Poem-Gazal

વડગામના ચોતરે (ઓટલે) થી……..!

choro

૧૩, ફેબ્રુઆરી ,૨૦૧૮

તૂં હી તૂં

જ્યારે પૃથ્વી ન્હોતી ને જ્યારે નભ નહોતું

જ્યારે વાયુ ન્હોતો, ને જ્યારે જળ ન્હોતું

ચંદ્ર સૂરજ ન્હતા, તારલાયે ન્હતા

નક્ષત્રો ન્હ્તા, ને ગ્રહો પણ ન્હતા

તૂં હતો, તૂં હતો  ભોળા તું

ભોળા તું શંભુ તું’ શિવજી તું,

જ્યારે બ્રહ્મા ન્હોતાં, જ્યારે વિષ્ણુ ન્હોતાં

ત્રિલોક ન્હોતાં, ને દેવો પણ ન્હતાં

ત્યારે સૃષ્ટિ દાતા, તું હતો તું હતો ભોળા તું…

જ્યારે સ્વર્ગ ન્હોતું, જ્યારે નર્ક ન્હોતું

જ્યારે જન્મ ન્હોતોં જ્યારે મૃત્યુ ન્હોતું

ત્યારે જીવનદાતા, તું હતો, તું હતો, ભોળા તું..

જ્યારે દેવો ન્હોતા ને દાનવ પણ ન્હોતા

જ્યારે ઋષિ, ગંધર્વો કે વીણા ન્હોતાં

ત્યારે નાદ-દાતા તું હતો તું હતો ભોળા તું,

જ્યારે વેદો ન્હોતા ને પુરાણો ન્હોતા

જ્યારે શ્લોક નહોતાં, જ્યારે મંત્રો ન્હોતા

જાદવ શબ્દ દાતા તું હતો તું હતો ભોળા તું

ભોળા તું શંભુ તું શિવજી તું

તું હી તું, તું હી તું, તુ  હી તું

પ્રશાંત કેદાર જાદવ (કોદરામ-વડગામ)

*****

૦૮, ફેબ્રુઆરી ,૨૦૧૮

આ માનવીના જિંદગીની ચાલતી ઘટમાળ છે,

થોડી બતાવો લાગણી સ્વાર્થી થયાનું આળ છે.

છો કેમ ? પૂછીને અટકી જવાનું છે અહી ,

સબંધની આ આપણે કેવી રચેલી પાળ છે.

આ આયખાના ઝાડમાં દુ:ખો મળે છે એટલા,

એકે ફૂટે જો પાન બટકી જાય એવી ડાળ છે.

શોધે અહી સૌ એકબીજાને છતાં એ નાં જડે,

આ માનવીને માનવીની નાં જરાય ભાળ છે.

ઘરથી કબર ને કબર થી ઘર તરફની દોડમાં ,

ઈશ્વર મળે તો પૂછું આ કેવો દીધેલો ઢાળ છે.

– મેહૂલભાઇ જોષી ( છાનીયાણા – વડગામ )

*****

૦૬, ફેબ્રુઆરી ,૨૦૧૮

જયાં છું ત્યાંથી તો,

પાછો વળવાનો નથી જ.

ચાલને! થોડું આગળ ચાલીએ.

રસ્તે ભલે ને  કંઈ ન મળે,

પગદંડી તો પાડીએ.

સૂરજ આથમે છે જરૂર,

ઓલવાઈ જવાનો નથી જ.

ચાલને! થોડું અજવાળું કરીએ,

અજવાસ ભલેને ન ફેલાય,

આશા તો પ્રગટાવીએ.

હિમાલય અડગ છે એવો,

ડગવાનો તો નથી જ,

ચાલને! થોડો હડસેલીએ,

લેશમાત્ર ભલેને ન ખસે,

હિંમત તો રાખીએ.

નીતિનભાઇ રાવલ (પસવાળ-વડગામ)

*****

૦૬, ફેબ્રુઆરી ,૨૦૧૮

નયનો જ્યારે તમારા મુખડાનું અવલોકન પામ્યા,

મધુર સ્મિત સાથે હોઠો પર કંપન પામ્યા.

નયનથી નયન મળ્યા ને સંયોજન પામ્યા,

જાણે કે અમે જન્નતનું સિહાંસન પામ્યા.

ખુલ્લા દિલ સાથે આવો અને સ્વીકારો તમો,

નિખાલસ હર્દય સાથે અમે નિખાલસ મન પામ્યા.

કેમ કરીએ કાબુ હાથમાં નથી?,

ખુબ જ તેજ વેગવંતી અમે ધડકન પામ્યા.

ખુશ્બુની આછેરી ઝલકો જો મળી અમને,

તમે આવ્યા તો જાણે ચંદનનું ઉપવન પામ્યા.

ખુશ થઈ ગયા અમે તમારી વાતથી,

જ્યારથી તમ મુખે પ્રિયેનું સંબોધન પામ્યા.

એકવાર અનવર જરાક જોઈ લો ફરી,

આંખોમાં એમની સ્નેહનું ઇજન પામ્યા.

અનવર એસ. જુનેજા (વડગામ)

*****

૩૦, જાન્યુઆરી ,૨૦૧૮

મેં બધી બાબતો ગંભીરતાથી લીધી.

હળવાશથી લેનારા આગળ નીકળી ગયા.

મેં બધી વાતો મહત્વાકાંક્ષાની કીધી.

ઉપેક્ષા કરનારા આગળ નીકળી ગયા.

મેં બધી લાતો સામી છાતીએ ખાધી.

છટકી જનારા આગળ નીકળી ગયા.

મેં બધી મદીરા સંવેદનાની પીધી.

વેદના આપનારા આગળ નીકળી ગયા.

મેં બધી શક્તિ સહન કરવા દીધી.

બીજે વેડફનારા આગળ નીકળી ગયા.

મેં બધી વખત ઠોકરો ખાધી.

ઠોકર મારનારા આગળ નીકળી ગયા.

મેં બધી ઘડીઓ ફેરવી સીધી.

ઊંધી કરનારા આગળ નીકળી ગયા.

મેં જીવનપંથ પર વળાંકો લીધી.

સીધે જનારા આગળ નીકળી ગયા.

મેં બધે જરૂર નિષ્ફળતા દીઠી.

સફળ થનારા શુ?? આગળ નીકળી ગયા.

મેં બધી વાતો દંભી કીધી.

એને સમજનારા આગળ નીકળી જવાના.

નીતિનભાઇ રાવલ (પસવાળ-વડગામ)  29.01.2018

*****

૨૩, જાન્યુઆરી ,૨૦૧૮

સલામી

પ્રસન્નતાના પાણીની જેમ રોમેરોમ ફરી વળ્યું પુલકીત ઝરણું.

જાતભાતના વેશદેશની દુનિયા મારે મન નક્કી અહીં જ મરણું.

સત્ય અને અહિંસાના પાયા પર સ્વતંત્રતાની હું ઇમારત ચણું.

ત્તાઉમ્ર વફા કરું ને દેશકાજે દેશદાઝ રાખું  મારે મન એય ઘણું.

કર્મ ધર્મ જીવનનો મર્મ આ સઘળું ફક્ત વતન  એ હું જાણું.

દિવ્યાત્મા મારી ભારત માતા મહેક તારી માટીની સદાય માણુ.

નતમસ્તક સંકલ્પ કરું નહી રેવા દઉં અધૂરું આઝાદીનું સમણું.

નીતિનભાઈ રાવલ (પસવાદળ)

*****

૨૩, જાન્યુઆરી ,૨૦૧૮

દુનિયાની નજરે જોશો તો સાજન લાગશે હું સંત કે મહંત છું,

આંબાનો મ્હોર ને ખાખરાનો કેશુડો ભગવા રંગની વસંત છું.

