સાહિત્ય-લેખો

ગુજરાતી ભાષાનું ભવિષ્ય : નિતિન પટેલ

[ મને યાદ છે ત્યાં સુધી http://gujaratilexicon.com/ વેબસાઈટના માધ્યમથી થોડાક સમય પૂર્વે એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં મને પણ ભાગ લેવાનો સુઅવસર પ્રાપ્ત થયો હતો. વિષય હતો “ગુજરાતી ભાષનું ભવિષ્ય” જો કે આ તો પ્રતિષ્ટિતવેબસાઈટને વૈશ્વિક કક્ષાની સ્પર્ધા હોઈ અને આપણે લેખન ક્ષેત્રે નવા નિશાળીયા હોઈ કોઇ એવોર્ડ તો મળવાનો નહોતો પણ એક શોખ ખાતર વિષયને અનુલક્ષીને જે પ્રસ્તુતુ વિચારો મનમાં આવ્યા તે નિબંધસ્પર્ધામાં મોકલી આપ્યા. એક થી ત્રણમાં નંબર તો ના મળ્યો પણ આજે તે સ્વલિખિત નિબંધ “ગુજરાતી ભાષનું ભવિષ્ય” આપણી વેબસાઈટ ઉપર મુક્તા અત્યંત હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. – નિતિન પટેલ (વડગામ) ]

 

વૈશ્વિક સ્તરે જોઈએ તો ગુજરાતી ભાષા પોતાનો પગદંડો જમાવવામાં આજ સુધી તો નિષ્ફળ છે કારણો અનેક છે એમાનું એક પ્રમુખ કારણ એ કે ગુજરાતી ભાષા એ પ્રાદેશિક ભાષા છે અને તે પ્રાદેશિક ભાષા સુધી સીમિત રહી ગઈ છે. આજની તારીખ માં ટેકનોલોજી નુ પ્રભુત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે તેવા સંજોગોમાં ટેકનોલોજી માં ઉપયોગીમાં લેવાતી અન્ય ભાષાઓની સરખામણી માં ગુજરાતી ભાષાનો ઉપયોગ બહુ જ જુજ પ્રમાણ માં જોવા મળે છે મતલબ કે ગુજરાતી ભાષા નો જોઈએ તેટલો અને તેવો પ્રસાર-પ્રચાર અને ઉપયોગ થયો નથી. આજે ગુજરાતી ભાષા માત્ર અને માત્ર બોલાચાલ ની ભાષા પુરતી અને તે પણ પ્રાદેશિક ક્ષેત્ર સુધી સીમિત રહી ગઈ છે.

અંગ્રેજી, હિન્દી અને અન્ય ભાષાઓના સતત વધતા પ્રભુત્વ વચ્ચે ધીરે ધીરે ગુજરાતી ભાષાનુ ભવિષ્ય ધૂંધળું જણાઈ રહ્યું છે. એ વાત સત્ય છે કે અનેક સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે ગુજરાતી બચાઓ અભિયાન છાશ વારે ચલાવવામાં આવે છે પણ જોઈએ તેવો પ્રતિસાદ મળતો નથી. અન્ય પ્રાદેશિક અને અંગ્રેજી ભાષાઓની કૃતિના જેટલા અનુવાદ ગુજરાતી ભાષામાં થયા છે તેમાંથી અપવાદરૂપ અનુવાદ ગુજરાતીમાંથી અન્ય ભાષાઓમાં થયા હશે. આના પરથી એક કારણ એ આપી શકાય કે ગુજરાતી ભાષા પાસે વિશ્વિક કક્ષાની શ્રેષ્ઠ કૃતિઓ નથી અથવા તો એમ કહી શકાય કે ગુજરાતી ભાષાની કોઈ જગ્યાએ જરૂરીયાત જણાતી નથી.

