વ્યક્તિ-વિશેષ

વડગામનો આશાસ્પદ યુવા ભજનિક આશિષ મેવાડા.

Ashish
આશિષ મેવાડા

ભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઇપણ પદ કે પદ્યને ભજન કહેવાય છે. ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય. નરસિંહ મહેતા, મીરાં બાઈ, દાસી જીવણ, સંત કબીર, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, નિરાંત મહારાજઅને ગંગાસતિ વગેરેના ભજનો ગુજરાતના લોકોમાં ખુબ જાણીતાં છે.

એવુ કહેવાય છે કે ભજન એ તો ઇશ્વર સાથે થયેલો વાર્તાલાપ છે અને જેને ઇશ્વરના આશિષ છે તેવા લોકો જ આ વાર્તાલાપને સાંભળી શકે છે અને સમજી શકે છે. પ્રાચીન સમયથી આપણા સંતો ભજનવાણી દ્વારા ઇશ્વરને સાથે રાખી સમાજ ઉપયોગી સંદેશો આપતા આવ્યા છે. એક સરસ ભજનની કડી છે….ભક્તિ તો કરવી જેને રાખ થઈ ને રહેવુ ને મેલવા અંતરના અભિમાન રે….તો આજે આપણે વાત કરવાના છીએ વડગામની ધરતીના એવા યુવા ભજનિક આશિષ મેવાડા ની જેને નાનપણથી ભક્તિનો રંગ લાગ્યો છે અને વડગામ પંથકમાં ભજનો દ્વારા ઇશ્વર સાથે વાર્તાલાપ સાધી રહ્યા છે.

વડગામના પ્રવિણભાઈ શંકરલાલ મેવાડાના ત્રણ સંતાનો માં બે દિકરી અને એક દિકરો એટલે આશિષ જે  ધોરણ-૧૧ માં અભ્યાસ કરે છે જેને ને નાનપણથી ભણવા કરતાં ભજનો નો એવો રંગ લાગ્યો કે આજે એને અનેક પ્રચલિત ભજનો કંઠસ્થ છે. શાળામાં પણ તે નાનપણથી જ ભજન, ધૂન, દેશભક્તિ ગીત વગેરે ગાતો હતો. આશિષના પિતા અને કાકા તેના દાદાજી અને દાદીમી પૂણ્યતિથિ નિમિત્તે કથા અને ભજનો કરાવતા જે વખતે તે ભજનમાં બેસતો અને ભજન સાંભળતો. ધીરે ધીરે તેને સાંભળેલા ભજનો યાદ રહેવા લાગ્યા અને આ રીતે તેના ભજનો ગાવાની શરૂઆત થઈ. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેની સૌથી મહત્વની વિશેષતા છે. ભજન ગાવા માટે રાગ નહીં પણ ભાવની જરૂર હોય. જો ભાવ વિના ભજન ગાવામાં આવે તો સાંભળનારના હૃદય સુધી ન પહોંચે . આશિષ આવા જ ભાવપૂર્ણ ભજનો દ્વારા સાંભળનારાઓમાં ભક્તીરસ ફેલાવે છે.

સંતવાણી અને અન્ય ગાયન માટે મહત્વનાં ગણાતાં વાજીંત્રો એવાં હારમોનિયમ (પેટીવાજું), ઢોલક, તબલા, મંજીરા, સિતાર તથા એકતારો-તાનપુરો વગેરે તે ખૂબ સરળતાથી વગાડી જાણે છે કારણ કે નાનપણથી જ તેના પિતાશ્રીને તેના માં છૂપાયેલા એક કલાકારની પરખ થઈ ચૂકી હતી જેને લઈને ગાયન માટે મહત્વનાં ગણાતાં વાજીંત્રો પોતાના ઘરમાં જ વસાવી આપ્યા હતા, જેના થકી તેને રોજ ગાયનનો રીયાઝ કરવો સરળ બની ગયો. આ ક્ષેત્રના સર્જનકાર્યમાં કોઈ દંભ નથી ચાલતો અને એટલે જ આ ક્ષેત્રમાં નવા લોકો આવતાં ખચકાય છે. માત્ર ભજન જ શું કામ, અધ્યાત્મની કોઈ પણ વાત હોય કે પછી આધ્યાત્મિકતાનું કોઈ પણ ક્ષેત્ર હોય; એમાં દંભ કે દેખાડો નથી ચાલતો. એ કાર્ય ખંતપૂર્વક જ થઈ શકે છે. આજે ગીત-ગઝલ લખનારાઓ પોતાના શબ્દો સાથે જીવતા હોય છે, પણ એક ભજનિક પાસે માત્ર શબ્દો જ નહીં; સૂર અને રાગની પણ સમજ હોય છે. નરસિંહ મહેતા, ગંગા સતી, દાસી જીવણ અને સંત સુરદાસે ક્યાંય સંગીતનું જ્ઞાન નહોતું લીધું; ક્યાંય ભણવા પણ નહોતાં ગયાં એ લોકો. ગંગા સતીના સમયમાં તો મહિલાઓને ભણાવવામાં પણ નહોતી આવતી. સંત સુરદાસ તો જન્મથી જ જોઈ નહોતા શકતા એટલે કંઈ ભણી નહોતા શક્યા. એમ છતાં પણ આ મહાનુભાવોએ અદ્દભૂત કહેવાય એવું સર્જન કર્યું અને માત્ર શાબ્દિક નહીં, સૂર અને રાગની દૃષ્ટિએ પણ અવ્વલ દરજ્જાનું સર્જન થયું. આજે પણ આ ભજનિકોએ જે રીતે અને જે ઢાળ સાથે ભજનો ગાયાં હતાં એ જ ઢાળ સાથે ભજનો ગવાઈ રહ્યાં છે અને દેશમાં જ નહીં, વિદેશમાં પણ એટલી જ લોકચાહના મેળવે છે. આવું થવા પાછળનું કારણ જો કોઈ હોય તો એ કે તેમણે માત્ર ભજનનું સર્જન નહોતું કર્યું, એ ભજન જીવ્યા પણ હતા. એક શ્રોતા તરીકે મેં પણ અનુભવ્યું છે કે ભજન સાંભળવાં કે સાંભળેલા ભજનને દાદ આપવાનું કામ સહેલું છે, પણ એ ભજનને જીવવાનું કામ કઠિન છે.

