જન્માષ્ટમી-ગોકુળ આઠમ…..
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं मृजाम्यहम ।।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम ।
धर्मसंस्थापनार्थाय सम्भवानि युगे युगे ।।
વડગામ માં દર વર્ષે વડગામ તાલુકાના અસંખ્ય ભાવિકો જન્માષ્ટમીના દિવસે વડગામ માં આવેલા ભગવાનશ્રી દ્વારકાધીશના વિખ્યાત રાધા-કૃષ્ણ મંદિરના દર્શને આવે છે. વડગામમાં દર વર્ષે ખુબ જ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશના મંદિરમાં જન્મોત્સવની ઉજવણીનું મહત્વ અનોખું છે. દર વર્ષે જન્માષ્ટમી વડગામમાં જ ઉજવવી એવો પણ તાલુકાના ભાવિકોએ સંકલ્પ કર્યો હોય છે અને તેઓ દર વર્ષે વડગામ આવે પણ છે.
શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી કે ગોકુલ આઠમ. અષ્ટમીની મધરાતે બરાબર બારને ટકોરે રાધા-ક્રિષ્ણ ના મંદિરમાં ભગવાન દ્વારકાધિશનો જન્મોત્સવ મનાવાય છે. દર વર્ષની જેમ આજે જન્મષ્ટમી-ગોકુળ આઠમ ના રોજ વડગામ મા જન્માષ્ટમીની ઉજવણી માટે ભક્તોના હૈયામાં થનગનાટ જોઈ શકાય છે. તો રાધા-ક્રિષ્ણા મંદિર ‘‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’’ના પડઘાથી ગુંજી ઉઠશે.
વડગામ માં આવેલ રાધા-કૃષ્ણ મંદિર નો ઇતિહાસ ઘણો રોચક છે. રાધા-કૃષ્ણ મંદિર ના મેનેજિંગ ટ્રસ્ટી અને નિવૃત મામલતદાર શ્રી ભેમજીભાઈ હાથીભાઈ ધુળીયાની રૂબરૂ મુલાકાત કરી મેળવેલ માહિતી મુજબ પુરાતન કાળમા હાલના આ સંકુલ માં જે સતસંગ હોલ આવેલ છે,તેની સામેની ખુલ્લી જગ્યામાં અને હાલના રાધા-કૃષ્ણ મંદિર અને ઉત્તર તરફના લીમડાના ઝાડની વચ્ચે પતરાના ઘર મંદિર તરીકે ત્રણ ઓરડા વાળુ જુનુ પુરાણું મંદિર હતુ અને તેમા વચ્ચેના ઓરડામાં શ્રી રણછોડજી ભગવાનની મુર્તિવાળુ ઘર મંદિર હતુ. અને તે મંદિર નો ચેરીટી કમિશ્નર અમદાવાદની કચેરીમાં નોધણી કરાવેલ અને તેનો નોધણી નબર- એ /બી.કે.૧૨૧,તા.૦૭.૦૪.૧૯૫૩ છે.અને તેને રણછોડજી મંદિર ટ્રસ્ટ ,વડગામ એ રીતે ટ્રસ્ટ નોધાવેલ છે.અને આ નોધણી વખતના પ્રથમ ટ્રસ્ટીઓ (૧) સ્વ.ગલબાભાઈ માનજીભાઈ પટેલ (૨) સ્વ. વિરસંગભાઈ જીવાભાઈ પટેલ (૩) સ્વ.બબલદાસ મગનભાઈ સોની (૪) સ્વ.કાળીદાસ ધનેશ્વર જોષી હતા અને ટ્રસ્ટને દીવા ધુપ તરીકે સરકારની તિજોરી માંથી દર માસે રૂપિયા ૨ (બે) મળતા હતા.હાલની વિ.જે.પટેલ હાઈસ્કૂલ ની શરૂઆત નવયુગ વિધ્યાલય તરીકે આ મંદિર ની ધર્મશાળામાં થયેલ.આ વિધ્યાલય માં શરૂઆતની બેચમાં લગભગ ૭૦ થી ૮૦ વિધ્યાર્થીઓ હતા. જુના મંદિર ની સ્થાપના અંગે કોઈ માહિતિ ઉપલબ્ધ નથી,પરંતુ ત્યારબાદ હાલના નવિન રાધા-કૃષ્ણ મંદિર ની સ્થાપના સન ૧૯૬૯ માં કરવામ આવી.
