મુક્તેશ્વર ડેમ આશીર્વાદ કે અભિશાપ?
લેખ :- હિદાયતુલ્લાખાન (નગાણા)
અમે વડગામ તાલુકાવાળા મુક્તેશ્વર ને મોકેશ્વર કહીએ, બસના પાટિયા ઉપર પણ મોકેશ્વર લખાય. એટલે આપણી વાતમાં મોકેશ્વર કહીશું.
૧૯૮૦માં મોકેશ્વર ડેમ બન્યો તે પહેલાં સુધી સરસ્વતી નદીમાં પાણી છેક શિયાળા સુધી તો ચાલતું, ઉનાળામાં નદી સુકાઈ જતી.
નદીના ઉદભવ સ્થાન દાંતા, અંબાજીના પર્વતોના જરણા તેને સજીવન કરી દેતા. અર્જુની, ખારી, જોયણ જેવી નદીઓ સરસ્વતી નદીમાં મળીને તેને સમૃદ્ધ કરતી. વરસાદ આવે એટલે દરેક ગામમાંથી આવતું ગામેળાનું પાણી એટલે કે ગામના મેલા પાણી નદીમાં મળતા. આમ નદી સમૃદ્ધ થતી થતી આગળ વધતી.
તે વખતે અમારા વિસ્તારના એટલે કે સરસ્વતી નદીના કાંઠા વિસ્તારના વડગામ તાલુકાના ગામડાઓમાં ખેતીની જમીન પણ ખાસ સમતલ નહીં. ખેતર આજુબાજુના વિસ્તારોમાં થોડા થોડા અંતરે વહોળાઓના માર્ગ હોતા. ખેતર, ખરાબા, ગૌચર તમામ ભૂમિના ઢાળ આ વહોળાઓની દિશામાં જ હોતા, જે છેવટે નદીમાં મળી જતા. એટલે જેવો વરસાદ પડે એટલે વરસાદનું પાણી જમીનમાં રિચાર્જ થતું થતું નદી તરફ ગતિ કરવાનુ શરૂ કરી દેતું. નદીમાં આવતું પાણી માત્ર નદીના ઉદભવસ્થાનથી જ આવતું એવું નહીં પણ નદીના વહેણની આજુબાજુના તમામ દૂર દૂરના વિસ્તારોમાં વરસતો વરસાદ નદીને સમૃદ્ધ કરતો.
વહોળાઓ અને નદીના પટમાં રેતી હોય એટલે પાણી જમીનમાં રિચાર્જ થતું થતું આગળ વધતું. જ્યારે, ખેતીની જમીન ભેજ સંગ્રહી રાખે તેવી હોય એટલે જ્યારે ખેડીએ એટલે તેમાં જે ભેજ હોય તે બાષ્પીભવન દ્વારા હવામાં ઉડી જાય.
આવી સરસ પ્રાકૃતિક ગોઠવણને કારણે વડગામ તાલુકામાં અને ખાસ કરીને નદી કાંઠાના ગામડાઓમાં ભૂગર્ભ જળનું સ્તર ખૂબ ઊંચું. ખેડૂતો કૂવા કરે એટલે છૂટું પાણી મળી રહે. પહેલાં કોશ, પછી ઓઇલ એન્જિન અને બાદમાં લાઈટ આવી એટલે કૂવામાંથી ઇલેક્ટ્રિક મોટરોથી પાણી કાઢવામાં આવતું.
આ સમયે ખેરાલુ તાલુકામાં પાણીની તંગી એટલે અમારા ગામ નગાણાથી ઉગમણી દિશામાં નદીના તટમાં સરકારે ટ્યુબવેલ કરીને મોટી મોટી મોટરો ગોઠવી અને તે પાણી પાઇપ લાઇન દ્વારા ખેરાલુ તાલુકામાં લઈ જવામાં આવતું. કદાચ ખેરાલુ તાલુકાની આ પાણીની તંગી નિવારવા માટે જ ૧૯૮૦માં મુક્તેશ્વર ડેમ બનાવવામાં આવ્યો હશે! ડેમની મુખ્ય નહેર ખેરાલુ તાલુકામાં આવેલા ચિમનાબાઈ સરોવરમાં જોડવામાં આવી. જ્યારે જ્યારે ડેમ ભરાય ત્યારે ત્યારે ડેમનું મોટાભાગનું પાણી ચિમનાબાઇ સરોવર ભરવામાં જ વાળી દેવામાં આવે છે. વડગામ તાલુકામાં એક નાની નહેર આપવામાં આવી જેનું પાણી નહિવત પ્રમાણમાં વડગામ તાલુકામાં વપરાયું.
