ગામડાઓ નો પરિચય

ગીડાસણ….

વડગામ મહાલનું  ગીડાસણ જાગીરદારી ગામ હતુ.જીલ્લા પંચાયતના પ્રમુખ સ્વ.ભીખુભાઈ બિહારીના પિતા ઉમરદરાજખાનજી બિહારી ગામના જાગીરદાર હતા.ગામની મોટાભાગની કોમોમા નાયક,ભોજક કોમની મુખ્ય વસ્તી હતી. તે વખતે સવા સો ઘર હતા. તે સિવાય અન્ય કોમો મા જાગીરદાર બિહારી,ચૌધરી,જૈન,ઠાકોર,રબારી,લુહાર,મનસુરી,મુસલા,ફકીર વગેરે કોમોની સમરસ વસ્તીનું  શરૂથી જ એકતાના પ્રતિકનુ ગામ કહેવાય છે.મોટાભાગ ના લોકો ખેતી અને મજૂરી ઉપર નભતા હતા.

ગામના જાગીરદાર બિહારી ઉમરદરાજખાનજી ખૂબ જ દિર્ઘ દ્રષ્ટિવાળા અને ન્યાયપ્રિય વ્યક્તિની છાપ ધરાવતા હતા.સમાન દ્રષ્ટિ અને મળતાવડા હોવાના કારણે દરેક કોમના લોકો સરળતાથી પોતાના પ્રશ્નો લઈ જતા અને સંતોષ મેળવીને પરત આવતા હતા.

ભીખુભાઈ બિહારી મૂળ જાગીરદાર કુટુંબના. સેવાભાવી સ્વભાવે શાંત અને ન્યાય પ્રિય હતા. નૂતન હાઈસ્કૂલ પાલનપુરમાં   અભ્યાસ બાદ ગામની ઉન્નતિ માટે વિકાસલક્ષી દ્રષ્ટિ રાખી તેઓએ સૌ પ્રથમ ખેડૂતો માટે ગીડાસણ પિયત સેવા સહકારી મંડળીની સ્થાપના કરી હતી.ખેતીના આધુનીકરણ અને ખેતપેદાશોની વધુ ઉપજ માટે તેમની દિર્ઘદ્રષ્ટિના લીધે આશિર્વાદરૂપ બનેલ.સર્વસંમતિથી સરપંચ બન્યા બાદ તેઓ રાજકીય સક્રિય આગેવાની લેવા લાગ્યા. સહકારી ક્ષેત્રે બનાસડેરીના ડિરેક્ટર બની દૂધ ઉત્પાદકોના પ્રશ્નોને વાચા આપતા તેમની લોકપ્રિયતામા ચોમેર વધારો થયેલ. ૧૯૮૧મા જિલ્લા પંચાયત વડગામ સીટ  પર ઉમેદવારી નોધાવી વિજયી થયેલ અને જીલ્લા પંચાયતના પ્રમુખ પદે જવાબદારી સ્વીકારી ગીડાસણ ગામને ગૌરવ અપાવેલ.

માસ્ટર છગન રોમીયો એટલે બનાસકાંઠાનો ચાર્લી ચેપલીન ગીડાસણનો વતની હતો.

ત્રિભોવનભાઈ નાયક સંગીત પ્રિય વ્યક્તિ થઈ ગયા. સંગીતના સાધનો વસાવવાનો તેમને ભારે શોખ હતો. હારમોનીયમ પગના ઢીંચણથી વગાડવાની તેમની કલા હતી.વડગામ પંથકમા તેના માટે ખાસ કાર્યક્રમ રાખવા લોકો આગ્રહ કરતા હતા.

ગીડાસણ ગામની એકતામા વિશેષતા એ છે કે , આજદિવસ સુધી ગામના સરપંચની ચૂંટણી થઈ નથી. પંચાયત રાજની સ્થાપના બાદ ગામની દરેક કોમમાંથી સમરસ સરપંચ ચૂંટાતા આવ્યા છે. આજ દિવસ સુધી રાજકીય ક્ષેત્રે નોધપાત્ર ગીડાસણ ગામે પોતાની આગવી ઓળખ બનાવી રાખી છે.નર્મદાશંકર નાયક,દત્તપુરી બાવજી,હરીજી રાજપૂત અને ફકીરમહમદભાઈ મનસુરી ગામના મોભી ગણાતા હતા.તેઓ ગાંધીવાદી  વિચારસરણી વાળા હતા અને જીવ્યા ત્યા સુધી ખાદી જ પહેરી હતી.

ગોદરેજ કંપનીની સ્થાપના થઈ અને લોખંડની તિજોરી-કબાટ બનાવવાનું  કારખાનુ મહાલક્ષ્મી મુંબઈ ખાતે શરૂ કરવામા આવેલ ત્યારે આ ગામના પંચાલોએ પાયાના કામમા પોતાની કારીગીરી બતાવેલ. આજે પણ ૫૦-૬૦ પંચાલો મુબઈ ગોદરેજ કપનીમાં  કાર્યરત છે.ગોદરેજ કપનીમાં  બનાસકાંઠાના પંચાલ સમાજે સારી એવી શાખ બનાવી છે.

રાજકીય ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રમાં  આગળ પડતા આ ગામ માં  તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ પચાણભાઈ પટેલ ના પિતા કરશનભાઈ પટેલ સમાજ (ગોળ) ના પ્રમુખ હતા.તેમની ન્યાયપ્રિય સેવાઓને આજે પણ લોકો યાદ કરે છે. આ ગામમા ઠાકોર સમાજ ધ્વારા દશેરાના દિવસે વરઘોડુ કાઢવામા આવે છે.તેમા તમામ કોમના લોકો જોડાય છે.વરઘોડાની પૂર્ણાહૂતિ સમયે બે ટૂકડીઓ વિભાજીત કરીને સળગતા છાણા સામસામે નાખતા હતા એવી પરંપરા  હતી .

માજી મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ,ઇન્દુલાલ યાજ્ઞિક,મનુભાઈ,અમરસિંહ  જેવી મોટી રાજકીય હસ્તીઓ આ ગામ મા આવી ગઈ છે.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)

Photographs:- muzzafr’s photostream