આજની યુવા પેઢી તો ગુજરાતી ભાષા બોલવામાં શરમ અને સંકોચ અનુભવતી હોવાનું દેખાઈ રહ્યું છે. કોમ્પ્યુટર હોય, મોબાઈલ હોય, પુસ્તકો હોય અરે મોબાઈલ ઉપર વાતચીત ચાલતી હોય તેવા સંજોગો માં ગુજરાતી ભાષા વચ્ચે અંગ્રેજી અને હિન્દી ભાષાના શબ્દો પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું છે જેનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જે ભવિષ્યમાં ગુજરાતી ભાષાનો મૃત્યુઘંટ વગાડી શકે તેવી દહેશત જણાઈ રહી છે. એક સમયે સંસ્કૃત એ પ્રમુખ ભાષાઓ પૈકી એક ભાષા હતી જે માત્ર શ્લોકો અને ધાર્મિક અનુષ્ઠાનો પુરતી સીમિત રહી ગઈ છે કેટકેટલી અમર કૃતિઓ સંસ્કૃત ભાષાએ વિશ્વને આપી છે તેમ છતાં આજે તેનુ અસ્તિત્વ સાવ તળિયે છે. આપણે જેટલી બોલીવૂડ અને હોલિવૂડ ફિલ્મો જોઈએ છીએ, જેટલી હિન્દી ધારાવાહિક અને હિન્દી સંગીત સાંભળીએ છીએ યુવાપેઢીને વાતચીત કરતા સાંભળીએ છીએ તેની સરખામણી અન્ય વિકલ્પ ગુજરાતી ભાષા સાથે કરીએ તો નિરાશાજનક ચિત્ર સાંપડે છે.

હમણા એક ટી.વી કાર્યક્રમ જોવામાં આવ્યો જેમાં યુવાપેઢીના સ્પર્ધકોને શુદ્ધ ગુજરાતીમાં અમુક ઘટનાનું વર્ણન કરવાનું કહેવામાં આવે છે ત્યારે મોટા ભાગના સ્પર્ધકો દ્વારા આ વર્ણન દરમિયાન ક્યાંક ને ક્યાંક અંગ્રેજી કે હિન્દી શબ્દોનો ઉપયોગ અનાયાસ થઇ જતો હતો. આવી નાની બાબતો તરફ નજર દોડાવવામાં આવે તો આવનાર ભવિષ્યનું પરિણામ સ્પષ્ટ છે કે ગુજરાતી ભાષા ધીરે પોતાની પકડ ગુમાવી રહી છે અને આવનાર ભવિષ્ય માં માત્ર બોલચાલની ભાષા તરીકે પ્રાદેશિક પ્રદેશ પુરતી પોતાનું અસ્તિત્વ સાથે સંઘર્ષ કરતી જોવા મળી શકે. અન્ય ભાષાઓ અને ખાસ કરીને અંગ્રેજી ભાષાના આક્રમણ સામે હાલ ગુજરાતી ભાષાનું કોઈ જ ઉજ્જવળ ભવિષ્ય નથી દેખાઈ રહ્યું. જ્યાં અસતીત્વ બચાવાવવો નો પ્રશ્ન છે ત્યાં ભવિષ્યમાં ગુજરાતી ભાષાનો વિસ્તાર થાય એ એક માત્ર કલ્પનાથી વધુ કઈ નથી.

હાલ નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે ગામડાઓ સુધી પણ વિસ્તર્યો છે અને એ કે બાળકો નાં શિક્ષણ ની શરૂઆત અંગ્રેજી માધ્યમ દ્વારા થઇ રહી છે. ઘરમાં પણ અંગ્રેજી શબ્દભંડોળ નાં ઉપયોગને ગૌરવની દ્રષ્ટી થી જોવામાં આવે છે. બાળકો તો બાળકો પણ મોટેરાઓ માં પણ ગુજરાતીની સરખામણી માં અંગ્રેજી શીખવા માટેની તાલાવેલી છે.