મનમાં અપરિગ્રહનો ભાવ જન્મે તો અને તો જ ભજન જીવી શકાય. ભજન વિશે આટલું કહ્યા પછી હવે તમને પણ સમજાઈ ગયું હશે કે ભજન એ કોઈ ગીત કે ગઝલ જેવું સામાન્ય સર્જન નથી, એ તો એક અલૌકિક સર્જન છે.વડગામના યુવા કલાકાર આશિષનું માનવું છે કે મને ભજનની અંદર વધારે તૈયાર કરવા માટે મારા માતા-પિતા હતા. આ ઉપરાંત ગામના ભક્તમંડળનો પુરેપુરો સાથ છે. મારા ગામનું ભક્તમંડળ જ્યારે બહારગામના કે ગામના ભજન હોય તો મને અચૂક સાથે ભજનમાં લઈ જતા અને ત્યાં મને ભજન ગાવા માટે આપતા. આના કારણે આજે મને કોઈ તાલીમ ક્લાસમાં ગયા વગર કે કોઈ વિશેષ તાલીમ વગર બધા જ વાંજિત્રો વગાડતા અને ભજન ગાતા આવડી શક્યુ છે. તેનું કહેવું છે કે મને અભ્યાસમાં ખાસ રસ નથી પણ ગાવામાં વધારે રસ છે. બીજા પણ મારા ઘણા શોખ છે જે હું મારા પરિવારની મદદથી પુરા કરું છું. અત્યારે તેને રોજ સાંજે ઘરે બે ભજનતો ગાવા જોઈએ છે. મારા ગામના ભક્તો એવા શ્રી ચેલજીભાઈ ઉપલાણા, રામસુંગભાઈ ભુરિયા, દિનેશભાઈ રાવલ અને અન્ય બીજા લોકોનો તેને પુરેપુરો સાથ છે. જો મારાથી ભજનમાં કોઈ ભૂલ થાય તો એ મને તરત જ સુધારી આપે છે. મારા ગામમાં આવેલા આનંદ આશ્રમમાં રહેલા મહંત શ્રી સત્યનારાયણપુરી બાપુ પણ મને ભજનમાં સાથે લઈ જાય છે. વડગામ આસપાસ આવેલા ગામો જેવા કે સલેમકોટ, ફતેપુર, પેપોળ, પસવાદળ, વાઘણા, ધોતા, વરવાડિયા, મગરવાડા, જશલેણી, સમશેરપુરા, વણસોલ અને અન્ય ગામોમાં પણ મે ભજનના પોગ્રામ કર્યા છે.

વડગામનો આ આશાસ્પદ યુવા કલાકાર ભવિષ્યમાં ગુજરાતના નામી લોકસંગીતકારો અને ભજનિકોની યાદીમાં સ્થાન પામે અને વડગામ તાલુકાનું નામ રોશન કરે તેવી આપણા સૌનાવતી શુભેચ્છાઓ અને અભિનંદન.

આપ આશિષ મેવાડાનો તેના મો.નં ૯૬૦૧૮૨૩૦૧૬ ઉપર અથવા તો ઈ-મેલ ashishpmevada19@gmail.com ઉપર  સંપર્ક કરી શકો છો.

 

– નિતિન પટેલ (વડગામ)