વડગામ તાલુકાએ પુલવામાં શહિદોને શ્રધાંજલી અર્પી….
આપણા હિન્દુસ્તાનના વીર જવાનો સામે સામી છાતીએ લડવાની ક્ષમતા ગુમાવી ચૂકેલું નાપાક પાકિસ્તાન અને તેના પ્રેરિત આંતકવાદી સંગઠનો કાયરતાની જેમ ચોરી છુપીથી અને દગાબાજી થી ભારતના વીર જવાનો ઉપર હુમલા કરતા રહે છે. પાકિસ્તાન પ્રેરિત આંતકીઓને ખબર નથી કે હિન્દુસ્તાનને વફાદાર પ્રત્યેક નાગારિક વીર જવાનોની પડખે છે. હિન્દુસ્તાન ની સરકાર અને જનતા તેના પરિવાર ની સંભાળ લેવા સક્ષમ છે. હિન્દુસ્તાન ના વીર જવાનોની શહીદી ક્યારેય એળે જતી નથી.
તાલુકા મથક વડગામ સહીત તાલુકાના અનેક ગામડાઓમાં આંતકીઓના પુતળા દહન, કેન્ડલ માર્ચ, તેમજ નિક્કી બિટ્સના સથવારે એક શામ શહીદો કે નામ જેવા કાર્યક્ર્મો થકી શહિદો ને શ્રધાંજલી અર્પવામાં આવી હતી. તા.૧૬.૦૨.૨૦૧૯ ના રોજ તાલુકા મથક વડગામની બજાર વિર શહિદોના માનમાં સ્વયમભું જડબેસલાક બંધ રહી હતી.
સર્જાત્મક શિક્ષણને વરેલી તાલુકાની પ્રથમ હરોળ ની શૈક્ષણિક સંસ્થાઓ ગેલેક્ષી સ્કુલ ઓફ સાયન્સ અને કેશરબા જાડેજા વિદ્યાસંકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા તાલુકાના અંદાજિત ૧૦,૦૦૦ કુટુંબો નો સંપર્ક કરી કુટુંબદીઠ રૂ. ૧૦ નો લોકફાળો મેળવી કુલ રૂ. ૧,૦૦,૦૦૦ જેટલી માતબર રકમ શહીદ પરિવારોમાટે એકઠી કરી શહીદો ને ભાવભરી શ્રધાંજલી અર્પિત કરી હતી.
તેનીવાડા ગામના ચોકની અંદર તેનીવાડાના સંપૂર્ણ મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ .બહેનો નાના ભૂલકાઓ એક સાથે ભેગા મળીને વીર શહીદોને કેન્ડલ થી શ્રદ્ધાંજલી આપવામાં આવી. પાકિસ્તાનનાઆતંકવાદી દ્વારા કરવામાં આવેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. અને શહીદના પરિવારને આઘાત સહન કરવાની ભગવાન અલ્લાહ શક્તિ આપે એવી દુવા કરવામાં આવી હતી. આ નિમિત્તે શહીદોના કેન્ડલની શ્રદ્ધાંજલી અને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
ઉપરાંત વડગામ તાલુકાના અનેક ગામો માં નાના મોટા પાયે વીરા જવાનોને શ્રધાંજલી અર્પી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી અને દેશહિત માટે વડગામ તાલુકાના સર્વે નાગરિકો દેશહિત માટે એક છે તેવી એકતાની પ્રતિતિ કરાવી હતી.
વડગામ તાલુકાના ગીડાસણ ગામના વતની શ્રી મુકેશભાઈ અને શ્રી હરેશભાઈ ચૌધરીએ પોતાના માતૃશ્રી નું અવસાન થતાં લૌકિક પ્રસંગે આવેલ રકમ પુલવાવામાં શહીદ થયેલ જવાનો ના પરિજનોને આપવાનું નક્કી કરી એક આદર્શ ઉદાહાણ પૂરું પાડ્યું હતું.
પુલવામાં ઘટના સંદર્ભે વડગામ મહાલની ૧૧૦ ગામોની અઢારેય આલમેં દેશપ્રેમ દર્શાવતા યથાયોગ્ય પ્રયત્નો કરી હિન્દુસ્તાનના વીર જવાનોને શ્રધાસુમન અર્પણ કરી અખંડ ભારત માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વડગામ તાલુકાના અનેક ગામોમાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી શહીદ જવાનોના પરિવારજનો માટે લોકફાળો એકઠો કરી શ્રધાંજલી અર્પતા પોતાના દેશ તેમજ શહીદ જવાનો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
આખરે પ્રજાની સમજદારી જ કોઈ પણ દેશ ને અખંડ રાખવામાં સહાયભૂત બનતી હોય છે. આવી સમજદારી જળવાઈ રહે અથવા તો વિકસે તે માટે જનજાગૃતિ કેળવાય તે હેતુ ઠેર ઠેર યોજાતા દેશહિતના કાર્યક્રમો અત્યંત આવશ્યક છે. દરેક નાગરિકે સરહદ ઉપર લડવા જવાની જરૂર નથી આપણા જવાનોમાં ભરપુર ક્ષમતા છે અને એમાં શંકાને કોઈ કારણ નથી એટલે વારતહેવારે એ બાબત માં સરહદ ઉપર લડવા જવાની સલાહ આપવા કરતા દરેક નાગરિકની પોતાના દેશને અખંડ અને સલામત રાખવા માટે પોતાની શું ફરજ છે કે પોતાની શું જવાબદારી છે એ જાણી લેવાનું અને તેનો અમલ કરવાનું ખુબ જ મહત્વપૂર્ણ છે.
વડગામ.કોમ આપણા દેશના શહિદોને નતમસ્તક વંદન કરી શ્રધાસુમન અર્પણ કરે છે.