વ્યક્તિ-વિશેષ

પ્રસિધ્ધ ચિત્રકલાકાર સ્વ. અમૃતલાલ વેણીચંદ વાણ

Amrut Vaan

વડગામ તાલુકાના પિલુચા ગામના મૂળ વતની અને એક શ્રેષ્ઠ ચિત્ર કલાકાર તરીકે વિખ્યાત સ્વ. અમૃતલાલ વેણીચંદ વાણે વડગામ તાલુકાનું નામ પોતાની ચિત્રકલાકારની પ્રતિભા થકી દુનિયાભરમાં રોશન કર્યુ છે. પ્રાથમિક શિક્ષણ માદરે વતન પિલુચામાં મેળવ્યું અને ત્યારબાદ વધુ અભ્યાસ અર્થે પાલનપુર આવ્યા. તેમને તેમના વતનમાં આવેલી નદી અને ત્યાનું સુંદર મનોરમ્ય વાતાવરણ પ્રત્યે મનમાં ખૂબ લગાવ હતો. આ કુદરત તરફ નો લગાવ તેમની કલાકાર તરીકેની કલામાં અભિવૃદ્ધિ કરતો રહ્યો અને આમ તેમની કલાને ઓળખવાની શક્તિ વધતી ગઈ.

પાલનપુર હાઈસ્કૂલમાં અભ્યાસની સાથે સાથે કલાની ઉપાસના વધતી ગઈ. અહીંના પ્રેમાળ ગુરૂઓને આ વિદ્યાર્થીમાં કલાકાર તત્વ દેખાયું. તેમના ગુરૂશ્રી તુળજાશંકર શુક્લના આશીર્વાદથી તેઓશ્રીએ કલાનો અભ્યાસ ચાલુ રાખ્યો. પોતાની કલામાં કંઈક વધુ પ્રગતિ કરવાના આશયથી તેમણે પોતાનો અભ્યાસ છોડી મુંબઈ તરફ પ્રયાણ કર્યું. મુંબઈમાં ભારતની ખ્યાતનામ આર્ટ સ્કૂલ જે.જે.સ્કૂલ ઓફ આર્ટમાં કલાના અભ્યાસની શરૂઆત કરી અને 1934 માં પેઇન્ટિંગ ડિપ્લોમા ( જીડી કલા ) ( પ્રથમ વર્ગ ) ની પદવી મેળવી.

Oil Painting

તેમના ચિત્રોમાં વિષય ભારતીય અને રંગપૂરણી પશ્વિમની. તેઓના પેઇન્ટિંગમાં મુખ્ય વિષય તસ્વીર ચિત્રો (portrait) અને દ્રશ્ય ચિત્રો (lands cape) હતા જેમા તેઓશ્રીની માસ્ટરી હતી . તેમની ચિત્રશૈલી એક સમયના મહાન રેમ્બ્રાન્ડ અને ટર્નર જેવાની યાદગીરી રૂપ હતા.  તેમણે પ્રખ્યાત બાકોર પટેલ અને શકરી પટલાણીના કાર્ટૂન સ્કેચ ચિત્રો પણ કર્યા હતાં જે પાછળથી ગુજરાતી બાળ સાહિત્યમાં ખૂબજ પ્રખ્યાત થયા હતા અને બાળકોમાં ખૂબ જ લોકપ્રિય થયા હતાં. સ્વ.શ્રી વાણ ઘણા ચિત્ર કલાકારો માટે એક રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યા હતા.

કલાકાર તરીકેની કારકીર્દીની શરૂઆત પાલનપુરમાંથી કરી હતી. તેમણે અનેક સુંદર તસ્વીર ચિત્રો બનાવ્યા. આ ચિત્રોને કારણે તેઓએ પ્રથમ કક્ષાના પેઈન્ટરોમાં સ્થાન મેળવ્યું હતું. પાલનપુરના નવાબ સાથે તેમને ખૂબ સારો સબંધ હતો આમ તેઓ પાલનપુર સ્ટેટના કલાકાર તરીકે પ્રખ્યાત થયા. આજુબાજુના સ્ટેટના નવાબોના પણ ચિત્રોની સાથે સાથે તેમણે વડોદરા મહારાજા , કાશ્મીર , બિકાનેર , જોધપુર અને રાધનપુર નવાબ જેવા શાહી મહેમાનો પૈકીના કેટલાક મહાનુભાવોના નોંધપાત્ર ચિત્રો તેમણે બનાવ્યા હતાં.

Oil Painting

પેઇન્ટિંગ ઉપરાંત, તેઓ એક શિલ્પી પણ હતા અને સિંહ દંપતી , કવિ નર્મદ અને પાલનપુર ની કિર્તી સ્થંભ તે સહિત કેટલાક માસ્ટરપીસ બનાવી. તેમણે એક શિલ્પી તરીકે શરૂઆત કરી હતી, પરંતુ તે પૂર્ણ થાય તે પહેલાં તેઓ શ્રીએ આ દુનિયામાં છેલ્લા શ્વાસ લઈ લીધા હતા.

છેલ્લે ગર્વ. હાઈસ્કૂલમાં તેમણે થોડો સમય ચિત્ર શિક્ષક તરીકે કામ કર્યું. જીવનના છેલ્લા સમયમાં વિદ્યામંદિરમાં પોતાની સેવાઓ આપી. તેમના દોરેલા કેટલાક ચિત્રો આજે પણ કાનુભાઈ મહેતા હોલમાં જોવા મળે છે.

તેમણે ભણાવેલા વિદ્યાર્થીઓમાં શ્રી પ્રેમરાવલ અને શ્રી રસીકભાઈ સોની કલાક્ષેત્રે સારી નામના પ્રાપ્ત કરી છે.

પૂરક માહિતી :-

વિધી  દિનેશકુમાર ચૌધરી – ગોળા

પાલનપુર ઓનલાઈન.કોમ