આપણા તિર્થસ્થળો, જનરલ માહિતી, વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ, વડગામનો ઇતિહાસ

ગુરુ મહારાજના પરચા.- શ્રી સંજયભાઇ જોશી.

ચમત્કાર એ કોઈ વહેમ, અંધશ્રદ્ધા કે કપોળ કલ્પિત વાતો નથી પરંતુ શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન કહે છે : ‘હે અર્જુન ! અનન્ય ચિત્ત વડે મારી ઉપાસના કરનાર મારા ભક્તના યોગ ક્ષેમનું હું વહન કરું છું.’ કર્મની ગતિ પરમાત્માએ પોતાનાથી પણ અધિક કહી છે પરંતુ જયારે કર્મ પણ એક જગ્યાએ હારી જાય ત્યારે ભક્ત પરમાત્માને આર્તનાદે પાર્થના કરે છે, અને પરમાત્મા એની ઈચ્છા પૂર્ણ કરે છે. અહી ગુરુ મહારાજના કેટલાક પરચાનું દર્શન કરીએ જે આપની શ્રદ્ધામાં વધારો કરશે.

પાણિયારી આશ્રમ : નળધરો.

ગુરુ મહારાજના મંદિરે જવાના બે રસ્તા છે. પાણિયારી આશ્રમથી પણ ગુરુ મહારાજના મંદિરે જવાય છે. એકવાર એવું બન્યું કે રાજા નળ અને રાણી દમયંતી પાછળ કલયુગ પડી ગયો. કળિયુગના શ્રાપથી હેરાન થતા રાજા રાણી ‘ગુરુ ના ભોખરે’ આવે છે. અત્યંત તરસ લાગે છે. ગુરુ મહારાજને પાણી માટે પ્રાર્થના કરે છે. ગુરુ ધૂંધળીનાથ મહારાજ પ્રસન્ન થઇ પોતાના નખનો આ પુણ્ય ભૂમિ ઉપર સ્પર્શ કરે છે અને અવિરત જળ ધારા પ્રગટ થાય છે. આ પુણ્યભૂમિ એ રાજા નળની પ્રાર્થના વડે પાણી પ્રગટ કર્યા આથી ‘નળ ધરો’ નામે પ્રખ્યાત થાય છે. પાછળથી ‘નળ ધરો’ એ જ જગ્યા ‘પાણીયારી’ તરીકે ઓળખાય છે. અત્યારે પણ ગુરુ મહારાજની અસીમ કૃપાથી આ સ્થાનકમાં બારે મહિના જળના પ્રવાહ કુદરતી રીતે વહે જાય છે.

નાત જમાડી

ગુરુ મોતીરામે ગુરુ મહારાજની મૂર્તિ સિદ્ધપુરમાં બનાવડાવી, મૂર્તિની પધરામણી પૂર્વે મૂર્તિની શોભાયાત્રા સમગ્ર નગરમાં ફેરવી હતી અને સિદ્ધપુરમાં સરસ્વતિ નદીના સામા કિનારે આવેલા હિંગળાજ માતાજીના મંદિર પરિસરમાં સમગ્ર ઔદીચ્ય સહસ્ત્ર નાત જમાડી હતી. બ્રહ્મદેવો આનંદપૂર્વક જમી રહ્યા હતા અને મા સરસ્વતીના નીર પણ આનંદથી ઘેલા બની બન્ને કાંઠે વહેવા લાગ્યા અને પૂર આવ્યું. કોઈ આ કાંઠેથી બીજા કાંઠે સિદ્ધપુર ના જઈ શકે તેવું પૂર આવ્યું. એટલામાં માલપુઆ બનતા હતા તે ચાચરમાં ઘી ખૂટ્યું. હવે શું કરવું ? ગુરુ મોતીરામે પોતાના પ્રિય મિત્ર અને શિષ્ય રમણ શામળિયાને આદેશ કર્યો, રમણ ! આ સરસ્વતીમાંથી બે ચરુડીયો પાણી ભરી ચાચરમાં રેડી દે અને રમણ શામળિયાએ આદેશ મુજબ બે ચરૂડી સરસ્વતીના જળથી ભરી ચાચરમાં ઠાલવી દિધી. માતાના પાવન જળ ગુરુ મહારાજની કૃપાથી ઘી બની ગયા. માલપુઆ ઉતરી ગયા અને બ્રાહ્મણો તૃપ્ત થઇ ગયા. મા સરસ્વતી પુનઃ પોતાના નિજ પ્રવાહમાં વહેતા થયા અને મોતીરામ મહારાજે પુનઃ રમણ શામળિયાને આદેશ આપ્યો, ‘જાઓ ! રમણ પ્રજાપતિની દુકાને જઈ બે ચરુડી ઘી લઇ મા સરસ્વતીને અર્પણ કરી આવો. મા સરસ્વતીમાં આદેશ મુજબ બે ચરુડી ઘી અર્પણ થઇ ગયું. ધન્ય મોતીરામ મહારાજ ! ધન્ય રમણ શામળિયા ! જય હો મા સરસ્વતી. મોતીરામ મહારાજે પોતાનો ગુરુદંડ વારસો શિષ્ય રમણ શામળિયાને આપ્યો. અત્યારે આ ગુરુ દંડની પૂજા રમણભાઈ શામળિયાના પુત્ર અને ગુરુ મહારાજના અનન્ય ભક્ત શ્રી મહેશભાઈ શામળિયા સિદ્ધપુરમાં પોતાના નિવાસસ્થાને કરી રહ્યા છે.