જ્યારે ડેમ બન્યો તે વખતે અમારે વડગામ તાલુકામાં પાણીની કોઈ તકલીફ નહીં એટલે કોઈને કોઈ વાંધો પણ ન હતો. આ દરમિયાન તે વખતના મહેસાણા જિલ્લાના સમી અને હારીજમાં પણ પીવાના પાણીની તંગી દૂર કરવા ડેમમાંથી પાઇપલાઇન દ્વારા પાણી લઈ જવામાં આવ્યું.
૧૯૮૦થી ૧૯૯૦નો દાયકો વડગામ તાલુકા માટે બહુ વિકટ રહ્યો ત્રણ ચાર વરસ વરસાદ બહુ ઓછો પડ્યો. એટલે ભૂગર્ભ જળ બહુ ઊંડા જવા લાગ્યા. ડેમના કારણે નદીમાં પાણી આવતું બંધ થયું એટલે ભૂગર્ભ જળ રિચાર્જ ના થયું. લોકોને ખેતી કરવા અને પીવા માટે જે પાણીની જરૂરિયાત હતી તે પૂરી કરવા પાતાળકુવા કરવાની ફરજ પડી. પાણી કાઢવું મોંઘુ થયું એટલે તેનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે જમીનો સમતલ કરવાનુ શરૂ થયું. અમારી જમીનો ઢોળાવ વાળી એટલે સમતલ કરવા ટેરેસ પદ્ધતિ અપનાવવામાં આવી એના કારણે ઉપર નીચે પગથિયાં આકારમાં ખેતર બન્યા. વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈને ફાટે તો આ ટેરેસ તૂટી ના જાય એના માટે ખેતર આજુબાજુ મોટા મોટા સેઢા પાળા બાંધવામાં આવ્યા. જેના કારણે વહોળાઓમાં પાણી વહેવાનું બંધ થયું આના કારણે પ્રાકૃતિક રીતે ભૂગર્ભ જળ રિચાર્જ કરવાની જે સંતુલિત પ્રણાલી ગોઠવાયેલી હતી વેરવિખેર થઈ ગઈ અને કૃત્રિમ રીતે ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે “ખેતરનું પાણી ખેતરમાં અને સિમનું પાણી સીમમાં” એ નીતિ અપનાવવામાં આવી. એ નીતિ અનુસાર જે વરસાદ વરસે તેને જમીનમાં ઉતારવા માટે જે વહોળાઓ હતા તેમના ઉપર આડબંધ બાંધવામાં આવ્યા. જે રેતાળ વહોળા ચોમાસા દરમિયાન જમીનને રિચાર્જ કરતા હતા તેના ઉપર આડબંધ બાંધવામાં આવ્યા એટલે તેમાં પાણી ભરાવાથી તેનું તળ બંધાઈ જવા લાગ્યું. જે પાણી રેતાળ વહોળા અને નદીના રેતાળ પટમાં વહીને જમીનમાં ઉતરતું હતું તે લાંબા સમય સુધી ભરાઈ રહીને છેવટે બાષ્પીભવન થઈ ઉડી જવા લાગ્યું. એવું જ ડેમના પાણીનું પણ થયું, ચિમાનાબાઈ સરોવરમાં હોય કે ડેમમાં પાણી બાષ્પીભવન થવા લાગ્યું. જીવંત નદીના કારણે દાંતા, વડગામ, સિદ્ધપુર અને પાટણ તાલુકાની હજારો એકર જમીનમાં નદીમાં પાણી વહેવાના કારણે ભૂગર્ભ જળના જે તળ જળવાઈ રહેતા હતા અને જે વિશાળ ફાયદો થતો હતો તે વડગામ તાલુકા અને ખેરાલુ તાલુકાના કેટલાક સો એકરમાં સીમિત થઈ ગયો. આમ સમગ્ર વિસ્તાર એક ખોટા વિષચક્રમાં ફસાઈ ગયો. ભૂગર્ભ જળ ઊંડા અને ઊંડા જવા લાગ્યા જે હવે તળિયે પહોંચી ગયા છે.
એક અદ્ભુત પ્રાકૃતિક વ્યવસ્થાને વિકાસના નામે વેરવિખેર કરી નાખી.
આજે મોકેશ્વર ડેમથી જ્યાં પાણી પહોંચાડવામાં આવતું હતું તેવા ખેરાલુ તાલુકામાં ધરોઈ ડેમની નહેરો ધસમસતી વહે છે, સિદ્ધપુર અને પાટણ તાલુકાઓમાં ધરોઈ અને સરદાર સરોવર ડેમની નહેરોનું પાણી આવી ગયું છે. સમી અને હારીજમાં નર્મદાના નીર પહોંચી ગયા છે. એટલે ત્યાં મોકેશ્વર ડેમના પાણી સિવાયના પાણીના વિકલ્પ પ્રાપ્ત થઈ ગયા છે. પરંતુ ડેમ બાંધવાથી વડગામ તાલુકાને જે નુકશાન થયું તેના વિશે કોણ વિચારશે? મોકેશ્વર ડેમ અને વડગામ તાલુકાની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ત્યાં નર્મદાનું કે ધરોઈનું પાણી લાવવું બહુ કઠિન છે!
