ગામડાઓ નો પરિચય, વડગામનો ઇતિહાસ

વટ અને વડવાળુ ગામ એટલે વડગામ – ડી.આર.ડેકલિયા

વટ અને વડવાળુ ગામ એટલે વડગામ. ધાણધાર પંથકમાં મહત્વનું સ્થાન ધરાવનાર ગામ એટલે વડગામ. ભૂતકાળમાં જેના પાણીની બોલબાલા હતી તેવી પ્રાચીન વાવ વડગામ ની મહત્વની વિરાસત હતી વટ ને વહેવાર બાબતમાં વડગામના કોઈપણ સમાજનો માણસ ગર્વથી કહેતો મેં વડગામની વાવનું પાણી પીધું છે વાવના પાણીની તાશીર એવી હતી કે દરેક માણસમાં કૌવત અને ખુમારી છલોછલ ભરી હતી એટલે તો સમગ્ર ધાણધાર  પંથકના ગામમાં એક કહેવત પ્રચલિત હતી “તારા ઘેર પાંચ વડગામા પડે” મને લાગે છે કે વડગામની દબંગાઈને  લીધે જ આ કહેવત પડી હશે એની પાછળ પણ વાવનું પાણી જ કારણભૂત હશે પરંતુ દુઃખ સાથે એક વાત કબૂલી પડે કે એ પ્રાચીન વાવ નો ઇતિહાસ અતીતના અંધકારમાં ઢબુરાઈ ગયો છે. હાલની પેઢીના 70% લોકોને વાવ ક્યાં છે તે ખબર જ નથી જે પાણીના પ્રતાપે જેને શ્રેષ્ઠી સ્વ. શ્રી અંબાલાલ જેવા મહાનુભાવોનો ભૂતકાળમાં રંગુન સાથે વ્યાપાર હતો. વાવના પાણીની તાસીરનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણા એસ.પી.શેઠ છે. ઇન્ટરનેશનલ ખ્યાતિ પામનાર અને વડગામનું ગૌરવ વધારનાર શ્રી સેવંતીભાઈ પી. શાહને 100 સલામ. આઝાદીની ચળવળમાં ભાગ લેનાર સ્વતંત્ર સેનાની શ્રી કવી આનંદી પણ વડગામનું મહામૂલૂ રત્ન હતા. ૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ગામના ચોરામાં રાત્રે હરિકેન ફાનસના અજવાળામાં ગ્રામ્યજનોને ભેગા કરી લોકજાગ્રુતીનું તેમનું કામ બેમિસાલ હતું. તેમના સ્વરચિત દેશભક્તિના ગીતો ગવરાતા તે વખતે મારી 10 વર્ષની ઉંમર હતી. તેમનું એક ગીત મારા બાળ માણસ ઉપર સદાયના માટે અંકિત થઈ ગયું હતું. જે મને અત્યારે પણ યાદ છે સંદેશા મોકલ્યા તું આવજે ને તારી સાથે બીજાને લાવજે.

વડગામના ભવ્ય ભૂતકાળમાં ડૂબકી મારતા કેટકેટલી ઘટનાઓ કેટલાય વંદનીય ચહેરાઓ મારી નજર સમક્ષ તાદ્રશ્ય થઈ ઉભરાવા લાગે છે લખતા મને ડર લાગે છે કે હું કોઈ એવી ઘટના કોઈ એવી વ્યક્તિને ન્યાય આપવામાં ઊણો ન ઉતરૂ. વડગામના મસ્તરામ એવા પરમવંદનીય શ્રી મફતલાલ કાળીદાસ જોશી. તેમની એક વાત આપણને સૌને મઝા આવે એવી અહીં રજૂ કરું છું તેઓશ્રી કહેતા કે વડગામની વિરક્ષેત્રની ભૂમિ છે બહારથી આવનાર વ્યક્તિને તેના અનુરૂપ તેનો જોડીદાર વડગામમાં મળી રહે, જો તે ભજનીક કે સત્સંગી હશે તો તેને જોડીદાર મળી રહેશે જો તે ચલમી હશે તો ગાંજો ફૂકનાર પણ મળી રહેશે સરવાળે દરેક બાબતમાં આવનારને તેના અનુરૂપ જોડીદાર મળી રહેશે . શ્રી મફતકાકાનું યોગદાન વડગામ રાધાકૃષ્ણ સંકુલના નવનિર્માણમાં ખૂબ જ રહ્યું છે. વડગામની ભૂમિ માટે તે સદાય કહેતા મારી વડગામની  ભૂમિ તો કાઠીયાવાડનો એક ટુકડો છે. ભગવાનને મારી પ્રાર્થના છે કે નવો જન્મ ગમે તે આપજે પણ વડગામમાં જ આપજે.