સ્વ. શ્રી મફતલાલ કાળીદાસ જોષી કે જેઓ રાધા-કૃષ્ણ મંદિર ના ટ્રસ્ટી હતા તેઓના વિકાસ કાર્યોને આ ગામના લોકો ક્યારેય ભુલી નહી શકે.આ મદિરના હિસાબો નુ કામકાજ છેલ્લા ઘણા વર્ષોથી શ્રી ચેલજીભાઈ આર. ઉપલાણા સંભાળી રહ્યા છે.
તે સમયે નવિન રાધા-કૃષ્ણ મંદિર બાંધકામનો ખર્ચ લગભગ રૂ.૧,૨૫,૦૦૦/- થયેલ હતો.
આ નવિન મંદિરનુ ખાતમૂર્હત તે સમય ના વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને સામજીક સેવક સ્વ, શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ તથા તે સમયના વડગામ મામલતદાર શ્રી ઉસ્માનભાઈ મુસાભાઈ દેસાઈ ના વરદહસ્તે કરવામા આવ્યુ હતુ.
ઈ.સ. સને ૧૯૬૭ અને વિક્રમ સવંત-૨૦૨૫ના વર્ષમા વડગામની અદર બેંક ઓફ બરોડાના મેનેજર તરીકે ઉંઝા ના વતની શ્રી સોની સાહેબ તથા વડગામ તાલુકા પંચાયતની કચેરીમા હીસાબનીશ તરીકે કામ કરતા શ્રી કીર્તીભાઈ રાવલ તથા વિસ્તરણ અધિકારી સહકાર તરીકે કામ કરતા શ્રી જેઠાભાઈ પટેલના સહયોગથી હાલના ટ્રસ્ટીગણ તથા ગામ આગેવાનોના સહકારથી આ મંદિર જગ્યામાં ભગવાન શ્રી રાધા-કૃષ્ણ શિખરવાળુ નવીન મંદિર બનાવવાની શરૂઆત કરવામા આવેલ અને ગામ માંથી લોક્ફાળો ભેગો કરી જુના મંદિરની દક્ષિણે ખુલ્લી જગ્યા હતી તેમા એક ભવ્ય મંદિર તૈયાર કરી તેમા રાધા-કૃષ્ણ ની આરસની મુર્તિઓ તથા ઉપરના ભાગે શ્રી લક્ષ્મી નારાયણની મૂર્તિઓની પ્રતિષ્ઠા માટે ઈ.સ.૧૯૬૯ અને વિ.સ.૨૦૨૭ના વૈશખસુદ-૮ ના રોજ સિધ્ધ્પુરના પ્રખ્યાત કર્મકાંડ ના શાસ્ત્રી માન.શ્રી નરહરી શાસ્ત્રી ધ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવેલ.
આ મંદિરના નિર્માણમા વડગામ ના વતની અને તે સમય ના સરપંચ સ્વ. શ્રી જીવાભાઈ જેસંગભાઈ પટેલ તેમજ લાલજીભાઈ ઉપલાણા જેવા દાતાઓનો આર્થિક ફાળો હતો.આ ઉપરાંત ગામ ના અનેક મહાનુભાવો ના આર્થિક સહયોગ થકી સુંદર મંદિર નુ નિર્માણ હાથ ધરવામા આવ્યુ હતુ. આ મંદિર માં આવેલ રાધા-કૃષ્ણ ની સુંદર મૂર્તિઓ તે સમયે રણછોડજી મંદિર ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભેમજીભાઈ ધુળીયા,શ્રી અમરતભાઈ રાવલ,શ્રી કિર્તીભાઈ રાવલ, તે સમયના વિકાસ અધિકારી જેસંગભાઈ પટેલ ધ્વાર જયપુરથી લાવવામા આવેલ હતી.
