ગામડાઓ નો પરિચય

પાલણપુર સ્ટેટ નું વેપારી મથક મેતા.

વડગામ મહાલનો ઇતિહાસ આલેખી રહ્યા છીએ ત્યારે એક મહત્વની વાતનો ઉલ્લેખ ટાળી શકાય તેમ નથી. ભારે નવાઈ લાગે તેવી વાત છે,પણ એ વાસ્તવિક્તા છે કે , વર્તમાન વડગામ તાલુકા માં  સમાવિષ્ટ મેતા ગામ પાલણપુર સ્ટેટ માં  સ્વતંત્ર તાલુકો હતો. એ વખતમાં  રાજ ના મધ્યમાં  મેતા ગામ આવતુ હોઈ તેને તાલુકાનો દરજ્જો આપવામા આવ્યો હતો.એ વખતે બેત્તાલીસ  ગામોનો મેતા તાલુકામા સમાવેશ થતો હતો. જેમા વડગામનો ઉલ્લેખ પણ જોવા મળે છે.પાલણપુર સ્ટેટ એજંસીની  સને ૧૯૯૦ માં  પ્રસિધ્ધ થયેલ એક ડિરેક્ટરીના પાના ન.૬૩૧ ઉપર મેતા તાલુકાના ગામોના નામ સામે ઈ.સ.૧૯૦૧ની વસ્તીના આંકડા દર્શાવવામા આવેલ છે. તે મુજબ તાલુકા મા સૌથી વધુ વસ્તી મેતા ગામ ની ૨૩૭૯ની હતી.વર્તમાન મા જોઈએ તો સને ૨૦૦૧ ની વસ્તી ગણત્રી મુજબ મેતાની વસ્તી ૫૮૫૮ની છે.

મેતા ગામ આજના વડગામ તાલુકાના મોટા ગામોમા ગણાય છે. અહી મુસ્લિમ ધર્મના ત્રણ સંપ્રદાયનો મોટો સમૂહ છે. જેમા શિયા,સુન્ની અને મુમન કોમનો સમાવેશ થાય છે. આ ત્રણેય સંપ્રદાયના મોટા ભાગ ના લોકો મુંબઈ ,પુના અને મદ્રાસ વગેરે શહેરોમા ધધાર્થે જઈ વસ્યા છે.જેમા મુંબઈ  ખાતે રહેતા લોકોએ ખૂબ પ્રગતિ કરી છે. આ સિવાય મેતા ગામ મા પટેલ, બ્રાહ્મણ ,જૈન, સુથાર, પ્રજાપતિ,દલિતો વિગેરે સમાજના લોકો હળીમળીને રહે છે.

પાટણ જિલ્લાના સીમાડાને અડીને આવેલ મેતા ગામ વિશે એવુ કહેવાય છે કે, આ ગામ શરૂઆતથી જ વિવાદોમા ઘેરાતુ આવ્યુ છે. આ ગામ મા પંચાયત અને રેવન્યુ ના વિવાદો ચા-પાણીની જેમ થઈ પડ્યા છે. મધ્યકાળમાં  પણ મેતા ગામ ચર્ચાસ્પદ જ રહ્યુ છે. કહે છે કે , વડગામ મહાલ માં  કોઈ પણ ગામ મા વિવાદ થાય તો તેના નિરાકરણ માટે લોકો દક્ષિણે વડગામ અને કોદરામ અને ઉત્તરે મજાદર અને મેતા ગામ માં  ગાડા મા બેસીને આવતા ને ભલભલા પ્રશ્નો નુ નિરાકરણ આવી જતુ. આજે લોકો ના પ્રશ્નો પાટનગર ગાંધીનગર માં  જવા છતા ઉકેલાતા નથી ત્યા એ જમાના માં  આ ચાર ગામ મા જઈને ચર્ચા માત્ર કરવાથી પ્રશ્નોનો ઉકેલ આવતો હતો. ખુદ પાલણપુર નવાબના વિદ્વાન   કારભારીઓ પણ આ હકીકતનો સ્વીકાર કરતા હતા.

મેતા ના વ્યક્તિ વિશેષ ઉપર દ્રષ્ટિપાત કરીએ તો, મહમદ જલાલ મુખી નામના સદગૃહસ્ત ૨૦ વર્ષૅ સુધી મેતા ગામ ના સરપંચ તરીકે બિનહરીફ રહ્યા હતા,તેઓ ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા દેશભકત મહાનુભાવ હતા. આઝાદી ની ચળવળ વખતે તેઓ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ, ઈમામખાન મોજમખાન જાગીરદાર (બસુ) , લાલજીભાઈ લખુભાઈ પટેલ (બસુ) વિગેરે આગેવાનો સાથે જોડાય હતા. આ આગેવાનો એક મંડળી બનાવી ખેડૂતોના પ્રશ્નો બાબતે પાલણપુરના પોલિટિકલ એજંટના બંગલા સામે ભૂખ હડતાલ ઉપર બેઠા હતા અને પોતાની માંગણીઓ મંજૂર કરાવી હતી.

ગાયકવાડના સિમાડે આવેલ કોદરામ ગામ કસ્ટમ પોઈંટ હતુ ત્યાંથી માલની આવક જાવકની તપાસ થતી અને ડ્યુટી ભરવી પડતી હતી. એ જ રીતે મેતા પણ વ્યાપારીઓનુ પીઠુ કહેવાતુ.નવાઈની વાત તો એ છે કે તાલુકાનુ આ મથક અનેક પ્રકારે વિવાસ્પદ હોવા છતા મેતા ગામ ગોળનુ સેન્ટર  હતુ. દૂર દૂર થી વેપારીઓ ગોળની લે-વેચ માટે અહિ આવતા હતા.મૌલવી નજીરમીયા સાહેબ મુનાવાળાના સમય મા પણ મેતા ગામ ચર્ચાસ્પદ બન્યુ હતુ.
મેતા ગામ મા સૈયદ મીર અલી બાવાની દરગાહ મશહૂર છે. તેમના વિશે એવુ કહેવાય છે કે તેઓ અમદાવાદ થી આવીને અહી વસ્યા હતા. તેમના અવસાન બાદ તેમને અહી જ દફનાવવામા આવ્યા હતા. કોઈ પણ પ્રકારની  લાલસા વગર મસ્તમોલાની જેમ રહેતા આ સાઈ ફક્કડ ગિરધારી નામથી લોકમુખે ચઢી ગયા હતા. તેઓની દરગાહ ઉપર સોનાનો ઢોળ ચડાવેલો ગુંબજ તેમના શ્રધાળુ ભક્તો ધ્વારા બનાવવામા આવેલ છે. એક વખત કેટલાક લોકોની આ સોનાના ઢોળ ઉપર દાનત બગડતા તેઓ ચોરી કરવાના ઈરાદે આ ઢોળ ઉખાડવા ગયા ત્યારે અંધ બની ગયા હતા અને પકડાઈ જવા પામ્યા હતા. આ વાતને કારણે લોકો મા સૈયદ મીર અલી બાવા પ્રત્યેની શ્રધ્ધામા વધારો થયો હતો અને આ ફક્કડ ગિરધારી બાવા ની દરગાહની ખ્યાતિ ચોમેર ફેલાઈ જવા પામી હતી.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)