Uncategorized, જનરલ માહિતી

ચોમાસુ -૨૦૨૫ : વડગામ વર્ષા વિશ્લેષણ-ભાગ -૨

આ વર્ષે એટલે કે ૨૦૨૫ના જુન મહિનામાં માં ૧૯૬ મી.મી (૭.૮૪ ઈંચ ) તો જુલાઈ મહિનામાં ૮૦૦ મી.મી (૩૨ ઈંચ ) વરસાદ વડ્ગામ તાલુકા મથકે નોંધાયો છે. હવે ચોમાસાને બે મહિના ઓગષ્ટ અને સપ્ટેમ્બર બાકી રહ્યા. છેલ્લા ૧૦ વર્ષમાં ૨૦૧૭ ની બાદ કરતા મોટાભાગના વર્ષો સરેરાશ વરસાદના રહ્યા છે. આ વર્ષની વરસાદની પેટર્ન ૨૦૧૭ જેવી છે એટલે એને આધાર માની ચાલીએ તો ૨૦૨૫ના ઓગષ્ટ અને સપ્ટેમ્બર એમ બે મહિનામાં વધુમાં વધુ અંદાજીત કુલ ૧૧૪ થી ૧૨૫ મી.મી વરસાદ વરસે તો જુન –જુલાઈ માં પડેલ ૯૯૬ મી.મી (૩૯.૮૪ ઈંચ) અને ઓગષ્ટ અને સપ્ટેમ્બર નો અંદાજીત ૧૨૫ મી.મી (૫ ઈંચ ) એટલે મોસમનો ૧૧૨૧ મી.મી (૪૪.૮૪ મી.મી ) વરસાદ ગણી શકાય. આ એક આંકડાકીય આંટીઘૂંટીનું પૂર્વાનુંમાન માત્ર છે. હવે વિચાર કરો કે ચાલુ મોસમના સંભવિત કુલ ૪૪ -૪૫ ઈંચ વરસાદથી વડગામ ભૂગર્ભ જળ માં કેટલો ફરક પડી શકે ? છેલ્લા દસ વર્ષનો વરસાદી રેકોર્ડ ૨૦૧૭ના વર્ષને નામે છે એ સમયે વડગામ પંથકમાં મોસમનો કુલ ૫૩ ઈંચ જેટલો રેકોર્ડ વરસાદ નોધાયો હતો જયારે મુક્તેશ્વર ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા એટલું પાણી સરસ્વતી નદીમાં આવ્યું હતું. ૨૦૨૫ માં જુલાઈ સુધી ૯૯૬ મી.મી (૩૯.૮૪ ઈંચ ) નોંધાઈ ચુક્યો છે હવે બાકી રહેલા ઓગષ્ટ અને સપ્ટેમ્બર સુપડેધાર વર્ષે તો ૨૦૧૭ નો રેકોર્ડ તોડે પણ એવી સંભાવના હવે ખૂબ ઓછી રહી છે. ૪, ઓગષ્ટ -૨૦૨૫ ની પરિસ્થિતિએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભલે વડગામ તાલુકો પ્રથમ નંબરે રહ્યો પણ વડગામ તાલુકાના ભૂગર્ભ જળથી માંડીને તાલુકામાં આવેલી સરસ્વતી નદી તેમજ અન્ય જળસ્ત્રોતોની પરિસ્થિતિ જોતા વરસાદની ભારે ઘટ સમગ્ર બનાસકાંઠા જીલ્લાની સાથે વડગામ તાલુકો પણ ભોગવી રહ્યો છે.

મેં તાજેતરમાં હવામાન વૈજ્ઞાનિક અને અભ્યાસુ મિત્ર સ્નેહી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી ને પ્રશ્ન કર્યો કે મહેન્દ્રભાઈ ચોમાસાની ઋતુ હોવા છતાં જિલ્લામાં વરસાદ એકસરખો કેમ જોવા મળતો નથી એની પેટર્ન તાલુકા પ્રામાણે કેમ અલગ અલગ છે. સાર્વત્રિક એક્સામાન વરસાદ કેમ જોવા મળતો નથી તો શ્રી મહેન્દ્રભાઈએ વિસ્તૃત રીતે મને મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે ………

આપણો બનાસ કાંઠા જિલ્લો ભૌગોલિક રીતે જંગલ…રણ અને વિશાળ ખેતીવાડી ભુ ભાગ જેવી વિવિધતા ધરાવે છે… અરવલ્લી ની ગિરિમાળા પણ વડગામ..દાંતા અને અમીરગઢ જેવા તાલુકા ના વધારે વરસાદ માટે કારણભૂત છે…
વરસાદ ની પેટ્રેન પણ છેલ્લા 7 વર્ષ થી બદલાઈ છે…અરબી સમુદ્ર ના ભેજવાળા પવનો કરતા બંગાળ ની ખાડી માંથી વાયા મધ્ય પ્રદેશ માંથી આવતા લો પ્રેસર અને ડિપ્રેશન ની હવામાન પ્રણાલી ગુજરાત ને વધારે વરસાદ અને એક જ તાલુકા/જિલ્લા માં ખૂબ જ ભારે વરસાદ આપે છે..

સરેરાશ વરસાદ માટે જિલ્લા નો સરેરાશ વરસાદ ગણવામાં આવે છે… પણ માઈક્રો પ્લાનિંગ માટે દરેક તાલુકા ના વરસાદ ને માપવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ મુકેલા છે..

વરસાદ નું પ્રમાણ દર 50 કિમી ના વિસ્તાર માં બદલાતું રહે છે..

વરસાદ માટે તો સરેરાશ જ ઉત્તમ માપ છે..

નિતિન એલ. પટેલ (વડ્ગામ)