-પ્રશાંત કેદાર જાદવ [ગામ-કોદરામ, તા.વડગામ]

*****

૧૪ જાન્યુઆરી ,૨૦૧૮

આજે ઉતરાણ, સબંધ ની પતંગ ઉડાડજો અને નફરત ના પતંગ કાપજો,

આજે ઉતરાણ, ચિક્કી ખાઈ ખવડાવી મીઠું મોઢું કરજો ખટાશ ને મન માંથી કાઢજો,

આજે ઉતરાણ, પશુઓ ને ચારો નાખજો અને પક્ષીઓ ની ચિંતા કરી એમને બચાવજો,

આજે ઉતરાણ, પ્રેમ ના પેચ લગાવજો સબંધ ની દોરીને ના કાપજો,

આજે ઉતરાણ, લાગણી ઓના લંગર નાખજો પણ કોઈની ભાવનાઓને ના લપેટજો,

આજે ઉતરાણ, “રણજીત” નું દિલ તોડજો પણ જે તમારું છે તેને સાચવી લેજો.

શ્રી રણજીતસિંહ હડીયોલ (ડાલવાણા-વડગામ)

*****

૧૨ જાન્યુઆરી ,૨૦૧૮

હૈયાની હાટડીમાં પતંગ વેચવા બેઠો છું.

વગર દામેં લઈ જાવ સાથે વ્હાલ નો દોરો વેચવા બેઠો છું.

નાં રાજ જોઈએ, નાં તાજ જોઈએ

માણસ નો માણસ સાથે શોભે એવો હર્દય નો આનંદ જોઈએ.

આંખો બંધ કરીને હું ચાલતો નથી

સબંધો વિષે હું કંઈ જાણતો નથી.

હશીને લોકોને મળવું એ મારો શોખ છે,

મળ્યા પછી કોઈ મને ભૂલી જાય એ વાતમાં હું માનતો નથી.

આવી છે ઉત્તરાયણ તો આનંદથી વધાવી લેજો

પ્રેમના દોરા વડે પતંગ ને હવામાં લહેરાવજો.

– રમેશભાઈ પંચાલ (ધોતા –વડગામ ) હાલ મુંબઈ

*****

૧૨ જાન્યુઆરી ,૨૦૧૮

[ વડગામ તાલુકાના પસવાદળ ગામના મૂળ વતની શ્રી નિતિનભાઈ રાવલે ઉત્તરાયણ નિમિત્તે પોતાની સ્વરચિત પ્રસ્તુત રચના “તું!!! ઉત્તરાયણ!!!” વડગામ.કોમ ને મોકલી આપી છે તે બદલ નિતિનભાઈ રાવલનો આભાર.]

તું!!! ઉત્તરાયણ!!!

હશે દુનિયા માટે એ પર્વ, અપુર્વ અમારા માટે એ જીવન હતું.

હશે દુનિયા માટે ઉત્તરાયણ, આવરણ આનંદોનું આજીવન હતું.

રંગબેરંગી પતંગ ને દોરીમાં વ્યસ્ત, મસ્ત ગગનમાં ત્યારે મન હતું.

ઢીલ છોડવામાં ને ખેચવામાં વ્યસ્ત, મસ્ત પેચમાં ત્યારે મન હતું.

આગલી રાતના વ્હાલાં ઉજાગરા, ધજાગરા ઉડાડવા ત્યારે જાગરણ હતું.

પરોઢની પછવાડે ખૂલ્યાં મજાગરા, નૂગરા પેચોનું ત્યારે રણ હતું.

ક્યાંક ચાંદો તો ક્યાંક ચીલ ને મેણીયું, દોરીનું તો સુરતી નક્કી હતું.

ક્યાંક ડીજે તો ક્યાંક વાગે રમઝણીયું, લંચનું તો ઊંધિયું નક્કી હતું.

ફાટી ગયેલી આંખ ને થાકેલી કિકી, ચીક્કીથી ગળું થોડું બેઠેલું હતું.

સુર્યાસ્તને જોઈને મજા પડી ફિક્કી, ફિરકી ખાલી ને મન ઠાલું હતું.

કેવા રંગ ને કેવા પતંગ? તંગ આજે આંતરમન જાણે રડતું!

કેવો હતો મિત્રોનો સંગ, ભંગ ઉમંગ એકલપણું જાણે ડસતુ!

કેવી દોરી ને કેવા પેચ, મેચ થવામાં આજે જીવન મથતું.

કેવી ઢીલ ને કેવી ખેંચ, કેચ કરવામાં આજે જીવન દોડતું.

છે એ જ રંગ,પતંગ,દોરી ને પેચ આજે મન કહેતું.

નથી તો ફક્ત એ મિત્રો એ અગાશી ને બધુંય જે રહ્યું જતું.

છે મળવાની આસ હંમેશની, મનમાં એ જ સ્વપ્ન રહેતું.

*****

૨૯,  ડિસેમ્બર્ , ૨૦૧૭

Nitin Raval

[વડગામ તાલુકાનાં પસવાદળ ગામના મૂળ વતની શ્રી નીતિનભાઈ રાવલ દ્વારા સ્વરચિત આ કૃતિ વડગામ.કોમને મોકલી આપવા બદલ શ્રી નીતિનભાઈ રાવલ નો આભાર.]

 

 

બધુંય રળવા ગયો.

બધેય ભળવા ગયો.

ખુદને કળવા ગયો.

મુજને મળવા ગયો.

નમીને વળવા ગયો.

બીજામાં ફળવા ગયો.

સમયે ઢળવા ગયો.

સલીલે ખળવા ગયો.

મદદે ગળવા ગયો.

હૃદયે દળવા ગયો.

હું ગયો ને તું ગયો,

છેવટે સળગવા ગયો.

*****

 

૨૭ ,  ડિસેમ્બર્ , ૨૦૧૭

kalidasવડગામ પંથકનાં પ્રભાવશાળી અને ગૌરવવંતા મહાનુભાવોની યાદીમાં જેમનું નામ છે તેવા વડગામ ગામના વાતની અને સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શ્રી કાળીદાસ લક્ષ્મીચંદ ભોજક (કવિ આનંદી) દ્વારા આશરે ૫૦ વર્ષ પહેલા રચિત આ કૃતિ.

એથી મરવું શું ખોટું..? ******રોજ નવી સાંભળીએ વાત.. ગોળ ખાંડ ઘઉં તેલને ભાત… આઘાતોને પ્રત્યાઘાત.. આશ્ચાસનમાં સાતડે સાત.   એથી મરવું શું ખોટું…..? .(.1) ….. ગમ્યા વગરની વાતો થાય… પડાપડી ખુરસીની લ્હાય…ભુખ્યા  આગળ ભાષણ થાય…. પેટે જ્યાં પાટા બંધાય….. એથી મરવું શું ખોટું…? ….(2.) ….. મળી નોકરી ટૂંક પગાર…. તેમાં ખાનારાં દસ બાર…… લાંચ તણો લેતાં આધાર… પકડાવાની બીક અપાર……. એથી મરવું શું ખોટું? .(3 કોઈના મોંઢે નથી લગામ… વહિવટ ચાલે છે બેફામ…… વ્યક્તિ વ્યક્તિ ગણવા ગામ……. બની ગઈ છે ઊંઘ હરામ… એથી મરવું શું ખોટું…?  (4) હર મહીને ઉધાર બજેટ…. દોઢા બમણા દઈએ રેટ…… દેવામાં જો થઈએ લેટ….. જાય આબરૂ ભરતાં પેટ…. એથી મરવું શું ખોટું? (5)) અકળાઈ કરીએ ફરીયાદ .. તેમાં મોંઘી મળવી દાદ……. પક્ષપાત ને વાદવિવાદ….. એથી મરવું શું ખોટું? (6) ***

*****

 

૨૫ ,  ડિસેમ્બર્ , ૨૦૧૭

AHM

 

[વડગામ તાલુકા નાં તેનીવાડા ગામના વતની અહેમદખાન બિહારી (માસુમ પાલનપુરી) એ પોતાની સ્વરચિત કૃતિ વડગામ.કોમ ઉપર પ્રસિદ્ધ કરવા મોકલી આપી છે તે બદલ અહેમદભાઈ બિહારીનો આભાર.]

 

 

ખબર જ કૈં ના પડી

મુજને ઓ ખુદાયા કે

આ દુનિયા માં તેં

શા કાજે ઉતારી દીધો,

 

દુનિયા કેરા લોકોએ જ મુજને

મધ દરિયે ડુબાડી દીધો.

 

એટલું ઓછું હો જાણે

ઉપર પથરો લગાડી દીધો.

