બનાસનાં લોકસેવક નું ઐતિહાસિક પ્રવચન.
[માત્ર ત્રણ ચોપડી જેટલું અક્ષરજ્ઞાન તેમજ અનેક અભાવો અને અગવડો વેઠીને પોતાની આગવી કોઠાસૂઝ થકી લોકસેવાના કેવા કેવા ઉત્તમ કાર્યો થઇ શકે તેનું અનુકરણીય ઉદાહરણ વડગામ તાલુકાના નાના એવા નળાસર ગામમાંથી શરૂ કરીને સમગ્ર બનાસકાંઠા જીલ્લાને આવરીને સ્વ.શ્રી ગલાબાભાઈ નાનજીભાઈ પટેલે “બનાસકાકા” તેમજ “બનાસનાં ગાંધી” જેવા લોકસન્માનો મેળવીને સફળતાપૂર્વક સિદ્ધ કરી બતાવ્યું છે. રાજકારણ તેમના માટે હરદમ સેવાક્ષેત્ર રહ્યું હતું .રવિશંકર મહારાજનું જીવનસૂત્ર “ઘસાઈ ને ઊજળાં થઈએ” એ ગલબાકાકા એ આત્મસાત કર્યું હતું . આજથી વર્ષો પૂર્વે પાલણપુરમાં ભરાયેલી બનાસકાંઠા જીલ્લા ખેડૂત પરિષદમાં સ્વ.શ્રી ગલાબાભાઈ નાનજીભાઈ પટેલે સ્વાગત પ્રમુખ અને ધારાસભ્ય તરીકે આપેલું આ ઐતિહાસિક પ્રવચન એ બાબતને અવશ્ય પ્રતિતી કરાવે છે કે સાચા લોકસેવક નાં વિચારો કેવા હોઈ શકે. !!
વડગામ તાલુકાના મેપડા ગામ ના જાગીરદાર પરિવારનાં શ્રી હારૂનભાઈ એ મને પોતાના પાસેનાં સંગ્રહિત વર્ષો પહેલાના અનામી એક પુસ્તકનાં થોડાક પાનાઓ આપ્યા જેમાં આ ઐતિહાસિક પ્રવચન. પુસ્તક જુનું હોવાથી એનું નામ શું છે લેખક કોણ છે તે ખબર નથી પણ મુદ્રક તરીકે નવીનચંદ્ર પોપટલાલ મહેતા , શ્રી સદ્દગુરુ મુદ્રાલય બારડપુરા , પાલણપુર એવી માહિતી પ્રાપ્ત થાય છે.
આ તબક્કે આવી ઐતિહાસિક માહિતી વડગામ.કોમ ને પૂરી પાડવા બદલ શ્રી હારૂનભાઈ બિહારી તેમજ તેના મુદ્રક સદ્દગુરુ મુદ્રાલય પાલણપુર નો આભાર માનું છું.]
પાલણપુરમાં ભરાયેલી બનાસકાંઠા જીલ્લા ખેડૂત પરિષદમાં સ્વ.શ્રી ગલાબાભાઈ નાનજીભાઈ પટેલે સ્વાગત પ્રમુખ અને ધારાસભ્ય તરીકે આપેલું આ ઐતિહાસિક પ્રવચન
પૂજ્ય મહારાજશ્રી, ઉદ્ઘઘાટન કરનાર શ્રી વસાવડાજી તથા આ પરિષદ નાં પ્રમુખશ્રી, આમંત્રિત મહેમાનો, બેનો અને ખેડૂત બંધુઓ,
મને આપ સૌ નું સ્વાગત કરવામાં જે હરખ થાય છે તેનું વર્ણન હું કરી શકતો નથી. વધુ આનંદની વાત એ છે કે જેમની આ મંડળી ને શરૂઆતથી દોરવણી મળી છે તેઓ સંતપુરુષ અહી હાજર છે. આ મંડળ નું ઉદ્દઘાટન કર્યું હતું તે મહાપુરૂષ પૂજ્ય રવિશંકર મહારાજ અહી હાજર હોત તો સોનામાં સુગંધ મળત પણ તેમના આશીર્વાદ તો છે જ, વિશેષ માં આ પરિષદ નું ઉદ્દઘાટન જેમનાં શુભ હાથે થાય છે તેઓ ઇન્ટુક જેવી દેશ ની મહાન મજૂર સંસ્થાનાં માજી પ્રમુખ અને આજે તેઓ જે મજૂર મહાજન સંધ નાં મહામંત્રી છે તે સંધને પૂજ્ય બાપુજી નાં આશીર્વાદ અને મુરબ્બી શંકરલાલ બેન્કર તથા આદરણીય બહેન શ્રી અનસૂયાબહેન ને આજલગી ઉત્તમ પ્રકાર ને દોરવણી મળી છે.