વડીલો પાસેથી સાંભળેલી એક વાતનો ઉલ્લેખ અહીં રજૂ કરું છું, લગભગ તે ખસોરવાસની વાત છે પ્રસંગ સામાન્ય છે પરંતુ અજાણે થયેલ પાપનું પ્રાયશ્ચિત જિંદગીભર કરનાર આપણા વડીલોની ધર્મ પ્રત્યેની આસ્થા ગજબની હતી. બળતણ ફાડતા એક કાચરી ઉડીને થોડી દુર બેઠેલા કૂતરાને કપાળના ભાગે વાગીને કૂતરું તરફડીને મરી ગયું બળતણ ફાડનાર વડીલનો આત્મા તરફડી ઉઠ્યો. પોતાના લીધે જીવહિંસા થઈ એનો અપરાધભાવ તેમના અંતર આત્માને હલબલાવી ગયો. તેમના પ્રાયશ્ચિત માટે તેઓ જીવ્યા ત્યાં સુધી સવારે 4:00 વાગે ઉઠી ખાદરાના (કુવા ટાઈપ કુવાનું કાચા ખોદકામ કરેલ) શીતળ જેવા ઠંડા પાણીથી સ્નાન કરી જોરથી જાણે ભગવાનને સંભળાવતા હોય તે રીતે મોટેથી ગાગડશાહી  કાગો માર્યો જાણે અજાણે માર્યો. મારા ભગવાન મને માફ કરજે. શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસાની હેલી જીવનપર્યત તેમનો આ ક્રમ કાયમનો  હતો.

પરમ વંદનીય શ્રી સ્વ ગુલાબદાસ બાપુ જાહેર મેળાવડા માં વડગામ માટે કહેતા કે જો તમારે સાચા સત્સંગી થવું હોય તો વડગામમાં બે પાંચ વર્ષ રહી આવો. મારું ઘડતર પણ વડગામે જ કર્યું છે. સ્વ.પૂજય હાથીભા ધૂળિયા( સ્વ.શ્રી લક્ષ્મણભા ધુળિયા)ના પિતાશ્રી જેવા નવધા ભક્તિ કરનાર ઉચ્ચકોટિના સત્સંગીઓ આપણી વડગામી ધરા ના અણમોલ સીતારા હતા. તે પરંપરા આજ પર્યંત ચાલુ છે. નિરાંતપંથના ગાદીપતિ સ્વ. કરશનભા, ગાયત્રી પરિવારના શ્રી કરસનજી ચતરાજી સોલંકી મહોતમામા માસ્તર , ઈશ્વર કાકા ભટ્ટ ,શ્રી જશુભાઈ રાવલ…

જનની જણે તો ભક્તજણ , કાં દાતા કાં શુર …

આ ત્રણેય વાતોનું જીવન ઉદાહરણ એટલે માજી સરપંચશ શ્રી કાળુજી દલાજી સોલંકી પરિવાર. વીરાભાઇ ઉદેસિંહ, વિક્રમ જેવા તેમના કુટુંબના યુવાનો સંસ્કાર માનવતા અને સેવાભાવ ખૂબ જ અભિનંદન ને પાત્ર છે.

