Uncategorized

જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ : અલિપ્ત જગાણી

[વડગામ તાલુકાના નાંદોત્રા ગામના યુવા સાહિત્યકાર શ્રી દિનેશભાઈ જગાણીએ (અલિપ્ત જગાણી) સ્વલિખિત પ્રસ્તુત લેખ વડગામ.કોમ ને મોકલી આપ્યો છે તે બદલ તેમનો આભાર].

વિદ્યામંદિર શાળાની લાયબ્રેરીમાં બેસી આ લખી રહ્યો છું ત્યારે કેમ્પસનું ટાવરવોચ રાતના આઠનો સમય બતાવી રહ્યું છે. ક્યારેક-ક્યારેક ફટાકડાના ફૂટવાનો અવાજ આવી જાય છે. તહેવારોના દિવસો આવી પહોચ્યા છે. દિવાળીની રાતોમાં જોવા મળે એવો સઘન અંધકાર વાતાવરણમાં જામી રહ્યો છે. રાત્રે દસ વાગે હું અહીંથી ઘરે જતો હોઉં ત્યારે અંધકારભરી રાતોના સૌન્દર્યને ફિલ કરું છું.

હમણાં એક નાની ઘટનાએ જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ જરાક બદલી દીધો: વાત જાણે એમ બની કે ગઈ શરદ પુનમના હું અને એક દોસ્ત જેસોર અભ્યારણના રસ્તે જતા હતા. સાંજનો સમય હતો. પહાડો પાછળ સૂર્ય આથમી રહ્યો હતો. જંગલના રસ્તે કેટલાક બાળકો સ્કુલથી ઘર તરફ જઈ રહ્યા હતા. એક વળાંક પાસે બાઈક ધીમું થતાં એ બાળકો આનંદ-આશ્ચર્ય સાથે અમને ઘેરી વળ્યા! એમાંના એક બે છોકરાઓએ મને કહ્યું કે એ લોકો મને ઓળખે છે! એકાદ વર્ષ પહેલાં હું ત્યાં-જેસોર જંગલમાં કેમ્પીંગ માટે આવ્યો હતો ત્યારે મને તેઓ મળ્યા હતા.

એકદમ મને યાદ આવ્યું, ગયા જાન્યુઆરીમાં યુથ હોસ્ટેલ ના પ્રોગ્રામમાં હું અહી આવેલો. અમે બધા ૨૦ થી ૨૫ મિત્રો હતા. ત્યારે ફોરેસ્ટ ઓફીસના રસ્તા પર ચાલતાં આ છોકરાઓને હું મળેલો ને એમના ખભે પ્રેમથી હાથ મૂકી રીંછ અને જંગલના પ્રાણીઓ અંગે થોડી વાતચીત કરેલી. આ એજ છોકરાઓ! રોજ જિંદગીની ભાગદોડમાં આ પ્રકારની કેટલીય ઘટનાઓ બનતી હોય છે. જોકે સામાન્ય રીતે આ પ્રકારની વાતચીત-ઘટનાઓને આપણે ભૂલી જતા હોઈએ. પણ આ બાળકોને તો બધું યાદ હતું. અમે ૨૦-૨૫ જણ સાથે હતા વળી જેસોર અભ્યારણમાં અવારનવાર કેટલાય પ્રવાસીઓ આવતા હોય છે એમાંથી કોઈ એક ચહેરાને યાદ રાખવો મુશ્કેલ છે છતાં એ બાળકોને હું યાદ હતો! મને  આનંદ સાથે આશ્ચર્ય થયું: મારી જાણ બહાર હું આ નાના બાળકોની સ્મૃતિનો હિસ્સો બન્યો હતો. કદાચ ખભે હાથ મૂકી પ્રેમથી વાત કરવા વાળી ઘટના આ માટે જવાબદાર હોય.

આ પરથી ખુબ અગત્યની વાત શીખવા મળી કે જાણતા કે અજાણતા થયેલું  આપણું દરેક કૃત્ય વિશ્વ પર-વ્યક્તિઓ પર પોતાની અસર છોડી જાય છે. બીજી વાત એ કે દરરોજ કૈક ને કૈક સારી ઘટનાઓ બનતી હોય છે-જીવન જુદા-જુદા સ્વરૂપે આપણી પાસે આવતું હોય છે  પણ એ અનુભવવા માટે ખુલ્લા મન વાળા અને ગ્રહણશીલ હોવું જરૂરી છે. આપણા વર્તનનો નાનો હિસ્સો કોઈનો દિવસ કે આખી જિંદગી પણ બદલી શકે છે. એકાદ સ્મિત, પ્રસંશાનો એકાદ શબ્દ, એક પત્ર કે ફોન કોલ કોઈની જિંદગીની દિશા હંમેશા માટે બદલી શકે! અરે કોઈએ પહેરેલા સુંદર કપડા કે પરફ્યુમની એકાદ લહેર પણ કોઈ વ્યક્તિના જીવનમાં રસ પેદા કરી શકે!

