આપણા તિર્થસ્થળો

શેભરમાં ઉજવાતા ઉત્સવોની ઝાંખી

Sebhar-2[વડગામ તાલુકાનું શેભર પ્રસિધ્ધ યાત્રાધામ છે જ્યા વર્ષ દરમિયાન ગોગા મહારાજ ના સાનિધ્યમાં વિવિધ ઉત્સવો ઉજવાતા રહે છે. શેભરમાં ઉજવાતા આ ભાતીગળ ઉત્સવોની ઝાંખી અત્રે પુસ્તક “ધરતી પરનું સ્વર્ગ શેભર ગોગાધામ” માંથી મેળવીને સાભાર જનહિત હેતુ મુકવામાં આવી છે.]

(૧)

દર માસે સુદ પાંચમે ભરાતો મેળો

શેભર મુકામે ગોગા મહારાજના મંદિરે દર માસની અજવાળી (સુદ) પાંચમે મેળો ભરાય છે. સવારથી સાંજ સુધી આ મેળામાં માનવ મહેરામણ ગોગા બાપાના દર્શને ઉમટી પડે છે. દર્શનાર્થીઓની ભીડ જામતી રહે છે. મંદિરની બહારની બાજુએ આ દિવસ પુરતી શ્રીફળ, પ્રસાદી, નાસ્તો, રમકડાં, પાન-મસાલા, ઠંડાપીણા એવી જાત જાતની ચીજ-વસ્તુઓની લારીઓ લાઈનસર ગોઠવાઈ જાય છે. વાહનો એટલી સંખ્યામાં આવે છે કે ઘણી વખત પાર્કિંગ માટે જગ્યા ઓછી પડે છે. સ્વયંશિસ્ત અને ધાર્મિક ભાવનાને કારણે કોઈપણ જાતના પ્રશ્નો ઉભા થતા નથી. જાણે ગોગા બાપા સૌનું ધ્યાન રાખતા ન હોય તેવી અનુભૂતિ થયા વગર રહેતી નથી. આ મેળામાં પાંચ હજારથી વધુ લોકો દર માસે દર્શને આવે છે. મોટા ભાગના સમયે સવારે ૯ વાગેથી સાંજે ૫ વાગ્યા સુધી (લગભગ આખો દિવસ) ગરમા-ગરમ શીરો, દાળ, ભાતની પ્રસાદી દરેક ભક્તોને પ્રેમથી બેસાડીને જમાડવામાં આવે છે. આખો વદિવસ ચા-પાણીની સગવડ ચાલુ જ રહે છે. આજુબાજુના ગામો તથા દૂર દૂરથી પાંચમ ભરવા આવતા ભક્તો દર્શન, ભોજન, ચા-પાણીની સગવડ મેળવી ધન્ય બની ઝૂમી ઉઠે છે. સૌથી અગત્યની વાત એ છે કે આટલા માનવ સમુદાયની હાજરી હોવા છતાં આ સ્થળની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. ક્યાંય પણ કચરો કે ગંદકી જોવા મળતા નથી. પાણીના સ્ટેન્ડ એકદમ ચોખ્ખા જોવા મળે છે. ઠંડા પાણી માટે વોટરકુલરની વ્યવસ્થા કરેલી હોઈ ગરમીમાં લોકોને એકદમ ઠંડુ પાણી મળે છે અને વડદાદાની છાંયે બાંકડા ઉપર બેસી અનેરો આનંદ લૂંટે છે. ગોગાબાપાના દર્શન કરી મીઠાં સંભારણા લઈ દિવસ જાણે સફળ થયો હોય તેમ બીજી પાંચમની રાહ જોતા વિદાય લેતા હોય છે. આમ દર માસે પાંચમનો મેળો લોકોની જીવનધોરણ સાથે વણાઈ ગયો હોય તેમ લાગ્યા વગર રહેતું નથી. પાંચમે લોકો ગોગાબાપાને દૂધનો પ્રસાદ ઘરાવે છે સાંજે ત્રણ પીપ ભરાય તેટલું દૂધ એકઠું થાય છે.

