વ્યક્તિ-વિશેષ

ગુજરાતી ગીત-સંગીત ક્ષેત્રે વડગામ તાલુકાનું ગૌરવ કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવ.

વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં નિર્માતા અને પ્રોડયુસર તરીકે ફરજ બજાવતા કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવને હમણાં મગરવાડા અને પાલનપુર મુકામે મળવાનું થયું.તેમની મુલાકાત દરમિયાન તેમની ગુજરાતી સંગીતક્ષેત્રે પ્રદાન અને આપણી લોકસંસ્કૃતિ ના પ્રસાર નું જે કાર્ય તેઓ શ્રી કરી રહ્યા છે તે વિશે જાણી આ લો-પ્રોફાઈલ પ્રતિભાને મળી આપણા આ લોક કલાકાર વિશે વિશેષ ગૌરવની લાગણી અનુભવી કે વડગામ તાલુકાની આ પ્રતિભાએ ગુજરાતી સંગીતક્ષેત્રે કેટલુ મોટુ યોગદાન આપ્યું છે.

શરૂઆતના ૧૬ વર્ષ કોદરામમાં રહી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેઓએ હાઈસ્કૂલનું શિક્ષણ પાલનપુરની સરકારી હાઈસ્કૂલમાં મેળવ્યું ત્યારબાદ તેઓએ એમ.એસ.યુનિવર્સિટી વડોદરામાં બી.પી.એ.(બેચલર ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ) માં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને અમદાવાદ દૂરદર્શન કેન્દ્રમાં નિર્માતા અને પ્રોડયુસર તરીકે જોડાયા. આ દરમિયાન તેમણે અનેક ગુજરાતી ફિલ્મો ના લોકપ્રિય શીર્ષક ગીતો લખ્યા જેવા કે સાજણ તારા સંભારણાં ફિલ્મનું શીર્ષક ગીત જેનું સંગીત મહેશ-નરેશે આપ્યું છે. ગીતના ગાયક છે પ્રફુલ દવે અને અલકા યાજ્ઞિક . મેરૂ માલણનું ગીત જે બહુ પ્રસિધ્ધ થયું ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય…. જોડે રહેજો રાજ ફિલ્મનું એ જ શીર્ષક ગીત. ઊંચી  મેડીના ઊંચાં  મોલ ફિલ્મનું ગોરી તારી ઉંચી રે મેડીના ઉંચા મોલ ફિલ્મ રંગાઈ જાને રંગમાનું ગીત ફાગણના રંગમાં સાજણના સંગમાં, ફિલ્મ પરદેશી મણિયારોનું પરદેશીયા ઓ પરદેશીયા મને મેલી મત જાજો પરદેશ તથા નાનો દિયરીયો લાડકોનું ગીત ગણાવી શકાય.આમ અનેક ગુજરાતી ફિલ્મોના તેમણે લોકપ્રિય શીર્ષક ગીતો લખ્યા છે. ફિલ્મ રંગાઈ જાને રંગમા ના ગીત જે વિનોદ રાઠોડ અને સાધના સરગમના કંઠે ગવાયું છે તેને માટે તેમનું મુંબઈ મુકામે ટ્રાન્સ મીડિયાના શ્રેષ્ઠ ગીતકારના એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ફિલ્મ ગીતોની વાત કરીએ તો તેમના ગીતો અલકા યાજ્ઞિક , અનુરાધા પોંડવાલ, કવિતા ક્રિશ્નામૂર્તિ, સાધના સરગમ, પ્રફુલદવે, વિનોદ રાઠોડ, મનહર ઉધાસ, સુરેશ વાડેકર, અનુપમા દેશપાંડે, મહેશ-નરેશ જેવા નામી કલાકારોના સુંદર કંઠે ગવાયા છે અને વખણાયા છે.

