સાહિત્ય-લેખો

વીરડા – કિશોર સિંહ સોલંકી

[ પ્રસ્તુત લેખ વીરડાના લેખક શ્રી વડગામ તાલુકાના મગરવાડા ગામના વતની છે આ લેખ તેમના પુસ્તક સુગંધનો સ્વાદ માંથી સાભાર વડગામ.કોમ ઉપર મુકવામાં આવ્યો છે. ]

આજે ચારેબાજુ પાણીની બૂમાબૂમ છે. લોકો-પ્રાણીઓ-પશુઓ પાણી વિના વલખાં મારી રહ્યા છે! પણ છપ્પનિયા દુકાળને અભડાવે એવો ગોઝારો કાળ આજે દુંદુભિ ગગડાવી રહ્યો છે – આપણા માથા ઉપર!

વહેળા અને વાંકળાં, નદી અને સરોવર, તળાવ અને કૂવા પાણી વિના ટળવળવા લાગ્યાં છે આજે તો. આજે તો વહેળા અને વાંકળાં કે નદીનું નામનિશાન પણ રહ્યું નથી. જ્યાં બંને કાંઠા લઈને જતી એ નદીઓનો પટ આજે પાધર થઈ ગયો છે ત્યારે ત્યાં ઊભા રહીએ તો આંખોમાં આંસુ આવી જાય એવી સ્થિતિ થઈ હોય છે.!

પણ મારા ગામના સદ્દભાગ્યે કે દુર્ભાગ્યે કોઈ નદીની હૂંફ મળેલી નહીં ગામને ! પણ અમારા ગામનો વહેળો કુંવારકા એટલે કે સરસ્વતી નદીને મળતો, એવું યાદ છે આજે તો! ત્યારે તો એ વહેળો કહેવાતો પણ કોઈ નદી તો એના આગળ જખ મારે એવો હતો એ !

એ જ વહેળાના કાંઠે અમારું આંબાવાડિયું હતું ! એટલે એ વહેળાનાં મેં અનેક રૂપ જોયાં છે, અનુભવ્યા છે. અમારા આંબાવાડિયાની બરાબર પાસે જ બારમાસી પાણીનો ઘરો હતો. એ ઘરામાંથી કયારેય પાણી સુકાતું નહી ! એટલે એની અનેક કિવદંતીઓ ચાલતી. એ ઊંડા પાણીના ધરાએ મને નવું જીવન આપ્યું છે, મને ઘણું શીખવ્યું છે એણે તો ! એના કાંઠે ઊભેલા વૃક્ષોને ડાળીઓ ઉપરથી સીધેસીધા એ ધરામાં ભૂસકા માર્યા છે અમે ! તો જળ બિલાડીઓ પણ પહેલી વહેલી એ ધરામાં જ જોઈ હતી અમે ! પાણીમાં રહેતા સાપનો પ્રથમ સ્પર્શ એ ઘરાએ કરાવ્યો હતો અમને ! અને એ ઘરામાં આવેલા મોટા બે મગરના મોઢામાંથી બચ્યા હતા ! એ જ ઘરામાં અમને ડૂબાડ્યા અને જિવાડ્યા પણ છે. એવી હતી એની કરામત ! વરસમાં એકાદ ભોગ તો એ ધરો અચૂક લે તો જ, એવી તો એની શાખ હતી આખા ગામમાં ! એટલે એ ઘરાની પાસે જવાની સખત મનાઈ હતી પણ બાંધ્યા રહીએ તો અમે ટેંણિયા નહીં !

અમારા વહેળાનો પટ પણ વિશાળ વિસ્તરેલો: એના આજુબાજુના વિસ્તારમાં ભોંયબાવળીની જબરજસ્ત ઝાડી! કોઈ દિવસે અંદર સંતાઈ જાય તોયે મળે નહીં એવી તો એની હાક! એટલે ચોર ડાકુઓને છુપાવા માટેનો મોટો આશરો હતો એ ભોંયબાવળી તો !

એ વહેળાના કાંઠેની લીલાશમાં અમે ઉનાળામાં સવાર-સાંજ ભેંસો ચારવા જતાં ! પણ ઉનાળામાં વહેળો દયામણો લાગતો ! પોલિયો થયેલા માણસ જેવી એની સ્થિતિ થતી ! ક્યાંય પાણીનો રેલો જણાઅ નહીં પણ અંતરે અંતરેના ધરાઓમાં પાણી ભરાયેલું રહેતું !

અમે એની ભીની ભીની વેળુમાં આળોળતા ચડ્ડીઓ કાઢીને ! પછી ઘરામાં ઘાબૂલા કૂટતા ! પણ તરસ્યા થઈએ એટલે શું કરીએ ? તો ઘરાની પાસેના વેળુમાં બધા ‘વેઈડીઓ’ ગાળતા! દરેકને પોતાની ‘વેઈડી’ રહેતી !