થોડી ઘટનાઓ કહેવી ગમશે હું સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે અમારી શાળામાં પી.ટી.સી. કોલેજના કેટલાક બહેનો(સ્ટુડન્ટ) એક અઠવાડિયા માટે પાઠ લેવા માટે આવેલા. એમાંથી એક બહેન અમારા ક્લાસ ટીચર હતા, એમની સાથે એ સાત દિવસ દરમિયાન ખુબ આત્મીયતા થઇ ગયેલી . હું હોશિયાર વિધાર્થી છું એવું સૌપ્રથમ એમણે મને કહેલું ને હું એવરેજ માંથી હોશિયાર બની ગયેલો! હું લેખક બનીશ એવી આગાહી પણ એમણેજ કરેલી! એમના ગયા પછી અમારા વચ્ચે પત્ર વ્યહવાર પણ થયેલો. એમના કારણે એક સાતમા ધોરણના વિધાર્થીને પત્ર લખતાં આવડી ગયેલું! અત્યારે પણ એમના પત્રો મેં સાચવી રાખ્યા છે. જયારે પણ એ જોઉં ત્યારે નવી પ્રેરણા મળે છે. દસમા ધોરણમાં અમારા ગણિતના શિક્ષકના સ્વભાવને કારણે જ મને જેની સૌથી વધારે ડર લાગતો એ ગણિતનો વિષય મારો પ્રિય વિષય બની ગયેલો. ડીપ્લોમા કોર્સ દરમિયાન એક સબ્જેક્ટમાં પુસ્તકો સમયસર ન મળેલા હોઈ તૈયારી થઇ શકી ન હતી આથી હું એ વિષયનું પેપર છોડી દેવાનો હતો પણ કોલેજની એક દોસ્ત મળી ગઈ જેણે પેપર ન છોડવા ખુબ આગ્રહ કર્યો. એણે કહ્યું કે- તું ક્યારેય ફેઈલ થઈજ ન શકે, મારી ગેરંટી તું પરીક્ષા આપી દે. અને એ સબ્જેક્ટમાં હું ઠીક-ઠીક માર્ક્સ સાથે પાસ થઇ ગયેલો!

આવા તો ઘણા બધા ઉદાહરણો આપી શકાય તેમ છે. ટૂંકમાં આપણે બધા પ્રેમપૂર્ણ અને આપણા કૃત્યો પ્રત્યે જાગૃત બનીએતો આ વિશ્વમાં ખુબ મોટા હકારાત્મક પરિવર્તન આવી શકે છે. આજકાલ આપણે પાસે બેઠેલા જીવંત વ્યક્તિ કરતાં હાથમાં રહેલા મોબાઈલને વધું મહત્વ આપીએ છીએ. એકબીજાને મળીએ ત્યારે પણ અધકચરું જ મળીએ છીએ. ઉપનિષદ કાળના કોઈ ઋષિ દુર્ભાગ્યવશ આપણા વચ્ચે આવી ચડે તો કૈક આવી પ્રાર્થના કરે: હે ઈશ્વર! મોબાઈલ સિવાય પણ અમે જીવી શકીએ એવી શક્તિ આપ. આ કાલ્પનિક દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં લઇજા પ્રભુ!

એકાદ જાગૃત થયેલ પ્રેમપૂર્ણ  વ્યક્તિ-એક બુદ્ધ, મહાવીર કે કૃષ્ણ કરોડો લોકોની જિંદગી કાયમ માટે બદલી શકે છે. ઓશો કહે છે કે મારા મતે એકજ પાપ છે: બેહોશી! ટૂંકમાં હોશમાં કરેલું દરેક કામ પુણ્ય છે અને બેહોશીમાં થયેલું દરેક કામ પાપ છે! ચાલો આ દિવાળીએ સંકલ્પ કરીએકે આવનારી દરેક ક્ષણને હોશપૂર્વક જીવીએ અને આસપાસના પર્યાવરણ સજીવો તેમજ  ઘટનાઓ પ્રત્યે સંવેદનશીલ બનીએ.

-Alipt Jagani