આજે એટલે કે ૨૫/૮/૨૦૨૨ના રોજ સાડાપાંચ વાગ્યે મુક્તેશ્વર ડેમ પૂર્ણ ભરાઈ ગયો છે. પણ, છોડવા લાયક સપાટી પ્રાપ્ત કરવામાં દોઢ ફૂટ બાકી છે. જો આજે આ ડેમ ના હોત તો પાણી છેક પાટણ પહોંચી ગયું હોત. ઉમરેચા પાસે નદીમાં એક આડબંધ બાંધેલો છે ત્યાં પાણી અટકતું અને સમગ્ર વડગામ તાલુકા અને સિદ્ધપુર તાલુકાના ભૂગર્ભ જળ ની સપાટીમાં રિચાર્જ કરતું ગયું હોત. હવે સમજો કે વધારે વરસાદ આવતો નથી તો ડેમનું પાણી ખેરાલુ તાલુકાના ચીમનાબાઇ સરોવર ભરવામાં અને વડગામ તાલુકાના કેટલાક સો એકર જમીનમાં સિંચાઇ માટે આપવામાં આવશે. મોટાભાગનું પાણી બાષ્પીભવનની ઉડી જશે.
હું કોઈ વૈજ્ઞાનિક નથી પણ જે ભૂગર્ભ જળ ઊંડા ગયા તે દરમિયાન આપણે પ્રાકૃતિક રીતે પાણીની જે આખી ઇકો સિસ્ટમ હતી તેને કેવી રીતે નષ્ટ કરી તે દેખાય છે તેના આધારે મારું આ તારણ છે.
૧. ડેમ બાંધવામાં આવ્યો એટલે નદીમાં પાણી વહેવાનું બંધ થયું.
૨. પાણી વહેવાનું બંધ થયું એટલે ભૂગર્ભજળ ઊંડા ગયા.
૩. ભૂગર્ભ જળ ઊંડા થયા એટલે તેને રિચાર્જ કરવા ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમમાં નીતિ અનુસાર નદીમાં તેના મૂળ સ્રોત સિવાયની જે પાણીની આવકો હતી તે બંધ થઈ. ઊંડા પાતાળ કૂવા થયા.
૪. રેતાળ વહોળા અને નદીના રેતાળ પટમાં પાણી વહેવાના બદલે આડબંધો અને ખેતરમાં અટકી ગયું.
૫. આડબંધોમાં તળ બંધાઈ ગયા એટલે પાણી જમીનમાં ઓછું રિચાર્જ થયું અને વધારે બાષ્પીભવન થયું.
૬. ખેતરમાં રહેલો ભેજ ખેડવાથી ઉડી જવા લાગ્યો.
૭. જે પાણી ડેમમાં અટકે તેને પાણીના બીજા વિકલ્પો છે તેવા વિસ્તારમાં લઈ જવામાં આવી રહ્યું છે અને નદીકાંઠાના ગામડાઓમાં અછત ઊભી થઈ.
તો મારો સવાલ માત્ર એટલો જ છે કે શું નદીકાંઠાના ગામોમાં પાણીની તંગી હોય અને સુદુર વિસ્તારના એવા વિસ્તારોમાં ડેમનું પાણી પહોંચાડવું જ્યાં પાણીના બીજા વિકલ્પ છે તે નદીકાંઠાના ગામો સાથે અન્યાય નથી?
ઘરના છોકરાં ઘંટી ચાટે અને માસ્તરને આટો એવો ઘાટ નથી થયો?
શું આ ભૂખ્યાના મોઢાનો કોળિયો ઝૂંટવીને ધરાયેલાને ખવરાવવા સમાન નથી?
શું પ્રાકૃતિક રીતે નદીકાંઠાના અછત ભોગવતા ગામડાઓનો નદીના પાણી ઉપર પહેલો અધિકાર ના હોય?
મોકેશ્વર ડેમ વડગામ તાલુકા માટે આશીર્વાદ ઓછો અભિશાપ વધારે સાબિત નથી થયો?
ડેમના પાણીને માત્ર નદીકાંઠાના એવા ગામડાઓમાં વહેંચવામાં આવે જ્યાં ધરોઈ કે નર્મદાનું પાણી નથી પહોંચતું. ઓછામાં ઓછું એકવાર પાટણ સુધી પાણી પહોંચે એટલું પાણી નદીમાં વહેવરાવવામાં આવે જેનાથી નદીકાંઠાના ભૂગર્ભ જળ રિચાર્જ થાય.
~હિદાયતુલ્લાખાન નગાણા
૨૫/૮/૨૦૨૦
Good