આ ઉપરાંત આ પરિષદ નું પ્રમુખ સ્થાન જેણે સ્વીકાર્યું છે તેવો પણ કોંગ્રેસ પૂરક એવા ભાલ નળકાંઠા ખેડૂત મંડળ નાં હાલ નાં પ્રમુખશ્રી છે કે જે મંડળ પાસેથી આપણે દોરવાણી મેળવી રહ્યા છીએ તેઓની પ્રત્યક્ષ હાજરી આપણામાં જોમ પૂરશે.
આ રીતે આ પરીષદ ને પરિપૂર્ણ ફતેમંદ બનાવે એવો સુંદર ત્રિવેણીનો સંગમ થયો છે. વધુમાં અહી પૂજ્ય મુનીશ્રીની પ્રેરણા નીચે ચાલતા પ્રાયોગિક સંઘોમાં કામ કરતા ચુનંદા કાર્યકરો અને ખેડૂતો આવવાથી આ પરીષદની શોભામાં ઘણો વધારો થયો છે આટલો આનંદ જણાવી હું આ તકે બે બોલ બીજા પણ કહી દેવા માંગુ છું.
દુનિયા અને દેશ નાં મોટા સવાલોની વાતો તો મુરબ્બીઓ જ કહી શકે પણ મારા જેવો ગામડિયો ખેડૂત પણ આટલું તો આજે ચોખ્ખું જાણી શક્યો છે કે અંતે નીતિ અને સચ્ચાઈ જ કામ આવશે, મુનિશ્રી એ નીતિ અને શુદ્ધ થવાની વાતો ખેફૂત મંડળ નાં પાયા માંથી વારંવાર મૂકી છે તે મને સો એ સો ટકા સાચી લાગી છે. તેમના આશીર્વાદથી આ બનાસકાંઠા ખેડૂત મંડળની સાચી રચના થઇ, તેની દોરવણી એને મળ્યા જ કરતી હતી પણ તેઓ આ વખતે અહી આવ્યા અને અને અમોને નજરો નજર જે જોવા મળ્યું તેથી ખાતરી થઇ કે ગામડાની એકતા, નીતિનો પાયો તથા હંમેશની સાચી દોરવણી આ ત્રણ આપણી સિદ્ધિ નાં મૂળ પાયા છે. તેમની આ પાંચ માસની જિલ્લાની હાજરીથી શુદ્ધિ પ્રયોગ જોવા મળ્યો. અમલદારો પણ આપના દેશના સેવકો છે તેવો વિચાર અનુભવવા મળ્યો.
સહકારી પ્રવુતિમાં પણ નીતિ નાં પાયાવાળા મંડળોનું સંચાલન જોઈએ તે જણાઈ ગયું. ખાંડનું કારખાનું એ એવા યંત્રો તથા ગામડાના ઉદ્યોગો વચ્ચે મેળ બેસાડવાની વાત સમજવા મળી. જીલ્લા કોંગ્રેસ સાથે અપવાદ બાદ કરતા અમારા સબંધો તો સારા જ હતા. પણ કોંગ્રેસ નું રાજ્કીય માતૃત્વ શું, પ્રાયોગિક સાંધો શા માટે, લાવાદિનો મહિમા શા માટે, આ બધુ પ્રત્યક્ષ અને વર્ગ માં જોવા જાણવા મળ્યું તેથી અમારી શ્રદ્ધા મજબૂત બની ગઈ છે.
સમાજવાદનાં ઢબની સમાજ રચના કોંગેસે અવાડી મુકામે કરેલા ઠરાવોનું રહસ્ય અમોને આથીજ સમજાયું. નાનાને નાનું અને વધારે સાધનવાળાને વધારે લવાજમ ભરવાની વાત પણ અમોને હવે જ ખરી રીતે સમજાઈ.
