વડગામ.કોમ : પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી
પ્રિય વડગામ તાલુકાના સર્વે ભાઈ-બહેનો તથા વડગામ વેબસાઈટના સર્વે મુલકાતીઓને વડગામ વેબસાઈટના પાંચમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે અંતરની શુભકામનાઓ પાઠવું છુ. ઇ.સ.૨૦૦૯-૨૦૧૦માં શરૂ થયેલ વડગામ તાલુકાની વેબસાઈટ આજે નવારૂપ રંગ સાથે પાંચમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે અનહદ આનંદની લાગણી અનુભવું છું.
છેલ્લા વર્ષો દરમિયાન વેબસાઈટ નિભાવણી માટે અનેક ટેકનિકલ,આર્થિક અને સમયની મર્યાદાઓની મુશ્કેલીઓ આવી પણ કર્મસંજોગે સાથે સાથે એવા લોકોનો સાથ અને સહકાર પણ મળતો ગયો જેના થકી મુશ્કેલ પરિસ્થિતિઓ સામે આ વેબસાઈટ ને જીવંત રાખી શકાયી, જેના યશભાગી અનેક લોકો છે, જો જે તે સમયે આવા લોકોનો સાથ-સહકાર ના મળ્યો હોત તો કદાચ વડગામ વેબસાઈટનું આજે અસ્તિત્વ ના હોત તેમ કહી શકાય.
ઇ.સ.૨૦૦૮ની સાલમાં વડગામ વેબસાઈટની શરૂઆત કરવાનો સૌ પ્રથમ વિચાર ત્યારે આવ્યો જ્યારે ઇન્ટરનેટ ઉપર “વડગામ” સર્ચ કરતા વડગામ તાલુકાના ઇતિહાસ વિશેની કે વડગામ તાલુકામાં આવેલ તિર્થસ્થાનો વિશેની કે વડગામ તાલુકાના પ્રભાવશાળી વ્યક્તિવિશેષો વિશેની કોઈ માહિતી ઉપલબ્ધ ન હતી. મનમાં થયું ૧૧૦ તાલુકાઓનો બનેલો વડગામ તાલુકો જે એક સમયે ધાન્ધાર પંથક તરીકે પ્રચલિત હતો,જેના વૈભવશાળી ઇતિહાસથી આવનારી પેઢી માહિતગાર કેવી રીતે રહેશે ? આપ સૌ જાણો છો કે આજના આધુનિક યુગમાં ઇન્ટરનેટનો વપરાશ કુદકે ને ભૂસકે વધી રહ્યો છે અને ગામડાઓ સુધી તેનું નેટવર્ક પહોંચી ગયું છે ત્યારે નવી પેઢી તેનો અસરકારક ઉપયોગ કરી રહી છે,તેવા સંજોગો માં વડગામ તાલુકાની સંપૂર્ણ માહિતી સંગ્રહ કરવા માટે વડગામ વેબસાઈટની રચના કરવાનો વિચાર મને યથાયોગ્ય લાગ્યો.
અને ધીરે ધીરે આ વિચાર કાર્યમાં પલટાતો ગયો અને આજે આપ સૌ આ વેબસાઈટ થી સારી રીતે પરિચિત થઈ રહ્યા છો જે તેની સફળતાની નિશાની છે. આપણા સૌના માટે આજે સારા અને મહત્વના સમાચાર એ છે કે આજ થી એટલે કે તા.૨૦.૦૭.૨૦૧૩ થી વડગામ વેબસાઈટને યુ.એસ.માં આવેલા વધુ સારા સર્વર ઉપર લઈ જવામાં આવી છે જેથી ૨૪ કલાક આ વેબસાઈટની સેવા અવિરત સૌ મુલાકાતીઓને મળતી રહે.
