વૈજ્ઞાનિક પધ્ધતિએ વૃક્ષારોપણ કરીએ.
[ વૃક્ષો અને વિવિધ છોડવાઓ તો અનેક લોકો દર વર્ષ વાવે છે પરંતુ વૃક્ષારોપણની યોગ્ય ટેકનીકના અભાવે મોટા ભાગના વાવેતર કરેલા વૃક્ષો છોડવાઓ નાશ પામે છે અને આપણને તેનું જોઈએ તેવું પરિણામ મળતુ નથી. જો આપણે યોગ્ય વૈજ્ઞાનિક પધ્ધતિએ વૃક્ષારોપણ કરીએ તો ચોક્કસ વૃક્ષારોપણની આપણી મહેનત સાકાર થાય અને ધાર્યુ પરિણામ મેળવી શકાય તો આ માટે મહેનત કરીને આદરણિય શ્રી પ્રવીણભાઈ ગ. ડાભી સાહેબ અને શ્રી અશોકભાઈ ગ. ડાભીએ એક સરસ પુસ્તિકા તૈયાર કરી છે જે તેઓશ્રીએ www.vadgam.com ને મોકલી આપી છે અને તેમાંથી આ ઉપયોગી માહિતી અનેક લોકો સુધી પહોંચે તે હેતુ આ વેબસાઈટ ઉપર લખવાની તેઓશ્રીએ મંજૂરી આપી છે. તે બદલ તેઓશ્રી નો ખૂબ ખૂબ આભાર].
ઉનાળામાં ખાડા ખોદી રાખો.
ઉનાળામાં ૨૫ x ૨૫ x cm ના માપસરના ખાડા ખોદી રાખો. સૂર્યપ્રકાશથી તપીને માટી ભરભરી બનશે. છોડ રોપતા પહેલા વરસાદનું પાણી ખાડામાં બરાબર ભરાવા દો.
એક એક ટોપલો સેન્દ્રિય ખાતર.
છોડ રોપતા પહેલા ઝાડ દીઠ એક એક ટોપલો સેન્દ્રિય ખાતર અને એક ચમચી ઉધઈની દવા માટીમાં ભેળવીને પછી અડધો ખાડો માટીથી ભરી દો. આ થઈ વૃક્ષારોપણ પહેલા કરવાની જમીનની પૂર્વ તૈયારી.
સેન્દ્રિય ખાતર આપવાના ફાયદા.
સડેલું છાણ-કચરાનું ખાતર આપવાથી જમીનનું પોત સુધરે છે. નબળી જમીન સબળી બને છે. જમીનની ભેજ ધારણ શક્તિ અને નિતારશક્તિ વધારે છે. જમીન જીવતી બને છે.
જમીનને અનુકૂળ ઝાડની પસંદગી – અયોગ્ય વૃક્ષની પસંદગી વિકાસ ઓછો.
જમીનને અનુકૂળ યોગ્ય વૃક્ષની પસંદગીથી ઝાડનો વિકાસ વધુ થશે. રેતાળ, ગોરાડુ, કાળી-ચીકણી કે પથરાળ જમીનને અનુકૂળ ઝાડ રોપવાની પસંદગી નહી કરો તો ઝાડનો વિકાસ ઓછો થશે.
પૂર્ણ વિકસિત તંદુરસ્ત રોપા.
વૃક્ષારોપણ માટે પૂર્ણ વિકસિત તંદુરસ્ત રોપા જ પસંદ કરો. નબળા રોપા રોપવાથી ઝાડનો વિકાસ સારો નહી થાય.
રોપાને માટીના પીંડ સાથે કાળજીથી બહાર કાઢો.
રોપાને રોપતા પહેલાં પ્લાસ્ટીકની કોથળીને કાળજીથી ચીરીને માટીના પીંડ સાથે બહાર કાઢી લેવા. આમ નહીં કરવાથી છોડનો વિકાસ રૂંધાશે.
છોડ રોપતી વખતે તેનાં મૂળ વળવા ન દેશો કે છોડને વાંકો-ત્રાંસો ન રોપશો. જો છોડને વધુ પડતો ઉંડો રોપશો કે મૂળ સાવ ઉપર રહે તેમ રોપશો તો છોડ સુકાઈ જશે.
