અંધશ્રધ્ધા, વહેમ અને અવૈજ્ઞાનીક વલણો સામે રેશનાલીઝમનો સોસીઅલ મીડીયાની મદદથી અભુતપુર્વ પડકાર.
“ આવાઝ અને પાખંડ” યુ ટયુબસના લોકાઅર્પણના સમાચારો.
અંધશ્રધ્ધા, વહેમ અને અવૈજ્ઞાનીક વલણો સામે રેશનાલીઝમનો સોસીઅલ મીડીયાની મદદથી અભુતપુર્વ પડકાર.
ગુજરાત રાજ્યમાં સૌથી પ્રથમવાર હ્યુમેનીસ્ટ– રેશનાલીસ્ટ સોસાયટી ગોધરાના પ્રમુખ ડૉ સુજાતવલી અને ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીયેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૪મી ફેબ્ર્આરીના રોજ અમદાવાદ મુકામે બે યુ ટયુબસ ફીલ્મ – અનુક્રમે ‘પાખંડ અને આવાઝ‘ રીલીઝ કરવામાં આવી હતી. અમદાવાદના સમગ્ર મીડીયા અને પ્રેસ જગતના મુખ્ય પ્રતીનીધીઓ હાજર રહ્યા હતા. જે બધાની હાજરીમાં બંને ફીલ્મો રીલીઝ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમારો આ સોસીઅલ મીડીયામાં યુટયુબની મદદથી અંધશ્રધ્ધા, વહેમો અને અવૈજ્ઞાનીક વલણો સામે પ્રજામત કેળવાનો હેતુ છે. જે ટી વી સીરીલઓમાં આવી બોગસ, ફાલતુ અને સમાજને વૈજ્ઞાનીક વલણોથી ગેરમાર્ગે દોરનારા પ્રસંગોને ઇરાદાપુર્વક બતાવવામાં આવે છે તેની સામે એક જોરદાર વીકલ્પ પુરો પાડવાનો અમારો પ્રયત્ન છે.
‘ આવાઝ‘ નામની યુટુયુબ ગુજરાતના પુર્વમાં આવેલા છેલ્લા શહેર દાહોદમાં બનેલ સત્ય ઘટના પર આધારીત છે. શહેરની નજીકમાં એક ખંડેયેર બની ગયેલ મકાનમાં ભુતનો વાસ છે. રાત્રે આવીને મોટા મોટા બીહામણા અવાજો કરે છે. પથ્થરો ફેંકે છે. સદર મીલકતનો માલીક પોતાની આર્થીક મુશ્કેલીમાં અટવાઇ ગયો હોઇ તે મીલકત વેચવા કાઢી હતી. પરંતુ આવો વ્યવસ્થીત વહેમ અને ભય ફેલાવવાથી કોઇ મીલકત પાસે જોવા પણ આવવાની હીંમત કરતું ન હતું. અરે ખુદ મીલકતનો માલીક આ મીલકતની નજદીક રહેવા પણ તૈયાર ન હતો. શહેરની બીલ્ડર્સ લોબીને મીલકતમાં વહેમ બતાવીને સસ્તામાં પડાવી લેવી હતી.
યુ ટયુબમાં આબેહુબ રીતે ભુત, ડાકણ, જીન વી. અશરીરી તત્વોથી મકાન માલીકે જે જુદા જુદા પ્રયત્નો કરેલા હતા તેને ડૉ વલી સાહેબની ટીમ ની મદદથી સીધાજ બતાવવામાં આવ્યા છે. કેવીરીતે ભુવા જાગરીયા પેલા મકાનમાંથી ભુત કાઢવા મેલડી માતાના રીઝવવા કેવી જુદી જુદી મેલી વીધ્યાઓની વીધીઓ કરવી પડશે અને ખર્ચની વાત કરીને તેવી વીધીઓ કરાવે છે. તેનાથી ઠેકાણું નહી પડવાથી પછી મુસ્લીમ દોરા ધાગા અને ઝાડપુછ કરતા માણસોને બોલવવા આવે છે. છેલ્લે તરણોપાય તરીકે ખ્રીસ્તી ધર્મના પાદરીને બોલાવવામાં આવે છે.
ત્યારપછી અંતમાં ગોધરાની હ્યુમેનીસ્ટ રેશનાલીસ્ટ સોસાયટીના પ્રમુખ ડૉ સુજાતવલી પોતાની ટીમ સાથે ત્યાં જાય છે. અને બેટરીના અજવાળામાં તેમની સામે જ દીવાલ પરથી એક ઇંટનો ટુકડો પડે છે. ટીમનો એક યુવાન સીડી પર ચઢીને જુએ છે તો એક માદા ઘુવડે માળો કરેલો હતો. અને પોતાના બચ્ચાઓ માટે વધારે જગ્યા કરવાનો પ્રયત્નો કરતાં આઘીપાછી થતાં તે ઇંટનો ટુકડો નીચે પડે છે. વહેમનો પર્દાફાશ આ રીતે થઇ જાય છે.