આ ઉપરાંત તેમણે સુગમ સંગીત અને ફોલ્ક સંગીત ક્ષેત્રે પણ સુંદર ગીતો લખ્યા છે,જે હેમંત ચૌહાણ,નરેન્દ્ર પંડ્યા, કરશન સાગઠિયા,દમયંતી બરડાઈ, મીના પટેલ, લલીતા ગોગદરા, ઇન્દીરા શ્રીમાળી, કિર્તીદાન ગઢવી, વત્સલા પાટીલ, સંગીતા લાબડીયા વગેરે નામી ગાયક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે અને ખાસા લોકપ્રિય બન્યા છે.

પ્રશાંત જાદવના ગરબાઓ પણ લોકકંઠે ગવાયા છે કુમકુમનાં પગલા પડ્યાં, માડીના હેત ઢળ્યા, કુમકુમ પગલે માડી પધારો રે એ જ રીતે વણઝારા તુ વહેલો આવજે વગેરે છે. સુગમ સંગીતમાં આખે આખો માણસ પળમાં હતો ન હતો થઈ જાય એ કંઈ નાની ઘટના નથી ને ગણના એની એ જ પળથી પૂર્વજમાં થઈ જાય એ કાંઈ નાની ઘટના નથી… મોરલાએ ઢેલને કીધું અને અકળ આ મૌનનો દરિયો જેવી રચના, શિવસ્તુતિ હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપ તુ… વગેરે છે. તેમનો કાવ્ય સંગ્રહ લો સાજણ નવભારત સાહિત્ય મંદિર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે,જે અચૂક વાંચવા જેવો છે.

સનેડા ફેઇમ મણિલાલ નાયક જેવા કલાકારને પોતાને ત્યાં ૧૮ મહિના સુધી તાલીમ આપી મણિરાજ બારોટ તરીકે ગુજરાતને ચરણે ધરનાર કવિશ્રી પ્રશાંત જાદવે બનાસકાંઠાની લોકબોલીમાં ભજનો, ગીતોની રચના પણ કરી છે. તેમણે આ જિલ્લાના ઘણા કલાકારોને દૂરદર્શન ઉપર રજૂ કર્યા છે. તેમની ૫૦ જેટલી કેસેટો પ્રસિધ્ધ થઈ છે.

પાલનપુર સર્કીટ હાઉસ ખાતે તેમની મુલાકાત દરમિયાન પ્રશાંતભાઈએ મને તેમના દ્વારા લિખિત સુંદર પુસ્તક લ્યો સાજણ !…ભેટ આપ્યું જેમાં સુંદર કવિતાઓનો સંગ્રહ છે જેમા પોતાના મલકની બોલી, ભાષા અને પ્રતીકો જોવા મળે છે,આ ઉપરાંત પોતાનો આછેરો ઇતિહાસ પણ આલેખ્યો છે,જે તેમના ઉપરોક્ત પુસ્તકમાંથી શબ્દસહ તેમના મુખે નીચે મુજબ છે.

આપણા ઉત્તર સીમાડાના બનાસકાંઠાના વડગામ તાલુકાનું ગામ કોદરામ, ત્યાં મારો જન્મ થયો. મનોરંજન કરાવનારી ઉત્તમ લોકજાતિઓ પૈકી જેનું ધાવણું છોકરું રૂએ તોપણ સૂરમાં રૂએ એવી તુરી જાતિના કવિ કેદાર મારા પિતાજી અને સંતોક મારી મા.

ધૂળિયું ગામ. તેમના બાપ-દાદાની નાટકની કંપની હતી. આજે અહીં તો કાલનું નક્કી નહી, એવો રળપાટ અમારી જાતિને લલાટે લખાયેલો. ગાવું, બજાવવું, નાચવું, રમવું એ તો અમારામાં લોહીની જેમ ભળી ગયેલાં.