(૨)

નાગ પાંચમનો મેળો.

શ્રાવણ વદ પાંચમને આપણે નાગપાંચમ તરીકે ઉજવીએ છીએ નાગદેવતાનો તહેવાર છે. નાગદેવતાના નવ કૂળ ગણાય છે. દરેક નાગદેવતાની સાધન કરવા માટે આ ઉત્તમ દિવસ છે. આ દિવસે હિંદુ ધર્મમાં ઘેર ઘેર નાગદેવતાની પૂજા થાય છે. અને નાગદેવતાના મંદિરે દર્શન કરવાનું લોકો ચૂકતા નથી. આ દિવસે ગોગા બાપાને સુખડીની થાળી, બાજરીના લોટની કુલેર, નાળીયેર ચઢાવવાનો રીવાજ છે. આમ કરવાથી આખુ વર્ષ તેમની કૃપા વરસતી રહે છે. સાપ-નાગ જેવા જીવોનો ખેતરમાં કે જંગલ જેવા વિસ્તારમાં ફરતા લોકોને દર્શન થવામાં મદદ કરે છે. ભયમાંથી પણ મુક્તિ મળે છે. બિહામણા સ્વપ્ન આવતા હોય તો તે પણ બંધ થાય છે.

શેભર મુકામે આ દિવસે ભવ્ય મેળો ભરાય છે. મંદિરોમાં ધજા બદલવામાં આવે છે. આ દિવસ આ જગ્યામાં કીડીયારુંની જેમ માનવમેદની ઉમટી પડે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની મદદ પણ લેવી પડે છે. એક કી.મી દૂર વાહનો અટકાવી દેવા પડે છે. લોકો સારી રીતે લાઈનમાં દર્શન કરી શકે તેવી વ્યવ્સ્થા કરવામાં આવે છે. ગોગાબાપા તરફથી ભવ્ય ભોજનનો પ્રસાદ દરેક ભક્તોને આપવામાં આવે છે. ગરીબ, તવંગર અને અમલદાર એકસાથે બેસીને કોઈજાતના ભેદભાવ વગર એક પંગતે પ્રસાદ લે છે. હાટડીઓ તો આગળના દિવસથી જ લાગી જાય છે.

નાગપાંચમનો સમય બરાબર ચોમાસાની વચ્ચે આવે છે. વરસાદની ભીની ભીની મોસમમાં જંગલના વૃક્ષો લીલાછમ બની ગયા હોય છે. પ્રકૃતિ ચારે બાજુ ખીલી ઊઠી હોય છે. પહાડોની વચ્ચે પાણીના ઝરણાનો ખળ ખળ અવાજ, માટીના ડુંગરાથી બાળકો અને સ્રીઓને તો મજા પડી જાય છે. બાળકો હર્ષની કીકીયારી કરતા માટીના ડુંગરા ઉપર ચડીને લપસણી ખાતા ખાતા આનંદ કરતા કરતા નીચે આવે છે. સૌ ભક્તો પોત પોતાની મસ્તીમાં ફરતાં હોય છે. મા સરસ્વતી નજીકમાં વહેતી હોવાથી શ્રાવણ માસ હોય પછી જોવાનું શું હોય ? નદીમાં ભક્તો સ્નાન કરીને પોતાને અહોભાગી સમજે છે. આ દિવસે ગોગાબાપાના દર્શન, ચા-પાણી, ભોજન કરતાં કરતાં દિવસ ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. મેળામાં લોકોની સંખ્યાનું કોઈ માપ રહેતું નથી ૧૦ થી ૧૫ હજાર કરતાં વધુ ભક્તજનો દર્શને આવતા હોવાનો એક અંદાજ છે. ગરમ શુધ્ધ ઘીનાં શીરાનાં પ્રસાદના લોકો વખાણ કરતા થાકતા નથી. શેભરીયા ગોગાબાપાને પણ પોતાના બાળકોને જોઈને અનહદ આનંદ થતો હશે. તેમની કૃપા આ જગ્યાએ આવતા ભક્તો ઉપર વરસતી રહે છે.

