જન્મદિવસ ની પ્રેરક ઉજવણી…!!

Surat-Chhayado-Bhojnalay

મોટેભાગે સ્વઅર્થે જીવતા સ્વાર્થી જગતમાં કોઈ કોઈ માનવી અથવા તો સમાજ અલગ કેડી કંડારી મનુષ્ય જીવનને સાર્થક કરતા હોય છે. હું અને મારું જેવા સંકુચિત વિચારોથી આખું જગત ઉભરાય છે. ઈશ્વરકૃપા હોય તો જ મનખા અવતાર સાર્થક થાય અન્યથા કેટલાય જીવડા આ પૃથ્વી ઉપર આવ્યા અને ગયા એનો કોઈ હિસાબ નથી. પોતાનું તો સૌ વિચારે અને એ જરૂરી પણ છે પણ સાથે સાથે સમાજ પ્રત્યે પણ આપણી કોઈ ફરજ બને છે એવા પાઠ બહુ ઓછા લોકો ભણ્યા હોય છે. બચપણથી જ આ સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો જ આ વિષય માં મહારત હાંસલ થી શકે એવું મારું અંગત રીતે માનવું છે.

આ પૃથ્વી ઉપર અનેક લોકોએ આ મહામુશ્કેલ વિષયમાં ડીગ્રીઓ મેળવી છે અને એ જ સમાજ જીવન ની ખરી મૂડી છે. એ  અભ્યાસક્રમનું નામ છે “માનવતા” બહુ સરળ પણ સમજવો મહામુશ્કેલ. ઘર થી સ્મશાન સુધીના એકેય પ્રકરણમાં પાસ ન થયા હોય એવા પણ છે તો આ વિષય માં ગોલ્ડ મેડાલીસ્ટ પણ છે હા એવા લોકોની સંખ્યા થોડી ઓછી છે પણ પુરતી છે એનું આશ્વાશન છે આ જીવતું જગત.

Surat -Chhayando-Bhojnalay-1આ જ માનવતાનાં અભ્યાસક્રમ નાં સરળ પાઠ સુરત સ્થિત વડગામ તાલુકાના કોદરામ ગામના વતની મનોજભાઈ પ્રજાપતિ શીખતા આવ્યા છે એમના માતા-પિતા પાસેથી કે જ્યારે  ઈ.સ. ૨૦૦૮-૨૦૦૯ માં  સુરત  સ્થિત સિવિલ હોસ્પિટલ પ્રાંગણ માં સુરત માનવ સેવા સંઘ દ્વારા ચાલતી  છાયંડો સંસ્થા નાં માધ્યમથી ચાલતી ભોજનશાળામાં રૂ .૧૧,૦૦,૦૦૦/- જેટલું માતબર દાન આપ્યું   અને હવે તેઓ પોતે પોતાના પુત્ર ને છેલ્લા પાંચ વર્ષ થી શીખવાડી રહ્યા છે માનવતા અને સેવાનાં પાઠ અને એ પણ છેલ્લા પાંચ વર્ષ થી અને આ માટે એમણે સમય પસંદ કર્યો જન્મદિવસ નો. હા પોતાના પુત્ર જૈમીનનાં જન્મદિવસ ની ઉજવણી સુરત સ્થિત સરકારી દવાખાના કેમ્પસ માં છાયંડો સંસ્થા દ્વારા ચાલતા ભોજનલાયમાં દર વર્ષે રૂ. ૧,૦૦,૦૦૦ /- જેટલો સહયોગ આપીને અને જૈમીન નાં જન્મદિવસે પોતાના પરિવાર ને સાથે રાખી જૈમીન સહીત પરીવારજનો પોતાના હાથે ભોજનાલય માં ભોજન પીરસે છે અને નવી બાળકો મોટા થતા થતા દર વર્ષે માનવતા ના આ પાઠ ઘૂંટે છે.

અન્નદાન એ મહાદાન ખરું પણ એ જરૂરીઆતમંદ લોકોને દાન કારવામાં આવે ત્યારે …….અને સિવિલ હોસ્પિટલ સુરત માં છાયંડો  સંસ્થા દ્વારા ચાલતી ભોજનશાળામાં લવજીબાપા પરિવાર દ્વારા દર વર્ષે અપાતું અન્નદાન એ ખરા અર્થમાં મહાદાન છે.

વડગામ.કોમ શ્રી મનોજભાઈ ને અભિનંદન તેમજ ચિ. જૈમીન ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે……!!