રાધા-કૃષ્ણના નવિન મંદિર ની ૧૯૬૯ માં સ્થાપના થયા બાદ વડગામ માં જન્માષ્ટમી ની ઉજવણી ની શરૂઆત થઈ આથી એમ કહી શકાય કે આ લખાય છે ત્યાંથી લગભગ ૪૨ વર્ષ પહેલા જન્માષ્ટમી ની ઉજવણી અને ગોકળ આઠમના મેળા ની શરૂઆત વડગામ માં થઈ તેમ કહી શકાય.આ મેળાની શરૂઆત વખતે તેની માહિતી વડગામ પંથકના લોકોને આપવા માટે પેમ્ફલેટ છપાવવામાં આવ્યા હતા અને જીપ ધ્વારા મંદિર ના ટ્રસ્ટીઓ ધ્વારા ગામડે ગામડે ફરીને મેળાની શરૂઆતનો પ્રચાર કરવામા આવ્યો હતો.
શ્રાવણ વદ આઠમ નું વડગામમા ખૂબ જ મહત્વ છે. આ દિવસ જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. રાધા-કૃષ્ણ મંદિરે આ દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું તેમજ લોકમેળાનુ ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવેછે.
વડગામની ધર્મનિષ્ટ પ્રજા પરાપૂર્વથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે વડગામ મા શ્રાવણ વદ આઠમના રોજ યોજાતા લોકમેળામા અસાધારણ ઉત્સાહ સાથે ઉજવે છે.સમગ્ર વડગામ તાલુકામાં માત્ર વડગામ ગામે સુંદર પરિસર માં રાધા-કૃષ્ણ નું ભવ્ય મંદિર આવેલ છે.આ ઉપરાંત આ પરિસરમાં નિલકંઠ મહાદેવ,હનુમાંનજી તેમજ ગાયત્રી મંદિર આવેલા છે. રાધા-કૃષ્ણ મંદિર સમગ્ર તાલુકાની ધર્મપ્રેમી પ્રજા માટે કુંજવિહારી પ્રત્યેની ભક્તી અને આસ્થાનું સ્થળ છે.વડગામ માં દર વર્ષે યોજાતા આઠમના મેળામા વડગામ તાલુકાના ૧૧૦ ગામ માંથી વડીલો,યુવાનો,મહિલાઓ,બાળકો અનેરા ઉત્સાહ સાથે આવે છે અને રાધા-ક્રુષ્ણના દર્શન કરી ધન્યતા અનનુભવે છે.
સોમવારે વડગામમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે ત્યારે શ્રીકૃષ્ણ ભક્તિ અને ભક્તોની રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે. હિંદુ પંચાંગ પ્રમાણે શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી. આ વર્ષે ૨૨ ઓગષ્ટના રોજ વડગામમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. રોહિણી નક્ષત્ર પ્રમાણે મથુરાના રાજા કંસના કારાવાસમાં વાસુદેવની પત્ની દેવકીના ગર્ભમાંથી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. માટે જ એ પુણ્ય દિવસને જન્માષ્ટમીના પર્વ સ્વરુપે ઉજવવામાં આવે છે.
ધાર્મિક દ્રષ્ટિએ જન્માષ્ટમીના દિવસે વ્રત પૂજા પાઠ, કૃષ્ણ મંદિરના દર્શન, દાન પુણ્ય કરવાથી પણ દરેક પાપ દૂર થાય છે. રાગ દ્વેષની ભાવ દ્રષ્ટિથી શ્રીકૃષ્ણ વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. સનાતન ધર્મમાં શ્રીકૃષ્ણને સામાન્ય માનવ નહીં પરંતુ સાક્ષાત ભગવાન માનવામાં આવે છે. એ સોળ કળાઓથઈ સંપૂર્ણ થઈને અવિરત બ્રહ્માંડમાં વ્યાપ્યા છે.
વિદ્વાન અને પંડીત લોકો કહે છે જે સમાધિ ભાષામાં ભાગવત લખવામાં આવી છે અને જે સમયે રાધાજીનો પ્રવેશ થયો ત્યારે વ્યાસજી એવા ડૂબી ગયા કે રાધા ચરિત લખી જ ના શક્યા. સત્ય તો એ છે કે જે આ પહેલા શ્લોકમાં વંદના કરવામાં આવી છે તેમાં શ્રીકૃષ્ણાયમાં શ્રીનો અર્થ થાય છે કે રાધાજીનું નમન કરવું.વાત એમ છે કે જ્યારે રાધાજીને કૃષ્ણજીએ પૂછ્યું કે આ સાહિત્યમાં તમારી શું ભૂમિકા હશે. તો રાધાજીએ કહ્યું કે મને કોઈ ભૂમિકા નથી જોઈતી , હું તો સદાય તમારી પાછળ છું. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ દેહ છે તો રાધા આત્મા છે. કૃષ્ણ શબ્દ છે તો રાધા અર્થ છે.કૃષ્ણ ગીત છે તો રાધા સંગીત છે.કૃષ્ણ વંશી છે તો રાધા સ્વર છે, કૃષ્ણ સમુદ્ર છે તો રાધા તરંગ છે અને કૃષ્ણ ફૂલ છે તો રાધા સુગંધ છે.
