વડગામ તાલુકાની આજકાલ

વડગામ તાલુકાની આજકાલ – ભાગ- ૨

[ વિવિધ પુસ્તકો, સંદર્ભગ્રંથો, વર્તમાનપત્રો, સામયિકો, માંથી વાંચવામાં આવતી તથા લોકમુખે સાંભળવામાં આવતી વડગામ તાલુકાને લગતી સંક્ષિપ્ત માહિતીનું સંકલન કરીને વિવિધ અજાણી, માહિતીપ્રદ વાતો  ‘વડગામ તાલુકાની આજકાલ’  વિષય સાથે વિવિધ ભાગોમાં સમાયંતરે આ વેબસાઈટ ઉપર લખવામાં આવે છે. આ સંદર્ભે આવી માહિતી ઉપલબ્ધ કરાવનાર તેના મૂળ લેખકો,પત્રકારો, પ્રકાશકો, સંસ્થાઓ, વિવિધ સંગઠનો તથા માહિતી આપનાર સર્વે પ્રજાજનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું.]

 

રક્ષાબંધન પ્રસંગે વડગામ બસસ્ટેન્ડ ઉપર લાગણીસભર દ્રષ્યો જોવા મળ્યા.

તા.૧૦.૦૮.૨૦૧૪ને રવિવારના રોજ રક્ષાબંધનનો તહેવાર હોઈ વડગામ તાલુકામાં તેમજ તાલુકાની બહાર રહેતી અનેક બહેનોની અવર-જવર વડગામ બસસ્ટેન્ડ વિસ્તારમાં જોવા મળતી હતી. પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ઉત્સુક બહેનો અનેરા ઉત્સાહમાં જોવા મળતી હતી. નાનેરા બાળકોને લઈને પોતાના ભાઈઓને રાખડી બાંધવા જઈ રહેલી બહેનોના ના મુખ ઉપર અનેરો આનંદ જોવા મળતો હતો. તદ્દ્ઉપરાત વડગામ તાલુકામાં આવેલી અનેક શાળા-મહાશાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

 

૬૮માં સ્વાતંત્રયપર્વ ની વડગામ તાલુકામાં હર્ષભેર ઉજવણી.

તા.૧૫.૦૮.૨૦૧૪ને રવિવારના રોજ વડગામ તાલુકામાં ૬૮માં સ્વાતંત્રય પર્વની ઉત્સાહભેર ઉજવણી વડગામ તાલુકામાં આવેલી વિવિધ શાળા-કોલેજ સંકુલો, તાલુકાની મુખ્ય સરકારી કચેરીઓ માં યોજવામાં આવી હતી. આ પ્રસંગેદેશની સ્વતંત્રતા કાજે પોતાના જીવનનું બલિદાન આપનાર શહિદોને યાદ કરી શ્રધાંજલી અર્પવામાં આવી હતી. વડગામ તાલુકાના અનેક નામી-અનામી સ્વાતંત્ર્યવિરો પૈકી જેમણે આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે તેવા વડગામ તાલુકાના વડગામ ગામના સ્વાતંત્રયસેનાની શ્રી કાલિદાસ ભોજક (કવિ આનંદી) ને પણ આ પ્રસંગે યાદ કરતા વડગામ તાલુકાના પ્રજાજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા હતાં.  

 

વડગામ તાલુકાને હરિયાળો બનાવવા અભિયાન….

વડગામ તાલુકાને હરિયાળો બનાવવાના ભાગરૂપે દર વર્ષે તાલુકામા આવેલા વિવિધ સ્થળે વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે સતત પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે જે અંતર્ગત પ્રાપ્ત માહિતી મુજબ આ વર્ષે પણ વડગામના વેપારી મથક છાપીમાં ઉદ્યોગપતિઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ સંગઠનો અને છાપી ગ્રામ પંચાયત દ્વારા છાપીને જોડતા માર્ગોની બન્ને સાઈડે અને પંચવટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. મિલ્ક માર્કેટીંગ ફેડરેશન અને બનાસડેરીના સંયુક્ત ઉપક્રમે વડગામ તાલુકાના મુમનવાસ ગામે જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ બનાસડેરીના ચેરમેન શ્રી પરથીભાઈ જી. ભટોળ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. આ ઉપરાંત વડગામ સ્થિત આર્ટ્સ કોલેજ કેમ્પસ તેમજ વિવિધ શાળા સંકુલો તેમજ સમાજસેવી યુવાસંગઠનો તેમજ વ્યક્તિગત રીતે પણ પ્રજાજનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી વડગામ તાલુકાને હરિયાળો બનાવવા સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શુભ આશયથી શરૂ કરવામાં આવેલ આ અભિયાન અંતર્ગત તમામ વૃક્ષોનું સારી રીતે જતન થાય તેમજ ઉછેર થાય તે જોવાની દરેક નાગરિકની ફરજ બને છે.

