Poem-Gazal

અછાંદસ કાવ્યો – દિનેશ જગાણી ‘અલિપ્ત’

[ વડગામ તાલુકાના નાંદોત્રા ગામના મૂળ વતની શ્રી દિનેશભાઈ જગાણી ‘ અલિપ્ત’ ની રચના એવા  અછાંદસ કાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. આચારેય અછાંદસ સુંદર અને અર્થસભર કાવ્યો વડગામ.કોમ ઉપર મુકવા માટે મોકલી આપવા બદલ શ્રી દિનેશભાઈ નો આભાર.આપ તેમના મો.નં. ૯૮૭૯૮૬૦૯૯૬ ઉપર સંપર્ક કરી શકો છો.]

 

(૧)

 

વાતાવરણમાં ઠંડીનો ગુલાબી રંગ ભળવા લાગ્યો છે

હવે હું કીટલી પર ચા પીવા જાઉં ત્યારે ટેબલ સહેજ

તડકા તરફ ખેચી લઉં છું

કયારેક ચાનો પ્યાલો હાથમાં હોય ત્યારે એની હૂંફમાં

તને  અનુભવવા પ્રયત્ન કરું છું પરંતુ, થોડીક  ક્ષણો માં

બધુજ વરાળ બનીને અદ્રશ્ય થઇ જાય છે-

એક રોજ તું અદ્રશ્ય  થઇ  ગઈ’તી એમજ વળી!

બીજા કોઈ આ ધરતી પર આવેલા એક અજ્ઞાત

શહેરમાં તું પણ ચા બનાવતી હશે

શક્ય છે તારો સાડીનો છેડો કમર પર ખોસેલો હોય

તું દુપટ્ટો રાખતી એમજ !

પ્લેટફોર્મ પરથી ચા ની ખુશ્બુ આખા ઘરમાં ફેલાઈ

જતી હશે! એમાં ડૂબીને એક નસીબદાર પૈસાવાળો

પુરુષ તારા તરફ ધ્યાન આપ્યા વિના ચા ની રાહ જોતો હશે!

અરે…,

વિચારોમાં ને વિચારોમાં મારી ચા ઠંડી થઇ ગઈ છે

ને વરાળ, મારી આંખોમાં ફેલાઈ ને પાણી બની ગઈ છે!

 

(૨)

 

વધું એક સાંજ ઢળવાની તૈયારીમાં છે

ધીમે ધીમે અંધારું ઉંચી ઈમારતો અને ઝાડની

ડાળીઓ પરથી સરકીને અવની પર ઉતરી આવશે

વાહનોની અવરજવર વધી ગઈ છે.

કદાચ બધા લોકોને ઘરે જવાની ઉતાવળ છે.

ચા ના બે કપ એકલા પી લીધા બાદ હું પણ

મારા ઘર(?) તરફ જવા વિચારું છું.

ધીમે ધીમે  પગલા ભરતો હું ખિસ્સામાં હાથ

નાખી ને એક પરિચિત રસ્તા તરફ  ચાલી.

નીકળીશ . આગળ જતા ત્રણ રસ્તા આવશે જ્યાં

મારા  કદમ થોડી વાર માટે અટકી જશે.

અહી થી એક રસ્તો તારા ઘર તરફ જાય છે.

આ રસ્તે આવતાં-જતા તને ઘણી વાર જોઈ છે

કદાચ છેલ્લી વાર પણ તને અહીજ જોયેલી

થોડી પળો માટે ઉભા રહી પછી હું મારા

ઘરના રસ્તે ફંટાઈ જઈશ

અલબત,

ત્યાં સુધી સાંજ ઢળી ચુકી હશે ને મારું ઘર પણ

અંધકારમાં ખોવાઈ ચુક્યું હશે!

 

(૩)

 

શહેરમાં હવે એ મોસમ રહી નથી!

ફૂલો ખીલેછે પણ ખુશ્બૂમાં પહેલા જેવી વાત નથી.

પવને પોતાની શીતળતા ગુમાવી દીધીછે .

સુરજને કંટાળો આવેછે ને ચંદ્ર બગાસા ખાધા કરેછે .

આકાશ પણ ગમગીન છે ને પંખીઓ ચુપ!

વરસાદી ઝાપટા પડ્યા કરેછે છતાં કશુંય પલળતું નથી!

સુના થઇ ગયેલા રસ્તાના નિસાસા સંભળાયા કરેછે.

મને ફૂલ,પવન,સુરજ,ચંદ્ર,આકાશ,વરસાદ ને

રસ્તાની દયા આવેછે પરંતુ

એ બધાને હું કેમ કરી સમજાવુંકે,

શહેરમાં હવે એ મોસમ રહી નથી

 

(૪)

 

કાલે સુરજ ફરીથી ઉગશે

મંદિરમાંથી ફરી એજ ઘંટારવ સંભળાશે

છાપાવાળો નિયત સમયે આવી છાપું નાખી જશે

વહેલી સવારે ઊઠીને લોકો ઓફીસ તરફ ચાલી નીકળશે

રસ્તાઓ ફરીથી વાહનોની ચીસાચીસ થી ગુંજી ઉઠશે

પેલો ફૂટપાથ પરનો ભિખારી પણ ત્યાંજ બેઠો  હશે

તૂટેલો બાંકડો કાલે પણ એકલો હશે

ને રસ્તા પર ઉગેલા વૃક્ષો કાલે પણ હવા સાથે

લહેરાતા હશે

કશુજ બદલાશે નહિ , માત્ર પેલા ઉદાસ ઘર સિવાય જ્યાં

તું નહિ હોય,

ને તારા વિના હવેથી મારામાં હું નહિ હોય!

 

( ૫)

 

આટ -આટલા પતંગોની વચ્ચે

આકાશે સાવ

એકલા જોયા કરવાનું?

બે ઘડી સાથ આપ્યાનો આભાસ

ઉત્પન કરી

સઘળું સમેટાઈ જવાનું!

પછી આકાશ શું કરશે?

જોયા કરશે,

ધુમ્મસની પેલે પાર ના દ્રશ્યો!

 

( ૬)

 

એકાદ વરસાદી  ઝાપટું પડી ગયું તો શું?

રણે લીલાછમ હોવાના સપના જોવાના?

હવે વાદળો કોઈ હર્યાભર્યા પ્રદેશ તરફ આગળ વધી ગયા છે ને

હવાની દિશા પણ બદલાઈ ગયી છે.

એકાદ કાફલો પસાર  થઇ ગયો તો શું?

રણે દોસ્તી કરવા માટેના સપના જોવાના?

મુસાફરોએ રણ ના માર્ગ નો ઉપયોગ કરી લીધો છે ને

તેમને મંઝીલ પણ મળી ગઈ છે.

એકાદ આંધી ઉઠી ગઈ તો શું?

રણે આકાશને ચુમવાના સપના જોવાના?

હવા કોઈ લીલાછમ પર્વત સાથે ટકરાઈ ને

શાંત થઇ ગઈ છે ને ધૂળ પણ હવે નીચે બેસી ગઈ છે.

 

-દિનેશ જગાણી ‘અલિપ્ત