અમે સવારે ભેંસો લઈને આવતા એટલે પહેલું કામ કરતા વેઈડીઓ ગાળવાનું. વિસ્તરીને પડેલી વેળુમાં અમે મંડી પડતા હાથથી વેઇડીઓ ગાળવા ! દરેક પોતપોતાની જગ્યા નક્કી કરી લેતા પછી ખોદવા લાગતા. વેળુની સાથે છીપલાં, પથરા વગેરે નીકળતા. જેમ જેમ વેઇડી ખોદતા જઈએ એમ એમ એમાંથી પાણી ફૂટતું.

વેળુમાંથી માર્ગ કરીને આવતું પાણી જોવું એ પણ એક લ્હાવો હોય છે. સહેજ  ખોદીએ અને ચારેબાજુથી એમાં સરવાણીઓ ફૂટતી અને થોડી વારમાં તો આખી વેઇડી ભરાઈ જતી !

નાની હોય તો વેઈડી (વીરડી) અને મોટો હોય તો (વીરડો) કહેતા અમે! અમારે ટાબરિયાંને કેટલું પાણી જોઈએ ? એટલે વેઇડી જ, બરાબર ને ? પણ જો પાસેનાં ખેતરોમાં કાંઈ કામ ચાલતું હોય અને મજૂરો વગેરે હોય તો પછી વેઇડા ગાળવા પડતા જેથી માટલાં ભરીને પાણી ભરી શકાય !

અને ટાબરિયાં અમારી વેઇડીઓ હારબંધ ગાળતાં ! કોની વેઇડી પહેલી ભરાય છે એની રાહ જોતાં ! જેની વેઇડી પહેલી ભરાય એ ભમરાળો કહેવાતો ! હું તો મારી વેઇડી ઘરાની નજીકની વેળુમાં પસંદ કરતો એટલે તરત જ પાણીથી ભરાઈ જતી ! અને બધાની ઇર્ષાનો ભોગ બનવું પડતું મારે !

પોતાની વેઇડી ભરાઈ જાય એટલે એમાંથી જ પાણી પીવાનું ! જો ખોબો ભરીને લઈએ તો વેઇડીનું પાણી ડહોળાઈ જાય ! એટલે અમે બકરી બની જતા. ખુદાની દુઆ માંગવા અમે ઢીંચણે પડતા અને અમારા હાથના ટેકાથી વેઇડીના પેટનું પાણી પણ હલાવ્યા વિના – બે હોઠ ડુબાડીને ગટગટાવતા પાણી ! ત્યારે અમારે તમારી જેમ ફિલ્ટર લગાડીને પાણી ગાળવાનું નહોતું  રહેતું ! તમારે તો હવે ચોખ્ખા પાણી પીવાના પણ વલખાં છે, એટલે શું કરવાનું તમારે ?

વેળુમાં ગળાઈ-ચળાઈને આવતું પાણી મીંઠુ લાગે. અમે તો શ્વાસ લઈને ગટગટાવીએ. પાણીથી જ પેટ ભરાઈ જતું એટલે વિર ભીમસેન બનીને ચાલવા લાગતા ! અમે જયારે હારબંધ બકરી બનીને પાણી પીતા ત્યારે એ દ્રશ્ય જોવાનો પણ એક લ્હાવો હતો !

દરેક જણ પોતાની વેઇડીની આજુબાજુ સરસ મજાની બેસવાની જગા બનાવે ! જે બાજુથી ઢીંચણે પડીને પાણી પીવાનું હોય એને તો થેપીને બનાવીએ! કારણ કે એ જ તો અમારા આખા દિવસનો પાણીનો ખજાનો રહેતો! તમારી જેમ વોટરબેગ સાથે લઈને ફરવાનું સદ્દભાગ્ય ત્યારે અમારે કરમે ક્યાંથી હોય?

અમે તો વેળુનાં પૂતળાં! વેળુમાં વીરડા ગાળવાના ! વેળુમાં રમવાનું અને વેળુમાં ઊંઘવાનું! વેળુના દેશના વાસી! વેળુ અમારી મા ને વેળુ અમારો જન્મારો! અમારાં હાડકાં પણ એ વેળુનાં અને અમારા લોહીનું વહેણ પણ એ વેઈડીઓવાળું!  એટલે એ વેળુ અને એ વેળુડીઓ અમારું જીવતર હતું, ભઈલા!

આજે એ જીવતરને તમારા ફિલ્ટરે ગ્રસી લીધું છે. તમારી દાવાઓએ દાટી દીધું છે અને તમારા ફ્રીઝે એને થીજવી દીધું છે. તો પછી ક્યાંથી આશા રાખી શકાય એ વેળુમાંથી ફૂટતી સરવાણીઓની ?