 

મગરવાડામાં ૫૧ પાંચમ ભરવાનો જશોદાબેનનો સંકલ્પ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ધર્મપત્નિ જશોદાબેન શ્રાવણ સુદ પાંચમ તા. ૧, શુક્રવારે વડગામ તાલુકાના મગરવાડા શ્રી મણીભદ્રવીર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેઓએ જણાવ્યું હતું કે ન.મો. પ્રધાનમંત્રી બને તે માટે મગરવાડા શ્રી મણીભદ્રવીર મંદિરે ૫૧ પાંચમ ભરવાનો સંકલ્પ કર્યો હતો, જેના ભાગ રૂપે તેઓ વડગામ તાલુકાના મગરવાડા સ્થિત મણિભદ્રવિર દાદાના દર્શને આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે જશોદાબેન વડગામ તાલુકામાં શિક્ષકની નોકરી કરી ચૂક્યા છે.

 

વડગામ તાલુકાના રણછોડપુરા ગામના યુવકોનો અનોખો પશુ-પક્ષી પ્રેમ- પતંગો ન ચગાવી પશુ-પક્ષીઓને ચોખ્ખા ધીનો શીરો પીરસ્યો.

ઉતરાયણની ઉજવણી મોટાભાગાના લોકો પતંગ ચગાવીને કરે છે. જેઓ પતંગના પેચ લગાવવામાં મશગુલ બની જાય છે. ત્યારે અનેક પક્ષીઓની ડોક, પગ કે પાંખોના ભાગે દોરી વિંટળાઈ જતાં પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થતાં હોય છે. તો કેટલાક પક્ષીઓના મૃત્યુ પણ થતાં હોય છે. જેને કારણે ઉત્તરાયણના દિવસે જીવદયા પ્રેમી લોકો પક્ષીઓને બચાવવા માટે તૈયાર રહેતા હોય છે.

વડગામ તાલુકાના રણછોડપુરા ગામના યુવકોને પશુ-પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમ છે. જેઓ જીવદયાથી પ્રેરાઈ પતંગ ચગાવતા જ નથી અને ઉત્તરાયણના દિવસે ભેગા થઈ સામુહિક ફાળો એકઠો કરી તે રકમ માંથી ઉત્તરાયણના દિવસે શુધ્ધ ધીનો શીરો બનાવી ગામના અબોલ પશુ-પક્ષીઓને પીરસે છે. તેમજ તે રકમમાંથી પક્ષીઓના ચણ માટે અનાજ પણ લાવવામાં આવે છે. આ રીતે રણછોડપુરા ગામમાં પક્ષીઓના હીત ખાતર પતંગ ચગાવવાના શોખને ભૂલી જનાર યુવકો અન્ય લોકોને ઉદાહરણ પૂરુંપાડી રહ્યા છે.

૨૦૦૯ની સાલમાં ઉત્તરાયણ પ્રસંગે મને આ માહિતી મળતાં, રણછોડપુરા ગામના યુવકો પ્રત્યે મને અનહદ માન થયું હતું.   – જીતેન્દ્રભાઈ સી. મહેતા (સ્વરાજ્ય)

 

પરખડીની કમોદે લોકોને ઘેલા કરેલા.