સાવ એવુય નથી કે ગુજરાતી ભાષામાં શ્રેષ્ટ સાહિત્ય કૃતિઓ નથી અગણિત પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારો અને સાહિત્ય રચનાઓથી ગુજરાતી ભાષા સમૃદ્ધ છે.. અનેક લબ્ધ પ્રતિષ્ઠિત ગુજરાતી લેખકો, કવિઓએ ઉત્તમ સાહિત્ય રચ્યું છે પણ આવી કૃતિઓનો જોઈએ તેવો પ્રચાર-પ્રચાર થયો નથી થતો નથી. સરકારી પુસ્તકાલયોમાં ઉપલબ્ધ ગુજરાતી પુસ્તકોમાં પણ ઉત્તમ સાહીત્યકારોની ઉત્તમ કૃતિઓનો અભાવ વર્તાઈ રહ્યો છે તે જ રીતે ઉત્તમ ગુજરાતી સાહિત્ય રચનાઓ અપ્રાપ્ય અથવા તો સામાન્ય વાંચક ને પોષાય તે કિમંત માં ઉપલબ્ધ નથી અને સરકારી લાઈબ્રેરીઓ તો શરૂઆતથી જ ઉત્તમ સાહિત્ય પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી રહી છે. આવા તો અગણિત ઉદાહરણો આપી શકાય કે જેને લઈને ગુજરાતી ભાષાને આવનાર ભવિષ્યમાં જીવંત રાખવું મુશકેલ બની શકે છે.

આંગણી નાં ટેરવે ગણી શકાય તેવી સંસ્થાઓ સિવાય ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો કોઈ વિશેષ પ્રયાસ થતો હોય તેવું નથી દેખાઈ રહ્યું. થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા વાંચે ગુજરાત અંતર્ગત મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પણ તેના સકારાત્મક પરિણામો મળ્યા નથી. સ્થિતિ એની એ જ છે.

દુ:ખની વાત એ છે કે તમામ ક્ષેત્રે ગુજરાતી ભાષા પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવવામાં આવી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. ઈન્ટરનેટ ઉપર ગુજરાતી લેક્ષીકોન (www.gujaratilexicon.com) અને રીડ ગુજરાતી (www.readgujarati.com) જેવી વેબસાઈટો   ગુજરાતી વાંચન-લેખન અને પ્રસાર-પ્રચાર માં બહુમુલ્ય યોગદાન આપી રહી છે જે આજના ટેકનોલોજી નાં યુગમાં અને આવતીકાલ ની નવી પેઢીને ગુજરાતી નાં ઉતમ સાહિત્યથી વાકેફ રાખવા તેમજ ગુજરાતી શીખવા માટે મદદરૂપ થશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી. આ પ્રકાર પ્રયત્નો એ ગુજરાતી ભાષાના અંધકારમય ભવિષ્ય ની સામે એક પડકાર છે કે સતત અપડેટ રહીને ગુજરાતી ભાષા ને વધુ ને વધુ ઉપયોગી બનાવી રહ્યા છે. આ તબક્કે ગુજરાતી લેક્ષીકોનનાં સ્વ. રતિભાઈ ચંદેરીયા અને રીડ ગુજરાતીનાં સ્વ. મૃગેશભાઈ ને નતમસ્તકે વંદન કરવાનું મન થાય કે ગુજરાતી ભાષાના ઉજ્જવળ ભવિષ્ય માટે અને ગુજરાતી ભાષા ને ગૌરવ અપાવવાની સાથે સાથે ગુજરાતી ભાષાની ઉત્તમ લેખન સામગ્રી દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ સુધી લઇ જવા આ લોકો કેટકેટલું મથ્યા છે.