 

એ તો ભલું થજો આ

શબ્દ સાઘના કેરી નૈયા નું,

જેણે મુજને માસુમ

બનાવી ઉગારી લીધો.

 

– માસુમ પાલનપુરી

*****

 

૨૩ ,  ડિસેમ્બર્ , ૨૦૧૭

RPanchal[વડગામ તાલુકાના ધોતા ગામના મૂળ વતની અને હાલ મુબઈ સ્થિત શ્રી રમેશચંદ્ર પંચાલે પોતાનું સ્વરચિત સુંદર ભજન વડગામ.કોમ ઉપર પ્રસિદ્ધ કરવા મોકલી આપ્યું છે. શ્રી રમેશભાઈ ને ભજનને સુંદર શબ્દોથી સજ્વવા બદલ વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે].

 

મનવા માની લે આજ મારૂ,

જગતમાં નથી કોઈ તારૂ. મનવા…!

 

ભવો રે ભવથી ભટકાતો આવ્યો,

હાથમાં કાંય નાં આવ્યું. માનવા…!

 

માત-પિતાને નમ્યો નહિ મૂરખ,

મૂરખામાં નામ લખાવ્યું. મનવા…!

 

દોડા દોડીમાં ગઈ રે જવાની,

ભક્તિની વેળા ગઈ. મનવા…!

 

ભક્તિના રંગમાં ભળ્યો નહિ મનથી,

નુંગરા માં નામ લખાણું. રે મનવા….!

 

સમજણ આવીને સદ્દગુરુ મળિયા,

ખોલ્યું ભ્રમણા નું તાળું મનવા…..!

 

સદ્દગુરૂની કૃપા થઇ ત્યા તો,

સહેજમાં જ્ઞાન સમજાણું. મનવા….!

 

ભક્તિ કરવામાં ભાવ જાગ્યો,

આવ્યું જ્મડાનું તેડું. રે મનવા….!

 

પૂણ્ય પ્રતાપે ગાય રમેશદાસ,

સદ્દગુરૂ ની રાખો આશ મનવા….!

 

– રમેશચંદ્ર પંચાલ (ધોતા )

*****

 

 

૦૬ ,  ડિસેમ્બર્ , ૨૦૧૭

Childrens-Chhaniyana School
ડૉ. આર.ડી.મોદી ( પ્રિન્સિપાલશ્રી – કોમર્સ કોલેજ આણંદ) તરફથી  પોતાના વતન વડઞામ.તાલુકાના છનિયાણા ઞામની સરકારી શાળાના તમામ વિધ્યાર્થીઓને સ્કૂલબેઞનુ વિતરણ કરવામા  આવ્યુ.
દાતાશ્રી ની વતન પ્રત્યેની લાગણી ને બિરદાવી વડઞામ.કોમ અભિનંદન પાઠવે છે.

 

૨૩  ,  નવેમ્બર , ૨૦૧૭

[પ્રસ્તુત સ્વરચિત રચના વડગામ.કોમ ને મોકલી આપવા બદલ વડગામ તાલુકાના પસવાદળ ગામના વતની શ્રી નીતિનભાઈ રાવલ નો આભાર.]

 

ન જાણ્યું  માંહ્યલાયે ક્યારેય.

અકળામણ અનુભવાય ભારેય.

 

કાળસમું બધું ઘનઘોર ભાસેય.

કઈંક અજુગતું લાગે ત્યારેય.

 

આ સાંજ! પડે છે જ્યારેય.

 

સાંજનો સન્નાટો મન ચકરાવેય.

સમી સાંજે લાગણીની લૂ લાગેય.

 

ત્રીસી વટાવી તોયે મન પે’લામાં ભાગેય.

છેક! અતિતનું સ્મરણ આજે આવેય.

 

આ સાંજ! પડે છે જ્યારેય.

 

બાળપણે ભાઇબંધો સંગ ગાળેલી એ! સાંજ.

અંધારાને ચીરીને રમેલી એ! સાંજ.

 

ઘરે બોલાવતી સાદ પાડતી  એ! સાંજ.

મમ્મી પરાણે ઘર ભેગા કરતી એ! સાંજ.

 

વૅકેશન પૂરું થવાની છેલ્લી એ ! સાંજ.

હોસ્ટેલમાં રે’વા જવાની પહેલી એ ! સાંજ.

 

ઘણીએ તણાવભરી વિતેલી એ! સાંજ.

દિવો-ચાલીસા-આરતીથી જીતેલી એ! સાંજ.

 

સઘળું ઘોરંભાય ત્યારેય.

આ સાંજ! પડે છે જ્યારેય.

 

–  નીતિન રાવલ (પસવાદળ – વડગામ)

*****

 

૨૧ ,  નવેમ્બર , ૨૦૧૭

[વડગામનાં યુવા સર્જક મનીષ ડી. ચૌધરીએ પોતાની સ્વરચિત રચના વડગામ.કોમ ને મોકલી આપી છે. મનીષ ડી. ચૌધરીનો આભાર].

 

રસ્તો એ જ છે પણ હવે તે સામા નથી મળતા,

ભીડની વચ્ચે હવે એ ચહેરા સાચા નથી પરખાતા.

 

શોધું છું એમને એ જ જગ્યા પર,

જ્યાં મળ્યાં હતા ક્યારેક અમે.

 

સુગંધ છે એમની ત્યાં પણ સબંધ નથી,

કેમ અમને આ કોયડા નથી સમજાતા.

 

અસર તમારી આ સાદગી ની,

કેવી રમત છે આ જિંદગી ની.

 

જળ માંથી મૃગજળ બની જઈ ને તમે,

આ મુસાફિર ને સહરામાં તારસાવતા.

 

ખબર છે એટલી નથી આ હવસ,

મળ્યા હસ્યા ને બોલ્યા ચાર દિવસ.

 

છતાં અંતર પર અસર એવી કરી ગયા કે,

મનનાં માનસ માંથી એ ચહેરા નથી બદલાતા.

 

– મનીષ ડી. ચૌધરી

*****

૦૯ ,  નવેમ્બર , ૨૦૧૭

[ પ્રસ્તુત સુંદર રચના વડગામ તાલુકાનાં કોદરામ ગામ નાં વતની અને ગુજરાતનાં લબ્ધ પ્રતિષ્ટિત કવિ – લેખક શ્રી પ્રશાંત કેદાર જાદવે લખી છે . ઉત્તર ગુજરાત ની બોલી ને કાવ્ય સ્વરૂપે ગુજરાતને ઓળખાણ આપનાર શ્રી પ્રશાંત કેદાર જાદવ છે. તેઓ શ્રીની આ રચના ગુજરાત દીપોત્સવી અંક માં પ્રસિદ્ધ થી હતી. વડગામ.કોમ ને આ રચના મોકલી આપવા બદલ શ્રી પ્રશાંત કેદાર જાદવ ને અભિનદન ]

 

તમે આવો તો …

 

સાજણ તમે આવો તો બને

બીજા ઘણાય છે આવે જાય, જે નથી ઓળખાતા મને

સાજણ તમે આવો તો બને.

 

તમેજ મારો કાગળ કિત્તો,

તમે જ કક્કો કવન

તમે જાગતો ધૂણો હર્દયનો.

તેમજ ચૌદે ભવન

લેખે લગાવી લાવ્યા છો.

આપણા સાતે ભવને

સાજણ તમે…..

હું માંડું છું ડગલાં,

પણ છાપ તમારી પડતી

એ છાપની રેખાઓમાં

મારી દુનિયા આખી જડતી

રઝળી રઝળી થાકી ગયો છું –

રઝળું છું વન વને.

સાજણ તમે આવો તો બને.

*****

૦૮ ,  નવેમ્બર , ૨૦૧૭

[જ્યારે સુખ-સગવડ નાં સાધનો સીમિત હતા, જરૂરિયાતો અલ્પ હતી. પરંતુ જીવવું ગમે તેવી દુનિયા હતી, ધબકતું જીવન હતું. બહુ દુર નહિ પણ માત્ર ૨૫-૩૦ વર્ષો પહેલાની આ ઘટના ને કાવ્યરૂપે બહુ સુદર રીતે વડગામના વતની શ્રી મનીષભાઈ સેવંતીભાઈ શાહે વર્ણવી છે જે વડગામ.કોમ ને મોકલી આપવા બદલ મનીષભાઈ નો ખૂબ ખૂબ આભાર.]