અમારા ગામ કોદરામમાં અન્ય ગામની જેમ વારે-તહેવારે કોઈક ને કોઈકને ત્યાં ભજન રાખ્યાં હોય અથવા તો પાટ માંડ્યો હોય. મારા બાપા અને કાકાઓ આંગણામાં હોકો ગડગડાવતા હોય અને માણસ આવીને કહે કેદારભા, આપને અમારે ત્યાં ભજનનું વાયક છે. વાયક એટલે આમંત્રણ ઇજન. હું નાનો નાનો બધું સાંભળુ, ત્યારે જાઉં ગળતી રાત હોય, નેવાં ચુવાતાં હોય અને હાથમાં એકતારો લઈ અને ભજનની ચોહર (ચાર ભજન એક સાથે) મંડાય. નરઘાંની થાપ, કાંસી જોડ, એકતારાની ગૂંજ અને ભજનિકનો સૂર એકાકાર થઈ ગેબી વાતાવરણ ઊંભું  કરી દે. અમારે ત્યાંની લોકસંસ્કૃતિ માં મારવાડ રાજસ્થાનની ખાસ્સી અસર.

ગામના ચોરે લોકનાટકો ભજવાય, સારા સારા કલાકારો આવે. મારા બાપાને ખાસ મળવા માટે પણ આવે. રાતે ગાસબત્તી (પેટ્રોમેક્ષ)ના અજવાળે નાટક શરૂ થાય. ખૂબ જ મજા આવી જતી.

મારી મા સંતોક સાંજે રાંધતી વખતે ચૂલામાં કરગઠિયાં (સૂકા લાકડાંની ડાળીઓ અને કટકા) નાખતી જાય અને ગાતી જાય, તારી એક એક પળ જાયે લાખની, તું તો માળા રે જપી લે મારા રામની કે પછી  દશરથને સામે દેખાણા રે..અંધો અંધી બે તપસી આ બધું હું સાંભળતો જાઉં અને તપેલા કે તગારા પર કાચની બાટલીમાં ઘાસતેલ (કેરોસીન) ભર્યુ હોય અને એની વાટના અજવાળે નિશાળમાંથી આપેલું લેશન કરું સ્લેટમાં. રાતે મારી મા અથવા બાપા વાત અચૂક માંડે : ભલાજી-ભૂંડાજીની વાત હોય. ભલો ભલાઈ ના છોડે, ભૂંડો ભૂંડાઈ ના છોડે, કે પછી કલી અપસરાની વાત હોય- દૂધ પાઈ ઉછેરીયો (તમે), ચાવો રાખ્યોતો ચોર કલી અપસરાને ડંશીયો, હું મરતાં ભાંખું મોર આવા દુહા પણ એમાં હોય. વહેલી સવારે મારા બાપા દૈનિક કામ પરવાર્યા પછી ગાતા હોય-

તમે દિયો વેદ ભેદ હરિ, ગિરધર ગુણ ગાવા,

રામ નામ પ્રથીનાથ, અયોધ્યામાં આયા

મલક આનંદ ભયો, ભયા સંત પ્રેમ ચાખો

મેરી રામ ખબર રાખો, મેરી રામ ખબર રાખો.

મેરી રામ ખબર બે વાર બોલાય. બીજી વાર બોલાય ત્યારે નહીં બોલાયેલો શબ્દ રાખો હું બોલું. એમ ટેક પૂરી થયા કરે.

રામ ખબર રાખો

મેરી રામ ખબર રાખો.

ચૌદ વર્ષની ઉંમર સુધી મેં રોડ જોયેલો નહીં. પાલનપુરથી એક મોટર સાંજે મારા ગામમાં વડલા નીચે આવે અને સવારે ઊપડે. આઠમાં ધોરણમાં પાલનપુર ભણવા જવું પડે.