મહારાજ હવાલદાર બન્યા :

જલોતરાની પાસે કરનાળા ગામ છે. આ ગામમાં જમાલખાનનો જન્મ થયો હતો. નાનકડો જમાલ કરમાવાદ ગામની સીમમાં ભેસો ચરાવે અને ગુરુ મહારાજનો લોટ કરવા આવતા શ્રદ્ધાળુ પાસેથી ચુરમાનો પ્રસાદ ખાય. શરુઆતમાં તો પરસાદિયા ભગત પણ ધીમે ધીમે જમાલ ને મહારાજના નામ અને ભજનની ધૂન લાગી. જમાલખાન મોટા થયા અને પાલનપુરના નવાબના ત્યાં હવાલદારની નોકરીએ લાગ્યા. રાત્રે પહેરો ભરવાનો હોય, ચોકી કરવાની હોય પણ જમાલખાન મહારાજના અનન્ય ભક્ત ! જો ભજનના વાયક આવે તો બધું છોડી ભજન કરવા જતા રહે. એક વાર જમાલખાન ડ્યુટી ઉપર હતા અને ભજનના વાયક આવ્યા, જમાલખાન ડ્યુટી છોડી નીકળી પડ્યા અને આખી રાત મહારાજના ભજનમાં લીન થઇ ગયા. સવારે જાણમાં આવ્યું કે ખુદ નવાબ સાહેબ તપાસ કરવા આવ્યા હતા. ભગત તો બેબાકળા થઇ ગયા અને નવાબ પાસે માફી માગવા દોડ્યા અને કહ્યું ‘સાહેબ મેરે કુ માફ કરો, મેં ભજન મેં ગિયા થા.’ નવાબ બોલ્યા. ‘ અરે ભગત ! માફી કેસી, તુમ ખુદ ડ્યુટી પર હાજર થે, મેરે સે દો પાંચ મિનીટ બાત કી, સાથ મેં ચલમ કી ફૂંક લગાઈ.’ અને જમાલખાન ગુરુનો મહિમા સમજી ગયા અને તાત્કાલિક નોકરીમાંથી રાજીનામું આપી દીધું. નવાબ બોલ્યા, ભગત યે ક્યા ,કહા ચલે ? જમાલખાન બોલ્યા, “જે મહારાજે મારી જગ્યાએ જમાલખાન બની ને નોકરી કરી એ મહારાજની હું નોકરી કરવા જાઉં છું” અને જમાલખાને ભગવા ધારણ કરી લીધા, જમાલખાનમાંથી સંત જમનાપૂરી બની ગયા. અત્યારે સંત જમનાપૂરીની સમાધિ પાલનપૂરના ગણેશપૂરામાં છે. સમાધિ પાસે ગુરુ મહારાજનું મોટું મંદિર પણ છે. જય ગુરુ મહારાજ.

