વડગામ તાલુકાની આજકાલ

વડગામ તાલુકાની આજકાલ : ભાગ-૩

[ વિવિધ પુસ્તકો, સંદર્ભગ્રંથો, વર્તમાનપત્રો, સામયિકો, માંથી વાંચવામાંઆવતી તથા લોકમુખે સાંભળવામાં આવતી વડગામ તાલુકાને લગતી સંક્ષિપ્ત માહિતીનુંસંકલન કરીને વિવિધ અજાણી, માહિતીપ્રદ વાતો  ‘વડગામ તાલુકાની આજકાલ’  વિષયસાથે વિવિધ ભાગોમાં સમાયંતરે આ વેબસાઈટ ઉપર લખવામાં આવે છે. આ સંદર્ભે આવીમાહિતી ઉપલબ્ધ કરાવનાર તેના મૂળ લેખકો,પત્રકારો, પ્રકાશકો, સંસ્થાઓ, વિવિધસંગઠનો તથા માહિતી આપનાર સર્વે પ્રજાજનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું.]

 

રૂપાલ શિતળા સાતમનો મેળો ભરાયો.

વડગામ તાલુકાના રૂપાલ ગામે શિતળા માતાનું ભવ્ય મંદિર આવેલુ છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં લોકમેળો ભરાય છે. જે અંતર્ગત આ વર્ષે પણ રાબેતા મુજબ તા. ૧૬.૦૮.૨૦૧૪ના રોજ લોકમેળો ભરાયો હતો. શિતળા માતાજીના મંદિરે ભક્તોએ ચુંદડી, સુખડી અને સોના-ચાંદીના વિવિધ દાગીના ચઢાવી પોત પોતાની આસ્થાની પ્રતિક સમાન માનતા પૂર્ણ કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ મેળાનો આનંદ માણ્યો હતો.

 

 

રૂપાલ શિતળાસાતમનો મેળો-૨૦૧૪
.
.

વડગામમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી.

વડગામમાં આવેલું રાધા-કૃષ્ણનું મંદિર, જે વડગામ પંથકમાં રણછોડરાય મંદિર તરીકે વિખ્યાત છે. જન્માષ્ટમી પર્વને લઈને આ મંદિર પરિસરને સુંદર રીતે શણગારવામાં આવ્યુ હતું કારણ કે આજે સમગ્ર દિવસ દરમિયાન કૃષ્ણ જન્મની ખુશાલીમાં વડગામ તાલુકાના પ્રજાજનો તેમજ તાલુકા બહારથી પણ ભક્તજનો આ ઉજવણીમાં સહભાગી થવાના હતા. આજે તા.૧૭.૦૮.૨૦૧૪ને રવિવારે સવારથી જ વડગામમાં મેળાને લઈને લોકોની અવર-જવર વધી જવા પામી હતી જે બપોર સુધીમાં તેની ચરમસીમાએ હતી. આજે સમગ્ર દિવસ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધુ હતુ. માળખાગત સુવિધાઓનો અભાવ અને મોંધવારી વચ્ચે પરંપરાગત મેળાનો આનંદ માણતા સૌ પ્રજાજનોએ મિત્રો-સ્નેહીજનો સાથે સમગ્ર દિવસ આનંદ-ઉત્સાહમાં પસાર કર્યો હતો અને શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. આ વખતના મેળામાં વડગામ પોલીસ બંધોબસ્તને લઈને સક્રિય જોવા મળી. રાત્રે કૃષ્ણજન્મની ખુશાલી ને લઈને ભજન સત્સંગ તેમજ મટકીફોડ કાર્યક્રમોનું આયોજન ગામના વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું.

 

 

વડગામ જન્માષ્ટમીનો મેળો-૨૦૧૪

 

મુક્તેશ્વર ડેમ

વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વરડેમના પાણીની સપાટી તા.૧૬.૦૮.૨૦૧૪ના રોજ ૬૩૧.૧૭ ફીટ હતી. ડેમ ઓવરફ્લોની સપાટી ૬૫૧.૫૮ ફૂટ છે

 

ઘોડીયાલ ગામની આસ્થાનું કેન્દ્ર રામટેકરી.

