વડગામ તાલુકાની આજકાલ : ભાગ – ૪
ભાદરવો ગર્જ્યો….મેઘો આખરે વરસ્યો……!!!
આ વર્ષે ચોમાસામાં વડગામ પંથકમાં અષાઢ અને શ્રાવણ મહિનાઓમાં વરસાદી માહોલ ના જામતા ૨૦૧૪નું ચોમાસુ નિષ્ફળ જવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. શ્રાવણ અંત સુધીમાં વડગામ પંથકમાં કુલ ૨૫-૩૦ ઇંચ સરેરાશ વરસાદની સામે મોસમનો કુલ વરસાદ માત્ર ૧૦-૧૨ ઇંચ જેવો મપાયો હતો તેવા સંજોગોમાં જગતનો તાત પોતાની રહી સહી આશા ભાદરવી વરસાદ ઉપર રાખીને બેઠો હતો. પોતાના સ્વભાવ મુજ્બ ભાદરવો વિજ કડાકાની સાથે ધોધમાર વરસતા તાલુકાના પ્રજાજનોએ હાશકારો અનુભવ્યો છે. તા. ૦૫.૦૯.૨૦૧૪ સુધીમાં વડગામ પંથકમા મોસમનો કુલ વરસાદ ૨૪ ઇંચ સુધી પહોંચ્યો છે. જેમાં એકલા ભાદરાવાનો આ વર્ષે ફાળો તા.૦૫.૦.૨૦૧૪ સુધીમાં કુલ પડેલા ૨૪ ઇંચ વરસાદ માંથી ૧૨ ઇંચ છે. એટલે એમ માની શકાય કે મોસમનો ૫૦% ઉપરાંતનો વરસાદ આ વર્ષે ભાદરવામાં પડ્યો છે અને આ લખાય છે ત્યાં સુધી હજુ ભાદરવો ચાલુ છે…કુલ આંકડો કદાચ વધી પણ શકે..જે થાય તે મોસમના સરેરાશ વરસાદની લગોલગ પહોંચી જવાથી હાલ તો પંથકના લોકો ખુશ છે.
રોગચાળાની અસર દેખાઈ….
આ વર્ષે ચોમાસાની ઋતુમાં સ્વચ્છતા અને આરોગ્યની જાગૃતિના અભાવે વડગામ પંથકમાં રોગચાળાએ ફરી માથુ ઉંચક્યુ હોય તેમ જણાઈ રહ્યું હતુ. વાઈરલ ફીવરના પ્રકોપે અનેક લોકોને પોતાની ઝપટમાં લઈ લેતા ઘેર ઘેર માંદગીના કેશો જોવા મળી રહ્યા હતા. ખાસ કરીને પ્રજાજનો શરદી, ખાંસી, તાવ, હાથ-પગ તુટવા, ઝાડા-ઉલટી જેવા રોગોનો સામનો કરી રહ્યા હતા. તાલુકા મથકે P.H.C કેંન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્ર C.H.C બનાવવામાં આવ્યું છે પરંતુ પુરતા સ્ટાફના અભાવે લોકોને સમયસર અને પુરતી સારવાર મળી શકતી નથી જે ચિંતાજનક બાબત ગણી શકાય.
વણસોલના અંતિમધામમાં વૃક્ષારોપણ.
વડગામ તાલુકાના વણસોલ સ્મશાનગૃહ ખાતે માતૃશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ, દૂધ ઉત્પાદક સહકારી મંડળી, વડગામ તાલુકા કર્મચારી મંડળીના સૌજન્યથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના અગ્રણીઓ, કાર્યકરો સહિત યુવા મિત્રોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
દારૂની બદી સામે પોલીસતંત્રની સફળ કામગીરી.
છાપી-વડગામ પોલીસે ૭૪.૭૭ લાખના પકડાયેલા વિદેશી દારૂ ઉપર છાપી પાસે આવેલા જ્યોતીનગરમાં બુલડોઝર ફેરવી દેતા પંથકના બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વડગામ પોલીસે રૂ. ૫.૪૯ લાખનો વિદેશી દારૂ (૨૬૦૦ બોટલ) અને છાપી પોલીસે રૂ. ૬૯.૨૮ લાખ (૪૫૮૨૩ બોટલ) દારૂ વિવિધ દરોડા દરમિયાન જપ્ત કર્યો હતો.
વડગામ પંથકમાં રિધ્ધિ-સિધ્ધિના દાતા “શ્રી’ ની વાજતે ગાજતે ઉજવણી.