એ જ રીતે કોંગ્રેસ જેવી દેશ ની મહાન સંસ્થાએ લોકોના સાચા બળ મારફત ગામડાઓનાં પ્રાણરૂપ ખેડૂતોને અનાજ કપાસ નાં પરવડતા ભાવો આપવા જોઈએ. પેટનું પુરૂ થતું ન હોય તેટલી જમીન ધરાવનાર જાત ખેડૂતો પાસેથી મહેસુલની આવક જતી કરવી જોઈએ. પહોંચતા વર્ગ પાસેથી જ કરવેરા લેવા. આવી પાયાની વાતોમાં ગામડાઓને પૂરેપૂરો ટેકો આપવો જોઈએ.
સમય થોડો છે, કામ ઘણું છે એટલે હું વધુ વખત નહિ લઉં. પણ અમારા મંડળે મુનીશ્રીની નૈતિક નજરે જે થોડીક ભૂલો કરેલી તે અમોએ મોટે ભાગે સાફ કરી છે અને હવે ફરી શુદ્ધ થઈ અમો અમારા ખેડૂત મંડળને ચોક્કસ દિશા પર લઇ જઈશું એવી ખાતરી આપીએ છીએ.
આપના જીલ્લામાં તાજા થયેલા ગોપાલક મંડળ અને થનારા ગ્રામોદ્યોગ મજુર મંડળ ની સાથે સ્નેહ સહકારથી વર્તીએ એજ મારી પ્રભુપ્રાર્થના છે. મુરબ્બીઓ અમને આ પંથમાં જવાના આશિર્વાદ આપે.
બનાસકાંઠા પ્રાયોગિક સંઘ – ભાલકાંઠા પ્રાયોગિક સંઘને પગલે ચાલીને અમોને મજબૂત નૈતિક દોરવણી આપે. કોંગ્રેસરૂપી રાજકીય ક્ષેત્રની અમારી માતા અમને હુંફ આપે. મુનિશ્રી વારંવાર કહે છે તેમ સામાજિક તેમજ આર્થિક બાબતોમાં અમે સ્વતંત્રપણે છતાં પ્રાયોગિક સંઘની નૈતિક દોરવાની નીચે આગળ ને આગળ વધીએ આ અમારે અંતરની ઈચ્છા છે.
અમો ગામડીયા છીએ. શહેરમાં પરિષદ ભરાય છે કારણકે મુનીશ્રીનું અહી ચાતુર્માસ છે. અમારા બાળા ભોળા ખેડૂતોના મંડળે જ આ વ્યવસ્થા કરી છે પણ અમોને પાલનપુર નો પુરેપુરો સાથ મળ્યો છે. તેથી અમો કૈંક કરી શક્યા છીએ. અત્યારે શિયાળુ વાવેતરનો વખત છે છતાં જે ખેડૂતોની સંખ્યા આવી છે તેથી મને સંતોષ થાય છે. ખાતરી તો રહે છે જ કારણ કે શબરીના બોર રામને પણ મીઠા જંગલમાં અને ઝુંપડીમાં લાગ્યા હતા.
અમો ગામડીયા છીએ. શહેરમાં પરિષદ ભરાય છે કારણકે મુનીશ્રીનું અહી ચાતુર્માસ છે. અમારા બાળા ભોળા ખેડૂતોના મંડળે જ આ વ્યવસ્થા કરી છે પણ અમોને પાલનપુર નો પુરેપુરો સાથ મળ્યો છે.
આ વાતો કસળો છે એટલે અમારી રાબ અને રોટી આપને અહી સંતોષ નહિ આપે પણ બનાસકાંઠા ખેડૂત મંડળ તરફથી આપની મમતાળુ સ્નેહ લાગણી સરભરાની ખામી આપને ખૂંચવા નહિ દે એવી આશા અને પરમાત્માની પ્રાર્થના સાથે આપ સૌ મહેમાનોની મીઠી લાગણી હૈયે રાખીને હું આ પરિષદની શરૂઆતમાં શ્રધા જાહેર કરીને બેસી જવાની તક લઉં છું.
– ગલબાભાઈ નાનજીભાઈ પટેલ (ધારાસભ્ય)

Follow
Simple yet imperative speech.