(3)

મહાસુદ-૮ ના સ્થાપના દિન (પટોત્સવ) ની ઉજવણી.

શ્રી શેભરીયા ગોગ મહારાજનું વડદાદા નીચે આવેલું મંદિર તો હજારો વર્ષ જુનું છે. ગોગાબાપાની વિષ્ણુ ભગવાન ઉપરની સાત ફેણવાળી મૂર્તિ તથા બીજા દેવી દેવતાવાળી મૂર્તિ વર્ષો સુધી તેમની તેમજ છે. તેમાં કોઈ ફેરફાર કરેલો નથી. ફક્ત મંદિરનો જિર્ણોધ્ધાર આરસપહાર દ્વારા કરેલ છે. મંદિરની પાસે આવેલું હજારો ફેણવાળા સુંદર કોતરણી યુક્ત મંદિરમાં ગોગાબાપાની મૂર્તિની પ્રતિષ્ઠા તા. ૨૭.૦૧.૧૯૯૬ના રોજ મહાસુદ-૮ ના દિવસે કરવામાં આવેલી. તેથી આ દિવસે પટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મંદિરને ફૂલોથી, રોશનીથી અને આસોપાલવના તોરણ, ધજા પતાકાના તોરણ વગેરેથી ખૂબ જ કલાયુક્ત શણગારવામાં આવે છે. મંદિરની શોભા દીપી ઊઠે છે. રાત્રિનો નજારો તો કંઈક અલગ જ હોય છે. જોનારા દંગ જ રહી જાય છે. એક વખત આ દિવસે આવેલો ભક્ત આ દિવસે અચૂક આવે છે. આ દિવસને કદી ભૂલાતો નથી.

યજ્ઞશાળામાં ગોગાબાપાનો યજ્ઞ થાય છે. જે સવારથી સાંજ્ સુધી ચાલે છે. શાસ્ત્ર-સમંત યજ્ઞ મહાન જાણકાર પંડિતો દ્વારા સંપન્ન કરવામાં આવે છે. લોકો યજ્ઞ નારાયણના દર્શન અચૂક કરે છે. મંદિરોમાં ધજા ચડાવવામાં આવે છે અને ભગવાનને થાળ ધરાવવામાં આવે છે.આ દિવસે પધારનાર દરેક ભક્તોને ગોગાબાપાનો પ્રસાદ (પાકુ ભોજન) આગ્રહથી બેસાડીને પીરસવામાં આવે છે. ભોજનાલય પણ એટલું વિશાળ બનેલું છે કે લોકો મુક્ત રીતે પ્રસાદ લઈ શકે છે.દરેક ભકત જ્યારે ઇચ્છે ત્યારે પ્રસાદ અને ચા-પાણીની વ્યવસ્થાનો લાભ લઈ શકે છે. સમયદાની ભક્તો આવા ઉત્સવોના દિવસે આખો દિવસ સેવા આપતા રહે છે અને વ્યવસ્થા જાળવવા તેઓનું યોગદાન એ જ ગોગાબાપાની ભક્તિનો પુરાવો છે.

સેવા આપવા માટે યુવાનોને કે વડીલોને કહેવું પડતું નથી. સ્વયં પોતાની ઇચ્છાથી યોગ્ય લાગે તેવી સેવામાં જોડાઈ જાય છે. કેટલાક ભક્તો તો સ્વચ્છતાને પ્રાધાન્ય આપે છે. કચરો-ગંદકી, સાફ-સફાઈ, બાથરૂમ, સંડાસ, પાણીના સ્ટેન્ડને સ્વચ્છ રાખવાની અવિરત સેવા બજાવે છે.

આ ગોગાબાપાના પાટોત્સવનો આખો દિવસ ભક્તિમય વાતાવરણમાં પસાર થાય છે. વસંતઋતુનો આ સમયા આહલાદક હોય છે. તે વખતનું વાતાવરણ ખુશનુમા હોય છે.