વડગામ તાલુકા મથક સહિત મેમદપુર, મેતા, છાપી વિગેરે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. વડગામ તાલુકાના મેતા ગામમાં ગણેશજીની સ્થાપના બાદ રવિવારના દિવસે ગણેશ મહોત્સવ નિમિત્તે હવન યજ્ઞ યોજાયો હતો જ્યારે વડગામમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગુરુવારના દિવસે ગામના વિવિધ માર્ગો પર વિઘ્નહર્તા ગણેશજીની શોભાયાત્રા નિકાળીને તેની પૂર્ણાહૂતિ મોકેશ્વર લઈ જઈને કરાઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે વડગામ તાલુકાના વિવિધ ગામોમાં ગણેશજીની સ્થાપનાથી માંડીને વિવિધ કાર્યક્રમોનું આયોજન ગ્રામ્ય લોકો દ્વારા હાથ ધરવામાં આવતુ હોય છે અંતે ગણેશ ઉત્સવની પૂર્ણાહૂતિ પ્રસંગે પોત પોતાના ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકાળ્યા બાદ વડગામ તાલુકામાં આવેલા પવિત્ર યાત્રાધામ મોકેશ્વરમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં વિઘ્નહર્તાની મૂત્તિનું અશ્રુભીની આંખે આવતા વર્ષે દાદાને જલદી આવવાના વચન સાથે વિસર્જન કરવામાં આવે છે.
વડગામ પંથકના માર્ગો જયઅંબે ના નાદથી ગુંજી ઊઠ્યા….
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમ નિમિત્તે પદયાત્રીઓનો પ્રવાહ વડગામ પંથકના માર્ગો ઉપરથી જયઅંબે ના નારા સાથે પસાર થતો જોવા મળ્યો. પંથકમાં વિવિધ સંગઠનો દ્વારા પદયાત્રીઓની સેવા અર્થે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ભાદરવી પૂનમના આ સમયગાળા દરમિયાન પડેલા ભારે વરસાદને લઈને વડગામ માર્કેટયાર્ડથી લઈને ગોળા સુધીના માર્ગો પર વિવિધ જગ્યાએ વરસાદી પાણી ભરાવવાથી પદયાત્રીઓની હાલાકી વધી હતી. ભૂતકાળમાં તાલુકા મથકે પડેલા વરસાદે અનેક વખતે આ બાબતે નોટીસ આપી હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આખરે તાલુકાની પ્રજાની સાથે સાથે ભાદરવી પૂનમ નિમિત્તે પસાર થતા પદયાત્રીઓને પણ આવા જર્જરીત માર્ગોને લઈને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
વડગામ પંથકનો હિરા ઉદ્યોગ મંદીની ઝપટમાં…
વડગામ તાલુકામાં અનેક કારીગરો હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તાલુકા મથક વડગામ અને છાપી મુકામે અનેક નાના કારખાના ધમધમતા હતા અને જેના લિધે તાલુકાના અનેક લોકો રોજગારી મેળવતા હતા પરંતુ પાછલા કેટલાક વર્ષોથી આ ધંધામાં પ્રવર્તતી મંદીની અસર વડગામ તાલુકામાં પણ જોવા મળી રહી છે. ૫૦% ઉત્પાદન અને કારખાનાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને જે ચાલે છે તે પણ મર્યાદિત શક્તિએ ઉત્પાદન ચલાવે છે. વિશ્વમાં પોલીશ્ડ હિરાની માંગની સામે રફ હિરાના મુખ્ય ઉત્પાદકોનું ઉત્પાદન વધી રહ્યું છે જ્યારે પોલિશ્ડ હિરાના ભાવ તેના ગ્રાહકોને વધુ પડતા ઊંચા લાગવાથી ખરીદીનું પ્રમાન ઘટી રહ્યું છે. રફ હિરાના ભાવ વધત જતાં હોઈ પોલીશ્ડ હિરાના ભાવ મર્યાદિત રાખવાનું મુશ્કેલ બની રહ્યું છે. તૈયાર માલનો અપેક્ષિત ઉઠાવ નહિ હોઈને ઉત્પાદનમાં જે વધારો થાય તેથી અત્યારે તો સ્ટોકમાં વધારો થાય છે. આ પરિસ્થિતિને કારણે હિરા બજારમાં અત્યારે નાણાંભીડ પ્રવર્તે છે. રફ હિરાના નાણા ઝડપથી ચૂકવવા પડે છે જ્યારે પોલીશ્ડ હિરાના જે વેચાણો થાય છે તેમાં નાણા તેટલી ઝડપથી પાછ ફરતા નથી એટલે નાણા ભીડનો અનુભવ વધી રહ્યો છે.