દેવ ડુંગરપૂરી અને દરબાર માધુસિંહ

ધોરી પાવઠીની ઉત્તર દિશાએ ગુરુ મહારાજના પર્વત ઉપર અમરકુંડ નામના તીર્થસ્થળ ઉપર નીલકંઠ મહાદેવનું પુરાણું મંદિર આવેલું છે. આ સમગ્ર દિવ્ય ભૂમિ ઉપર સિદ્ધ પુરુષ ડુંગરપૂરી મહારાજ સોનાના શીંગડા વાળી ગાયો ચરાવતા, બંસી બજાવતા અને ગુરુ ના ધ્યાનમાં મસ્ત રહેતા. ભાવપુરી ના શિષ્ય ડુંગરપૂરીનો આશ્રમ રાજસ્થાનના ચીહઠણ ગામે અને સમાધિ સ્થળ શ્રી અમીરગઢ મુકામે.
પાવઠીના દરબાર માધુસિંહનું ખેતર અમરકુંડની બાજુમાં. બાળપણથી જ ગુરુ મહારાજના ભક્ત એવા માધુસિંહ ખેતરની સંભાળ રાખે, બકરીઓ ચરાવે અને ગુરુ ના નામના અખંડ જાપ જપે. એક વાર રાત્રે એવું બન્યું કે ખેતરમાંથી કોઈ બકરું ચોરીને જાય છે, અવાજથી માધુસિંહ જાગી ગયા અને પેલા માણસ પાછળ ચાલવા લાગ્યા. બકરું ચોરનારે પૂછ્યું, “અમરગુફા ક્યાં છે?” માધુસિંહે રસ્તો બતાવ્યો. બન્ને જણ ચાલવા લાગ્યા. ઝરણાના ખળખળ નાદ સંભળાયા, નીલકંઠ મહાદેવના દર્શન થયા, બંસરીનો નાદ સંભળાયો અને સોનાના શીંગડા વાળી ગાયો ચરતી દેખાયી. માધુસિંહના અંતરમાં પ્રકાશ પ્રસર્યો અને બકરી લેનાર માણસે પાછળ જોયું. માધુસિંહે જોયું તો, બકરું લેનાર બીજું કોઈ નહિ પરંતુ સ્વયમ ડુંગરપૂરી મહારાજ હતા.
મહારાજે માધુસિંહને આશીર્વાદ આપ્યા. “ ગામમાં કોઈ બાઈને પ્રસવ પીડા હોય તો તમારી પાઘડીનો છેડો પલાળી પાણી પાવું, પ્રસવ પીડા મટી જશે. ખેતર ચણાથી ઉભરાશે, લગભગ સાઈઠ મણ ચણા થયા. ખેતરમાં મારી અમરધૂણીની સ્થાપના કરવી.”
૧૯૭૦ વૈસાખ વદ ત્રીજના દિવસે નીલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. કેટલાક ધર્માંધ માણસોએ નીલકંઠ મહાદેવની મૂર્તિ ને ખંડિત કરી અને માધુસિંહ બોલ્યા, “જ્યાં સુધી નવીન મૂર્તિ ના આવે ત્યાં સુધી માથા ઉપર પાઘડી બાંધીશ નહિ.” આખરે નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી.
માધુસિંહની સમાધિ અત્યારે નીલકંઠ મહાદેવની બાજુમાં નાની દેરીના સ્વરૂપે આવેલી છે.