આ વખતે નહી ઠંડી કે નહી ગરમી તેવું હવામાન દરેકની માફક આવે છે. વડદાદાનો છાંયો તો ખરો જ. આ દિવસે ગોગાબાપાના દર્શન કરીને ધન્ય બની જાય છે. ઘણા વર્ષોથી ભક્તોનો ઘસારો અવિરત વધતો જ જાય છે. તે મુજ્બ આયોજન અને વ્યવસ્થામાં પણ ફેરફાર થતાં રહે છે અને સગવડોમાં પણ વધારો થતો રહે છે. શેભરીયા ગોગાબાપા આસ્થા સાથે આવતા ભક્તોની સર્વે મનોકામના પૂરા કરે છે.

(૪)

ભક્તોની અન્ય સગવડો

શ્રી શેભરીયા ગોગાબાપાના ધામમાં કાયમ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે. રવિવારે રજા હોવાથી દૂરદૂરથી લોકો દર્શન કરવા વધુ આવે છે. આ દિવસે દર્શનનો પ્રવાહ વધુ હોવાથી ભીડ પણ રહે છે. વાહનોમાં પણ દર્શનાર્થીઓ આ દિવસે વધુ આવે છે. આ જંગલ વિસ્તાર હોઈ અને આજુ- બાજુ ૩ કી.મી. વિસ્તારમાં કોઈ ગામ ન હોવાથી કોઈ બીજી સગવડો મળતી નથી. તે મુદ્દાને ધ્યાને રાખી ટ્રસ્ટી મંડળે રવિવારે દરેક દર્શનાર્થીને પ્રસાદ આપવાની ગોઠવણ કરેલી છે. રવિવારે દરેક દર્શનાર્થીને પ્રસાદ લેવા આગ્રહ કરવામાં આવે છે. અહીંની દરેક સેવા વિના મૂલ્યે હોય છે. ગોગાબાપાની કૃપાથી તેમના ભક્તોને આ સગવડ મળે છે. ભક્તો પોતાની રાજીખુશીથી દાન પેટીમાં ભેટ મૂકે છે કે મંદિરમાં પરિસરમાં ટેબલ ઉપરથી પાવતી મેળવી શકે છે. દરેક રવિવારે ભક્તોને કોઈ તકલીફ ન પડે તેની વ્યવસ્થા થયેલ છે.

અહીં ગોગા બાપાની એક બાજુના ડુંગરા ઉપર રખેશ્વર ગુરુમહારાજ અને બીજી બાજુના ડુંગરા ઉપર ચામુંડા માતાના સ્થાનકો આવેલા છે. સોમવારે અને ગુરુવારે ગુરુમહારાજના સ્થાને બાબરી ઉતારવા અને લોટ ચઢાવવા (ચુરમાનો પ્રસાદ) ભક્તો આવે છે. તે દરેક ને પ્રસાદ બનાવવા અહીં તમામ સગવડો પુરી પાડવામાં આવે છે. સોમવારે કેટલાક ખાસ ભકતો ગોગાબાપાના દર્શને આવે છે. દરેક ભક્તો ગોગાબાપાના દર્શને આવે છે. દરેક ભક્તો માટે સવારથી સાંજ સુધી ચા-પાણીની વ્યવ્સ્થા તો કાયમી છે જ તે સિવાય ભક્તોની માંગણી મુજબ વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

અંબાજી જતા સંઘો અને ગોગાબાપાએ આવતા પગપાળા સંઘોના ભક્તોને રહેવા માટે મોટી ધર્મશાળા છે. નાહવા-ધોવા માટે બાથરૂમ તથા પાણીની સગવડ કરવામાં આવેલી છે. ખાવા-પીવાની જેઓને જાતે વ્યવસ્થા કરવી હોય તેમને વાસણ, બળતણ, ભોજનાલયમાં તમામ સગવડ આપવામાં આવે છે. લોકો આ સવલતો મળવાથી ખુશી અનુભવે છે અને ગોગા બાપાની સંસ્થાના વખાણ કરતાં જાય છે.