિરાજમાન ઔલીયા નશીરાપીર ની દફનવિધી સલેમકોટ ગામે કરેલ છે, આ સ્થાનની એક માન્યતા છે કે આ સ્થાનના ચમત્કારથી પ્રભાવિત થઈ આ ઉમરેચા ગામે કોઈપણ વ્યક્તિ દારૂનુ વ્યસન કરતાં નથી અને આ ગામે દારૂ પીને આ ગામે કોઈ આવી શકતુ નથી જો કોઈ દારૂ પીવે કે પી ને આ ગામે આવે તો તે નુકશાન તરફ ધકેલાઈ જાય છે, જેથી આ ગામ વ્યસન મુક્ત ગામ છે તેમજ આ ગામની આ દરગાહનો આ ગામના તમામ ધર્મ સમાજના લોકો હ્દય પુર્વક માને છે જેથી આ ગામે હિન્દુ મુસ્લિમ સર્વ સમાજના લોકો એકબીજાથી હળી મળીને ખભે ખભા મિલાવીને રહે છે. આ દરગાહનો દર વર્ષે ભાદરવા મહીનામાં ચુરમાની પ્રસાદી કરવામાં આવે છે અને શ્રાવણ મહીનામાં દુધની ખીર ની પ્રસાદી કરવામાં આવે છે જે આ ગામમાં જે લોકોના ઢોર દુધ આપે છે તેઓએ તો દિવસે આખા ગામનુ જેટલુ દુધ ઉત્પાદન થયુ હોય તે તમામ આ દરગાહમાં આપી દેવામાં આવે છે, આ દિવસે ગામનો કોઈપણ વ્યક્તિ દુધ ઘરે ચા માટે પણ રાખતાં નથી કે ડેરીમાં પણ વેચતા નથી પણ જે દુધ આવ્યું હોય તે તમામ સાચા મનથી દરગાહમાં આપી દેવામાં આવે છે, આ ગામમાં આ ઔલીયાની સત્યતાની એક સાક્ષ છે કે આ ગામે પશુઓમાં કોઈ રોગચાળો આવતો નથી, આ સ્થાનની મન્નત માનનારા લોકોની તમામ પ્રકારની મન્નત પુરી થાય છે, આ સ્થાન સરસ્વતી નદીના કાંઠે આવેલ છે જે ખુબજ સુંદર રમણીય સ્થાન છે.
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત ઉમરેચા ગામના જાગીરદાર, પ્રજાપતિ, ઠાકોર સમાજ તથા ગામના તમામ સમાજ ના નામી અનામી લોકો યુવાનોએ ખુબ જ જહેમત ઉઠાવી સૌ ગ્રામજનોએ કોમી એકતાનુ ઉદાહરણ પુરૂપાડી કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે.
ફોટો”- શાહીદખાન બિહારી- ઉમરેચા
અહેવાલ- હારૂનખાન બિહારી-મેપડા