વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ

વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ : ભાગ – ૧

  • પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ :

 

Kunda Vitaran-2015
તાજેતરમાં એક પ્રેરણાત્મક અભિયાનની શરૂઆત વડગામ પંથકમાં જોવા મળી. કાર્ય નાનું પણ અંધકારમાં નાનકડો ઉજાસ પાથરનારું બન્યું. સ્વાર્થમાં અંધ આજનો માનવી પોતે અને પોતાનું કુટુંબ સુધી સિમિત બની ગયો છે ત્યારે આ પ્રુથ્વી ઉપર વિચરતા અબોલ પશુ-પક્ષીઓનું કોણ ? આપણને ક્યારેય ખ્યાલ આવ્યો છે કે આજના યુગમાં નદી-નાળા,તળાવ સુકાઈ ગયા છે, નીંકોના પાણી બંધ થઈ ગયા છે (ડ્રિપ ઇરિગેશન), હવાડા તુટી ગયા છે, કુંડીઓ નામ માત્રની રહી છે ત્યારે આ અબોલ પશુ-પક્ષીઓ પાણી ક્યાં પીતા હશે ? ખોરાક ક્યાંથી મેળવતા હશે ? મને લાગે છે હજારો ની સંખ્યામાં અબોલ પશુ-પક્ષીઓ પાણી અને ખોરાકના અભાવે ગુપચુપ આ સ્વાર્થી માનવજાત પ્રત્યે અફસોસ વ્યક્ત કરતા અકાળે મોતને ભેટતા હશે. આપણને કયારેય ખ્યાલ આવ્યો છે ?. મનુષ્યને કુદરતે વાચા આપી છે ,બુધ્ધિ આપી છે, મહેનત કરવા શક્તિ આપી છે તો એ તો પોતાનું યેનકેન પ્રકારે ભરણ-પોષણ કરી શકે છે પણ આ પશુ-પક્ષીઓનું કોણ ? અચરજ ત્યારે થાય છે કે લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બંગલાઓમાં પશુ-પક્ષીઓ માટે ૨૫ કે ૫૦ રૂપિયામાં મળતું એક પાણીનું નાનકડું કુંડુ જોવા નથી મળતુ ત્યારે ! અચરજ ત્યારે થાય છે કે તમાકુ પાછળ દૈનિક ૨૫ કે ૫૦ રૂપિયા ખર્ચી નાખનાર આજનો માનવી વર્ષે ૨૫ કે પ૦ રૂપિયામાં મળતુ એક પાણીનું કુંડુ પોતાના આંગણામાં કે અગાશીમાં લગાવી નથી શક્તો ત્યારે !

આવા સંજોગોમાં સલામ છે એવા જીવદયા પ્રેમીઓને કે જેઓ પ્રસંગોપાત જીવદયાની નાની પણ ઉમદા સેવાકીય પ્રવૃતિઓ થકી જન જાગ્રુત્તિ થકી અન્યને પ્રેરણા આપવાની સાથે સાથે લાખો પશુ-પક્ષીઓને મોતના મુખ માથી ઉગારી લેવા નિમિત બને છે.

હમણા વડગામ પંથકમાં આ જ વાતને લઈને એક સુંદર ઘટના જોવા મળી. વડગામના મુળ વતની અને મુંબઈ સ્થિત જૈન શ્રેષ્ઠી ની ભાવના થઈ કે આપણે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરીએ તેમના માટે વાત નાની હતી પણ આવનાર આકરા ઉનાળા સામે શક્ય એટલા પક્ષીઓને બચાવી લેવાની તેમા ઉમદા ભાવના હતી એટલુ જ નહી તેમની ઇચ્છા એવી કે જેટલા પણ કુંડાનું વિતરણ કરવાનું થાય તે સ્થાનિક કુંભાર કે માટીના કુંડાનું વિતરણ કરનાર વેપારી પાસેથી ખરીદીયે જેથી એક પંથ દો કાજ થાય. સ્થાનિક કુંભાર કે વેપારીને સારો ધંધો મળે તો તેની આવક વધે સાથે સાથે જીવદયાનું કામ પણ થાય. વડગામ ગામના યુવાનોએ જૈન શ્રેષ્ઠીની વાતને વધાવી લઈ કુંડા વિતરણની શરૂઆત કરી જોત જોતામાં ગામના દરેક વિસ્તાર સુધી પાણીના કુંડા લાગી ગયા એટલું જ નહી આસપાસના ગામો સુધી પણ આ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. સુંદર કાર્યમાં ગામના યુવાનો અને આસપાસના લોકોનો સહકાર મળ્યો અને એક સહકારની ભાવનાથી પ્રેરણાત્મક કાર્યની શરૂઆત થઈ. અર્થ અને શ્રમનો સુભગ સમન્વય જોવા મળ્યો. કોઈ નાનુ-મોટુ અર્થ દાન આપે કોઈ નાનુ-મોટુ શ્રમ દાન આપે , કોઇ નાનુ-મોટુ સમય દાન આપે અને સૌ કોઈ બિન-જરૂરી ખર્ચાઓને તિલાજંલી આપી આવા નેક કાર્યો માટે સહકારની ભાવનાથી પોત-પોતાની શક્તિ લગાવે તો કેટલા ઉમદા અને ગજબ કાર્યો થઈ શકે તેની કલ્પના થઈ શકે તેમ નથી.

