વડગામમાં નિદાન કેમ્પ યોજાયો.
તા.૨૯.૧૧.૨૦૧૫ને રવિવારે વડગામ મુકામે વડગામ તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે પાલનપુર સ્થિત નારાયણા હેલ્થ દ્વારા સંચાલિત માવજત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના દ્વારા www.vadgam.com ગ્રુપ સહયોગથી નિદાન કેમ્પ યોજાઈ ગયો. આ નિદાન કેમ્પમાં પથરી / પ્રોસ્ટેટની સમસ્યાઓની નિવારણ, ગર્ભાશયના ઓપરેશન પછી પેશાબનું લીક થવું, છીંક ખાસી સાથે પેશાબ થઈ જવો. પેશાબમાં વારંવાર ઇંફેશન, ઘૂંટણ / થાપાના પ્રત્યારોપણની સલાહ, સંધિવાને કારણે પ્રત્યારોપણની જરૂર, સાંધાનો ઘસારો, ફ્રેકચર, અકસ્માત/પડી જવાથી થયેલ ઇજાઓ, એંજિયોગ્રાફી/પ્લાસ્ટીની સલાહ, ભૂતકાળમાં આવેલો હાર્ટએટેક, હર્દયની અન્ય તકલીફ, વારસામાં હર્દયરોગ વગેરે સમસ્યાઓનું આ કેમ્પમાં ઉપસ્થિત દર્દીઓનું આવશ્યક નિદાન માવજત હોસ્પિટલના તજજ્ઞ યુવા ડૉક્ટરોની ટીમના ડૉ. યોગેશ સ્વામી (કન્સલટન્ટ યુરોલોજીસ્ટ), ડૉ. પાર્થિવ રાવલ (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) અને ડૉ. મેહુલ પટેલ (ઇન્ટરવેન્શનલ કાર્ડીઓલોજીસ્ટ) દ્વારા કરી યોગ્ય સલાહ સૂચન આપવામાં આવ્યુ હતું. નોંધપાત્ર બાબત એ હતી કે આ તમામ ડૉક્ટરશ્રીઓ અને માવજત હોસ્પિટલના સ્ટાફ મિત્રો સર્વે શ્રી હુસેનભાઈ, શ્રી વકારભાઈ અને હુક્મી સીસ્ટર તેમજ નારાયણા હેલ્થના મુખ્ય અધિકારી શ્રી કવિ વ્યાસ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ પણ અપેક્ષા વગર કે પોતાની સગવડનો ખ્યાલ રાખ્યા વગર માત્ર માનવિય અભિગમ રાખી સતત ખડે પગે કોઈ પણ ફરિયાદ વગર દર્દીઓની ખૂબ જ ઉમદા રીતભાતથી સેવા કરી સુંદર સહકાર આપવામાં આવ્યો હતો.
વડગામ તાલુકા પ્રાથમિક શાળા-૧ ના મુખ્ય આચાર્યશ્રી રઘનાથભાઈ જેગોડા એ આ નિદાન કેમ્પ માટે જ્યારે અમે તેમની શાળાની સ્થળ પસંદગી માટે વિનંતી કરી ત્યારે તેઓશ્રી દ્વારા કોઈ પણ જાતની મુશ્કેલી વગર સેવાકિય કેમ્પ માટે જરૂરી તમામ મદદ પુરી પાડી તુરંત મંજુરી આપી દેવામાં આવી એટલુ જ નહી નિદાન કેમ્પના દિવસે તેઓ શ્રી અને તેમના સ્ટાફ મિત્રો વહેલી સવારથી તે કેમ્પની પૂર્ણાહૂતિ સુધી સતત હાજર રહી યોગ્ય જરૂરી સુવિધાઓ પુરી પાડતા રહ્યા આ ઉપરાંત આ શાળાના શિક્ષક શ્રી ગણેશભાઈ રધનાથભાઈ ડેકલિયાએ આ કેમ્પની પૂર્વ તૈયારી માટે સતત દોડધામ કરી ખૂબ જ સહકાર આપ્યો.