મહારાજે રક્તપીત મટાડ્યો

જગદેવ પરમારે વસાવેલા જગાણા ગામમાં આશરે ૩૦૦ વરસ પહેલા એક સંત દુર્ગાભારથી થઇ ગયા. દુર્ગાભારથી મહારાજે ગુરુ દત્તાત્રેયની કઠિન તપસ્યા કરી. સમયના પ્રવાહમાં દુર્ગાભારથીને ભયંકર રક્તપીત થયો. શરીર સાનભાન વગરનું અને દુર્ગંધ મારતું થઇ ગયું, અને દુર્ગાભારથીએ ગુરુ પર્વત ઉપર જઈ ગુરુ મહારાજના અંતિમ દર્શન કરી દેહ પાડી દેવાનો નિર્ધાર કર્યો, “કાગડા કૂતરા ભલે આ દેહ ફાડી ખાય, મારી આ કાયાથી ગામને દુઃખ ના થવું જોઈએ.”
જલોતરા આવી દુર્ગાભારથી ગુરુ નો ભોખરો ચડવા લાગ્યા. મુખે સતત ગુરુનું સ્મરણ છે, દેહ પાસે કોઈ આવી શકે નહિ એવી સ્થિતિ છે. ગુરુ સ્થાનક નજીક છે, અને અચાનક દુર્ગાભારથીએ ગંધાતા પાણીથી ભરેલું એક માટલું જોયું અને ગેબી અવાજ આવ્યો, “આ માટલાનું પાણી તારા શરીર પર રેડી દે અને વધેલા પાણીનું આચમન કર.” સહેજ પણ અટક્યા વગર ગુરુનો આદેશ માની દુર્ગાભારથીએ પાણી શરીર પર રેડી દીધું અને વધેલા પાણીનું આચમન કરી ગયા.
આ શું ! દુર્ગાભારથીનાં દુજતા રક્તપિતના ધારા શમી ગયા, કાયા કંચન જેવી નિર્મળ થઇ ગઈ અને થાક તો એકદમ ઉતરી ગયો. દુર્ગાભારથી મંદિરમાં ગયા, મહારાજના દર્શન કર્યા અને ગદગદ કંઠે પ્રાર્થના કરી, “ મહારાજ ! મારા જગાણા ગામમાં પધારો, તમારા વગર હું હવે એકલો પાછો નહિ ફરું ” અને ફરી ગેબી નાદ સંભળાયો, “આગળ થા, હું તારી પાછળ આવું છું, ગામના ઝાંપે મારા પગલાની સ્થાપના કરજે, મારી પૂજા કરજે.” કંચન જેવી કાયાને લઇ દુર્ગાદાસ ગામમાં આવ્યા ,ગામે સામૈયું કર્યું અને સમગ્ર ગામ સાથે રહી ગામના ઝાંપે ગુરુ મહારાજના પગલા અને અખંડ ધૂણીની સ્થાપના કરી.
આજે પણ ગુરુ મહારાજ ની ગામ ઉપર મહેર છે, ગુરુ આગળ જુઠા સોગન ખવાતા નથી, શ્રાવણના પ્રથમ સોમવારે ગુરુ ના નામે ગામ તોરણ બાંધવામાં આવે આવે છે, ભાદરવા મહિનામાં ખીરનો પ્રસાદ થાય છે. દસેરાના દિવસે ગુરુ સ્થાનકમાં મોટો મેળાવડો થાય છે. ગુરુ મહારાજનું સ્મરણ કરતા કરતા દુર્ગાભારથી એ સંવત ૧૭૬૧ મહાસુદ નોમ ને ગુરુવારે આ જ પવિત્ર સ્થાનકે જીવંત સમાધિ લીધી.

મહારાજની કૃપા : પ્રભુતામાં પગલા

સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગુરુ તરીકે ઓળખાતા શ્રી ગીરીશભાઈ ઠાકર, તેમના ધર્મપત્ની કોકિલાબેન, મર્કેન્ટાઈલ બેંકના ભૂતપૂર્વ મેનેજર શ્રી કાનજીભાઈ પ્રજાપતિ અને બનાસકાંઠાનાં જાણીતા વકીલ શ્રી શિરીષ મોદીના બહેન શ્રી વર્ષાબેન મોદી -આ ચારેય ગુરુ મહારાજના અનન્ય ભક્ત. વારંવાર ગુરુ ના ભોખરે દર્શન કરવા જાય.
ઘણા પ્રયત્નો કરી જોયા પણ વર્ષાબહેન મોદીના લગ્નનું જુદા જુદા કારણોસર ઠેકાણું ના પડે. એકવાર ઉપરોક્ત ચારે જણ ગુરુના દર્શન કરવા ગુરુના ભોખરે જાય છે અને લગ્નની વાત આવતા વર્ષાબેનનું પડેલું મોઢું જોઈ કોકિલાબેન કે જે મહારાજના અનન્ય ભક્ત હતા તે શ્રદ્ધા સાથે બોલી ઉઠ્યા, “મહારાજની મેં બાધા લીધી છે, તમારું લગ્ન આવતા વરસે થઇ જશે અને આપણે સાથે મહારાજના દર્શન કરવા આવીશું.”
અને અનેકના દુઃખો દૂર કરનાર મહારાજે કૃપા કરી. વર્ષાબેન સાથે લગ્ન માટે થોડા સમય પછી જ ડીસાના જાણીતા ડો. પ્રવિણભાઈ શાહનું માંગું આવ્યું. ધામધૂમથી લગ્ન થઇ ગયા. અને મહારાજની કૃપાથી અત્યારે વર્ષાબેનની પેઢીઓ લીલા લહેર કરે છે. ગીરીશભાઈ ઠાકર અને કોકિલાબેન વર્ષાબેનના સમગ્ર પરિવારને લઇ ગુરુ મહારાજના દર્શને ગયા અને બાધા પૂર્ણ કરી. જય ગુરુ મહારાજ.

