ગઝલ
[વડગામ તાલુકાના મજાદર ગામના વતની સ્વ. સુણસરા સુલેમાનભાઈ અબ્દુલગનીભાઈ કે જેઓ એસ.ખાકી મજાદરી ના ઉપનામે પણ ઓળખાતા હતા, માત્ર ધોરણ-૧ પાસ લાયકાત ધરાવનાર અને વ્યવસાયે સીલાઈ કામ, ગઝલોનું કંપોજ કરવાનું,સુથારકામ,લુહારકામ અને કડીયાકામ કરનાર સુલેમાનભાઈ ગઝલ સર્જન નો વિશેષ શોખ ધરાવતા હતા.તેઓની બે ગઝલની રચનાઓ બનાસકાંઠાના કવિઓની રચનાઓના પુસ્તક “બનાસનો કલરવ” પુસ્તકમાં પ્રસિધ્ધ થઈ હતી જે આભાર સહ અહીં મુકવામાં આવી છે. પુસ્તકની વિગત ગજલના અંતમાં આપવામાં આવી છે.]
[1] ઝલક આપું…
તમે આપો ગઝલ ‘ખાકી’ ગઝલને હું હલક આપું,
ઘરે ઘર ગુંજવા કાજે પછી પ્યારો મલક આપું,
દઈને હર્ષનાં મૂલ્યો ખરીદું શોક દુનિયાના,
ભલે હો ખોટનો ધંધો નહીં કિંતુ લચક આપું,
તૃષા સાહિત્યની હો તો કરું હું તૃપ્ત પળ ભરમાં,
ગઝલ તાજી નીચોવી જો તને પીવા અરક આપું,
તમે થઈ ચાંદ આવો તો ચમકવા ચાંદની દઉ પણ,
સિતારો થઈ પધારો તો ટમકવાને ટમક આપું,
હદય પર ઘાવ કરનારા હવે તું કાર્ય સંપન્ન કર,
ઉત્તેજે બળતરા એવું તને લે, હું નમક અપું,
ભલે પથ્થર સમું દિલ હો મને આપો હું પ્રણયની,
સરાણો પર ચડાવીને હીરા જેવી ચમક આપું,
પરિચય આપવો પડશે કબરને મુખ બતાવીને,
કફન ‘ખાકી’ નું ખોલો કે જરા મુખની ઝલક આપું.
[2] પીંછી હદય ના ઘાવમાં….
પીંછી હદય ના ઘાવમાં બોળવાનો છું હવે,
તારી કૃપાઓની છબી દોરવાનો છું હવે,
રેખા અમારા હાથની વાંચવાનો છું હવે,
કે ઝાંઝવા પાછળ રણે દોડવાનો છું હવે,
ભરચક ભર્યા શેતાનોના ટોળામાં એકાદ જો,
પામું કદી ઇન્સાન તો શોધવાનો છું હવે.
દેજે જગા ચરણો મહીં કે હદય માં તું મને,
છું પ્રેમઘેલો કે બધે શોભવાનો છું હવે,
આવી શકે તો આવું તું સ્વપનોમાં સત્વરે,
રાખી ઉઘાડી આંખને પોઢવાનો છું હવે,
જે મૌન તે અર્પ્યુ હતું એજ પડઘાશે જગે,
આજે કશું જે આંખથી બોલવાનો છું હવે,
પુષ્પો મહીં રંગત નથી આજ મારા બાગમાં,
શું આજ ‘ખાકી’ બાગ હું છોડવાનો છું હવે.
[ પુસ્તક:-બનાસનો કલરવ..બનાસકાંઠાના કવિઓની રચનાઓ. પ્રકાશક:-બનાસકાંઠા સાહિત્યકલા સંઘ અને શ્રીમતી હીરાદેવી એસ. ગુપ્તા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર. પ્રાપ્તિસ્થાન:-ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, બનાસકાંઠા સાહિત્યકલા સંઘ અને શ્રીમતી હીરાદેવી એસ. ગુપ્તા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર]
” KHAAKI ” SAHEBANI GAZALO KHUBA J GAMI.
Bahu j sundar bhaav vyakt karel chhe.
Pl. correct the word ” jalak ” in the last line of first Gazal… as ” zalak “.
Thank you Kalidasbhai for your valuable suggestion..ok I corrected it….