વિદેશો માં વસતા ગુજરાતીઓ પણ પોતાના બાળકો પોતાની માતૃભાષા થી અવગત રહે તે માટે સતત પ્રયત્નશીલ જોવા મળે છે જે એક ભવિષ્ય ને લઈને એક ઉજળી આશા ગણી શકાય. એક સમય હતો કે જયારે હાથ થી સુંદર અક્ષરે ગુજરાતી ભાષામાં સારા-નાઠા પ્રસંગે પત્રવ્યહાવારનું ચલણ હતું. પત્રો ગુજરાતી ભાષામાં લખાતા અને વંચાતા ધીમે ધીમે ટેકનોલોજીનો વ્યાપ વિસ્તરતા સંદેશા વ્યવહાર નું આ માધ્યમ લગભગ ભુલાઈ ગયું છે જે ગુજરાતી ભાષા માટે મરણતોલ ફટકો ગણી શકાય. આજના યુગમાં હિન્દી અને અંગ્રેજી ભાષા શીખવી ફરજીયાત છે જેની સામે ગુજરાતી ભાષા શીખવી લગભગ જરૂરી નથી એ મરજીયાત છે. જેટલી ગતિથી અંગ્રેજી, હિન્દી સહીત અન્ય ભાષાઓ શીખવાવાળાઓ ની સંખ્યા વધતી જાય છે અને ગુજરાતી શીખવાની તો દૂર રહી પણ લખવા બોલવા વાળાઓની સંખ્યા ઘટતી જાય છે તે જોતા ભવિષ્ય માં ગુજરાતી ભાષા ની અવદશા સંસ્કૃત ભાષા જેવી થઇ શકે. ભવિષ્ય માં કદાચ એવું પણ બની શકે કે ગુજરાતી ભાષા માં ઉપલબ્ધ સામગ્રીનું પ્રમાણ ઘટતું જાય. ગુજરાતી પુસ્તકો વાંચવાનું પ્રમાણ દિનપ્રતિદિન ઘટતું જાય છે. ગુજરાતી ભાષા માં ઉપલબ્ધ સાહિત્ય સામગ્રીનું પુરતું વેચાણ ન થવાના કારણે નવા પુસ્તકો પ્રકાશિત થવાનું પ્રમાણ ખૂબ જ ઘટતું જાય છે. નેટ ઉપર ઉપયોગી માહિતી જેટલી અંગ્રેજી માં ઉપલબ્ધ છે એટલી ગુજરાતી માં નથી. અગાઉ આપણે જોઈ ગયા તેમ અમુક વેબસાઈટો અને જૂજ ગુજરાતી ભાષાના બ્લોગ જોવા મળે છે પણ વૈશ્વિક ભાષાઓની ટક્કર લઇ શકાય તેવા સંશાધનોની ગુજરાતી ભાષા પાસે કમી છે.

વિશ્વ કક્ષાની વાત બાજુએ મુકીએ અને માત્ર આપણાં દેશની એક અબજ ઉપરાંત ની વસ્તી ગણતરીને ધ્યાનમાં લઈને ગુજરાતી ભાષાનાં વિવિધ ક્ષેત્રે ઉપયોગ અંગે તેમજ ગુજરાતી ભાષા બોલાતી-લખાતી વીશે વિચારીએ તો પરિણામ આઘાતજનક મળે છે. પોતાનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટે માતૃભાષાનું વિશિષ્ઠ મહત્વ રહેલું છે કારણ કે કોઈ પણ માહિતી ની રજૂઆત જેટલી માતૃભાષા માં સચોટ રીતે રજૂ થઇ શકે અથવા તો સમજાઈ શકે તેટલી અન્ય કોઈ ભાષા માં રજૂ નાં કરી શકાય કે સમજી પણ નાં શકાય. આજની તારીખમાં જેટલા પણ પ્રયત્નો ગુજરાતી ભાષાને બચાવવા માટે થઇ રહ્યા છે અથવા તો પ્રચાર-પ્રચાર અર્થે થઇ રહ્યા છે તે અન્ય ભાષાઓના પ્રસાર-પ્રચાર નાં ઘોડાપૂર સામે ઘણા ઓછા છે. ખાસ કરીને આપણે જ્યારે ગુજરાતી ભાષા નાં ભવિષ્ય ને લઈને ચિંતિત હોઈએ ત્યારે ગુજરાતી ભાષાના મહત્વને અને જરૂરીયાતને બને એટલું વહેલું સમજવું પડશે.