અધૂરામાં પૂરું બેંકિગ વર્તુળોએ આ ક્ષેત્રને ધિરાણ આપવાનું હાલમાં મર્યાદિત કરી નાખ્યું છે એટલે જેમણે વધરે ધીરાણો જોયતા હોય તેમને માટે મોટે ભાગે બિન-બેંકિગ ક્ષેત્ર પાસેથી ધીરાણો મેળવવાનો માર્ગ અપનાવવો પડે છે અને ત્યાં પ્રવર્તતા વ્યાજના ઊંચા દર આવા ધીરાણો માટે ચૂકવવા પડે છે. આમ હિરા ઉધ્યોગની વિટંબણાઓ વધી રહી હોવાથી તેની અસર વડગામ પંથકમાં પણ વર્તાઈ રહી છે.
ઓઈલનો કાળો કારોબાર.
વડગામ તાલુકામાં આવેલ ધારેવાડા પાસે ઓઈલનો કાળો કારોબાર ચાલતો હોવાના અહેવાલ વખતો વખત અખબારોમાં પ્રસિધ્ધ થતા રહેતા હોય છે. ધારેવાડાની સીમ ઓઈલ ચોરીનું હબ બની જાય તે પહેલા પોલિસ તંત્રે સક્રિય પગલા ભરવા અનિવાર્ય છે. ઉલ્લેખનિય છે કે આ એરીયામાં કેરોસીન, ડિઝલ અને પેટ્રોલની ટેન્સ્કરો માંથી ચોરી કરી સસ્તા ભાવે બજારમાં વેચવામાં આવે છે તેવા અહેવાલ જાણવા મળેલ છે. તાજેતરમાં ધારેવાડા માનપુરાની સીમમાંથી બિનવારસી જીપ માંથી ૭૦૦ લિટર વાદળી કેરોસીન ઝડપાયું હતું.
સ્વાતંત્રય સેનાની કાળીદાસ લક્ષ્મીચંદ ભોજકની અન્યાય સામેની લડત.
પાલનપુર રાજ્યમાં જાગીરદારોની જોહૂકમી એટલી હદે વધી ગઈ હતી કે ત્યાંની પ્રજા એક ટંકનું ભોજન ખાઈ શકે તેટલું અનાજ પણ હાથમાં આવતું ન હતું. જાગીરદારો ખેડૂતોનું અનાજ લૂંટી લેતા હતાં. તેમની સામે વડગામના વતની કાળીચંદ લક્ષ્મીચંદ ભોજકે (કવિ આનંદીલાલે) જાગીરદારોના શોષણ સામે શ્રી ડાહ્યાલાલ મહેતા, શ્રી બાલાશંકર જોષી, શ્રી જેસિંગલાલ જોષી સાથે મળી સંગઠનનું કામ શરૂ કર્યુ. આ વાતની જાણ નવાબશ્રી તાલેમહંમદખાનજી ને થતાં તેઓએ જોરાવર પેલેસમાં બોલાવી આ પ્રવૃત્તિ બંધ કરવા માટે ધમકી આપી. પરંતુ સમકાલિન સાધનોનો અભ્યાસ કરતા આવી કોઈ ધટના બની હોય તેમ જણાતું નથી તેમજ તાલેમહંમદખાનજી જેવા દીર્ઘદ્રષ્ટિ વાળા ઉદારમતવાદી માનસ ધરાવતા શાસક કવિ આનંદીલાલના અવાજને રૂંધી નાખવા મહેલમાં બોલાવી ધમકી આપી શકે ખરા ? કવિ આનંદીલાલ જાગીરદારોના અત્યાચારો સામે અવાજ ઉઠાવવા બદલ જેલમાં ગયા હતા. અદાલતે તેમને નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યા હતા. (રેફ.-પાલનપુર રાજ્યનો ઇતિહાસ પુસ્તકમાંથી સાભાર)
****
ક્યારેય રાહ ન જુઓ. સમય ક્યારે પણ ‘બરાબર યોગ્ય’ નથી હોતો. જ્યાં ઊભા છો ત્યાંથી જ શરૂઆત કરો અને તમારા પાસે જે કાંઈ સાધનો હોય તેનાથી કામ કરો. તમે જેમ જેમ આગળ વધશો, તેમ તેમ વધારે સારા સાધનો આપોઆપ હાજર થવા લાગશે. – નેપોલિયન હિલ.