 

વર્તમાન ને કહો થોભી જાય

બાળપણ ને મળીને આવું છું

 

ખુલ્લા માથે માણું વરસાદ

ઉઘાડા પગે દોડી જાઉં છું

 

ફૂટપાથ ના કોરે વેહ્તું પાણી

કાગળની નાવ ચલાવીને આવું છું

 

નાનો મજાનો એક ફુગ્ગો આપ

સાયકલ ના પૈંડે બાંધી ને આવું છું

 

લાલ પીળી પતંગની દોરી આપ

લાઈટના થામ્ભલે લંગર ઝુલાવી આવું છું

 

સુમસામ દેખાય છે મોહોલ્લા ની શેરીઓ

બે ચાર ટાબરિયાને પકડી લાઉં છું

 

યાદ આવે છે દેશી ફળો નો સ્વાદ

જમરૂખ પર મીઠું મરચું ભભરાવીને આવું છું

 

સમય ને કહો છોડી દે હાથ મારો

મિત્રો સાથે સાંકડી દાવ રમીને આવું છું

 

માણી લઉ સાત સ્વર્ગ નું સુખ સાત મિનિટમાં

સાત ઠીકડી સાત સાથીઓ સાથે રમીને આવું છું

 

શોખ છે દુનિયા ફરવાનો

બાયોસ્કોપ માં દુનિયા જોઈને આવું છું

 

કોઈ પણ ભીંતને બનાવી દો બ્લેક બોર્ડ

ઇંટોડા થી સ્કોર લખીને આવું છું

 

ઘૂંટણે તાજા છે બાળપણ ના નિશાન

યાદો નું મલમ લગાડી ને આવું છું

 

વર્તમાન ને કહો થોભી જાય બાળપણ ને મળીને આવું છું !!!!

 

 

*****

 

[પ્રસ્તુત બે સ્વરચિત રચનાઓ  વડગામ.કોમ ને મોકલી આપવા બદલ વડગામ તાલુકાના ડાલવાણા ગામના વાતની શ્રી રણજીતસિંહ હડીયોલ નો આભાર. તેઓ શ્રી નવગુજરાતસમય,બનાસકાંઠા નાં બ્યુરોચીફ છે].

 

[૧]

ખુશ રહો મસ્ત રહો,

જિંદગી છે જીવતા રહો.

 

પ્રેમ કરો અને કરતા રહો,

જે તમારું છે અને ચાહતા રહો.

 

જે નથી એને માફ કરતા રહો,

મળ્યું છે એને માણતા રહો.

 

ખોયું છે એને ભૂલતા રહો,

ખુશીઓ મળી છે તો વેંચતા રહો.

 

કોઈના દુઃખ માં ભાગીદાર બનતા રહો,

મોજ અને મસ્તી થી જીવતા રહો.

 

બીજા ના માટે તમે પોતાના બનતા રહો.

 

[૨]

 

જેને મારી કોઈ પરવાહ નથી એને હું કેમના હેરાન કરું,

જે મારુ છે જ નહીં એની કેમ રાહ જોવું.

 

જિંદગી મળી છે બહુ ઓછી તો કેમ બરબાદ કરું,

દુનિયામાં મારા ઘણા છે પણ હમસફર કોઈ નથી,

તો હું આ કંટક ભર્યા માર્ગ માં કેમની સફર કરું.

 

બધા કહે છે હું સારો છું પણ હું કઈ રીતે યકીન કરું,

જે ને હું સારા માનું છું એમને કઈ રીતે મારા કરું.

 

“રણજિત” દુનિયામાં ખૂબ ઠોકરો ખાધી છે વાલા,

તો હું આ મતલબી જગત પર કેવીરીતે વિશ્વાસ કરું.

 

*****

 

૦૧ ,  નવેમ્બર , ૨૦૧૭

[વડગામ નાં યુવા સર્જક મનીષ દલસંગભાઇ ચૌધરીએ પ્રસ્તુત સ્વરચિત રચના વડગામ.કોમ ઉપર પ્રસિદ્ધ કરવા મોકલી આપી છે. મનીષભાઈ ને અભિનંદન સહ આભાર].

 

આયખા નાં અભરખા પુરા કરવા ઓછો અવતાર પડે,

આવો અમારી જિંદગીમાં તો આ વાતની ખબર પડે.

 

મિલન ને વિયોગ સિવાય નામ નથી બીજું જિંદગીનું,

છતાં રંગમંચ પર નાટક પૂરું કરવા શ્વાસની જરૂર પડે.

 

હસીને તમે ગયા તો થયા અમારા એવા હાલ કે,

જેમ ધગધગતા સહરામાં છાયા ની અસર પડે.

 

બની જશો મૃગજળ નાં મોતી તમે અમારા માટે ત્યારે,

જ્યારે આ સ્વપ્ન માં પણ પ્રણયને સમયની કસર પડે.

 

ખુલ્લા દરવાજે રાહ જોઈને બેઠો છે, ‘નિખાલસ’,

આમંત્રણ છે આવો તમે જો તમને મજરે પડે.

*****

 

૨૬, , ઓક્ટોબર, ૨૦૧૭

[સભાનતા નાં અભાવે કુટેવો જન્મતી હોય છે. પ્રત્યક્ષ તેમજ પરોક્ષરૂપે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ખોખલું કરતી વ્યસનોની કુટેવોનાં પરિણામોનો આપણને સૌ ને વત્તો-ઓછો અનુભવ પણ ખરો. જાગ્યા ત્યાંથી સવાર એ ન્યાએ લપેટાઈ ગયા હોઈએ તો જેમ બને તેમ વ્યક્તિ થી લઇ સમાજ આ વ્યસનોરૂપી કુટેવો માંથી જલ્દી મુક્ત થાય તે તંદુરસ્ત સમાજ નિર્માણ માટે અત્યંત આવશ્યક છે.

ગુજરાતનાં લોકપ્રિય લેખક અને વક્તા માનનીય શ્રી જય વસાવડા સાહેબે તાજેતરમાં આ કુટેવોની ગંભીરતા વિષે દિશાસૂચક લેખ લખ્યો છે. પ્રસ્તુત લેખ વડગામ.કોમ ઉપર મુકવાની પરવાનગી આપવા બદલ શ્રી જય વસાવડા સાહેબ નો આભાર માનું છું – નીતિન  ]

 

માણિકચંદ (RMD) ગુટકાના માલિક-પ્રણેતા રસિકલાલ ધારીવાલ સાહેબનું કેન્સરને લીધે નિધન થયું છે.

 

શોકસમયે સદગત માટે ઘસાતું બોલવું એ વિવેક કે મોતનો મલાજો નથી. પણ સદગત વધુ જીવ્યા હોત ને એમનું દુર્જનો માટેનું “સર્જન” યાને એમની પ્રોડક્ટ ગુટકા નર્કસ્થ થઇ હોત, તો અંગત રીતે આનંદ થાત. તદ્દન ઝેરી અને પૃથ્વીનું સૌથી વિનાશકારી વ્યસન હોય તો એ ગુટકા છે. હું દ્રઢપણે માનું છું કે માવાફાકી ચોળવાનું ને ગંદા ગુટકા ભચડવાનું વ્યસન ભારતમાં સૌથી વધુ ગુજરાતમાં છે ! એનું એક પ્રમુખ કારણ ગુજરાતની દંભી દારૂબંધી પણ છે. સમગ્ર સમાજ આદર્શ મુજબ જીવી નથી શકતો ને ઇઝી ઈન્સ્ટન્ટ ‘કિક’ માટે અમુક બંધાણીઓ શરાબ ન મળતા ગુટકાપ્રેમી થતા ગયા ને પછી તો ખિસ્સામાં લઇ ફરવું ને મનફાવે ત્યાં ચાવવું થૂંકવું આસાન હોઈને ગુટકાનો વ્યાપ વધતો ગયો.

