ગામડાઓ નો પરિચય

ભરકાવાડા….

વડગામ તાલુકાના ભરકાવાડા ગામમાં ચૌધરી પટેલ અને ઠાકોર કોમની વસ્તી મુખ્ય છે.મૂળ ખેતીવાડી સાથે સંકળાયેલા કિસાનો હવે વેપાર ધંધા તરફ વળ્યા છે.અને સારી એવી નામના પણ કરી છે.શૈક્ષણિક ક્ષેત્રે પણ પ્રગતિ કરી છે.પહેલા હાયર સેંકડરીના અભ્યાસ માટે વિધ્યાર્થીઓને છાપી જવું પડતું હતું.પણ હવે ગામમાં હાઈસ્કૂલ થવાથી બાળકોનું શિક્ષણનું સ્તર ઉંચુ આવેલ છે.

આ ગામમાં પંચમુખી મહાદેવનું દેવસ્થાન ભારે આસ્થા શ્રધ્ધાનું કેન્દ્ર છે.ગામના સરપંચ અને અન્ય પાંચ સાત આગેવાનોને પંચમુખી મહાદેવની હકીકત બાબતે પુછવાથી તેઓએ જણાવેલ કે,લોકવાયકા મુજબ માહી ગામના સિમાડે ઉમરદશી નદીના પટમાં આ અલભ્ય મૂર્તિ મળી આવેલ.કોઈ એમ પણ કહે છે કે,માહીમાં એક ખેડૂતને હળ ચલાવતા આ મૂર્તિ મળી આવેલ.આ મૂર્તિ શેરપુરા ગામના પટેલો શેરપુરા તરફ ગાડામાં લઈ જતા હતા પણ તે ગાડુ ભરકાવાડાની સીમમાં આવીને અટકી ગયેલ.ઘણા પ્રયાસો કરવા છતાં બળદ ચાલ્યા નહી.પછી સલાહ કરી વિધિસર આ પંચમુખી મહાદેવની સ્થાપના કરવામાં આવેલ. આ મંદિરના મહંત મંદિરની સેવા કરે છે.એમ પણ કહેવાય છે કે,ભૂતકાળમાં વર્ષો પહેલા,આશરે આઠસો વર્ષ પહેલા ભરકાવાડા ગામ પશ્વિમ દિશામાં વસેલ હતું.હાલ મંદિરની પૂર્વમાં છે.આ પંચમુખી મહાદેવના દર્શન કરવા દૂર દૂરથી શ્રધ્ધાળુઓ આવે છે.આ ગામ અમદાવાદ હાઈવેથી પશ્વિમમાં ત્રણેક કિ.મી. અંદર આવેલ હોવાથી તેનો જોઈએ તેટલો વિકાસ થયો નથી.એકંદરે ગામ સુખી છે.

[પ્રસ્તુત લેખ “વડગામ ગાઈડ” પુસ્તક માંથી સાભાર લેવામાં આવ્યો છે.આ લેખ આ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ સંપાદક શ્રી સૈયદ શરીફભાઈ ચશ્માવાલા નો આભાર. પુસ્તક પ્રાપ્તિ ની વિગત પુસ્તક:-“વડગામ ગાઈડ”,પ્રકાશક-નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશન,મોટા માળીવાસ,ફોફળીયા કૂવા,પાલનપુર-૩૮૫૦૦૧, મૂલ્ય- રૂ.૨૫૦/- મો.૯૮૭૯૫ ૮૯૪૯૨ ]