ભગવાન ક્રુષ્ણ એકલાજ એવા અદ્દભુત અનુપમ વ્યક્તી છે,જે ધર્મની પરમ ગહનતા અને ઉંચાઈઓ પર હોવા છતા તે ગંભીર નથી,રોતલી સૂરત ધરાવતા નથી,સોગીયુ-દિવેલીયુ મો રાખતા નથી. ભૂતકાળના બધાજ ધર્મો ઉદાસી,દુ:ખવાદી નિરાશાવાદી હતા.ક્રુષ્ણને બાદ કરીએ તો અતીતના બધા ધર્મો ઉદાસ અશ્રુઓથી ભરેલા હતા,એકલા ક્રુષ્ણ જ જીવનનો સંપૂર્ણ સ્વીકાર Totala Acceptance કરે છે.તેરે ફુલો સે ભી પ્યાર,તેરે દિનસે ભી પ્યાર,તેરે રાતસે ભી પ્યાર,તેરે કાંટોસે ભી પ્યાર.સમગ્રતાનો સ્વીકાર કરતા ક્રુષ્ણને પૂર્ણવતાર કહેવામા આવે છે,જ્યારે બાકીના બધા અવતારોને આંશિક અવતાર કહેવામા આવે છે.ક્રુષ્ણ એકલાજ દુ:ખના દરિયામા શાંત-પ્રફુલિત ટાપુ સમાન છે.તે એકલાજ દમનવાદી નથી.તેમણે જીવનના બધાજ રંગોનો સ્વીકાર કર્યો છે.એટલે જ તો કનૈયો બાળલીલા,યુવાલીલા કરી લોકોને હસાવે છે,તેમની જિદગીને જીવંત બનાવે છે.
શ્રીમદ વલ્લભાચાર્ય મધુરાષ્ટકમા ગાઈ ઉઠે છે.
અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હર્દયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ.
આ તો બાલપણની જ સ્તુતિ છે.આના ગુંજનમા આંખ સામે મૂર્તિ ખડી થાય છે તે બાલક્રુષ્ણની છે.ચિરંજીવ બાળપણના પ્રતિક છે બાલમુકુંદ.
શ્રીકૃષ્ણનું સમગ્ર જીવનકાર્ય માનવવિકાસનું પૂર્ણ પ્રગટ સ્વરૂપ છે.
શ્રીકૃષ્ણને પૂર્ણપુરુષોત્તમ માનવાથી પરમતત્વનું માનવીમાં રૂપાંતર થયું જ ગણાશે. શ્રીકૃષ્ણના જીવનકાર્યમાંથી માનવીએ જીવનઘડતર કરવાનું છે. શ્રીકૃષ્ણને માત્ર ભગવાનના રૂપમાં પૂજા, અર્ચના, દર્શન કરવાથી તે સમજી શકાશે નહીં. શ્રીકૃષ્ણની લીલા એ લીલા નહીં પરંતુ એ છે માનવીય વિકાસની ચરમસીમા. શ્રીકૃષ્ણ માનવીમાંથી મહામાનવ બનવાની ઘટનાનું જ્વલંત ઉદાહરણ છે.