 

  • ચકલીઓ માટે માટીના ચકલીમાળાનું વિતરણ :

 

Chakli-ghar-2015
વડગામના ભોજક સમાજ ના અગ્રણી અને વડોદરા સ્થિત ઉદ્યોગપતિ દ્વારા લુપ્ત થતી જતી ચકલીઓને બચાવી લેવાના ઉમદા આશયથી વડગામમાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક યુવાનોના સહયોગથી માટીના ચકલીઘર લગાવવામાં આવ્યા.

 

  • વડગામમાં આવેલી ગેલેક્ષી સ્કૂલની અનોખી પહેલ :-

 

GalaxiSchool-2015
વડગામ પંથકમાં ખૂબ જ ટૂંકા સમયમાં શિક્ષણ ક્ષેત્રે પરિણામલક્ષી દેખાવ કરીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર ગેલેક્ષી સ્કૂલ દ્વારા તાજેતરમાં યોજાયેલ વાર્ષિક ઉત્સવમાં ઉપસ્થિત અગ્રણીઓને પક્ષીઓ માટે માટીના પાણીના કૂંડા ભેટ આપીને અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. અન્ય સંસ્થાઓ માટે એક પ્રેરણાદાયી અભિગમ પુરો પાડવામાં આવ્યો હતો.

 

  • વ્યસન મુક્તિ અભિયાન :-

 

vyasanmukti Abhiyaan
વડગામ તાલુકો વ્યસનમુક્ત તાલુકો બને અને પ્રજાજનો આર્થિક અને શારિરીક રીતે સ્વસ્થ બને તેવા શુભા આશયથી ફેસ ટુ ફેસ વ્યસનમુક્તી કાર્ડના વિતરણ થકી એક શાંત પણ મકકમ વ્યસનમુક્તિ અભિયાન વડગામ પંથકમાં ધીમે પગલે ડગ માંડી રહ્યું છે ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે ……..!!!!!

 

  • વડગામ ગ્રામ પંચાયતની પ્રશંસનીય કામગીરી :

 

Gram Panchayat-Vadgam
તાજેતરમાં વડગામ ગ્રામ પંચાયતે સ્વચ્છ ગામ અભિયાન અંતરગર્ત એક શુભ શરૂઆત કરી છે. અમુક તમુક જગ્યાએ કચરા પેટી, કચરાગાડી તેમજ કચરા ટોલી મુકવામાં આવી છે. થોડો ગણો કચરો યોગ્ય જગ્યાએ જતા ગંદકીની સમસ્યા થોડી હળવી થશે. કંઈ ના થાય તેના કરતા ગ્રામવિકાસની બાબતમાં કંઈક થઈ રહ્યુ છે તે ગ્રામજનો સ્વચ્છ વડગામના ભાવી માટે આશાસ્પદ ઘટના છે.

www.vadgam.com ગ્રુપના માધ્યમથી વડગામ સરપંચ શ્રી મોંઘજીભાઈ આર. ડેકલિયાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ વિકાસલક્ષી સૂચનો કરવામાં આવ્યા હતા. વડગામ સરપંચ શ્રી એ ખૂબ જ નિખલસતા પૂર્વક ચર્ચા કરતા ગામ વિકાસને લઈને સકારાત્મક સહકાર આપવાની ખાત્રી આપી હતી.

 

  • મફત ચુંબક ચિકિત્સા શિબીર :-

વડગામ ગાયત્રી પરિવાર દ્વારા તા.૨૩.૦૩.૨૦૧૫ થી તા. ૦૬.૦૪.૨૦૧૫ સુધી રણછોડજી મંદિર પરિસરમાં મફત ચુંબક ચિકિત્સા શિબીરનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ શિબીતમાં મુંબઈના નિષ્ણાંત નિસર્ગોચાર ડૉ. અતુલ કોઠારી દ્વારા લકવા, ત્વચારોગ, પાઈલ્સ, સાઈનસ, ડાયાબિટીશ, વજન ઓછુ કરવું, કમરનો દુ:ખાવો, ધુટનનો દુ:ખાવો, કાન-નાકની તકલીફ, સાયટીકા, ગઠીયા, થાયોરાઈડ, સ્પોન્ડીલાઈઝીસ, પેટને લગતા રોગો, દમ, બ્લડપ્રેશર જેવા દરેક રોગોનો ઉપચાર ચુંબક ચિકિત્સા પધ્ધતિથી કરવામાં આવી રહયો હતો. વડગામની જનતાએ બહોળી સંખ્યામાં આ શિબીરનો લાભ લીધો હતો.

–  નિતિન એલ. પટેલ (વડગામ)      (૯૪૨૯૪૦૭૭૩૨)