અમે ક્યારેક મસ્તી-તોફાન પણ કરી લેતા. કોઈ વેઇડીમાં પાણી પીવા નીચો થાય અને પાણી પીવા જાય કે આવીને એનું આખું માથું પાણીમાં ડબોળી દેતા! એક વખત તો એક જણાને નાકથી પાણી પીવાઈ ગયું. એટલે  એ તો એવો વીફરેલો કે ન પૂછો વાત! એનું માથું ડબોળનારને લાકડી લઈને પાછળ પડેલો! પેલો હાથમાં નહીં આવ્યો એટલે છૂટી લાકડી એના ટાંટિયામાં મારી દીધી હતી. પેલાને બરોબરનું વાગેલું, પણ પછી એમે ભેગા મળીને નક્કી કરેલું કે, આવી મસ્તી કરવી નહીં !

બીજા દિવસે આવીએ એટલે વેઇડીમાનું પાણી વાસી થઈ ગયેલું હોય ! એટલે એ પાણી તો બદલવું જ પડેને ? એટલે બધા વળગી પડીએ વેઇડીઓમાનું પાણી ઉલેચવા માટે. જોત જોતામાં તો વેઇડીઓ ખાલી કરી નાખીએ! સાફ કરી દઈએ અને થોડી વારમાં તો પાણી થી ભરાઈ જાય વેઇડીઓ ! અને ફરીથી ચાલુ થાય અમારો નિત્યક્રમ !

અમે અળવીતરા પણ જબરા! અમારામાંનો કોઈ વધારે ડાહ્યો થતો હોય તો એની પણ અમે દવા કરીએ. એક કાન થી બીજા કાન સુધી આખો પ્લાન પહોંચી જાય અને એ જ્યારે ડોબાને ક્યાંક વાળવા જાય કે આઘો-પાછો થાય તો એની વેઈડીમાં જઈને પેશાબ કરી આવવાનો ! એને તો બિચારને ક્યાંથી ખબર હોય કે,પોતાની સાથે કેવા કાવાદાવા ખેલાયા છે?

એ પાછો આવે એટલે અમે ઘાટ ઘડીને જ રાખ્યો હોય. ‘ચાલો પાંણી પીવા જૈએ’ અને સમૂહમાં જઈ પહોંચીએ વીઈડીઓના કાંઠે ! ઢીંચણે પડીએ પણ અમે પાણી પીવાના બદલે પેલાની સામે ત્રાંસી આંખે તાકી રહીએ. પેલો તો ગટગટાવતો હોય વટથી એટલે અમારાથી હસુ ખાળી શકાય નહીં ! અમે બધા જ ખડખડાટ હસી પડીએ એટલે એને શંકા જાય! અમારામાંથી એકાદ ડાહ્યો થઈ જાય કે, ‘તી મૂતર પીધું..’ બસ પછી તો પૂછવું જ શું? પાણીપતનું યુધ્ધ જ જોઈ લ્યો. બૂમાબૂમને મારામારી! અમે બધા હારેલા યોઘ્ઘાની જેમ નાસી છૂટીએ દૂર દૂર. અને હસી હસીને બેવડ વળી જઈએ! એવો હતો એ વેઇડીઓનો પ્રતાપ!

પણ હવે તો એ વહેળોય નથી કે નથી રહી ભોંય બાવળી! પછી ક્યાંથી હોય વેઈડીઓ કે વેઇડા? આજે તો પાણીના છાંટા માટે પંખીઓ તરફડે છે. પછી ક્યાં ખોદવાની હતી હારબંધ વેઈડીઓ? હાથથી વેળુમાં વેઇડીઓ ખોદતાં ત્યાં આજે શાયડા મૂકવા છતાંય પાણી આવતું નથી- ધરતીના પેટાળમાંથી! ક્યાં ગયું એ પાણી? ક્યાં ગયા એ વહેળા? ક્યાં ગયા એ બારમસી ઘરા? ક્યાં ગયા એ ઢોર ચારવા આવતાં ટાબરિયાં?

આજે તો ઊડે છે ધૂળના ગોટેગોટા અને લાય વરસે છે આકાશમાંથી! અંગારા ઉપર ચાલતા હોય એવી ધરતી બની ગઈ છે. નથી રહ્યા વહેણ કે નથી ફૂટતી સરવાણીઓ ! તો પછી ક્યાંથી બચી હોય વેઇડી-વેઈડીઓની અમારી સંસ્કૃતિ? કોણે નાશ કર્યો એનો? જો ઇશ્વર જેવું કોઈ હોય તો એ જરૂર ‘માણસ’ જેવો બની ગયો હશે; નહીતર આવી દશા ન આવે વેઇડીઓની !