ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર, વ્યક્તિ-વિશેષ

સહકારના શિલ્પી ગલબાકાકા.

વેરાન ભૂમિની મધુર વીરડી એવી બનાસ ડેરીના આદ્યસ્થાપક અને પ્રમુખ શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ સાદગી અને સહકારના દ્રષ્ટાંતરૂપ ચિહ્ન સમાન છે. નૈતિક મૂલ્યોને શિરમોર રાખી નિ:સ્વાર્થ ખેડૂતોની સેવા કરનાર ભેખધારી ગલબાભાઈનો જોટો મળવો મુશ્કેલ છે.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાનકડા નળાસર ગામે મધ્યમ વર્ગના ખેડૂત કુટુંબમાં ૧૫ મી ફેબ્રુઆરી ૧૯૧૮ના રોજ અવતાર ધરી, દુર્ભાગ્યવશ બચપણથી જ પિતાનું શિરછત્ર ગુમાવ્યું અને હજુ માંડ કળ વળે ત્યાં તેમના માતૃશ્રીનું અવસાન થવાથી કુમળીવયે સમગ્ર કુટુંબની કપરી જવાબદારી તેમના શિરે આવી પડી, પરંતુ દ્ર્ઢ મનોબળવાળા બાળ ગલબાભાઈ હિંમત હાર્યા વિના સતત સંઘર્ષ કરતાં રહ્યાં. માતાના મોસાળ વાસણા ગામમાં માસીને ત્યાં ભણવા ગયા અને આ ઓલિયા-ફકિરે વાસણામાં શાહુકારને ત્યાં વગર પગારની નોકરી સ્વીકારી !

શરૂઆતથી જ ઉદ્યમી એવા ગલબાભાઈએ બટાકાની ખેતીમાં પણ હાથ અજમાવી જોયો. પરંતુ સતત પ્રયત્નશીલ અને પ્રવૃતિશીલ ગલબાભાઈ જીવનમાં પરિવર્તનને  વધુ પ્રાધ્યાન આપતાં હતાં અને તેથી જ  મુંબઈ તરફ પ્રયાણ કરી દૂધનો વેપાર શરૂ કર્યો. પરોપકાર જેના રૂધિરમાં વહેતો એવા પરદુ:ખ ભંજક ગલબાભાઈએ મુંબઈમાં ‘જીવદયા’ મંડળીના એજન્ટ તરીકે લોકસેવાની કામગીરી સ્વીકારી. સાચા અર્થમાં ખેડૂતોના બેલી કહી શકાય તેવા ગલબાભાઈએ ભુતપૂર્વ પાલનપુર રાજ્ય દ્વારા જીરા અને રોકડીયા પાક પર નાખેલા વેરા સામે આંદોલન છેડી, ચળવળમાં આગેવાની લીધી અને તેમાં તેમને અપ્રતિમ સફળતા સાંપડી. સ્વતંત્રતાના ઇતિહાસમાં પણ ગલબાભાઈએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશી પોતાનું બહુમૂલું યોગદાન આપ્યું.

છાપી ખાતે તેઓએ પ્રથમ ઐતિહાસિક સહકારી મંડળીની સ્થાપના કરી તેના પ્રમુખ બન્યા જે જિલ્લા માટે એક યશકલગી સમાન બની છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના સેદ્રાસણ મુકામે મળેલ અધિવેશનમાં જિલ્લા ખેડૂત મંડળના સ્થાપના કરી અને તેના પ્રથમ પ્રમુખ બનવાનું માન તેમને ફાળે ગયું. ઉત્તરોત્તર પ્રગતિના એક પછી એક સોપાન સર કરતાં ગલબાભાઈ  મુંબઈ રાજ્યની વિધાનસભામાં સર્વાનુમતે ચૂંટાયા. રાજકારણમાં સક્રિય હોવા છતાં આધ્યત્મભાવમાં રત અને ધર્મપરાયણ એવા ગલબાભાઈના જીવનનું આ એક અનેરું પાસું હતું. તેઓશ્રીના નેતૃત્વ હેઠળ ૪૦૦ ઉપરાંત ખેડૂતોની પહેલી ખાસ ટ્રેઇન ભારત યાત્રાએ ગઈ. તેમની પ્રેરણાથી નૂતન ગુજરાતની સ્થાપના પ્રસંગે ડીસા મુકામે જિલ્લા ખેડૂત મંડળનું અધિવેશન મળ્યું હતું.