પરમાનંદ મહારાજ અને ગોરાદ આશ્રમ :

ઈ. સ. 1800 ની સાલમાં ગુરુ મહારાજના પરમ ભક્ત એવા પરભુરામ મહારાજ પ્રજાપતિ કુળમાં ઊંઝા તાલુકાના ગોરાદ ગામે થઇ ગયા. સિદ્ધ અને જ્ઞાની એવા મહારાજે ગામમાં ભજન સતસંગની શરૂઆત કરી. એક વખત ગામમાં રામાપીરનો પાટ હતો.રામાપીરના પાટ વખતે લોકોએ ભગતની પરીક્ષા લેવા ભગતને કહ્યું, ‘જો તમે સાચા ભગત હોય તો, દીવાસળી વગર જ્યોતને પ્રગટ કરો.’ ભગતે ગુરુ મહારાજનું નામ લીધું અને અને પોતાની દિવ્ય શક્તિ વડે દીવાસળી વગર જ્યોતને પ્રગટાવી. આખું ગામ મહારાજને નમી પડ્યું, મહારાજે આશીર્વાદ આપતા કહ્યું, ‘સાધુ સંતની પરીક્ષા આ રીતે ના લેવી. પરમશક્તિ દરેક જીવના ઘટ ઘટમાં બિરાજે છે.’ ત્યારથી પરભુરામ મહારાજ સમગ્ર ગોરાદ ગામમાં પરમાનંદ મહારાજ તરીકે ઓળખાયા.
ગોરાદથી ત્રણ દિવસના ગાળામાં ઊંધા પગે ચાલી પરમાનંદ બાપુ પાણીયારી આશ્રમ આવ્યા અને ત્યારબાદ ગુરુના ભોખરે ગુરુ મહારાજના મંદિરે ગયા. ગુરુ મહારાજના સમાધિ મંદિરથી ગુરુ મહારાજની જાગતી જ્યોત લાવવામાં આવી અને ગોરાદ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી. ત્યારથી માંડી આજ દિન સુધી પરમાનંદ આશ્રમમાં અખંડ જ્યોતના દર્શન ચાલુ છે. પરમાનંદ બાપુના અનેક ચમત્કાર ગામના લોકોએ જોયા છે .ગામના છોકરા બાપુના હાથમાં પથરા આપી કહેતા, ‘ બાપુ! અમારે મીઠાઈ ખાવી છે.’ બાપુ એજ ક્ષણે મીઠાઈ કે ગોળનું દડબું બાળકોના હાથમાં પકડાવી બાળકોને રાજી કરી દેતા. શ્રાવણ સુદ એકમના દિવસે પરમાનંદ બાપુ મહારાજનું નામ લેતા લેતા ગોરાદ ગામમાં નિર્વાણ પામ્યા. શ્રાવણ સુદ એકમ અને બીજ એમ બે દિવસ ગોરાદ આશ્રમમાં મહારાજની તિથિના દિવસે ભજન, સત્સંગ અને મેળાવડો કરવામાં આવે છે.
ગુરુ પરમાનંદ પછી ચાદરવિધિ કરી ગુરુ ઈશ્વરદાસને ગોરાદ ગાદી સોંપવામાં આવી. ગુરુ ઈશ્વરદાસે આ પરમ્પરા શ્રદ્ધાપૂર્વક નિભાવી. પંજાબના સંતો સાથે પંજાબથી હિંગળાજ માતા પાકિસ્તાન સુધી પગપાળા યાત્રા કરી. સમગ્ર ઉત્તર ગુજરાત અને છેક કચ્છ, અમદાવાદ, રાજકોટ સુધી મહારાજનો સેવક વર્ગ ફેલાયેલો છે. ગુરુ મહારાજના ભક્ત એવા પાલોદર ગામના ભીખાભાઈ પ્રજાપતિ એ સત અને ગુરુના રસ્તે ચાલતા ઈશ્વરદાસ મહારાજની એમની અંતિમ અવસ્થા સુધી સેવા કરી.
ઈશ્વરદાસ પછી આજ્ઞાંકિત પુત્ર અને શિષ્ય એવા શંકરદાસ મહારાજ જેઓએ ડોક્ટરની ડિગ્રી અને સરકારી નોકરીનો ત્યાગ કરી ગુરુ ગાદી સંભાળી. 2018માં શંકરદાસ મહારાજનો દેહ વિલય થતા તેમના સુપુત્ર રજનીભાઈ મહારાજ અત્યારે ગુરુ ગાદી સંભાળી રહ્યા છે.