આઝાદી પહેલાંની એટલે કે લગભગ ૧૯૪૪-૪૫ની સાલની વાત યાદ આવે છે. ત્યારે બહાદુરગંજમાં સોભલાનો સંચો હતો. ત્યાં વડગામ તાલુકાના પરખડી ગામની કમોદ આવતી. એની સોડમ યાદ રહી જાય તેવી હતી. એ કમોદે લોકોને એવા ઘેલા કર્યા હતા કે, એ મેળવવા માટે અગાઉથી ઓર્ડરો નોંધાતા અને એની આવક શરૂ થતાં લેવા માટે લાઈનો લાગતી.પાલનપુર તાલુકા તેમજ વડગામ મહાલમાં શેરડીનું પુષ્કળ વાવેતર થતું. પાલનપુર સ્ટેશન વિસ્તારમાં શેરડીના ભારા લઈને વેચવાવાળા ઉભા રહેતા. પાલનપુરની બહારગામ જનારા સ્નેહી-સ્વજનો માટે આખી શેરડીના કટકા કરાવી બંધાવીને લઈ જતા. લોકો શેરડી હોંશથી ચુસતા.નવાબશ્રીના નામ પરથી આ શેરડીમાંથી તાલેસાઈ ગોળ બનાવાતો. – જીતેન્દ્રભાઈ સી. મહેતા (સ્વરાજ્ય)

 

ખેત પેદાશમાં સમૃધ્ધિની છોળો- સીસરાણાનાં ગુલાબ વિદેશ જાય છે.

વડગામ તાલુકાએ બાગાયતી ખેતીમાં ખૂબ જ વિકાસ કર્યો છે. તાલુકાના સીસરાણા ગામના પ્રગતિશીલ ખેડૂતે ગુલાબના ફૂલને માફક આવે તેવા ગ્રીન હાઉસની લાખ્ખો રૂપિયાના ખર્ચે રચના કરીને ગુલાબના સુંદર ફૂલોનું જબરજસ્ત ઉત્પાદન લેવા માંડ્યું છે. આ ગુલાબનાં ફુલો વિદેશ જાય છે !

તાલુકાના જલોત્રા, સીસરાણા, ધોડીયાલ, કબીરપુરા, ચિત્રોડા, ગીડાસણ, ભરકાવાડા અને ધોતામાં બટાટા, મગફળી, પપૈયા, તડબૂચ, સક્કરટેટી, દાડમ, કોળુ, કેળા, ચીરા, કાકડી અને કેપ્સીકમ મરચાંના પાક થવા માંડ્યા છે. જેમાં કોળું દિલ્હી, આગ્રા-રાજસ્થાન જાય છે. અન્ય વસ્તુઓને પણ જુદા જુદા વિસ્તારમાં માર્કેટ મળી રહ્યું છે. – જીતેન્દ્રભાઈ સી. મહેતા (સ્વરાજ્ય)

 

વડગામ પંથકમાં ભૂગર્ભ પાણીનું સ્તર ઉંચુ લાવવા કરમાવાદ-બાલાસર તળાવ ભરો.

વર્ષો વર્ષ વડગામ પંથકમાં અનિયમિત અને અપૂરતા વરસાદ થકી ભૂગર્ભ જળનું સ્તર ઉત્તરોત્તર ઘટતુ જાય છે તેવા સંજોગોમાં વડગામ તાલુકાના જલોત્રા-થુર-પાવઠી નજીકના કરમાવાદ તળાવને અને ફતેગઢ નજીકના બાલાસર તળાવને પાણીથી ભરવા વડગામ તાલુકાના ખેડૂતજનોની વર્ષોથી માંગણી છે. આ સંદર્ભે વડગામ પંથકના સંસદસભ્ય, ધારાસભ્ય તેમજ સ્થાનિક આગેવાનોએ તાલુકાના હિતમાં નર્મદા યોજનાના લાભથી વંચિત વડગામ તાલુકાને અન્ય રીતે પણ પાણી અપાવી તાલુકાના આ મુખ્ય તળાવોને છલકાવવાની જરૂર છે. આ ઉપરાંત વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વર ડેમના પાણીનો લાભ તાલુકાના ગામોને મળે એ માટે નક્કર રજુઆતો કરવાની જરૂર છે. – જીતેન્દ્રભાઈ સી. મહેતા (સ્વરાજ્ય)

 ****

દરેક મનુષ્યે અને દરેક પ્રજાએ મહત્તા પ્રાપ્ત કરવી હોય તો, ભલાઈમાં દ્રઢ વિશ્વાસ રાખવો, અદેખાઈ અને અવિશ્વાસમાંથી મુક્તી મેળવવી અને સારા થવાનો તેમજ સારું કરવાનો પ્રયત્ન કરનાર દરેકને સાથ આપવાનો પ્રયાસ કરવો. વિકાસની આ કેડી છે. -સ્વામી વિવેકાનંદ