પછી ભણ્યો-પાલનપુર, પાટણ, વડોદરામાં પણ મારું ગામ, મારી માટી,એ ભૂતકાળ હજુ સુધી મારામાં એવાં ને એવાં જીવતાં છે. મારા મોટાભાઈ ઇશ્વરભાઈ મને વડોદરા લઈ ગયા. એ પહેલા અઢાર વર્ષે ધર્મિષ્ઠા સાથે મારા લગ્ન થઈ ગયાં. ફેરા ફરતી વખતે ધમુને પહેલીવાર જોઈ. મા-બાપ પછી મારા અંગત જીવનમાં જો કોઈનું સૌથી મોટુ ઋણ કે પ્રભાવ હોય તો મારા ઇશ્વરભાઈનો કે જે હાલ વડોદરાની મ.સ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં ડીન તરીકે સેવાઓ આપી રહ્યા છે.  

વડોદરા ગયા પછી જીવન બદલાઈ ગયું. ફિલ્મોમાં ગીતો લખ્યાં, ગરબા લખ્યાં પણ કવિતા તો આવી. અમારો સુક્કો પ્રદેશ-રણની ઘેરી અસર એટલે ત્યાંના અભાવો, ખાલીપા, ઝુરાપા અને વાતાવરણની મારાં અંગત જીવનમાં ખાસ્સી અસર રહી એટલે જ્યારે જ્યારે કવિતા આવી ત્યારે મેં ઉતારી જ છે. એમાં મારા મલકની બોલી, ભાષા અને પ્રતીકો જોવા મળે તો મને સંતોષ થાય.અહીં સુધી પહોંચવામાં અનેક લોકોનો ખૂબ ખૂબ મોટો ફાળો છે. પ્રશાંત કેદાર જાદવ

પુસ્તકમાની અમુક કવિતાઓ જે પ્રશાંત કેદાર જાદવે લખી છે તેમાની અમુક કડીઓ જોઈએ તો…

 

ભેંત ની તેડ તો ગારાથી હોધીયે,મોઈલી ને ચ્યમ કરી હોંધવી ?

ઉંઘનારું લોંબુ ન પસેડી ટૂંકી ઓમ ટૂંટીયે તે રાત ચ્યમ કાઢવી ?

 

આખે આખો માણસ પળમાં હતો ન હતો થઈ જાય એ કંઈ નાની ઘટના નથી ને ગણના એની એ જ પળથી પૂર્વજમાં થઈ જાય એ કાંઈ નાની ઘટના નથી…

 

મોરલાએ ઢેલને કીંધુ કે હાલોને જાતે જ દેશવટો લઈએ

વાદળાં ને સુક્કા થડિંયા કંઈ કે’ એ પ્હેલાં  પરદેશ ઊડી જઈએ.

 

ઘૂમટો તોંણેલો રે’વા દ્યો  બાઈ નર્યુ જગ જોયું નૈ જાય

આજ હુધી હોંભળતી આઈ સું એ. હાચું હાચ નહીં રે જીરવાય.

 

ચાલો સાજણ સુખ નામના દેશમાં ફરવા જઈએ

સુખ ન હોય તો સુખ જેવું કંઈ જોઈ નેણાં ભરીએ

 

તું પોપચાં બીડે એ અમાસ કે’વાય, ને ખોલે એ મારે મન પૂનમ

અમે માંડી છે ચોપાટ જીવતા મસાણમાં, રમાય ત્યાં સુધી તું રમ !

 

હું કોણ છું ! કોનો છું ! એ તમે જ કહોને સાજણ !

આછેરી સમજણની કોઈ લૂંટી ગયું છે થાપણ…

 

એક જોડ લૂઘડું ક્યાં લગી રહે, એ ધીરે ધીરે જળી જતું જાય છે

થીગડું મારવા વણનારો શોધું, પણ એમ ત્યાં થોડું પ્હોંચાય છે !

 

આગિયાના તેજ લિસોટા જેટલું જીવન જીવી લીધું રે,

ઝબકારામાં સાતે ભવનું સુખ સામટું કોણે દીધું રે.