ગુરુના આશીર્વાદથી ગાદી મળી.’

વાસડા ગામના જાગીરદાર ફિરોજખાન કે પીરોજખાન હેતાણી ઈ.સ. 1795માં સમશેરખાનની જગ્યા એ પાલનપુરની ગાદી ઉપર આવ્યા. (જુઓ પાલનપૂરનો ઈતિહાસ પાન નંબર – ૨૮૫.)
આ પીરોજખાન વાસડા ગામના જાગીરદાર હતા, સામાન્ય સ્થિતિના ખેડૂત હતા અને ખેતરમાં સખત મજુરી કરી પોતાના દિવસો પસાર કરતા હતા.પોતાના મિત્ર એવા લાખનપૂરી દશનામી ગૌસ્વામી સાથે રહી ખેતી કરતા હતા. લાખનપૂરી ચેહરમાતા અને ગુરુ મહારાજના અનન્ય ભક્ત. નાનપણમાં અત્યારે વાસડા ગામમાં જ્યાં ગુરુ મહારાજનું મંદિર છે ત્યાં રહી આ બે મિત્રો ગુરુ ના નામનો આહલેક જગવતા હતા. એક વાર ખેતરમાં ભર બપોરે ઊંઘતા પીરોજખાન ના માથે નાગદેવતાએ ફેણ પ્રસારેલી અને મિત્ર ગોસાઇએ ભવિષ્ય ભાખેલા, ‘ મિયા , તમને ગુરુપ્રતાપે ગાદી મળશે.’ પીરોજખાને થોડી શંકા કુશંકાએ ગુરુ મહારાજના નેમ લીધા.
ચોમાસાનો વખત આવ્યો. પીરોજખાન પોતાના ઢોર ઢાંખરને ચરાવવા કરમાવાદના વીડમાં ગયા છે. ગુરુ મહારાજનો લોટ કરવા આવતા યાત્રાળુઓથી આ વિસ્તાર પાવન બનેલો છે. ઢોર આ વીડમાં છુટા ચરે છે, બપોરનો સમય છે અને પીરોજખાન બપોરના સમયે એક ઝાડ નીચે મીઠી નીંદર માણી રહ્યા છે. ત્યાં એક ભૂરી બાબરીવાળા, હાથમાં ચીપીયો અને લંગોટીભેર જોગી પ્રગટ થયા, સૂતેલા પીરોજખાનનું કપાળ ભાળ્યું , પગમાં ચીપીઓ માર્યો અને સતવચન ભાખ્યા, ‘ બેટા, જાવ ! તુઝે સવા મહિને કે અંદર પાલનપુર કા રાજ મિલેગા, મગર પેર કી આંટી મત મારના’. મહાજોગીએ આ વેણ કાઢયા.
સત જાણી ચુકેલા પીરોજખાન મહારાજના ચરણે નમી પડ્યા અને બોલ્યા. ‘ મહારાજ ! સતવચન માથે ચડાવું છું, પણ આપ કોણ છો ? એ તો કહો.” અને મરક મરક હસતા ગુરુ મહારાજ બોલ્યા, ‘બેટા ! યે ગુરુ ધુંધલીમલ કા વચન હૈ !” આટલું કહી ગુરુ મહારાજ ગુરુના ભોખરે અદ્રશ્ય થઇ ગયા.
આ બનાવના થોડા સમય બાદ જ પીરોજખાન મિત્ર ગોસાઈ સાથે ખેતરમાં કાચો કૂવો ખોદતા હતા અને પાલનપૂરના કુરેશી જમાદારોનું તેડું આવ્યું, “ મિયા સા’બ ! પાલનપૂર પધારો, તમને પાલનપુર રાજ્યની ગાદી માથે બેસાડવાના છે.”
પીરોજખાન પાલનપુર આવ્યા અને ગુરુના વચને વાસડા ગામનો સામાન્ય ખેડૂત પીરોજખાનમાંથી છસ્સો અને બાવન ગામના નવાબ પીરોજખાનજી કે ફિરોજખાન બન્યા.( જુઓ Gazeteer of Bombay presidency. Page no.321. Navab firozkhan 1795 to 1812). નવાબ બન્યા પછી પીરોજ ખાન છેવટ સુધી ગુરુ મહારાજની ભક્તિ કરતા રહ્યા, ‘ગુરુના ભોખરે’ અવારનવાર દર્શનાર્થે જતા અને અત્યારે વાસડા ગામમાં જ્યાં ‘ગુરુ મહારાજ મંદિર’ છે ત્યાં દીવો ધૂપ કરતા રહેતા. નવાબ ના વારસોએ ગુરુ મહારાજની સેવા પૂજાની પરમ્પરા આજદિન સુધી નિભાવી છે.પીરોજખાનનો પાળિયો સીસરાણા ગામની સીમમાં આવેલો છે. ગુરુ મહારાજના અનન્ય ભક્ત એવા માલણ ગામના મુરાદખાન ચાવડાએ પણ આ સત્પ્રસંગ પોતાના સંસ્મરણોમાં નોંધ્યો છે. જય ગુરુ મહારાજ.