આ વેબસાઈટને ટકાવી રાખવામાં જે જે લોકોએ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે મહત્વપૂર્ણ મદદ કરી છે તેવા મહાનુંભાવોને આ તબક્કે યાદ ના કરીએ તો આપણે નગુણા કહેવાઈયે. પ્રથમ તો પ્રશ્ન હતો આર્થિક બાબતોનો કારણકે કોઈ પણ વેબસાઈટને વ્યવસ્થિત ચલાવવા માટે સારો એવો ખર્ચ કરવો પડતો હોય છે,તો આનો ઉકેલ મારા માતા-પિતા સૂરજબેન લક્ષ્મણભાઈ ઉપલાણા અને લક્ષ્મણભાઈ શામળાભાઈ ઉપલાણા ના આર્થિક સહયોગથી મળ્યો. નેધરલેન્ડ સ્થિત મારા મિત્ર મિ.પેલે એ અંગત રસ લઈને વડગામ વેબસાઈટમાં વારંવાર ઉદ્દભવતા ટેકનિકલ પ્રશ્નોના નિરાકરણમાં ખૂબજ સહયોગ આપ્યો. આ ઉપરાંત અમારા સ્વજન જેવા વડોદરાના શ્રી મૃગેશભાઈ શાહ કે જેમણે નજીવી કિમંતમાં વડગામ વેબસાઈટ ની ડિઝાઈન તૈયાર કરી આપી અને માર્ગદર્શન આપતા રહ્યા. અમદાવાદના શ્રી સત્યેન્દ્ર ચૌધરીએ પણ ટેકનિકલ પ્રશ્નો ઉકેલવામાં બનતી મદદ કરી.
હવે વેબસાઈટ તો તૈયાર થઈ ગઈ પણ વડગામ તાલુકા વિશેના લેખોની માહિતી લાવવી ક્યાંથી તો એનો પણ ઉકેલ અથાક મહેનત થકી મળતો ગયો અનેક લોકોએ વડગામ તાલુકાનો ઇતિહાસ અને માહિતી પુસ્તક સ્વરૂપે તેમજ વર્તમાનપત્રો માં લખી છે તેવી માહિતી મળતા અનેક લાઇબ્રેરીઓ અને વ્યક્તિગત લોકોનો સંપર્ક કરી આવી માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કરતો ગયો,માહિતી એકઠી થતી ગઈ.
વડગામ તાલુકા ની માહિતી જે રેફરન્સ બુકો,સમાચાર પત્રો માંથી આભાર સહ મેળવી છે તેના લેખકો ,સંપાદકો વડગામ ગાઈડ નાં લેખક,સંપાદક શ્રી શરીફભાઈ ચશ્માવાલા , સ્વરાજ્યના શ્રી જીત્તેન્દ્રભાઈ મહેતા,માલણ નાં વતની અને લોક સાહિત્યકાર શ્રી મુરાદખાન ચાવડા,ડીસાના શ્રી કનુભાઈ આચાર્ય, દિવ્યભાસ્કર, મેસેજ દૈનિક અને રખેવાળ નાં તત્રી શ્રી તથા વડગામ તાલુકા પ્રતિનિધી શ્રી પુષ્કરભાઈ ગોસ્વામી,મગરવાડા નાં વતની અને પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કિશોરસિંહ સોલંકી, વરણા વાડા નાં વતની શ્રી ફલજીભાઈ ચૌધરી તથા અન્ય નામી – અનામી લોકો નો સાથ-સહકાર મળ્યો છે. માહિતી તો મળતી ગઈ હવે પ્રશ્ન આવ્યો આ માહિતીને ટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવાનો જે બહુ જ સમય માંગી લેતુ કામ હતું. તેનો પણ ઉકેલ મેળ્વ્યો અને નક્કી કર્યુ કે હું આના માટે શનિ-રવિ ખાસ સમય ફાળવિશ અને જાતે જ બધી માહિતી ટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકીશ અને આ રીતે દર અઠવાડીયે નિયમિત નવા લેખો વડગામ વેબસાઈટ ઉપર મુકાતા ગયા અને આજે ૭૦થી પણ વધુ લેખો વડગામ વેબસાઈટ ઉપર મુકાઈ ચૂક્યા છે.
આ ઉપરાંત મારા અગણિત મિત્રો અને વેબસાઈટના નિયમિત મુલાકાતીઓ જેઓના દરેકના નામ અહીં લખવા મુશ્કેલ છે, જેમણે દરેક વખતે મને માનસિક હૂંફ આપીને આગળ વધવાની પ્રેરણા આપતા રહ્યા છે, અને જેમનો મને માનસિક રીતે સજજ કરવામાં અમૂલ્ય ફાળો છે.