 

કાચી રે માટીના મ્હોલે પધારો, હે પૂરણ પરમેશર

અજવાળા થોડાંક વાવો, હે પૂરણ પરકાશી આવો.

 

બીજ કોણે ઓર્યું કહોને, છોડ ક્યારે ઊગ્યો કહોને,વૃક્ષ ક્યારે ફાલ્યું કહોને, પીળું ક્યારે થયું કહોને,

ઝરણું ક્યાંથી ફૂટ્યું કહોને, આંસુ શેમાંથી કહોને,નદી કાં દરિયે જઈ કહોને, દરિયો વાદળ થયો કહોને.

 

ઉની ઉની લૂ બાળે ને સોસ પડે ને જીવ માતર રે ભરમંડ આખું ચક્કર ચક્કર ચક્કર ચક્કર ફરતું લાગે એવે ટાણે રણ ખોદીને વીરડો ગાળ્યે,આપણો જો ભોગ દેતાં જળ ફૂટે તો મર્યુ લેખે લાગે.

 

છાતી સુક્કી ધાવણ સુક્કાં રૂધિર સુક્કાં નીર સુક્કાં

તો અન્નનો દાણો કોઠા સુધી ક્યાંથી આવી જશે !

કોરી આંખો, કોરા હોઠ, કોરી જીભ, કોરી આશ

એ મા-છોરુની વિફળ વાચા કેમ કરી વંચાશે ?

ભાઠા જેવી ઠાલી ભૂમિ, આપણી માટીનું જો

ખાતર થાતાં ધાન ઊગે, તો મર્યુય લેખે લાગે.

 

અંગ ઉઘાડાં લાજ ઉઘાડી ઓશિયાળાં નેણ ઉઘાડાં

મન ઢંકાશે તન થકી, પણ તન શું ઓઢે પહેરે ?

જગની નજરો લુખ્ખી નજરો, ભીની કો એકાદ નજર

એ મા-બેન કે દીકરીને ટોળાં આખાં ઘેરે

તો એ દુનિયાને જવાબ દેવા આપણાં બે ખાંપણ

જો એ બે જણને ઢાંકે તો મર્યુય લેખે લાગે.

 

શેણ ! કુન જઈ કિયે કીધા જેવા વેણ,ચ્યમ પાસાં ઠેલ્યાંસ અમારા એ કે’ણ

હંદેહા ના આયા, જાંખા થ્યાં નેણ, આ તો ભર રે ચોમાહે હુકાંણાં સ વ્હેણ..

 

વણજારા તું વ્હેલો આવજે, તારા વના મું  ઝૂરી મરું

નૈ આવે તો જાહે પ્રાંણ રે, તારા વના મું હુ રે કરું….

 

ચલમ તો ફૂંકી શકીશ સાજણ જીવતર કેમ કરી ફૂંકું ?

કરતબ કે કીમિયો બતાવો તો, જે કહો એ હોડમાં મૂકું

 

હે ધૂળના ઢેફા તને શેનો અભેમાન સ

શેનો અભેમાન તને શેનો રે ગુમાન સ….

 

આવી તો અનેક રસપ્રદ અને સમજવાલાયક કવિતાઓ, ફિલ્મી ગીતો, ગરબા અને સ્તુતિઓની રચના કવિ શ્રી પ્રશાંત જાદવ ની કલમે લખાયી છે અને લોકપ્રિય બની છે,તો આવા પ્રસિધ્ધ અને લોકપ્રિય કલાકાર જ્યારે વડગામ તાલુકાના હોય ત્યારે તો વિશેષ ગૌરવની લાગણી થાય છે. સમગ્ર વડગામ તાલુકો આપને વડગામ વેબસાઈટના માધ્યમ થી અભિનંદન પાઠવે છે અને આપ આથી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને વડગામ તાલુકાનું નામ ગીત-સંગીત ક્ષેત્રે રોશન કરતા રહો તેવી વડગામ તાલુકાના લોકો વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

નિતિન પટેલ – વડગામ.