પ્રારંભિક તબક્કામાં વડગામમાં શિક્ષણમાં શૂન્યાવકાશ હતો તાલુકા મથક હોવા છતાં માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા ન હતી તે વખતે શ્રી ગલબાભાએ (ગલબાભાઈ માનજીભાઈ પટેલ) નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ બનાવીને માધ્યમિક શિક્ષણનો પ્રારંભ કરેલો. તેઓ એટલા દુરંદેશી હતા કે શું કરવાથી શિક્ષણનો વ્યાપ વધે  અને મારા ગામના છોકરાઓ ભણી ગણીને આગળ વધે. તે વખતે વિદ્યામંદિર પાલનપુરના પ્રિન્સિપાલ શ્રી સૂર્યકાંત પરીખ હતા તેમની પાસે જઈને ગલબાભાઈએ તેમને કહ્યું કે પરીખ સાહેબ મને મારી વડગામ માધ્યમિક શાળા માટે તમારા જેવા પ્રિન્સિપાલ શોધી આપો અને પરીખ સાહેબે વિદ્યામંદિર હાઈસ્કૂલના અંગ્રેજી શિક્ષક શ્રી ગોપાલદાસ સી. બ્રહ્મભટ્ટ (બારોટ સાહેબ)ને લઈ જવાની ભલામણ કરી. બારોટ સાહેબે નવયુગ વિદ્યાલય વડગામના શિક્ષણમાં અમૂલ પરિવર્તન કરી બતાવ્યું. જુના નળિયાવાળા ક્લાસરૂમ હતા, પરંતુ શિક્ષણમાં – રમતગમતમાં શાળાનું નામ ગુજરાતભરમાં ગુંજતુ કરેલું. કબ્બડીમાં શાળાના વિદ્યાર્થી વાઘાજી હીરાજી રાજપુત ગુજરાતની ટીમમાં સિલેક્ટ થયેલા અને ગુજરાતની ટીમમાં ગ્વાલિયર ખાતે રમવા ગયેલા. 1972-73 ની સાલનું એસ.એસ.સીનું રિઝલ્ટ 100% આવેલ. તે બેચના વિદ્યાર્થીઓમાંથી મનહર ભોજક (ડોક્ટર) સલીમખાન સિંધી (એન્જિનિયર) જેઠાભાઈ  ડી પટેલ (મામલતદાર) પ્રહલાદ કે રાવલ બેંક ઓફ બરોડા,(ઓફિસર) ડી.એસ સોલંકી (પી.આઇ) વડગામ હાઈસ્કૂલનો  સુરજ મધ્યાહને તપતો હતો.