બીજી યુ ટુયુબ ‘પાખંડ‘ નામની છે. જે બનાસકાંઠા અંધશ્રધ્ધા ઉન્મુલન સંસ્થાના પ્રમુખ કારીઆ સાહેબ, ગીરીશભાઇ સુંઢીયા અને બીજા યુવાન સાથી સભ્યોની મદદથી ડૉ સુજાતવલી સાહેબે તૈયાર કરી હતી. આ ફીલ્મમાં નવરાત્રીમાં ગરબામાં માતાજી આવે છે એમ કરીને ધુણતી બહેનો કે પીરની દર્ગા પાસે પોતાનુ માથું ટેકવીને ધુણતા માણસો ઉપર બનાવેલી છે. આવી રીતે ધુણવાથી કોઇ ભાઇ કે બહેનમાં પરકાયા પ્રવેશ કરીને માતાજી આવતા નથી કે પીર શરીરમાં દાખલ થતા નથી.
પરંતુ વલી સાહેબ આ યુ ટયુબમાં મનોચીકીત્સક ડોક્ટરની મદદ લઇને આ માનસીક રોગ કેવી રીતે થાય છે તેના કારણો અને તેના ઉપાયો શું હોઇ શકે તેનો સંદેશ આપે છે.
હાજર રહેલા મીડીયા અને પ્રેસના પ્રતીનીધીઓએ બંને યુ ટયુબસ ને જોયા પછી નીચે મુજબના અભીપ્રાયો આપેલા છે.
‘ ડીએનએ ‘ પેપરના પ્રતીનીધીએ પોતાના અંગ્રેજી પેપરમાં ડૉ વલી સાહેબને કેટલાક પ્રશ્નો પુછેલા તે આ પ્રમાણે હતા. વલી સાહેબ, આપતો ગાયનેકોલોજીસ્ટ ડૉકટર છો. આપણા સમાજમાં ગર્ભવતી બહેનો જાતભાતની ઘણી બધી અંધશ્રધ્ધાઓમાં માને છે. તે અંગે તમારે શુ કહેવું છે? વલી સાહેબનો જવાબ હતો કે મેં તે બધાના સામાન્ય પ્રશ્નો તારવીને તેમને સરળ ગુજરાતી ભાષામાં છેક ગર્ભધાનથી માંડીને બાળકના પ્રસવ સુધીની એકે એક સ્ટેજની પુસ્તીકા તૈયાર કરી છે. તે બધી બહેનોને વીના મુલ્યે આપુ છું.
બીજો પ્રેસનો પ્રશ્ન હતો કે આપની પ્રવૃતી તો લોકોમાં વૈજ્ઞાનીક વલણ કે અભીગમ કેળવાય તે માટેનો છે. ભારતના બંધારણની કલમ ૫૧એ જણાવ્યા પ્રમાણે દેશના દરેક નાગરીકની વૈજ્ઞાનીક વલણ કેળવવાની બંધારણીય ફરજ હોય તો તમે સરકારનો સાથે કેમ લેતા નથી? જ્યારે પાછલી ગુજરાત સરકાર પોતે ૩૦૦ ભુવાઓનુ સન્માન કરતી હોય તો આવી સરકાર પાસેથી તમે કેવી રીતે પ્રજામાં વૈજ્ઞાનીક વલણ કેળવવામાં મદદની અપેક્ષા રાખી શકો?
અન્ય પેપરોના મથાળા નીચે મુજબ છે.
ગુજરાત ટુ ડે– “ ડર બતાવતી સીરીયલોની મહીલાઓ પર અસર”.
લોકમીત્ર– “ અંધશ્રધ્ધા અને ચમત્કારોના પર્દફાશ કરતી શાર્ટ ફીલ્મ ‘આવાઝ‘.
જયહીંદ–“ શોર્ટફીલ્મ “આવાઝ અને પાખંડની રજુઆત.
બીજા ઘણા બધા દૈનીકોએ ઉપરના સમાચારને અગ્રસ્થાને પ્રકાશીત કર્યા હતા.
ગુ.મું રે એસો પ્રમુખ બીપીન શ્રોફે સંસ્થાની ગુજરાતભરમાં ચાલી રહેલી પ્રવૃત્તીઓની માહીતી આપી હતી. સંસ્થાના મંત્રી પીયુષભાઇ જાદુગરે પોતાના જાદુઇઝોળામાં સમાજને રંજાડતી અંધશ્રધ્ધાઓને નાંખીને અદ્યશ્ય કરીને તેના બદલામાં “ આવાઝ અને પાખંડ” ની યુ ટયુબસ કાઢી બતાવી હતી.
સમગ્ર આયોજનની ભવ્ય સફળતા ગુ મુ રે એસોના મીત્ર, માર્ગદર્શક અને સલાહકાર વડીલ મનીષીભાઇ જાનીની અથાગ મહેનતનું પરીણામ હતું .જેને બધાએ બીરદાવ્યું હતું.
. “આવાઝ ફીલ્મ ૧૩ મીનીટની અને પાખંડ સીરીઅલનો પહેલો ભાગ આશરે ૨૯ મીનીટનો છે.
બંને ટુંકી ફીલ્મ જોયા પછી આપનો અભીપ્રાય જણાવજો તો અમારો આ પ્રવૃત્તી કરવાનો ઉત્સાહ વધુ પ્રબળ બનશે.
(૧) આવાઝ–––
https://www.youtube.com/watch?v=3vmFOj5wkE0
(૨) પાખંડ સીરીઅલનો પ્રથમ ભાગ