રોપવાની એકદમ સાચી રીત.
વૃક્ષારોપણ કરતી વખતે રોપાને ખાડામાં બરાબર વચ્ચોવચ્ચ ગોઠવીને તેની ચારેય બાજુની માટી ખાડામાં નાખતા જઈ માટીને પગથી ધીરેધીરે દબાવો. જો માટીમાં પોલાણ રહેશે તો છોડ નબળા રહેશે અથવા મરી જશે.
ઓછા કે વધુ વરસાદના પ્રમાણ મુજબ ખામણું કે માટીનો ઢગલો કરો.
ઓછા વરસાદ વાળા વિસ્તારમાં છોડ રોપીને ખામણા કરો. જેથી થોડાક વરસાદનો પણ લાભ મળે અને વધુ વરસાદ વાળા વિસ્તારમાં રોપેલા છોડ પાસે પાણી ભરાઈ ન રહે તે માટે માટીનો ઉંચો ટેકરો કરો.
ઘાસ નીંદવું અને વેલા કાપવા.
રોપ્યા પછી સાત દિવસ બાદ, વરસાદ જવાના ૨૫ દિવસ પહેલા અને વરસાદ ગયા પછી ૨૫ દિવસે છોડની ફરતેથી ઘાસ કાઢી નકામાં વેલાઓ હોય તો દૂર કરવા.
ત્રણ વખત ગોડ કરીને જમીન પોચી રાખો.
રોપ્યા પછી પહેલા ત્રણ વર્ષ સુધી વરસાદ પછીના ૨૫ દિવસ બાદ, વરસાદ જવાના ૨૫ દિવસ પહેલા અને વરસાદ ગયા બાદ ૨૫ દિવસે ગોડ કરીને જમીન પોચી કરી માટીના ઢગલાથી આધાર આપવો.
થડ ફરતે સડેલા કચરાનો થર પાથરો.
બીજી વખત ગોડ કરતી વખતે ઝાડની ફરતે ૫૦ સે.મી. ગોળાઈમાં ૨૫ સે.મી ઉંચો સડેલો કચરાનો થર પાથરવો. આમ કરવાથી જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહેશે અને જમીન ફળદ્રુપ બનશે.
પશુઓથી થતું નુકશાન અટકાવો.
ઉછરતા છોડને પશુઓથી બચાવવા યોગ્ય પ્રકારની વાડ કરીને રક્ષણ આપો.
કીટકોથી થતું નુકશાન અટકાવો.
ઉછરતા છોડને કિટકોથી બચાવવા જરૂરી દવા છાંટો અને તેના થડ પાસે ઉધઈ નાશક દવા આપો.
વધારાની ડાળીઓ કાપી નાખો.
છોડને સરસ સીધા વિકસવા દેવા જમીનથી છોડની કુલ ઊંચાઈના લગભગ ત્રીજા ભાગની ઉંચાઈ સુધી થડ પર ફુટી નીકળેલી વધારાની ડાળીઓ કાપી નાંખો.
યોગ્ય પ્રમાણમાં પાણી આપો.
રોપાને વિકસવા માટે જમીનમાં પૂરતો ભેજ જળવાય તે જરૂરી છે. વધારે પડતું કે ઓછું પાણી આપવાથી છોડના વિકાસ પર માઠી અસર થાય છે.
મટકા મિયત પધ્ધતિ અપનાવો.
ઉછરતા છોડના થડ પાસે જમીનમાં માટીના મટકા મૂકી તેમાં પાણી ભરી, છોડના મૂળ પાસે પૂરતો ભેજ જાળવવા કોશિષ કરવાથી છોડ સારા વિકસી શકશે.
રોપાની વૃધ્ધિ ઉપર સૂર્યપ્રકાશની અસર.
ઝાડને ઝડપથી વધવા માટે પૂરતો સૂર્ય-પ્રકાશ જરૂરી છે. પૂરતો સૂર્યપ્રકાશ ન મળે ત્યાં છોડ સારી રીતે વિકસતા નથી.