Blog

વડગામ પંથકનો સાતમ-આઠમનો મેળો : ૨૦૧૩ – નિતિન પટેલ

OLYMPUS DIGITAL CAMERA

ગુજરાતમાં વાર-તહેવારે લોકમેળાનું અનેરૂ મહત્વ છે. તેમાય વડગામ તાલુકાના રૂપાલનો સાતમનો  અને બીજા જ દિવસે આવતો વડગામમાં જન્માષ્ટમીનો મેળો એટલે પૂછવું જ શું. વડગામ પંથકના આ બંને લોકમેળા ઉત્સવમાં ચાર ચાંદ લગાવી દે છે. ધાર્મિક અને રંગીલા વડગામ પંથકના આ મેળાને માણવા માત્ર વડગામ પંથકના જ નહીં જિલ્લાભરમાંથી  અનેક લોકો ઉમટી પડે છે. નાના-મોટા સૌ કોઈ મેળાના રંગમાં રંગીન બની જાય છે. મેળામાં હજારો લોકો આવે છે. સંસ્કૃતિની પરંપરા જાળવતા મેળા એક-બીજાને નજીક લાવે છે. અને લોકો રોજબરોજના કામોથી અળગા રહીને પરિવાર સાથે આનંદ પ્રમોદ માણે છે. જો કે સમયના બદલાવ સાથે વડગામ પંથકમા દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા સાતમ-આઠમના મેળામાં પણ બદલાવ આવ્યો છે.

વડગામ તાલુકાના રૂપાલ ગામે તા.૨૭.૦૮.૨૦૧૩ના રોજ શીતળા સાતમનો મેળો તેમજ તા.૨૮.૦૮.૨૦૧૩ના રોજ વડગામ મુકામે જન્માષ્ટમી નો લોકમેળો યોજાઈ ગયો. સતત બે દિવસ રૂપાલ અને વડગામમાં યોજાયેલ મેળા થકી વડગામ પંથકમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો. શીતળા સાતમ તેમજ કાનુડાના તહેવારને વધાવવા સાતમ-આઠમના તહેવારને ઉમંગથી ઉજવી લેવા રૂપાલ-વડગામના લોકમેળામાં વડગામ પંથકની ધાર્મિક અને રંગીલી પ્રજા ઉમટી પડી હતી. આ બનેં લોકમેળાએ જબરી જમાવટ કરી હતી. બપોર સુધીમાં સાતમ-આઠમના મેળામાં માનવ મહેરામણ છલકાઈ રહ્યો હતો. મેળાને લઈને પંથકમાં અનેક વખત ટ્રાફીક જામ થઈ ગયો હતો. તમામ સ્ટોલ ધારકોને તડાકો બોલી ગયો હતો. રૂપાલમાં આવેલું શીતળા માતાજીનું મંદિર કે જ્યાં દર વર્ષે શીતળા સાતમના રોજ વડગામ પંથકની પ્રજા શ્રધ્ધા સાથે   આવનાર વર્ષ દરમિયાન રોગમુક્ત રહી શકાય તેવા આશયથી મા ના દર્શને આવે છે અને સાથે સાથે લોકમેળાનો આનંદ પણ માણે છે. વડગામ પંથકના લોકો દ્વારા  છઠ્ઠના દિવસે સાંજે સાતમની વિધિ અને રસોઈ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. છઠ્ઠના દિવસે રાત્રે બધી રસોઈ પૂરી કર્યા બાદ ચૂલાને ઠારી-બંધ કરી તેના પર રૂના પૂમડા તથા ફૂલની માળા, કંકુ, ચંદન, ચોખા વગેરે દ્વારા તેનું પૂજન કરવામાં આવે છે. સાતમની સવારે સાંજે બનેલી વાનગીને એક થાળમાં લઈ ઠંડું દૂધ, જળ,ચંદન, ચોખા, કંકુ વગેરે સુગંધિત દ્રવ્યો દ્વારા શીતળા માતાના મંદિરે પૂજન કરવામાં આવે છે. પછી ફૂલહાર ચઢાવી પોતાની મનોકામના મનમાં વ્યક્ત કરી પૂજા કરવામાં આવે છે. આ પૂજન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, સંતાન હોય પણ જો તે રોગગ્રસ્ત રહેતું હોય તો તેને ફાયદો મળે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ વ્રત જરૂર કરવું જોઈએ તેવી એક માન્યતા પણ છે.