ધરતીના પટ પર સૌથી વધુ મોઢાના કેન્સર સૌરાષ્ટ્રમાં છે. ગંધાતા સડેલા દાંત તો રોજીંદા છે. દારૂબંધીની માફક જ ગુટકાબંધી નર્યું નાટક છે. દારૂબંધીએ જેમ ભ્રષ્ટાચાર પેદા કર્યો ( બાકી ગુજરાતમાં પેટ્રોલ પાણીના ભાવે વેંચાઈ શકે, પણ એ વિષયાંતર થશે) એમ કહેવાતી ગુટકાબંધીએ ઉલટો કંપનીનો નફો વધારી દીધો. તગડા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે ય માણિકચંદની નોન્ધ લેવી પડે. આપણી સેટિંગબાજ જુગાડુ પ્રજાએ રાબેતા મુજબ નુસખા શોધી લીધા ને કાશ્મીર કે સ્પેનના કેસર કરતા ય મોંઘા ગુટકા રોજ ચાવી જતા કહેવાતા ગરીબોને એની શરમ તો શું સાનભાન નથી. બાકી ગ્રામના હિસાબે ભાવ કિલોમાં ફેરવી જોજો.

સરકાર ધારે તો ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી શકે, પણ એવું કોઈ સરકાર ધારે નહિ. ટેક્સની આવક દુર્ગુણોમાંથી થાય. બધા ગાંધી થઇ જાય તો બજેટ સાવ ભાંગી પડે. ને પબ્લિક ડિમાન્ડ હોય એ પ્રોડક્ટ પર બેન શક્ય જ નથી. ઉલટું વધુ ક્રાઈમ થાય. આમ પણ, કોને શું ખાવું ને શું પીવું એ માટેના સરકારી નિયમો જ હાસ્યાસ્પદ છે. પણ શું સારું ને શું ખરાબ એની જાણકારી શેર કરી શકાય. કારણ કે કોઈ પણ વળગણ કોઈના કહેવાથી કદી છૂટે નહીં, અંદરથી ઉગે તો જ છૂટે. બાકી ધુમ્રપાનની જાહેરાતના સમયમાં થીએટર બહાર જઈ બે કશ લગાવી લેવાવાળા મળી આવે !

પણ ગુટકા – માવાનો સીધો સંબંધ અ-સ્વચ્છ ભારત સાથે ય છે. સાદા પાનનો રસ ઘૂંટડે ને ઘૂંટડે ગળે ઉતારવાનો હોય. પણ તમાકુવાળા પાન-ફાકી કે ગુટકાનો રસ સતત થૂંકવો પડે. માટે ગંદકી વધતી જાય. માતા પર ન થૂંકો પણ માતૃભૂમિ પર રોજ થૂંકવાનું ! એટલે ગુટકામુક્ત દેશો ખાસ્સા સ્વચ્છ જોવા મળે ! એ દેશોના પબ્લિક ટોયલેટના બેઝિન પણ ! આપણે ત્યાં તો સ્કૂલ-કોલેજના સ્ટાફ રૂમની મુતરડી ચેક કરો તો ઘણા ગુરુવર્યોનું ‘કેરેક્ટર સર્ટીફિકેટ’ મળી આવશે ! આમ પણ ભારતીયો જગતભરમાં તમાકુ માટે કુખ્યાત છે. જ્યાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુટકા ! આમ પણ, બીજા વ્યસનો તો યુગો જુના કે પ્રાકૃતિક ગણો, તો આ ગુટકા ભસ્માસુર તો સાવ તાજો છે.

અગાઉ પણ સ્વાનુભવે લખી ચુક્યો છું એમ જાગવા માટે કે કામ કરવા માટે ગુટકા ચાવવા પડે એ તો માત્ર મનોબળનો અભાવ છે. જરૂરીયાત હરગીઝ નહીં. સંપૂર્ણ નિર્વ્યસની તરીકે આ હું છાતી ઠોકીને કહી શકું. પણ બીજી વાત એ ય છે કે ઘડી ઘડી અશ્લીલતાના નામે કે ચાઈનીઝ પ્રોડક્ટના નામે ઈન્ટરનેટ પર વાંઝિયા બહિષ્કાર પર ઉતરી જનારા કે સૈનિકોના નામે દેશભક્તિ પર ઓવારી જનારા લોકો જો ધ્યાનથી સમાચાર વાંચે તો ખબર પડે કે ગુટકા નેટવર્કનું ડાયરેક્ટ કનેક્શન અન્ડરવર્લ્ડ ને પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદ સાથે છે. થોડા સમય પહેલા જામનગરમાં એક હત્યાની અપાયેલી સુપારી વખતના ગાજેલા ને પછી તરત જ હેડલાઈનમાંથી ગાયબ થયેલા સમાચારો યાદ હોય તો એ દેખીતો પુરાવો છે.

એની વે, પણ ધર્મસ્થળ પાલિતાણામાં સંસ્કૃતિના નામે જીન્સ પહેરતી છોકરીઓ પર અમુક જગ્યાએ સુચના સાથે રોક હોય પણ શેઠશ્રી ધારીવાલના માણિકચંદ નામ સાથેના ગુટકાની કાળી કમાણીના દાનવાળા ભવ્ય દરવાજા શોભતા હોય – એ ત્યાગની વાતો કરતા આપણા રાષ્ટ્રમાં પૈસો કેવો પરમેશ્વર છે એ બાબતે વધુ કશું કહેવાની જરૂર નથી. માટે શેઠશ્રી ધારીવાલસાહેબના આત્માને શાંતિ , સદ્ગતિ માટે પ્રાર્થના.

હવે લુચ્ચે લોગ, નીચી પસંદ વાળા ગુટકાના પણ આનંદમય જીવનમાંથી અંતિમસંસ્કાર થાય એ અભ્યર્થના.

#JV #દંભીસ્તાન

*****

 

૧૦, ઓક્ટોબર, ૨૦૧૭

[ તાલુકા મથક વડગામના વતની , આઝાદીનાં લડવૈયા અને વડગામ મહાલ ખેડૂત સંઘનાં પ્રમુખ સ્વ.શ્રી કાલીદાસ લક્ષ્મીચંદ ભોજક ( કવિ આનંદી ) દ્વારા સન ૧૯૫૦ ની સાલમાં વડગામ મહાલ ખેડૂત સંઘ વતી જે ઐતિહાસિક નિવેદન કર્યું હતું જે અત્રે પ્રસ્તુત છે. ( જો કે આ નિવેદન કોને ઉદ્દેશીને કરવામાં આવ્યું છે તે સ્પષ્ટ નથી) આ ઐતિહાસિક માહિતી વડગામ.કોમ ને મોકલી આપવા બદલ વડગામ તાલુકાના મેપડા નિવાસી હારૂનભાઈ વિહારીનો આભાર]

નિવેદન

‘અમને ઝઘડો ખપતો નથી.’

‘ખેડૂત સંઘ’ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે છે. તેને કોઈની સાથે ઝગડો કે તકરાર ખપતા નથી. પરંતુ ખેડૂતોના હિતના ભોગે તે કોઈને મીઠું કે સારૂ લગાડવા ઈચ્છતો નથી. વડગામ મહાલ માં છેલ્લા દોઢ વર્ષથી વજેદારો અને તેમના ગામ લોકો વચ્ચે તકરાર ચાલે છે. ખેડૂત સંઘ તેમાં ગામ લોકોના પક્ષે છે, કારણ કે ખેડૂતોની હકિકત વ્યાજબી અને ન્યાયી છે. અને સંગઠન વિના એમને ન્યાય મળે તેમ ન હોવાથી જ ખેડૂત સંઘને એમાં પડવું પડ્યું છે. પરંતુ કેટલાક વાજેદારો સાથે તદ્દન નાની ફરિયાદો છે અને તેનો ઉકેલ આપસ માં આવી શકે તેમ છે. સુકા ભેગું લીલું ન બળે એ માટે બનતી તમામ તકેદારી રાખવા ખેડૂત સંઘ ઉત્સુક છે. આ હેતુથી જ ગઈ તા. ૦૭.૦૩.૫૦ નાં રોજ રૂપાલ ગામે મળેલી સભામાં સભાના પ્રમુખ શ્રી જેસુંગલાલ જોશી એ વડગામ મહાલ ખેડૂત સંઘ વતી એવી જાહેરાત કરી હતી કે જે વાજેદારો તરફથી ૧૫ મી તારીખ સુધીમાં તેઓ તેમના લોકો સાથેનો ઝગડો આપસમાં પતાવવા તૈયાર છે, તેવા વાજેદારો નાં ઝગડાઓ વ્યક્તિગતરૂપ માં પણ પતાવવા ખેડૂતસંઘ તૈયાર છે.

આ તારીખો ટૂંકી હોઈ તેમાં વધારો કરી આપતી તા.૨૦, માર્ચ,૧૯૫૦ સુધીમાં તે મુજબના ખબર વડગામ મહાલ નાં ૪૨ ગામોના જે વજેદાર તરફથી વડગામમાં વડગામ મહાલ ખેડૂત સંધની ઓફિસમાં મળશે, તેમની સાથે ચર્ચા ગોઠવવા ખેડૂત સંધ ગોઠવણ કરશે. આ બાબત ની વજેદાર ભાઈઓ નોંધ લે અને લાંબા વખતથી આવતા આ ઝઘડાનો શાંતિભર્યો ઉકેલ લાવવામાં અમને સહકાર આપે.

કવિ આનંદી

પ્રમુખ

વડગામ મહાલ ખેડૂત સંઘ

વડગામ ૦૧.૦૩.૫૦

 

નોંધ : વજેદાર એટલે જે તે ગામ નાં વહીવટદાર. વજે એટલે એક પ્રકારનો વેરો કે ટેક્ષ.

 

*****

૨૯, સપ્ટેમ્બર , ૨૦૧૭

પ્રશાંત કેદાર જાદવ અને તેમની દીકરી ઋજુ જાદવ આપણા વડગામ તાલુકાના કોદરામ નાં વતની છે. પ્રશાંત કેદાર જાદવ અને ઋજુ જાદવને www.vadgam.com અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે. આ ગરબાને આપ http://vadgam.com/video/ ઉપર નિહાળી શકો છો.

Garabo-Prashant

*****

૨૮, સપ્ટેમ્બર , ૨૦૧૭

[ આ સુંદર રચના વડગામ.કોમ ને મોકલી આપવા બદલ વડગામના યુવા સર્જક મનિષ દલસંગભાઈ ચૌધરીનો આભાર. ]

 

આત્મા પર આંસુ નો અભિષેક કરી ઈશ્વર ને શોધ,

તું તારી અંદર ઉતરીને પોતાને શોધ.

 

મંદિર-મસ્જીદમાં મળશે મોલવી ને મહારાજ,

પહેલા માનવને મળીને, મહાદેવને શોધ.

 

સંતોના સાનિધ્યમાં તો રહે છે બધા,

પણ તું આ સમાજ માં સંતો ને શોધ.

 

કાશી, મથુરા મક્કા ભલે રહ્યા,

તું તારા ઘરમાં ગોકુળ ને શોધ.

 

દર્શન નહિ મળે તને શામળીયાના,

તું તારા માવતર માં મોહનને શોધ.

 

પરમાત્મા મેળવવા જરૂર નથી ગહન જ્ઞાનની,

આખરે તું આ જીવનમાં પ્રેમની પરિભાષાને શોધ.

 

  • મનિષ ડી. ચૌધરી (વડગામ)

 

*****

૨૮, સપ્ટેમ્બર , ૨૦૧૭

[પ્રસ્તૃત ઐતિહાસિક માહિતી  www.vadgam.com ને મોકલી આપવા બદલ મેપડાના  હારૂનભાઈ નો આભાર]

Letter-Mepada

આ પત્ર મા સંવત 1909ના ચૈત્ર સુદ 9 ના રોજ વડગામ તાલુકાના મેપડાના નુરખાનજીએ એમના ભાઈ કમાલખાનજી પર લખાયેલ છે,  જેની અગત્યતા એ છે કે આ સમયે પાલનપુર ને *પાહાલણપર* તરીકે ઓળખતા હતા.અને આપણા વિસ્તારને શ્રી સરસ્વતી તરીકે ઓળખતા હતા જે પત્રના પ્રથમ અક્ષરમાં લખાયેલ છે. આ પત્ર 165 વર્ષ જુનો છે.

*****

૨૨, સપ્ટેમ્બર , ૨૦૧૭

નમસ્કાર મિત્રો / વડીલો,

IMG-20170922-WA0025આ સોફ્ટવેર વડગામ તાલુકા, નદીસેરા, ધાણધાર વિસ્તારના રહીશો ની સુખાકારીમાં વધારો કરવા ના નમ્ર પ્રયાસ તરીકે તાલુકાના જ યુવાનોએ ડેવલપ કરી છે. આ ડિરેક્ટરી સર્વિસ www.vadgam.com ગ્રુપનો એક બિનનફાકારક અને બિનરાજકિય પ્રોજેક્ટ છે.

વડગામ.કોમ એ તાલુકાના વિચારશીલ અને પ્રબુધ્દ્ર નાગરિકોનું ગ્રુપ છે. આપને www.vadgam.com વેબસાઈટની મુલકાત લેતા રહેવાનો અનુરોધ છે.

વડગામ.કોમ એક વોટ્સએપ મેસેજ બ્રોડકાસ્ટ સર્વિસ પણ ચલાવે છે. આ મેસેન્જર સર્વિસમાં IMG-20170922-WA0022જોડાવા આપ મોબાઈલ નંબર ૯૪૨૯૪૦૭૭૩૨ પર વોટ્સએપ મેસેજ કરી આપનો ટૂંકો પરિચય, ગામ વગેરે લખી મોકલી બ્રોડકાસ્ટ લીસ્ટમાં જોડવા વિનંતી કરી શકો છો. બ્રોડકાસ્ટ મેસેજ મેળવવા આપના મોબાઈલમાં ૯૪૨૯૪૦૭૭૩૨ નંબર સેવ રહે તે ટેકનીકલ કારણોસર જરૂરી છે.

 

માનદ સેવા

એન્ડ્રોઈડ ટેકનોલોજી : વિપુલ નાથુભાઈ ચૌધરી (કરનાળા), પાલનપુર E-mail: palanpur@gmail.com

 

ડેટા કલેક્શન : નિતિન લક્ષ્મણભાઈ પટેલ (વડગામ) E-mail: nitesh.vadgam@gmail.com

 

ગ્રાફિક ડીઝાઈન: ફરીદ શેલીયા, એફ.જે .ગ્રાફિક્સ, તાજ કોમ્પ્લેક્ક્ષ ,છાપી +૯૧૯૭૨૬૧૭૧૫૫૫

૧૯ સપ્ટેમ્બર , ૨૦૧૭

[તાલુકા મથક વડગામનાં યુવા સર્જક મનીષ દલસંગભાઈ ચૌધરી એ પ્રસ્તુત રચના “તું ઊભો થા”  www.vadgam.com ને મોકલી આપી છે તે બદલ મનીષ નો આભાર. આપ મનીષનો +૯૧ ૯૫૧૨૧ ૨૧૧૨૪ ઉપર સંપર્ક કરી શકો છો]

*****

 

તું ઊભો થા …!!

 

ના આપ ઈશ્વર નું બાનું , તું પડ ને તું ઊભો થા ,

ફરિયાદોને યાદો બનાવી, તું આ ઝંઝાળ માંથી છૂટો થા.

 

આપત્તિઓ આગળ ને આગળ, ને પગલે પગલે ખતરા,

ખતરા નું ખેડાણ કરીને, તું અખતરા કરતો થા.

 

પારકાને પોતાના બધા, તને મળશે આ રસ્તા પર,

કોઈની એ પરવા કર્યા વગર, તું એકલો જ ચાલતો થા.

 

હસ્તરેખા વાંચનાર બતાવશે, તને અનેક નડતર,

છોડ બધા ગ્રહોને પૂર્વગ્રહો, નડતર ને તું નકારતો થા.

 

ઊભા છે વાટ જોઇને, આ સમાજ ને સબંધ,

આગળ વધીને તું આ ઋણનું બંધન છોડતો થા.

 

*****

 

માનવ-માનવ વચ્ચે સંવાદીતા વિકસે તેવા માનવીય સમાજની રચના હેતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડગામ શાખા દ્વારા વડગામ મુકામે તા.૧૭.૦૯.૨૦૧૭ના રોજ સદ્દભાવના બેઠક યોજાઇ. આ પ્રસંગે તાલુકાના વિવિધ જ્ઞાતિના પ્રતિનિધીઓએ ઉપસ્થિત રહી સામાજિક સમરસતા અને સમગ્ર માનવિય સમાજના વિકાસ હેતુ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્ઞાતિ-જાતિના વિભાજનથી ઉપર ઊઠી રાષ્ટ્ર્રીય એકતા મજબૂત બને તેવા શુભ આશયથી આર.આર.એસ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. આવા સમાજઉપયોગી આયોજન બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડગામ વિભાગને www.vadgam.com શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.

 

*****

[ વડગામ તાલુકાના તેનીવાડા ગામના એહમદભાઈ બિહારી – માસુમ પાલનપુરી એ પોતાની સુંદર રચના ” હે માલિક ” www.vadgam.com ને મોકલી આપી છે તે બદલ તેઓશ્રીનો આભાર   ]

” હે માલિક “
હે માલિક,અમો સૌના દિલ મહીં
                  પ્રેમ કેરા અંકુર પ્રગટાવી દે ,
મળી સૌને સાથ રહેવાનું
            સર્વ વિશ્વ માં મંથન જગાવી દે ,
સમયનો છે તકાજો ખુબ ને
             જરૂરત છે સાચી સમજદારીની ,
ભુલે જાતપાત ને, ફિરકા પરસ્તિ
                     અે પરિવર્તન જગાવી દે ,
સૌ માનવ જાત ને હવે તો સાચા
                     પથદર્શક ની જરૂરત છે ,
જે સહુ લોકો ના દિલો માં
                સાચું  દર્દ ને ક્રંદન જગાવી દે ,
રહે છે દુર શા કાજે અેક
                     માનવ બીજા માનવ થી ,
મટે નફરત બધે થી અેવો
     મહોબ્બતનો જોર થી પવન ફુંકાવી દે ,
બને સૌ અેક ને બસ નેક ,
                    અે સંદેશ ફેલાવવા કાજે,
યુવાનો ના હ્રદય માં
                 અેવા તું સ્પંદન જગાવી દે ,
અરજ ” માસુમ ” કરે છે
             તુજ દરબાર માં , કબુલ કરજે ,
જહાલત ભર્યા અગણિત
         પ્રશ્નો નું નામોનિશાન મીટાવી દે .
                ( માસુમ પાલનપુરી )

*****

” ઇતિહાસ કહું ”  [ એહમદભાઈ બિહારી  – તેનીવાડા (વડગામ ) , ઉપનામ-માસુમ પાલનપુરી . ]
વાત ખરેખર હોય જ્યાં કડવી
                    તો શીદ અેને મિઠાશ કહું,
ગઝલ કેરો સ્વાદ સંભાળું કે
                        સાચી સાચી વાત કહું,
ગમ ને જો ગમ ના કહું
                      તો શું અેને ઉલ્લાસ કહું,
ઉઠ્યા જનાજા મુઝ નજરે
                     શું અેને વર ની જાન કહું,
શું હું કહું પરીઅો ની કહાની
                         શું હંસ કેરી વાત કહું,
ધુળ ની ડમરી ઉડતી હોય જ્યાં
                           શું અેને વરસાદ કહું,
હમદર્દી ભર્યા નયનો માં મૈં
                   જોયાં ઝેરી તિક્ષણ ખંજર
મુઝ થી છુપાવ્યા જે મેં સદમા
                           શું અેનો ચિતાર કહું,
સત્તા ની લત,લુંટ ની લાલચ,
              ” માસુમ ” પર જુલ્મ નો શોખ,
પણ અેમનું કહેવું છે કે હું
                 અેને જબરા ને બાહોશ કહું,
કાતિલ ને મક્તુલ અે બન્ને
                           નામ ખુદા નું લેતા તા
કોઇ ખુદા છે તો અે ક્યાં છે
                           મારી શું આૈકાત કહું,
નિજ અંધારા ઇતિહાસ ને સૌ
                    ઝગમગતો જ આલેખે છે
કોમ, ફિરકા, ને જાત પાત
              અે સહુ નો શું હું ઇતિહાસ કહું.
             ( માસુમ પાલનપુરી )

*****

 

સમય મારો સાચવજે વીરા   [ રમેશચંદ્ર પંચાલ – ધોતા (વડગામ ) ]

 

સમય મારો સાચવજે વીરા

હું તો કરું કેટલા દીવા.

 

જન્મ્યો તારથી જોવું હું તો,

બળતા તારા દીવા.

 

સુખ ને દુ:ખ તો સાથે રહે,

જીવન મળ્યું જોવા.

 

આશા રાખી હાર્યા નહિ,

દુ:ખના ડુંગરા જોવા.

 

કાળ તો સામે આવી ઊભો,

હવે નથી વેળા.

 

કરેલા કર્મ તું તો જોજે,

આપજે મને સેવા.

 

દાસ રમેશ કહે ભવનો ફેરો,

પૂરો કરજે દેવા.

 

– રમેશચંદ્ર પંચાલ (ધોતા –વડગામ )

 

*****

૦૫, સપ્ટેમ્બર , ૨૦૧૭

વડગામ તાલુકા કક્ષાના શ્રેષ્ટ શિક્ષક એવોર્ડથી સન્માન.

Ganesh Purabiya-best teacherશિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવાઓ માટે તાલુકા-જીલ્લાના શ્રેષ્ટ પારિતોષિક યોજના -૨૦૧૭ અંતર્ગત કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી હરીભાઈ ચૌધરી તેમજ અન્ય ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૦૫.૦૯.૨૦૧૭ નાં રોજ શ્રી કાનુભાઇ મહેતા હોલ, પાલનપુર મુકામે વડગામ તાલુકાના અંદાજીત ૧૪૦૦ શિક્ષકો માંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામી શ્રેષ્ટ શિક્ષક તરીકેનો એવોર્ડ ધોતા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વડગામના ગણેશભાઈ પુરબીયા અને જલોત્રા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જલોત્રાનાશ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિને ને એનાયત કરવામાં આવ્યો . સામાજિક તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્સ્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. એવોર્ડ અંતર્ગત રૂ. ૫૦૦૦/- નો ચેક અને શાલ ઓઢાડીને શ્રેષ્ટ શિક્ષક્નુ સન્માન કરવામાં આવે છે.

શ્રી ગણેશભાઈ પુરબીયા તેમજ શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ ઉત્તરોત્તર સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી થકી રાજ્ય અને રાષ્ટ્રીય ક્ષેત્રે પણ એવોર્ડ મેળવી વડગામ તાલુકાનું ગૌરવ વધારે તેવી www.vadgam.com શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.

 

૩૦ ઑગષ્ટ, ૨૦૧૭

અત્યાર સુધી અનેક ઉચ્ચત્તમ નાટકોમાં  અભિનય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર વડગામ તાલુકાના કોદરામના  આશાસ્પદ યુવા કલાકાર શ્રી પ્રમથ પંડિતે  તાજેતરમાં રાજસ્થાનના ઉદેપુર મુકામે પ્રસ્તુત નાટક “Solution X” માં શંભુનાથ સેનગુપ્તા નો કિરદાર નિભાવી ઉપસ્થિત સૌ કોઈ નાટ્યરસિકોના દિલ જીતી લીધા  હતા. અત્રે ઉલ્લેખનિય છે કે શ્રી પ્રમથ પંડિત એ વડોદરાની સુવિખ્યાત નાટ્ય સંસ્થા રંગદૈવતના નિર્દેશક પણ છે. www.vadgam.com  શ્રી પ્રમથ પંડિતને શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે….!!

Pramath

૨૪ ઑગષ્ટ, ૨૦૧૭

વડગામ CHC માંથી મળતી માહિતી અનુસાર વડગામ તાલુકામાં સ્વાઇન ફ્લુના કુલ ૬ કેશ નોંધાયા હતા જેમાં માહિ અને બાવલચૂડીની બે મહિલાઓના મોત નિપજ્યા હતા જયારે અન્ય દર્દીઓની તબિયત સુધારા ઉપર છે. દરમિયાન તાલુકાના ગામોમાં સર્વે હાથ ધરવાની સાથે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.

