ગામડાઓ નો પરિચય

રાજકીય મસલતોનુ કેન્દ્ર સીસરાણા……..

“સરસ્વતી નદીના શીતળ પવનની લહેર, શેરડીના ખેતરો અને વરી-કમોદની મનમોહક મહેંક આવતી હોય ત્યારે મુસાફરોને એમ લાગતુ કે હવે સીસરાણા ગામ આવી ગયુ. આવુ મધ્યકાળ માં  કહેવાતુ હતુ. વડગામ મહાલ ના સીસરાણા ગામ સાથે અનેક પૌરાણિક અને ઐતિહાસિક વાતો જોડાયેલી છે.

વટેમાર્ગુ, ચોકીયાગાડા કે બે બળદના ગાડામા બેસીને જતા મુસાફરો સીસરાણાથી કબીરપુરા અને મોક્ષેશ્વર થઈને સરસ્વતી નદીને પાર કરીને ગાયકવાડ રાજ્ય મા જતા હતા. આ પ્રવાસ દરમિયાન મુસાફરો સીસરાણામાં  વિસામો કે રાતવાસો કરતા હતા. એમ પણ કહેવાય છે કે ,પૂર્વકાળમા પાંડવોએ સીસરાણાની વનરાજીમા સૌથી વધુ સમય વિતાવ્યો હતો.

મોરીયા-ધનાલીથી સીસરાણાની જમીન રેતાળ અને પાતળી છે. હાલ તો પાણીના તળ ઘણા ઉંડા જતા રહ્યા છે. પરંતુ મધ્યકાળ સુધી જ નહી પણ ૧૯૭૦ સુધી લોકો સીસરાણાના કુવામાંથી હાથ માં   ડોલ પકડીને પાણી ભરી લેતા હતા. આજે પાણી માટે બોર કરવા પડે છે. સીસરાણા ગામ માં  હાલમા ચૌધરી પટેલ સમાજ ના લોકોની મુખ્ય વસ્તી છે.ઉપરાંત જૈન,બ્રાહમણ ,જાગીરદાર મુસલમાન અને અન્ય ઈતર કોમોના લોકો પણ વસે છે.આજે છ થી સાત હજારની વસ્તી ધરાવતા સીસરાણા ગામની વસ્તી આજથી ૧૦૦ વર્ષ અગાઉ ૫૦૦ની હતી. એ વખતે સીસરાણા ચિત્રોડા તાલુકાનુ ગામ હતુ.

પાલણપુર અને ગાયકવાડ સ્ટેટના કારભારીઓ રાજકીય મસલતો માટે સીસરાણા સામે આવેલ વસઈના ભાંખરા પાસે નદીના તટથી નજીક અજવાળીયા દિવસોમા (સુદમા) ભેગા થતા હતા પણ આખરી નિર્ણય તો સીસરાણા ગામ માંથી ઢોલ – દાંડીયા પીટીને જાહેર કરાતો હતો એવુ કહેવાય છે. તેના અવશેષો આજે સાવ જીર્ણ થઈ ગયા છે.પણ પૂર્વજોની વાતો અને બારોટોના ચોપડા આજે પણ હયાત છે તેવુ જરૂર કહી શકાય.

સીસરાણા ગામની દક્ષિણે પવિત્ર મોક્ષેશ્વર મન્દિર છે.જ્યા પૂર્વકાળ મા પાંડવો લાંબા સમય સુધી રોકાયા હતા. નદી પાર પાંડવા ગામ છે. જ્યા ભાંખરા ઉપર ભીમની ગાદી હોવાનુ કહેવાય છે. દક્ષિણે પશ્વિમ મા શેરપુરા (સે) ગામે ગોગ મહારાજ નુ નદીના કાંઠે અડીને આવેલ અસલ પવિત્ર ધામ છે. એટલે જ સીસરાણા ગામ રાજકીય,ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ કેન્દ્ર સ્થાને રહ્યુ છે એ હકીકત છે.

સીસરાણા ગામમાં  પોષ માસ માં  શેરડીના કોલા દિવસ-રાત ચાલતા અને તગારી ગોળના રવા બનાવી મેતા ગામના બજારો સુધી મોકલતા. એક જમાના માં  મેતા ગામ ગોળ નુ પીઠુ કહેવાતુ હતુ. સીસરાણા ની વરી-કમોદના ચોખાની ખીચડી રંધાતી હોય ત્યારે એવી સોડમ પ્રસરતી કે આખા મોહલ્લામા તેની ખબર પડી જતી. આ ખીચડીની સોડમની સાથે લિજ્જત પણ એવી જ હતી.

વડગામ તાલુકા ના સીસરાણા, ધનાલી, સરદારપુરા,ચિત્રોડા,પાંચડા જેવા આ વિસ્તારના સળંગ ચૌદ ગામોનો જલો એ જમાનામા મશહૂર હતો. એ વખત ની અસલ લઢણ માં  લખીએ તો મહેમાનગતિમા મોરવી પરુણા હાટુ જીવ મેલી દે, લીમડીએ ખાટલા ને ગાદલા ઢાળી ટાઢુ હેમ પાણી આપી, ઘરનો માણુ ચાકા સાથે અફીણના ગાંગડા લઈને હાજર જ હોય. પછી આખા દૂધની રેઢા જેવી ચા તો ખરી જ. ને જમણવારમા મલાઈ જેવી છાસ તો હોય જ. ચોખા ઘીનો શીરો અને ઘીની ગાંડુઓ થાળીમા ઊંધી  કર્યા વગર જપે નહી. કદાચ  આવી પ્રેમભરી પરોણાગતને લીધે જ પાલણપુર અને ગાયકવાડ સ્ટેટ ના રાજવીઓ સીસરાણાને મહત્વ આપતા હશે. એવી કલ્પના કરી શકાય. હવે તો યુગ બદલાયો, માણુ બદલાયા, હાઈટેક યુગ મા કુદરતે પણ પોતાનો શિરસ્તો ફેરવી નાખ્યો…..પરિવર્તન અને નવસર્જન કુદરત નો પ્રખર નિયમ છે ત્યારે ફરી પાછા આવા સુંદર ભુતકાળ નુ પુનરાવર્તન થાય એવી માલિક ની પ્રાર્થના.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)