બદલાતા યુગમાં ગુજરાતી ભાષાને વિવિધ રસપ્રદ શબ્દો થકી લેખિત અને મૌખિક વ્યહવારમાં મઠારવાની જરૂર જણાઈ રહી છે જેથી કરીને ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે. આજની તારીખમાં ગુજરાતી વ્યાકરણનો સાચા અર્થમાં જે ઉપયોગ થાય છે તેને લઈને ખૂબજ ચિંતા થાય છે કે આવનાર ભવિષ્યમાં ગુજરાતી કુંટુબોને પણ નવેસર થી ગુજરાતી ભાષાનું વ્યાકરણ શીખવાની ફરજ પડશે અથવા તો ગુજરાતી ભાષાને માત્ર ને માત્ર વ્યહવાર પુરતી સીમિત રાખીને અન્ય વ્યહવાર માં અન્ય ભાષાઓનો ઉપયોગ વધશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.ગુજરાતીએ ભાષાનું ભવિષ્ય એના વર્તમાન ઉપર નિર્ભર છે અને વર્તમાનનું ચિત્ર જોઈએ એટલું સ્પષ્ટ નથી. ગુજરાતી ભાષાનો ઉપયોગ સાથે જેટલો પ્રચાર-પ્રસાર તેમજ પ્રયત્ન થશે તેટલું તેનું ભવિષ્ય ઉજ્જવળ નહિ તો અસરકારક જરૂર બની શકે.

ગુજરાતી ભાષાના ઉપયોગને લઈને હમણા એક સારા સમાચાર એ જાણવા મળ્યા કે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના સાંસદ શ્રી હરીભાઈ ચૌધરી કે જેમની કેન્દ્ર સરકાર માં રાજ્યકક્ષા નાં ગૃહ રાજ્યમંત્રી તરીકે વરણી થઇ છે તેઓ એ એક કાર્યક્રમ માં જણાવ્યું કે હું સંસદમાં જુદા જુદા રાજ્યો માંથી આવતા સંસદસભ્યો દ્વારા તેમની સ્થાનિક પ્રાદેશિક ભાષામાં સંસદમાં રજૂઆત કરાતા જોતો હતો અને ભાષાંતર નાં સાધન દ્વારા સાંભળતો હતો મને થયું કે આપણે પણ ગુજરાતીમાં કેમ નાં બોલી શકીએ તો મેં સ્પીકર પાસે મને સંસદમાં ગુજરાતી ભાષામાં રજૂઆત કરવા માટે મંજૂરી માંગી તો મને જણાવ્યું કે ગુજરાતી માંથી અન્ય ભાષાઓ માં રૂપાંતર માટે આપણી પાસે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી તો મારી સચોટ રજૂઆત નાં પગલે આ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી અને મેં નક્કી કર્યું કે હું ગુજરાતીમાં જ બોલીશ આને લઈને સંસદમાં ગુજરાતી ભાષાની આ સુવિધા માટે અન્ય ગુજરાતી લોકોને નિમણૂક પણ થશે. આ ઉપરાંત ગૃહ મંત્રી તરીકે મારા કાર્યાલય માં એક ગુજરાતી સનદી અધિકારીની નિમણૂક કરવાની પણ વિચારણા કરી છે જેને લઈને ગુજરાતી લોકોને ભાષાકીય કોઈ અગવડ નાં પડે..ખરેખર સરકારી વહીવટ માં આ પ્રકારનો નિર્ણય ગુજરાતી ભાષાને લઈને પહેલી વાર લેવામાં આવ્યો છે જે સમગ્ર ગુજરાતી સમાજ માટે તેમજ ગુજરાતી ભાષા માટે ઉજ્જવળ ભવિષ્ય ની આશા સમાન ગણી શકાય.

વિવિધ તળપદી અને શુદ્ધ ઉચ્ચાર સાથે બોલાતી ગુજરાતી ભાષા એ ભૂતકાળ બની જાય તે પહેલા વર્તમાન માં સકારાત્મક પગલા ભરવા એટલા જ આવશ્યક છે. પ્રયત્નો સતત અને સભાનતાથી અને ખાસ તો ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને થવા જરૂરી છે અન્યથા ગુજરાતી ભષાને લઈને જેટલો આપણો ભૂતકાળ હતો એટલો કદાચ ભવિષ્ય નાં હોઈ શકે તેવી શંકા આજના ટેકનોલોજીના યુગમાં સહેજે ઊઠે છે કારણ માત્ર એટલું જ કે ગુજરાતી ભાષા નાં ઉપયોગકર્તાઓની સંખ્યા સતત ઘટતી રહી છે. આપની માતૃભાષા ગુજરાતીનાં ઉજ્જવળ ભવિષ્ય નાં નિર્માણ અર્થે ચાલો આપને સૌ સહિયારો પ્રયાસ આરંભીએ.