કોદરામના વતની અને સુરતમાં વ્યવસાય અર્થે સ્થાયી મારા મિત્ર શ્રી મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિ એ વડગામ વેબસાઈટ માટે ઓલિમ્પસ ડિજીટલ કેમેરો ભેટ આપીને મારુ કાર્ય સરળ બનાવ્યું.
આ ઉપરાંત નામી-અનામી અનેક મિત્રો,સ્વજનો અને વડીલોનો આભારી છું, જેઓનું માર્ગદર્શન મને સતત મળતુ રહ્યું છે.
આમ અનેક લોકોના સહયોગ થકી આ વેબસાઈટ જ્યારે પાંચમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે,તેવા સંજોગોમાં ભવિષ્યમાં આવનાર અનેક બાબતો અંગે અત્યારથી આપણે સૌ એ સજ્જ થવાની જરૂર છે. જેમ જેમ વડગામ વેબસાઈટ ઉપર નો ડેટા વધતો જશે તેમ તેમ વધુ સર્વર સ્પેશ લેવાની જરૂરિયાત ઉભી થશે જેથી વેબસાઈટ નિભાવણી ખર્ચમાં વધારો થઈ શકે છે. અત્યાર સુધી વડગામ વેબસાઈટ નિભાવણી પાછળ લગભગ રૂ.૪૦,૦૦૦/- ઉપર ખર્ચ થઈ ચૂક્યો છે,જે આવનાર સમય માં પણ તેમાં વધારો થતો રહેશે.
એક વિચાર એવો પણ છે કે વડગામ તાલુકાના દરેક ગામ માંથી એક ગ્રામ પ્રતિનિધીની વડગામ તાલુકાની વેબસાઈટ માટે નિમણૂંક કરવી, જેના થકી દરેક ગામમાંથી અગત્યના સમાચાર, માહિતી, જાહેરાતો, ફોટોગ્રાફ્સ, જન્મ-મરણ નોંધ નિયમિત રીતે વડગામ વેબસાઈટને મળતી રહે અને આ રીતે અમુક આવક પણ વડગામ વેબસાઈટ માટે ઉભી કરી શકાય જે નિમણૂંક પામેલ ગ્રામ પ્રતિનિધીઓ વચ્ચે પણ વહેંચી શકાય,જેથી રોજગારીની એક તકનું પણ નિર્માણ થઈ શકે.
વડગામ વેબસાઈટ વધુ માં વધુ ઉપયોગી કેવી રેતી થઈ શકે, અને આવનાર સમયમાં વધુ સારી સુવિધા આ વેબસાઈટના માધ્યમથી તાલુકાવાસીઓને મળતી રહે તેવા અમારા પ્રયત્નો ચાલુ છે….
ફરીથી આપ સૌ નો આભાર…..
લિ.
નિતિન પટેલ
તંત્રી, વડગામ.કોમ
મો: +91 9429407732
પ્રિય મિત્ર , નીતિનભાઈ
ખુબ ખુબ અભિનંદન
તમે જે નિસ્વાર્થ ભાવે આ કાર્ય કરી રહ્યા છો .. એ બદલ પહેલા તો આપનો ખુબ ખુબ આભાર .. અને લોકો ના પ્રેમ અને આપની ભાવના ઓ થી ૫ નહિ ૫૦૦ વર્ષ પણ ઉતરોતર પ્રગતિ સાથે પૂર્ણ થશે ..
આભાર દિનેશભાઈ, આપણા સૌના સહિયારા પ્રયાસ થકી આપણે ચોક્કસ કંઈક નક્કર કાર્ય કરી શકીશું.
Namskar Niteshbhai…….
vaggam.com na 5ma varas mo pravese badal Apane khub_khub Aabhinandan …..
૫ નહિ ૫૦૦૦ વર્ષ પણ ઉતરોતર પ્રગતિ સાથે પૂર્ણ થશે ..તમે જે નિસ્વાર્થ ભાવે આ કાર્ય કરી રહ્યા છો .. એ બદલ આપનો ખુબ ખુબ આભાર ..