લોક જનજાગૃતિની સાથે સાથે થોડીક કાળજી રાખવામાં આવે તો આવા ભયંકર રોગોને આગળ વધતા અટકાવી શકાય. ગ્રામ પંચાયતો, દૂધ મંડળીઓ તેમજ સામાજિક સંગઠનો આ બાબતે જાગૃત બની થોડુક વિચારે તો તાલુકામાં રોગચાળાને વકરતો અટકાવી શકાય. ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે થોડાક જનજાગૃતિના કાર્યક્રમો થાય તો પાણી પહેલા પાળ બાંધી શકાય. દરેક બાબતે સરકારશ્રી મદદ કરશે તે માનીને બેસી રહેવું યોગ્ય નથી સરકારશ્રી તો પોતાના પ્રયત્નો કરતી  જ હોય છે પણ લોકસહયોગ વગર કોઈ સકારાત્મક અને કાયમી ઉકેલ મળી શકે તેમ નથી.

 

૨૨ ઑગષ્ટ, ૨૦૧૭

વડગામ તાલુકાના નાંદોત્રા ગામના વતની શ્રી દિનેશભાઈ જગાણી (અલિપ્ત) દ્વારા રચિત સુંદર રચના.
એ બધુંજ કવિતામાં લખી શકાય તો?
તારા શહેરના એ તન્હા-તન્હા દિવસો ને
લાંબી લાંબી રાતો
ભાડાના રૂમ પર ઉતરી આવતી ઉદાસ સાંજો
રાત્રે બારીમાં થઇ પથારીમાં આવી જતા
ચાંદનીના ટુકડા
પાછલી રાતે પ્રસરી જતી રાતરાણીની મહેક
મોડી ઊગતી સવારો
ચા ની રેકડી પર ઊતરી આવતું સભર અંધારું
વરાળ બની ઊડી જતી ઇચ્છાઓ
તને ઝંખતો-ચાહતો, તારી એક ઝલક માટે
શહેરના પહોળા રસ્તાઓની સાંકડી ફૂટપાથ પર
સતત ભટકતો રહેતો હું…
આ બધાથી અજાણ(?) પોતાનામાંજ વ્યસ્ત
રૂપગર્વિતા એવી તું.
નોવિનો વિસ્તાર આગળ કપાઈ ગયેલા પેલા
ગુલમહોરના ત્રણ ઝાડ, પાસે તૂટી ગયેલો બાંકડો,
થોડે દુર તારા ઘર તરફ જતા રસ્તાનો વળાંક,
ડી માર્ટ રોડ પરનું સીટી બસનું એ ઉદાસ સ્ટેન્ડ
ને પછી એક રોજ મારું શહેર છોડી જવું
આજે એક વરસાદી સાંજે આ લખ્યા પછી
વિચારું છું:
શું એ બધુંજ કવિતામાં લખી શકાયું છે???
– ‘અલિપ્ત’

*****

 

૨૧ ઑગષ્ટ, ૨૦૧૭

વડગામ તાલુકાના નાનકડા ગામ નળાસરના વતની અને બનાસકાંઠાના લોકસેવક સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશે લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર આદરણિય શ્રી રધુવિરભાઈ ચૌધરીએ સન ૧૯૭૯ની સાલમાં વ્યક્ત કરેલા વિચારો…..!!

 

બનાસકાકા ગલબાભાઈ

GNP-Birth Year-2017ગલબાભાઈ માત્ર ત્રણ ચોપડી ભણ્યા હતા પણ પછી જીવનની શાળામાં સતત કેળવાતા રહ્યા. નિષ્ફળતાઓથી હાર્યા નહિ ને સંકલ્પોમાં ડગ્યા નહિ.

એ ગરીબ હતા પણ એમણે કોઈની દયા ઉઘરાવી નહિ. ગરીબીને ગૌરવથી જીરવી એનો પોતાના ઘડતરમાં ઉપયોગ કર્યો. ઘારાસભા, જિલ્લા પંચાયત અને બનાસડેરી જેવી મોટી જવાબદારીઓ આવી ને સાધન-સગવડ વધ્યાં તે પછી પણ પૂર્વવત સાદગીભર્યું નિર્દોષ-નિખાલસ જીવન એમને પસંદ હતું. મોટાઈના દેખાવથી બચીને એ સતત વિકસતા રહ્યા.

વતનની ધૂળનો એમણે મહિમા કર્યો. કુટુંબ ને કોમ સાથે એ સંકળાયેલા રહ્યા, એના સુધારાઓમાં રસ લેતા રહ્યા પણ ન બન્યા ક્દી પ્રદેશવાદી કે કોમવાદી. હરિજનો-મુસ્લિમો જેવા સમાજના દબાયેલા-ઉપેક્ષિત વર્ગો માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે કામ કર્યું. ઉમંગથી સામે ચાલીને.  એમનું કાર્યક્ષેત્ર મુખત્વે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત છે. હવેથી એ બનાસકાકા તરીકે ઓળખાય છે એ સર્વથા યોગ્ય છે પણ એમની લોકચાહના અને સચ્ચાઈ એવાં મોટા હતાં કે દેશ સમગ્રના જાહેર જીવન માટે એ પ્રેરક દ્ર્ષ્ટાંત બની શકે.

શ્રી રધુવીરભાઈ ચૌધરી. (૨૦.૦૧.૨૦૭૯)

 

 

*****

 

૨૦ ઑગષ્ટ, ૨૦૧૭

મુંબઈ સ્થિત વડગામ તાલુકાના ધોતા-સકલાણા ગામના મૂળ વતની શ્રી રમેશચન્દ્ર પંચાલ દ્વાર લિખિત ખૂબસુરત રચના “હું આવ્યો છું” માણીએ…..!!!

ભોગવવા આ ભવમાં આવ્યો છું,

કોઇનું લેણું પુરુ કરવા આવ્યો છું.

ખબર નથી કે મુસાફરી કેટલી કરવાની છે,

શ્વાસો શ્વાસ ગણીને લઈને આવ્યો છું.

છુટા પડી ગયેલા ભાઈઓને,

ભેગા કરવ આવ્યો છું.

આ ધમાલિયા જીવનમાં હું,

તમને ચેતન કરવા આવ્યો છું.

પ્રભુની આ લીલાનો સંદેશો,

તમારા સુધી પહોંચાડવા આવ્યો છું.

*****

૧૯ ઑગષ્ટ, ૨૦૧૭

૧૯૫૦-૫૫ના સમય ગાળામાં ગુજરાતી ફિલ્મ જગતમાં હાસ્ય કલાકાર તરીકે મોખરાનું સ્થાન છગન રોમિયાનું હતું. ‘ગુણસુંદરી’, મંગળફેરા’ જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં હાસ્યની અજોડ ભૂમિકા કરીને એણે ગુજરાતને ઘેલું કર્યું હતું. એ જમાનામાં વ્યાપારી જાહેરાતોમાં પણ છગન રોમિયો ચમકતો.

આ છગન રોમિયો પાલનપુરથી ૨૦ કિલોમીટર દૂર વડગામ તાલુકાના ગીડાસણ ગામનો નાયક (ભોજક) હતો.

એની સાદગીની વાત ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમા હાસ્ય સમ્રાટ જેવો મહાન હીરો હોવા છતાં એ પાલનપુર આવતો ત્યારે ચાલતો પાલનપુર શહેરમાં છૂટથી ફરતો. દિલ્હી દરવાજે હિમાલય પાન હાઉસ નામની પાનની દુકાને અને મોટી બજાર ચોકમાં નર્મદાશંકર નાયકની રેસ્ટોરન્ટમાં કલાકો લગી બેસતો. આ બંને જગા એમના સગા-સબંધીની હતી.

ત્યારે આવા મહાન કલાકારની આવી સાદગી લોકોને સ્પર્શી જતી.

નર્મદાશંકર નાયકની હોટલ અમારા પ્રેસની બાજુમાં હોઈ મેં છગન રોમિયોને અનેકવાર ત્યાં બેઠેલો જોયો છે, અને ફિલ્મમાં પણ અનેકવાર જોયો છે.

– જીતેન્દ્ર સી. મહેતા (પુસ્તક સંભારણામાંથી સાભાર…)

Bhavesh Bhojak is Basically from Vadgam Village
Advertisement: Bhavesh Bhojak is Basically from Vadgam Village