ભગવાન શ્રીકૃષ્ણને કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગથી એવા કોઈપણ માર્ગથી આત્મસાત કરી શકાય છે.કૃષ્ણને મેળવવાની રીતો પણ જાણી લઇએ. કૃષ્ણને શાંત રસ, હાસ્ય રસ, સખ્ય રસ, વાત્સલ્ય રસ, માઘુર્ય વ્યક્તિ રસ, હાસ્ય ભક્તિ રસ, અદ્ભુત ભક્તિ રસ, વીર, કરૂણા, રૌદ્ર ભક્તિ રસથી મેળવી શકાય છે.શાસ્ત્રોમાં એવું જણાવાયું છે કે તમે કંઇ જ ના કરો અને તેમનો શરણાગત ભાવ કેળવો તો પણ તે તમારી રક્ષા અને કંઇપણ કરવા તત્પર બનશે.પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. શ્રી કૃષ્ણનું જીવન ઉદેશસભર હતું. તેમણે માનવ અવતાર લઈ પૃથ્વી પર અવતરણ કરેલું. માનવ અવતાર તરીકેનું તેમનું જીવન, સુખ દુ;ખ અને મુસીબતોમાં આપણે કઈ રીતે જીવવું તેની પ્રેરણા આપે છે. તેમના વ્યક્તિત્વ સમાન મનુષ્ય શોધવો શક્ય નથી. તેઓ દરેક બાબતે સંપૂર્ણ હતા, આથી જ તેમને ‘પૂર્ણ‘ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે.
શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, બુધવાર, ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતી. શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરી, પુણ્યાત્માઓની રક્ષા કરવા,અસુરોનો ધ્વંસ કરી, ગાયો, બ્રાહ્મણો અને સંત-મહાત્માઓનું પાલન કરવા જન્મ ધારણ કર્યો હતો.
અજ્ઞાનના અંધારા ઉલેચીને જ્ઞાનનું તેજ પ્રગટાવવું… એ જ કૃષ્ણકાર્ય!
કૃષ્ણ – રાધા
આ નભ ઝૂક્યું તે કાનજી
ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
પગલી પડે તે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે !
-પ્રિયકાંત મણિયાર
રાધા એ કૃષ્ણ ભગવાનની અંતરંગા શક્તિ છે. રાધા રાણીનો અવતરણ દિવસ રાધાષ્ટમી (ભાદરવા સુદ આઠમ) છે. બ્રહ્મવૈવર્ત પુરાણ , દેવી ભાગવત, ગર્ગ સંહિતા વગેરેમાં રાધાનું વર્ણન મળે છે. આ પુરાણોમાં રાધાનો જન્મ અને તેના જીવન સંબંધમાં જુદી જુદી કથાઓ આપેલી છે. શ્રીકૃષ્ણની સાથે રાધા રાણીનો વિવાહ થયો હતો, ગર્ગ સંહિતા વગેરે કેટલાક ગ્રંથોમાં વિવાહની કથા આપવામાં આવેલી છે.
આજે વડગામના રાધા-કૃષ્ણ મંદિર ના ચાચરચોકમાં મધરાત્રે બારના ટકોરે શંખનાદ, મહાઆરતી સાથે ભગવાનના જન્મોત્સવમાં ભક્તો હર્ષનાદ કરશે . મધ્યરાત્રિએ ભગવાનના જન્મોત્સવ ટાંણે ઘંટનાદ, શંખનાદ, મહાઆરતી સાથે કૃષ્ણઘેલા ભક્તો ઝૂમી ઉઠશે.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઊજવણીમાં ચોમેર આનંદોલ્લાસ છવાઇ જવા પામ્યો છે. જ્યાં ગામમાં અમુક મહોલ્લે મટકીફોડ કાર્યક્રમ થશે.
તા.૨૨ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી અને શ્રાવણના ચોથા સોમવારનો અનોખો સંયોગ થયો છે. આ દિવસે શિવજીની ઉપાસના સાથે કૃષ્ણભક્તિનો ખાસ દિવસ હોવાથી ભક્તિનો માહોલ બમણો થયો છે.
જન્માષ્ઠમીની ખૂબ-ખૂબ શુભકામનાઓ
thanks… for the lighted all the historical deta of vadgam..its a batter way to every people awaire about our vadgam….
Thanks Ashifbhai for your Nice Comment Here….
thanx..this is appreciable work for us to know about Vadgam for world wide.
It is memorable for our village
Thanks Falgun for your Valuable comment here…….
this is appreciable work for our village because it links on to the world wide and you make it clear about all festivals…
thanx…
wah!!!!!! “ADBHUT”
aapna gam ni history jani ne khub J “ANAND” thayo !
“JAY SHRI KRISHNA”
many…….many……. Thanks Nitinbhai!
GOD Bless U!!!!!!!!!
Thanks Harshadbhai for your valuable comment on our website….Touch in with http://www.vadgam.com and share your valuable suggestions…..
જન્માષ્ઠમીની ખૂબ-ખૂબ શુભકામનાઓ