વડગામ તાલુકાના ઘોડીયાલ ગામમાં પથ્થરોની એક ટેકરી આવેલી છે. જે રામટેકરી તરીકે ઓળખાય છે. આ ટેકરી ઉપર આવેલા અનેક પથ્થરોમાં કુદરતી રીતેજ ત્રિશુળની આકૃતિઓ ઉપસેલી છે. જેને લઇ આ રામટેકરી લોકોની આસ્થાનું કેન્દ્ર બની છે.આ ટેકરી ઉપર ગુરુમહારાજનું મંદિર આવેલું છે. જે મંદિરમાં ગુરુમહારાજની ધૂણી છે. જેઓ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ અંગે ગામના અગ્રણી ભીખાભાઇ ગોળએ જણાવ્યું હતું કે ‘ગુરુમહારાજે અનેક ચમત્કારો લોકોને આપ્યા છે. આ ઉપરાંત આ રામટેકરી ઉપર આવેલા પથ્થરોમાં કુદરતી રીતે ત્રિશુળની આકૃતિઓ ઉપસેલી છે. જે પાંચ જેટલા પથ્થર ઉપર નરી આંખે જોઇ શકાય છે. આ રામટેકરીના પથ્થરો વચ્ચે એક ગુફા પણ આવેલી છે. જે ગુફામાં પાંડવો પોતાના ગુપ્ત વાસ દરમિયાન રોકાયા હોવાની લોકવાયકા પણ છે.’તમામ પથ્થર ઉપર એક જેવીજ આકૃતિઓ છે.ઘોડીયાલની રામટેકરી ઉપર પાંચ જેટલા કાળા પથ્થરોમાં આછા સફેદ કલરના પથ્થરથી ત્રિશુળની આકૃતિઓ રચાઇ છે. જે કુદરતી છે પરંતુ તમામ પથ્થર ઉપર એક જેવીજ આકૃતિઓ હોવાથી લોકો માટે આસ્થાનું પ્રતિક બની છે.

ઘોડીયાલમાં પૌરાણીક અવશેષો હોવાના પુરાવા મળી રહ્યાં છે.એકપથ્થર ઉપર રથના પૈડાનું નિશાન હોવાની માન્યતા છે. આ ઉપરાંત ઘોડીયાલ ગામમાં રામજી મંદિરના ખોદકામ દરમિયાન પણ પૌરાણીક અવશેષો મળ્યા હતા. જે મંદિર પરિસરમાં પુરાવા રૂપે રખાયા છે.

 

ભરકાવાડામાં આવેલુ ગજેકુ ફાર્મ.

‘સ્વાધ્યાયીના પૂજય પાંડુરંગ શાસ્ત્રી (દાદા) ના સાત્વિક વિચારોથી પ્રભાવિત થઇ ગજેકુ ફાર્મમાં સજીવ ખેતી અને પશુપાલનની અમુક વર્ષ પહેલાં ભરકાવાડાના મનુભાઈ પટેલે શરૂઆત કરી હતી. જે આજે દાદાની પ્રેરણાના ફળસ્વરૂપે સજીવ કૃષિ ક્ષેત્રે સિદ્ધિ અને નામના મેળવી છે.ગજેકુ ફાર્મમાં સજીવ ખેતી દ્વારા ડુંગળી, બટાકા, ઘઉં, શાકભાજી, આયુર્વેદિક ઔષધીઓ અને પશુઓ માટે ઘાસચારાની ખેતી કરે છે. ૨૦૦૩ માં છ ભેંસોથી શરૂ કરાયેલા ફાર્મમાં આજે વિવિધ ઓલાદની ભેંસો અને ગીર તેમજ કાંકરેજી ગાયોનું ફાર્મ આજે દેશનું એકમાત્ર નોનઓકસીટોશીન અને ઓર્ગેનીક ફાર્મ છે.