વર્ષો પહેલા શિતળાનામનો રોગ થતો હતો. વળી આ તહેવાર ચોમાસાની રૂતુમાં આવતો હોવાથી આ સમયમાં શરીરને રોગપ્રતિકારક શક્તિની ખાસ જરૂર હોય છે. તેથી એક દિવસ ભોજનમાં રુખુ-સુકુ ચલાવીને શરીરને આરામ આપવાની વાત છે. વ્યાવહારિક કારણ એવું છે કે રાંધણ છઠ્ઠના દિવસે રસોઈ કરી સાતમના દિવસે સ્ત્રીઓ રસોઈના કામમાંથી મુક્ત રહી શકે જેથી કરીને આવનારા બે દિવસ જન્માષ્ટમી અને પારણાનોમની તૈયારી થઈ શકે છે. શીતળા માતા ઘરમાં બધા પ્રકારના તાપ-સંતાપ અને ઉત્તાપને શાંત કરનાર દેવી છે.

તે જ રીતે  તા.૨૮મી ઓગષ્ટના રોજ શ્રાવણવદ આઠમ  અને આ દિવસને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કહેવાય છે. તે દર વર્ષે આવે છે. પરંતુ આ વર્ષે એટલે કે વર્ષ-૨૦૧૩, વિક્રમ સવંત ૨૦૬૯માં આવતી શ્રાવણ વદ આઠમની તિથિ મહત્વની અને વિશિષ્ઠ છે કેમ કે તે બુધવારે આવી છે. એવુ માનવામાં આવે છે કે ભગવાન શ્રીક્રુષ્ણનો જન્મ જે તિથિ શ્રાવણ વદ આઠમના રોજ થયો ત્યારે બુધવાર હતો અને અ વર્ષે પણ બુધવાર આવ્યો છે જેને કારણે પર્વમાં બુધાષ્ટમીનો પણ યોગ થાય છે. જે અતિ વિશિષ્ટ દિવસ બની રહ્યો હતો..

શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા વડગામ તાલુકા ભાવિક ભકતજનો અધીરા બન્યા હતા ત્યારે શ્રી ક્રુષ્ણે આપેલુ વચન સંભવામિ યુગે યુગે ક્યારે સાચુ પડશે તેની રાહ પણ જોઈ રહ્યા હતા.  ગોકુળ આઠમના પવિત્ર દિવસે કૃષ્ણ જન્મની ખુશાલીમાં વડગામમાં પરંપરાગત ગોકુળ આઠમનો મેળો યોજાઈ ગયો ત્યારે અનેરા ઉત્સાહ સાથે અસંખ્ય ભાવિકજનો આ લોકમેળાને માણવા અને જાણવા, ક્રુષ્ણ જન્મની ખુશાલીમાં સહભાગી થવા વડગામ મુકામે ઉમટી રહ્યા હતા. બ્રહમાણી માતાના મંદિરથી લઈને સરકારી દવાખાના સુધી,તેમજ બસસ્ટેન્ડ થી લઈને રાધા- ક્રુષ્ણ મંદિર સુધી માનવ-મહેરામણ છલકાઈ રહ્યો હતો. ખાણી-પીણી, રમકડાના સ્ટોલ લાગી ગયા હતા. ચકડોળો ઘૂમી રહી હતી..બાળકો-યુવાનો ઘૂમી રહ્યા હતા.ચા-નાસ્તાની સાથે નાસ્તાની જયાફત ઊડી રહી હતી. નાના બાળકો રમકડાની ખરીદી કરવા પોતાના મા-બાપને વિનવી રહ્યા હતા. ચિત્ત-પરિચિત્ત લોકો એકબીજાને મળીને આનંદ વ્યકત કરી રહ્યા હતા. એકંદરે લોકજીવનનો જીવંત અહેસાસ આઠમનો મેળો વડગામના આંગણે કરાવી રહ્યો હતો એમ કહી શકાય.

આજે રાત્રે ભક્તજનો દ્વારા રાધા-કૃષ્ણ  મંદિરમાં ભજનોની રમઝટ બોલાવાશે અને રાત્રે ભગવાનના જન્મની ખુશાલી પણ મનાવવામાં આવશે આ ઉપરાંત વડગામના વિવિધ યુવા મંડળો દ્વારા મટકીફોડ કાર્યક્રમોની તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે.