આપણા તિર્થસ્થળો, જનરલ માહિતી, વડગામ તાલુકાની આજકાલ, વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ, વડગામનો ઇતિહાસ

ગુરૂ મહારાજ (કરમાવાદ) : ઐતિહાસિક મહત્વ – શ્રી સંજયભાઇ જોશી.

ઈ.સ.1455માં કવિ પદ્મનાભે ‘કાન્હ્ડદે પ્રબંધ’ નામનો અપભ્રંશ ભાષામાં ગ્રંથ લખ્યો એમાં આ તીર્થનું અને ખીલજીએ કરેલ ગુજરાત પર આક્રમણનો અને એના કાંઠાના નગરોનો સવિસ્તાર ઉલ્લેખ છે. પાલનપૂર ના નવાબ તાલે મહમહંમદખાને લખેલ ‘પાલનપુર રાજ્યનો ઈતિહાસ’ અને ‘મિરાતે અહમદી’માં આ સ્થાનનો ઉલ્લેખ છે. અલ્લાઉદ્દીન ખીલજી ની સેનાએ આ વિસ્તારના નગરોનો નાશ કરી અણહિલપૂર પાટણમાં પ્રવેશ કર્યો હતો. ગુરુ શ્રી ધૂંધળીનાથ મહારાજે આસરે 7૦૦ વર્ષ પહેલા ગુરુ ના પર્વત ઉપર ગુફા મંદિરમાં કઠીન તપસ્યા કરી હતી.

અણહિલપૂર પાટણના રાજા કર્ણદેવ બીજાનાં સમયમાં ઈ.સ.1298માં તેના પ્રધાન માધવના કહેવાથી, અલ્લાઉદ્દીન ખીલજીએ તેના બે સેનાપતિઓ ઉલુગખાન અને નુસરતખાન દ્વારા ઈ.સ.1298 થી 1304 દરમિયાન ગુજરાત ઉપર આક્રમણ કર્યું. મારવાડ અને ડુંગરપૂરના રાજાએ અલ્લાઉદ્દીનના સૈન્યને પ્રવેશ ના આપ્યો. મુસ્લિમ સૈન્યએ દંઢાવ્ય અને ધાનધારના રસ્તે થઇ, મહેસાણા, ડાંગરવાના રસ્તે થઇ પ્રહલાદનપૂર, અણહિલપૂર પાટણ અને આજુબાજુના નગરને ખેદાન મેદાન કરી દીધા .છેલ્લે કાઠીયાવાડ ઉપર આક્રમણ કરી સોમનાથ મંદિરને નષ્ટ કરવામાં આવ્યું.ઘોડીયાલ કે જે પ્રાચીન નગર હતું તેનો પણ નાશ કરવામાં આવ્યો. ઈ.સ 960ના દાયકામાં મુળરાજ સોલંકી દ્વારા રુદ્ર મહાલયના પ્રાણ પ્રતિષ્ઠા સમયે દક્ષિણામાં બ્રાહ્મણોને જે ગામ આપવામાં આવેલા તેમાં ઘોડીયાલ ગામનો અને ‘વ્યાસ’ બ્રાહ્મણો નો ઉલ્લેખ છે. હાલના ઘોડીયાલ ગામના રામજીમંદિરના આગળ મુકેલ મૂર્તિઓ અને રામટેકરી ઉપર પુનઃ સ્થાપિત ભગવાન વિષ્ણુની મૂર્તિ આશરે 1200 વર્ષ કરતા પણ વધારે પ્રાચીન છે, જે વર્ષો પહેલા આ નગરમાં ભવ્ય મંદિરોના સાક્ષીરૂપ પ્રમાણો છે. પ્રાચીન સરસ્વતી તીર્થનો અને તેના કાંઠે વસેલા ‘કર્ણ નગરી’નો પણ નાશ કરવામાં આવ્યો.

કરમાવાદમાં ‘મોતીમોલા’ વિસ્તારના પ્રાચીન અવશેષો જેવા કે કૂવા પર રસ્સીના ઘસારા વાળા પત્થરો, શિલ્પકામના નમુના, પર્વત પર મુકવામાં આવતી તોપના ભીંતડા, આરસની ખુમ્ભીઓ, જૂની ઇંટો વગેરે આજે પણ આ જગ્યાએ નગર હતું તેની અને અલ્લાઉદ્દીન ખીલજીના સૈન્યે કરેલ આ નગરની તારાજીની સાક્ષી પૂરે છે. આજે પણ આ યુદ્ધની ભયાનકતાની અસરો લોકજીભે અને દંતકથાઓમાં છે. કરનાળા અને ઘોડીયાલની જૂની અને ખંડિત મૂર્તિઓ અને જુના અવશેષ એ અલ્લાઉદ્દીન ખીલજીના આક્રમણના સાક્ષીઓ છે. જલોતરા ગામની સ્થાપના સંવંત 1502ના વર્ષમાં મહાસુદ પાંચમ ને શુક્રવારના રોજ ભાઈ નરા(નરસિંહ) અને ધીરા (થરા) એ આબુથી આવીને કરી. જલોતરા ગામની સ્થાપના પહેલા અહી ‘ઉજ્જડ ખેડું’ હતું, જેની એક વાવના અવશેષ હમણાં સુધી ગામમાં હતા. આ જુના ગામનો વિધ્વંશ પણ અલ્લાઉદ્દીન ખીલજીના સૈન્ય દ્વાર થયેલો.

પ્રહલાદનપૂર એટલે કે આજનું પાલનપુર એ પણ ખીલજીના આક્રમણનું સાક્ષી છે. ઈ.સ 1218 માં આબુના ધારાવર્ષના ભાઈ પ્રહલાદને પાલનપૂર કે પ્રહલાદનપૂર કે પ્રહલાદન પાટણની સ્થાપના કરી. આ પ્રહલાદન પાટણ એજ પ્રેહપાટણ ! કે જેનો વિધ્વંશ પણ ખીલજીની સેનાએ કર્યો હતો. હાલના કરમાવાદની સ્થાપના ઈ.સ.1719 થી 1735 ની વચ્ચે થઇ ગયેલા પાલનપુરના દીવાન કરીમદાદખાને કરી હતી. આ નગરને ‘કરીમઆબાદ’કે કરીમાબાદ નામ આપ્યું હતું જેનો ઉલ્લેખ ‘પાલનપુરનો ઈતિહાસ’ અને ‘મિરાતે એહમદી’ માં છે. મીરાતે એહમદી નાં પેજ નંબર 257 ની નોંધ પ્રમાણે, “કરીમદાદખાને પોતાની હકુમતના વખતમાં પાલનપુરને કોટ ન હોવાને લીધે અને મરાઠા લોકોની હંગામી સવારીને કારણેથી પહાડોમાં એક કિલ્લો બાંધી, નગર વસાવી તેનું નામ કરીમાબાદ પાડ્યું.” પાલનપુરનો ઈતિહાસ , પેજ નંબર 160 ઉપર કરેલી નોંધ મુજબ, “ દીવાન કરીમદાદના વખતમાં મરાઠાઓના જુલમ અને લૂંટફાટથી ગુજરાતની વસ્તી દુર્દશામાં આવી ગઈ હતી. આ ત્રાસથી કંટાળી વડનગર, વિસનગર, વિજાપુર વગેરે કેટલાક ગામના શાહુકારો તથા બ્રાહ્મણોએ પોતાના જાનમાલ અને આબરુ બચાવવા અર્થે કરીમદાદખાનનો આશ્રય લીધો. તેમણે આ ગભરાયેલી અને પીડાયેલી વસ્તીને ખૂબ દિલાસો આપી પાલનપુરની પૂર્વે દસ માઈલ છેટે આવેલ પહાડોમાં તેમના માટે એક ગામ વસાવ્યું. ગામનું નામ તેમના નામ ઉપરથી ‘કરીમાબાદ’ રાખવામાં આવ્યું.” ગામ લગભગ બસ્સો વરસ સુધી વેપાર અને ધંધામાં અગ્રેસર રહ્યું.