‘અગરાજી ની લાજ રાખી’

જેના ઉગમણે ગુરુ ધૂંધળીમલના રખોપા છે, ધાન્યની ધારા વહેતી રહે છે એવા ધીંગા અને રળિયામણા ધાનધાર મલકમાં ‘ઘોડીયાલ’ રૂડું ગામ છે. આ પંથકનું આ સૌથી જૂનું ગામ છે. આ ઘોડીયાલ ગામમાં અગરાજી ચાવડાએ દાન ધરમમાં એવી નામના કાઢેલી કે એમનું નામ દશે દિશ ફેલાયું અને પાલનપુરના દીવાનના સરાયતદાર એવા અગરાજીની દીવાનના દરબારીઓ ઈર્ષા કરવા લાગ્યા.
મારવાડના એક ચારણને દીકરી પરણાવવી છે, કરિયાવરના પૈસા નથી અને દીવાનના દરબારમાં મદદની આશાએ આવ્યો છે. ઈર્ષાએ ભરેલા દરબારીઓ એ ચારણને દરબારનો મહેલ ના બતાવતા સીધું અગરાજીનું ઘોડીયાલ ગામ બતાવ્યું, ‘ ચારણ ત્યાં જાઓ, દાનવીર અગરાજી બેઠા છે.’ અને ચારણે અગરાજી પાસે આવી રામ રામ કીધા. અગરાજીએ ચારણને રૂડા માન પાન દીધા.
ગુરુ મહારાજનું નામ લઇ અગરાજી એ ચારણને બમણો કરિયાવર દીધો, માનપાન આપ્યા અને દીકરા ઇનાત’ખાનને કહ્યું, ‘ મહેમાનોને ગામની સીમ સુધી વળાવી આવો!’. સીમ સુધી વળાવવા ગયેલા ઇનાતખાને પોતાની વહાલી ઘોડી પણ ચારણના નાના કવરજીને ભેટ ધરી. ‘નાના કવરજી , આ બહેરીયા ઘોડા માથે માલિકનું નામ લઇને રાંગ વાળો, આ ઘોડી તમને દાનમાં દઉં છું.’ ધન્ય અગરાજી! ધન્ય ઇનાત’ખા અને ધન્ય રૂડા ઘોડીયાલ ગામ. આ વાત પાલનપુરના દીવાનના કાને પહોચી. દીવાન ખુશ થયા પણ દરબારીઓ અગરાજીને નીચા પાડવા દીવાનને ઓર ભમ્ભેરવા લાગ્યા અને દીવાને એક દિવસ અગરાજી નું પારખું લેવાનો નિશ્ચય કર્યો.
ઉનાળાને ખરે બપોરે દીવાને દરબારીઓ સાથે ગુરુ ધૂંધળીમલના પહાડોની તળેટીમાં પડાવ નાખ્યો છે, એક છાંટો પાણી ના મળે તેવો તાપ પડી રહ્યો છે અને દીવાને એક ઘોડેસવારને વાવડ લઇ અગરાજી પાસે મોકલ્યો, ‘ મોઢામાં પાણીનો ઘૂંટ ભર્યો હોય તો ધૂંધળીમલના પહાડની તળેટીમાં દીવાનના પડાવે આવી ઉતારજો, એવું તમારું ખાસ કામ હોઈ અબઘડી હાજર થાવ !.’ અને મારતી ઘોડીએ આવેલા અગરાજીને દીવાને હુકમ છોડ્યો, ‘ અગરાજી, અમે ભૂખ્યા છીએ, અમલેય હાડોમાં ઉતરી ગયું સે, થાક્યા છીએ, તો અમારા માટે અમલ અને શિરામણનો પ્રબંધ કરો.’ અને દરબારીઓ મનમાં મરક મરક હસવા લાગ્યા.