વડગામમાં વિધ્યાર્થીઓને શિક્ષણ અને કેળવણી આપવામાં અગ્રેસર એવી ગેલેક્ષી સ્કૂલના સંચાલક શ્રી કાનજીભાઈ ચૌધરીને વિનંતી કરવામાં આવી કે આપની શાળાના ૧૦ વિધ્યાર્થીઓની આ કેમ્પમાં સેવા આપવા માટે જરૂર પડશે તો તેઓશ્રી અને તેમના વિધ્યાર્થીઓએ સતત આ નિદાન કેમ્પમાં જે પણ કામગીરીની જરૂર પડી તે જવાબદારી સ્વયં ઉપાડી લઈ યોગ્ય કેળવણી દ્વારા વિધ્યાર્થીઓ કેવુ સુંદર કામ કરી શકે તેનો પરિચય ઉપસ્થિત અમને સૌને કરાવ્યો.
www.vadgam.com ગ્રુપ, વડગામ સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ, વડગામ ગાયત્રી પરિવાર, વડગામ તાલુકા આર.એસ.એસ, વડગામ ચોધરી યુવા પરિવાર, વડગામ રાજપૂત યુવા સંગઠન ના પદાધિકારીઓ, વિવિધ સમાજના આગેવાનો, યુવા મિત્રો તેમજ ગામના સરપંચશ્રી આ નિદાન કેમ્પમાં સતત ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતું.
મેડિકલ સારવાર દિનપ્રતિદિન મોંઘી થતી જાય છે જે ગરીબ વ્યક્તી માટે તો ઠીક પણ મધ્યમ વર્ગને પણ આવી સારવાર લેવી પોષાય તેમ નથી. આજે જ્યારે પાલનપુર જેવા શહેરોમાં વ્યક્તી માત્ર પોતાની શારીરિક તકલીફોનું નિદાન કરવા જાય ત્યારે સહેજે રૂ.૫૦૦ થી રૂ.૧૦૦૦/- નો ખર્ચો થઈ જતો હોય છે તેવા સંજોગોમાં આવા નિદાન કેમ્પ જો ગ્રામીણક્ષેત્રોમાં સમયાંતરે યોજવામાં આવે તો ચોક્કસ સમાજસેવાનું ઉત્તમ કાર્ય કર્યુ લેખાશે તેવુ આ નિદાન કેમ્પમાં હાજર સૌ કોઈના મંતવ્યો અને સંતોષથી વ્યકત થતુ હતું.
ગ્રામીણ સમાજે યોગ્ય દિશામાં જવાબદારીપૂર્વક વિચારવાની જરૂર છે. સૌ સાથે મળી બિનજરૂરી ધાર્મિક ખર્ચાઓ ઉપર કાપ મુકી સંગઠીત રીતે અને સહકારથી યોગ્ય સમાજઉપયોગી કાર્યો તરફ જો ધ્યાન આપવામાં આવે તો ચોક્કસ આપણે વડગામ તાલુકાની ઉજ્જવળ આવતીકાલ માટે આશાવાદી બની શકીશું.
આ નિદાન કેમ્પનો જે પણ મિત્રોએ / વડીલોએ તાલુકાના છેવાડાના ગામડા સુધી સોશિયલ મિડિયાના ઉપયોગથી તેમજ અન્ય રીતે પ્રચાર-પ્રસાર કર્યો છે તેમજ નિદાન કેમ્પમા ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવવા સહકાર આપ્યો છે તે સૌનો તેમજ માવજત હોસ્પિટલના સંચાલક મંડળ, નારાયણા હેલ્થ, શ્રી કવિ વ્યાસ તેમજ માવજત હોસ્પિટલના તમામ સ્ટાફમિત્રોનો ગ્રામીણ પ્રજાના લાભાથે આપેલ અમૂલ્ય સેવાને બિરદાવી www.vadgam.com ગ્રુપ આભાર માને છે.
For More Photographs of the medical Camp Pl. Click Here.
Tamam samaj ne sathe lai aava umda karyo karva badal aap sarve no aabhar