પાલનપૂરના દીવાનો અને આ ગામના હવાલદાર બદલાતા રહ્યા, આ હવાલદારોમાં એક પાંડવા ગામનો મહમ્મદ ઘોરી નામે દુષ્ટ હવાલદાર જે ધર્માંધ, વ્યભિચારી અને જુલ્મી હતો. તેણે આ ગામ અને આજુબાજુના ગામની સ્ત્રીઓ તરફ દુષ્ટ નજરે જોયું અને આ ગામના અને ગુરુ મહારાજના દર્શને જતા શ્રદ્ધાળુઓ ઉપર સખત જુલમ ગુજાર્યો. ઘોરીએ ગુરુ મહારાજના ભજન બંધ કરાવ્યા. મા અંબાના ગરબાની અને ગુરુ મહારાજના ભજનોની જગ્યાએ ધાનધારની બહેનોને પોતાના નામના રાસડા લેવાની કઠોર ફરજ પાડી. ધોરીના ત્રાસથી કરીમાબાદ અને આજુબાજુની વસ્તીમાં ખળભળાટ મચી ગયો. ઘોરીનો ત્રાસ વધતો ગયો. પાલનપુરના તત્કાલીન નવાબ પણ આના સામે કોઈ બંદોબસ્ત કરી શક્યા નહિ. પરિણામ એ આવ્યું કે આ ગામના લોકો ફરી એકવાર આ ગામ છોડીને બીજે જઈ વસ્યા. સમગ્ર ઉત્તર ગુજરાતના ‘સિદ્ધસ્થળ’ એવા ગુરુ મહારાજે આવતા શ્રદ્ધાળુઓ ભયભીત બની ગયા અને પુનઃ એક વાર શ્રદ્ધાળુઓથી ઉભરાતું આ પવિત્ર સ્થાનક સોમનાથ મહાદેવની જેમ ઉજ્જડ બની ગયું .પાલનપુરના છેલ્લા નવાબ તાલે મહંમદખાન જે અસલ જાલોરી રાજપૂત કુળના હતા. ગુરુ મહારાજ અને બાલારામ મહાદેવના ઉપાસક હતા, તેમણે ગુરુ મહારાજે જતા શ્રદ્ધાળુઓને દિલાસો આપ્યો. ગુરુ મહારાજે જતા પહેલા જે સાંકળ ફીટ કરાવેલ તે ‘નવાબ તાલેમહમ્મદખાન’ ના સમયમાં ફીટ થયેલી હતી. ત્યારબાદ ત્યાં સીડીઓઓની વ્યવસ્થા કરવામાં આવી.

કરીમાબાદમાંથી પુનઃ સ્થળાંતર કરીને પાલનપુર અને આજુબાજુ વસેલા શાહુકાર એ ‘સ્થાનકવાસી ચોક્સી’ અટક ધરાવે છે. પાલનપુરના જૈન ‘સ્થાનક વાસી ચોક્સીઓ’ જે સમગ્ર પાલનપુર અને વિશ્વમાં હીરા ઉદ્યોગ અને સોના ચાંદી ના ધંધા ક્ષેત્રે નામના ધરાવે છે, તે મૂળ ‘કરીમાબાદ’ના છે. કરીમાબાદમાં વસતા બ્રાહ્મણોએ પણ સ્થળાંતર કર્યું અને આજુબાજુના ગામડાઓમાં આશરા શોધ્યા .આગળ જણાવ્યું તે મુજબ ગુરુ મહારાજની સેવાપૂજામાં વિઘ્ન ન આવે તેથી કેટલાક લોકો અહી અનેક મુશ્કેલીઓ વેઠીને પણ રહી ગયા છે. ઈ.સ. 1857 થી માંડી ઈ.સ.1947 ના સ્વાતંત્ર સંગ્રામના ગાળા દરમિયાન થઈ ગયેલા કેટલાક ક્રાંતિકારીઓ બ્રિટીશ સરકારના જુલમથી બચવા માટે ભાગીને ગુજરાત તરફ આવેલા. તેઓ ભાવનગર, મોરબી, શિહોર અને પાલનપુર વિસ્તારમાં ગુરુ પર્વત ઉપર સાધુ વેશે પોતાનું શેષ જીવન જીવતા હતા. શિહોરમાં અને મોરબીમાં નાના સાહેબ પેશવાના રહેઠાણના પુરાવા મળે છે. બોડા બાવજી (સ્વામી અભેદાનંદ, ગુરુ નો ભોખરો. ઈ.સ .1969 થી ઈ.સ.1981 ) પણ આ સ્વાતંત્ર સેનાનીઓમાં એક હતા. જે ગુરુ મહારાજ પર્વત ઉપર આશરે બાર વર્ષ કરતા પણ વધારે સમય રહ્યા હતા.

શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજ અને ગુરૂનો ભોખરો જીવન ચરિત્ર અને પરિચય
લેખંકર્તા : શ્રી સંજયભાઇ જોષી (+91 8849932083)
પ્રકાશક :- શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવ્સ્થાન સમિતિ કરમાવાદ – જલોતરા