રામજી મંદિરનો ભૂતકાળ ભવ્ય હતો મંદિરના નિભાવ માટે મંદિરની 500 વીઘા જમીન હતી. પાલનપુર નવાબ રામજી મંદિરના મહંત પૂજ્ય ઓઘવજી મહારાજની મુલાકાતે આવતા. પહેલી વાર નવાબ આવ્યા ત્યારે હાથી ઉપર બેસીને મંદિર ગયેલા ત્યાં આવ્યા બાદ હાથી ને ક્યાં રાખવો એવો સવાલ થયો ઓઘવજી મહારાજે કહ્યું મંદિરની પાછળ આવેલી હાથીશાળામાં હાથીને મોકલી દો. પાછળ તો કોઈ હાથીશાળા ન હતી પરંતુ હાથીને લઈને નવાબના માણસો ગયા તો ત્યાં બીજા 10-12 હાથી હાથશાળામાં હતા. ઓઘવજી મહારાજ ચમત્કારી હતા. હાથીશાળા તેમની રચેલી માયા હતી. ત્યારબાદ પાલનપુર નવાબ મંદિરની મુલાકાતે આવતા ત્યારે હાલ જ્યાં મસ્જિદ છે ત્યાંથી હાથી પરથી ઉતરી રામજી મંદિર જતા. આ વાતો વડીલો પાસેથી સાંભળેલી છે. એકવાર નવાબ સાહેબે ઓઘવજી મહારાજને ખૂબ જ કીમતીહાર તેમની ડોકમાંથી ઉતારી આપ્યો. ઓઘવજી મહારાજે તેમની ધૂણીમાં તે નાખી દીધો. .નવાબ સાહેબ બોલ્યા મહારાજ હાર બહુ કીમતી હતો, ત્યારે તમે તેને ધુણીમાં નાખ્યો. ત્યારબાદ ઓઘવજી મહારાજે ધુણીમાં ચીપિયો નાખીને નવાબ સાહેબને એ હાર જેવા ચાર -પાંચ હાર કાઢ્યા ને કહ્યું તમારો હોય એ હાર લઈ લો આમાં કેટલું સત્ય હશે તે તો રામ ભગવાન જાણે પરંતુ તે વખતે મંદિર મસ્જિદના ભેદભાવ નહોતા. સર્વે ધર્મનું સન્માન સાચવવામાં આવતું. જુના પોલીસ સ્ટેશનમાં ઓલિયા પીર  છે હિન્દુ હોય કે મુસલમાન તેમના કોઈ ખોટા સોગંદ ન ખાઈ શકે.

શાયરને સધીર નામે  બે ભાઈઓ હાલના રાજસ્થાનમાં માઉન્ટ આબુ પાસે આવેલા ડાગ-ડમાળા ગામેથી હિજરત કરી વડગામ આવેલા બંને આજણાં પાટીદાર ચૌધરી હતા ડાગ ડમાળા થી નીકળ્યા ત્યારે વહાણવટી સિકોતર મા ના સ્થાનકની પાંચ ઈંટો તેમના ગાડામાં લઈને નીકળેલા માતાજીએ તેમને સપનામાં કહેલું કે જ્યાં તમારા ગાડા નું પૈડું જમીનમાં ખૂંપી જાય ત્યાં વસવાટ કરજો અને મારા સ્થાનકની ઈંટો મારુ મંદિર બનાવજો . તેમાં ચણતરમાં લેજો અને મારી પુંઠે વસજો. તે વખતે કહેવાય છે કે વડગામ ઉત્તરે વસેલું હતું ને ગામખેડા ના બ્રહ્માણી માતાનું મંદિર ગામની દક્ષિણ હતું બંને ભાઈઓએ મુસાફરી કરીને થાકી ગયા હતા. મનોમન માતાજીનું સ્મરણ કરી કહ્યું અમારા બળદો થાકી ગયા છે અને અમે પણ થાકી ગયા છીએ અમે જલ્દી વસવાટ કરીએ તેવી અમારા ઉપર દયા કરજો. બીજા દિવસે જૂના વડગામથી ગાડા લઈને નીકળ્યા ને હાલ જ્યાં મંદિર છે એટલે આવ્યા ત્યાં રથનું પૈડું જમીનમાં ખૂંપયું ત્યાં વસવાટ કર્યો.

ડાક- ડમાળેથી આવ્યા એટલે ડેકલીયા કહેવાયા. તે પછી બહુચરાજી પાસે આવેલા કાલરી ગામેથી સોલંકી વંશના રાજપૂત આવ્યા અને કાળક્રમે  બ્રહ્માણી માતા ગામની ઉત્તરે થયા ને નવા વડગામનો વસવાટ થયો. આજેય વડગામમાં ગામની થાંભલીના ધણીતો ઉપલાણા કહેવાય છે. વડીલો પાસેથી સાંભળેલી જૂની વાતો મને યાદ હતી એટલી બાબતો શોર્ટ એન્ડ સ્વીટના ધોરણે લખી છે ક્ષતિ થઈ હોય તો પ્રથમ માફી ચાહું છું .

(ક્રમશ:…..!)