અગરાજી એ મનોમન ગુરુ મહારાજના નેમ લીધા. ‘ હે માલિક ! તું મારી લાજ રાખજે, આ જગતની માલીપા મારું મોઢું બતાવું એવી મારી લાજ રાખજે, હે ગુરુ મહારાજ ! દોડી વેલા આવજો.’ અને અગરાજીને કાને બળદની ઘુંઘરમાળનો મીઠો રણકાર કાને પડ્યો. અગરાજી એ જોયું કે સામે થી એક ગાડું આવતું હતું અને તેની પૂંઠે પંદરવીસ માણસો આવતા હતા. અને અગરાજીએ રામ રામ કર્યા, પૂછપરસ આદરી. ‘કેવા છો ભા ? ક્યાંથી આવ્યા ? અને જવાબ મળ્યા, ‘મલાણા સાઠના પ્રજાપતિ છીએ અને ગુરુ મહારાજની માનતા કરવા આવ્યા છીએ.’ અને ભક્તો એ અગરાજી ને પ્રસાદ લેવા નોતર્યા. અગરાજી બોલ્યા. પણ મારી સાથે તો પાલનપુરનું રાજ છે. ભક્તો બે હાથ જોડી બોલ્યા, ‘ ગુરુ મહારાજનો પ્રસાદ છે, કોઈ દિ ખૂટ્યો નથી અને ખુટવાનો પણ નથી.’
અને એ સમયના રીવાજ મુજબ દીવાનને અફીણ અપાયા, દીવાન અને દરબારીઓને ખાખરાના પડિયામાં ચુરમું અને દાળ પીરસાયા. અગરાજી ગુરુ મહારાજ ને કરગરી પડ્યા. ‘ હે ગુરુ મહારાજ, તે મારી અરજ સંભાળી, તે વન વગડે મારી આરજુ સંભાળી મને મદદ મોકલી.’ દીવાન પોતાના કૃત્ય બદલ પસ્તાયા, દરબારીઓને ઠપકો આપ્યો. અને અગરાજીને કહ્યું, ‘ અગરાજી, ગઢવીએ તમારી બિરદાવલી ગાઈ તેમાં રતીભાર ખોટું નથી. ધન્ય રૂડો ધાનધાર, જય ગુરુ મહારાજના રૂડા સ્થાનક, ધન્ય અગરાજીની ભક્તિ. દાનવીર અગરોજી દાતાર બાવજી તરીકે પૂજાયા. દીકરા ઇનાતખાનનો પાળિયો ધાડા ગામને પાદરે આવેલો છે.

‘ જગરો દાતાર ડોસાણી જાલમ , ત જ મળે દરિદ્ર તળે,
આવે મન તુહારો નામ અગરા , તો મગરા માથે રઝખ મળે.’

શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજ અને ગુરૂનો ભોખરો જીવન ચરિત્ર અને પરિચય
લેખંકર્તા : શ્રી સંજયભાઇ જોષી (+91 8849932083)
પ્રકાશક :- શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવ્સ્થાન સમિતિ કરમાવાદ – જલોતરા