 

પૂણ્યભૂમિ પસવાદળ

ત્રણ પુરાતન મંદિર અને ત્રણ સંતોની જન્મભૂમિ પસવાદળ વર્ષોથી પૂણ્યભૂમિ ગણાતી આવી છે. બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલ આજનું પસવાદળ ગામ પુરાતન સમયમાં પુષ્પાવતી નગરી નામે પ્રચલિત હતું. પુષ્પસેન રાજાએ આ પુષ્પાવતી નગરી વસાવી હોવાનું મનાય છે.પુણ્યભૂમિ પસવાદળમાં ત્રણ સંત થઈ ગયા. એક મહૂડીના ગંગાભારથી, બીજા વિસનગરના ગુલાબનાથ અને ત્રીજા નગરીના માધા ભગત રબારી.

 

તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મેમદપુરમાં યોજાયો.

૧૫ ઑગષ્ટ-૨૦૧૪, સ્વાતંત્રય દિન નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વડગામ તાલુકાના મેમદપુર ગામની પ્રાથમિકશાળામાં વડગામ મામલતદાર શ્રી આર.સી.લિમ્બાચીયાના વરદહસ્તે યોજાયો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

 

શૈક્ષણિક ઉપલબ્ધી.

વડગામ તાલુકાના પાંચડા ગામના વતની જોષી સુરજકુમાર મહેન્દ્રભાઈએ ચાલુ વર્ષે લેવાયેલ સી.એ. (C.A.)
ચાર્ટડએકાઉન્ટની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી તરફ ડગ માંડતા પાંચડા ગામ તેમના સમાજ અને વડગામ તાલુકાનું ગૌરવ વધારેલ છે તે બદલ સુરેશભાઈને અભિનંદન. અત્રે ઉલ્લેખનિય છે કે ભારતભરમાં ૪૨૫૩૩ વિધ્યાર્થીઓએ સી.એ. ની પરીક્ષા આપી હતી જે પૈકી માત્ર ૩૧૦૦ વિધ્યાર્થીઓ જ ઉર્તિણ થયા છે.

 

પ્રેરણાદાયી પહેલ.

સ્વાતંત્રય પર્વ-૨૦૧૪ નિમિત્તે વડગામ તાલુકાના નાવિસણા ગામના યુવાનોએ અનોખી પહેલ કરતા રક્તદાન કાર્યક્રમ થકી ૧૦૮ બોટલનું રક્તદાન કરી શહિદોને શ્રધાંજલી અર્પી હતી. આ ઉદાહરણરૂપ આયોજનમાં સહભાગી થનાર સમગ્ર નાવિસણા ગ્રામજનોને અભિનંદન.

 

મેધરાજાની ગેરહાજરી વચ્ચે ગરમીનો પ્રકોપ.

પાછલા સપ્તાહમાં વરસાદની ૧૦૦% ગેરહાજરી વચ્ચે ભાદરવી ગરમીનો પ્રભાવ સમગ્ર પંથકમાં જોવા મળી રહ્યો હતો. ઑગષ્ટની શરૂઆતમાં ખરાબ નક્ષત્રમાં પડેલા વરસાદે ગુવારના પાકને મોટાપાયે નુકશાન કર્યુ હતું જેને લઈને ઘણા ખેડૂતોએ ફેર વાવણી કરી હતી. વરસાદ ખેંચાતા બિનપિયત વાવેતર અને ઘાસચારા માટે મોટુ સંકટ ઊભુ થયુ છે જેને લઈને ખેડૂત આલમ ચિંતિત જણાઈ રહી છે. પંથકમાં વરસાદની તાતી જરૂરિયાત વચ્ચે હજુ તો ૧૦ થી ૧૫ દિવસ વરસાદ ખેંચાય તો ચોમાસુ ખેતિ સંપૂર્ણ નિષ્ફળ જઈ શકે છે. કુદરત ઉપર આધારિત પ્રજાજનો આવનાર સપ્તાહમાં વરસાદની આશા સાથે કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

 

****

“ઉદર સમાતા અન્ન લે, તનહિ સમાયા ચીર,અધિકહિ સંગ્રહ ના કરૈ, તિસકા નામ ફકીર. દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, સુભાવ,યે તે લક્ષણ સાધુકે, કહે કબીર સદ્દભાવ.” – કબીર