ગલબાભાઈનું જીવન હંમેશ પ્રવ્રુતિમય રહ્યું હતું. પાલનપુર ખાતે પૂ. મૂનિશ્રી સંતબાલજી અને પૂ.રવિશંકર મહારાજના  સાંનિધ્યમાં રાજ્યના તત્કાલીન મહેસુલ મંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભવ્ય ઐતિહાસિક ખેડૂત અધિવેશનમાં હિમંતપૂર્વક પક્ષોને પંચાયતી રાજ્યની ચૂંટણીથી પર રહેવા હાકલ કરી હતી.

જ્યારે તેઓશ્રી વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા ત્યારે તેમની યશકલગીમાં એક વિશેષ પીંછાનો  ઉમેરો થયો. દિવસ કે રાત, તડકો કે છાંયડો જોયા વગર તેઓના અવિરત અને અથાક પ્રયાસોથી બનાસ ડેરીની સ્થાપના પૂર્વે દૂધ મંડળીઓ દ્વારા દૂધના એકત્રિકરણની સુંદર વ્યવસ્થા ગોઠવણી અને ઉત્તરોત્તર બનાસ ડેરીની સ્થાપના કરી તેમના આદ્યસ્થાપક પ્રમુખનું ગૌરવવંતું સ્થાન તેઓએ પ્રાપ્ત કર્યું. આ અરસામાં તેઓની બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થઈ અને તેમની ઉદાહરણીય કાર્યપરાયણતા અને લગની ના ફળ સ્વરૂપે, ઉત્તમ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકેનું બિરુદ મળ્યું. તે વખતના ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન શ્રી ચિમનભાઈ પટેલના વરદ્દહસ્તે સુવર્ણપદક પ્રાપ્ત કર્યો.

બનાસકાંઠાના ખેડૂતોની જીવાદોરી વાસ્ત્વમાં ફૂલીફાલેલી અને પૂર્ણ વિકાસના આરે પહોંચેલી બનાસડેરી ગણી શકાય. જેની સ્થાપના માટે તેઓએ ભેખ લીધો હતો અને ગામડે ગામડે પ્રયાસો યોજી કઠીન અને કપરા સંજોગોમાં દૂધ મંડળીઓ શરૂ કરાવવા માટે મહાભિનિષ્ક્રમણ કર્યુ હતું અને અંતે ૧૯૬૯માં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (લી.)ની  નોંધણીની કાર્યવાહી શરૂ કરાવી પોતાનું સ્વપ્ન સાકાર કર્યુ હતું. આ સહકારી સાહસને નિષ્ટાપૂર્વક ઉભું કરી તેને પૂર્ણ કક્ષાએ કાર્યાન્વિત કરવાના સ્વપ્નદ્રષ્ટા અને દધિચિરૂપી મહામાનવ ગલબાભાઈનું ૩જી જાન્યુઆરી ૧૯૭૩ના રોજ આકસ્મિક રીતે દુ:ખદ અવસાન થયું.

આવા કર્મયોગી તરીકે પ્રસ્થાપિત થયેલ ગલબાભાઈ આજે જ્યારે આપણી વચ્ચે સદેહે હયાત નથી. પરંતુ તેમણે આપેલી પ્રેરણા આપણા સૌના સ્મૃતિ  પટ ઉપર જીવંત સ્વરૂપે કંડારાયેલ છે. ગલબાભાઈના દેહાવસાન બાદ બનાસ ડેરી અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના સહયોગથી પાલનપુર ખાતે તેમની સ્મૃતિને જીવંત રાખતું ‘ગલબાભાઈ ડેરી સહકારી તાલિમ કેન્દ્ર’ બનાસડેરી સંકુલ ખાતે ૧૯૮૪ થી કાર્યાન્વિત થયું જ્યાં ઉત્તર ગુજરાતની વિવિધ સહકારી સંસ્થાઓના તાબાની મંડળીઓમાંથી કર્મચારીઓ, ખેડૂતપુત્રો, વિવિધ પ્રકારની સહકારી મંડળીના સંચાલનથી માંડી પશુ ઉછેર અને સંવર્ધન અંગેની સઘન તાલિમ પામે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગલબાકાકા અને આ અખબારના તંત્રી એમ.કે.સૈયદના સ્વાતંત્ર્ય સેનાની પિતા શ્રી ખૂબમિંયા ‘આઝાદ’ બનેં પરમ મિત્રો હતાં. બનેં એ મળીને આ જિલ્લાના વિકાસમાં અનેરું યોગદાન આપ્યું છે. એ રીતે ગલબાકાકા આ અખબારના પરિવારના જ ગણાય. ગલબાકાકાના સ્વપ્ન અનુસાર બનાસકાંઠા જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવી ધી મેસેજ પરિવારની શુભકામનાઓ સાથે આજની સલામ.

 

– આભારસહ મેસેજ દૈનિક માંથી….

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.