વડગામ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ – ૨૦૧૪
વડગામ તાલુકાના મુખ્ય મથક વડગામ મુકામે લક્ષ્મણપુરા પાસે વરવાડીયા રોડ ઉપર કુદરતી અને શાંત વાતાવરણ વચ્ચે આવેલ વડગામ સ્પોર્ટ કલબના મેદાન તરફ તા.૩૦.૦૪.૨૦૧૪ થી ૪૫ દિવસ સુધી વડગામ અને આજુબાજુના ગામોના ક્રિકેટ ચાહકો અને વાહનોનો ધમધમાટ જોવા મળશે,કારણ કે વડગામ સ્પોર્ટ ક્લબના મેદાનમાં ગ્રામિણ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૧૪ નો તા.૩૦.૦૪.૨૦૧૪ની રાત્રીથી ભવ્ય શુભારંભ થઈ ચૂક્યો છે.
વડગામમાં આવેલા અર્બુદાનગરના નવલોહિયા યુવાનો વિપુલકુમાર કે. ચૌધરી, રાકેશકુમાર આર.ચૌધરી. મયુરકુમાર બી.ચૌધરી, ભરતકુમાર કે.ચૌધરી અને તેમના સાથી મિત્રોએ ક્રિકેટના આ ખેલમહાકુંભનું સખત મહેનત કરીને આયોજન કર્યુ છે. વડગામ સ્પોર્ટ કલબના મેદાનને યોગ્ય અને સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. વડગામ અને આજુબાજુની કુલ ૬૫ ક્રિકેટ ટીમો આ નાઈટ ટુર્નામેન્ટ ભાગ લઈ રહી છે અને ૪૫ દિવસ સુધી ચાલનાર આ ટુર્નામેન્ટમાં પ્રત્યેક રાત્રીએ કુલ ૩ મેચો રમાશે.
તા.૩૦.૦૪.૨૦૧૪ના રોજ રાત્રે ૯-૦૦ વાગે ફ્લડ લાઈટોના ઝગમગાટ, આઈપીએલ મ્યુઝિક બેકગ્રાઉન્ડ અને રનીંગ કોમેન્ટરી વચ્ચે વડગામના સીનિયર ખેલાડીઓ વચ્ચે ૮ ઓવરની ફ્રેન્ડલી મેચ દ્વારા ટુર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારે મેદાન પરનો માહોલ કોઈ ઇંટરનેશનલ મેચ ખેલાઈ રહી હોય તેવો આભાસ કરાવી રહ્યો હતો.
આ અગાઉ આ નાઈટ ક્રિકેટ ટુર્નામેંટનું ઉદ્દઘાટન આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર એવા આનંદ પરિવાર ગ્રુપના આનંદભાઈ ચોધરી-પિલુચા કે જેઓ વડગામ ખાતેના હિરો હોન્ડાના સબડિલર છે તેમણે રીબીન કાપીને આ ટુર્નામેન્ટનનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડૉ.દિપકભાઈ જી. ચૌધરી (શગુન હાર્ટ & મેડીકલ હોસ્પિટલ,પાલનપુર) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સરર, મુખ્ય મહેમાન અને ખાસ ઉપસ્થિત વડગામના મહાનુભાવોને આયોજકો દ્વારા ફુલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાલનપુરમાં આવેલા વસ્ત્ર એમ્પોરિયમના શામળભાઈ ચૌધરી દ્વાર આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલ પ્રત્યેક ખેલાડીને રૂ.૫૦/-નું ગીફ્ટ વાઉચર આપવામાં આવશે. આ ઉપરાંત નિયમ મુજબ મેદાન ઉપર બેસ્ટ પરફોર્મ કરનાર ખેલાડીઓને મેન ઑફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ, ટ્રોફી વગેરેથી આયોજકો દ્વારા સન્માનિત કરવામાં આવશે.
૪૫ દિવસ સુધી ચાલનારા આ ગ્રામીણ ક્રિકેટ રમોત્સવમાં ગામડાના અનેક પ્રતિભાશાળી યુવાનોને પોતાની ક્રિકેટ ખેલાડી તરીકેની પ્રતિભા સાબિત કરવાનો અનેરો અવસર સાંપડશે. મેદાન પરનું યુધ્ધ બરાબરનું જામશે કારણ કે હવે તો સતત રમાતી ઇંટરનેશનલ અને આઈપીએલ ક્રિકેટ મેચો થકી ક્રિકેટનો ફિવર ગ્રામીણ ક્ષેત્રો સુધી વ્યાપકપણે ફેલાયેલો છે જેની અસર કદાચ વડગામ સ્પોર્ટકલબના મેદાન ઉપર પણ જોવા મળી શકે. હવે તો ગામડાની ક્રિકેટ ટીમોના ખેલાડીઓ પણ આકર્ષક યુનિફોર્મમાં શિસ્તબધ્ધ રીતે આવી ગ્રામીણ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટોમાં રમવા ઉતરતા હોય છે.
જોવાનું એ રહે છે કે આવનાર સમયમાં વડગામ ક્ષેત્રમાંથી કેટલા યુવાનો રણજી ટ્રોફી, આઈપીએલ કે ઇંટરનેશનલ લેવલે પહોંચી શકે છે ?
– નિતિન પટેલ (વડગામ)