વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ, વ્યક્તિ-વિશેષ

મેમદપુરના વીર હુજો અને વજો – વિ.ડી.બ્રહ્મભટ્ટ.

આજથી લગભગ 300 વર્ષ પહેલાંની વાત છે.પાલણપૂર રાજના તાબાના વડગામ પાસેનું મેમદપુર ગામ.આખુ ગામ બ્રહ્મભટ્ટોનુ છે,બે ચાર ખોરડા વસવાયાના અને સોએક ખોરડા બ્રહ્મભટ્ટોના છે.બધા જ બળુકા અને ખમતીધર જાગીરદારો છે.આજુબાજુના મેવાસીઓના ગામો પર મેમદપુરના બ્રહ્મભટ્ટોની હાક વાગે છે.બધા મેવાસીઓ અને ભીલ કોમ મેમદપુરના બ્રહ્મભટ્ટોનો માન મતરબો જાળવે છે.
મેમદપુરમાં હુજો અને વજો નામે બે ભાઇઓ છે.આમ તો નામ સૂરજસિંહ અને વ્રજલાલ છે,પણ સૂરજસિંહનુ સૂજો અને મહેસાણી ભાષામાં હુજો થઈ ગયુ.બંને ભાઇઓની જબરી જોડી છે અને ધાણધાર પંથકમાં ‘ હુજા-વજા ‘ ના નામે ઓળખાય છે.
દલપતસિંહ બ્રહ્મભટ્ટ ભરયુવાનીમાં બંને ભાઈઓને નાના મુકી મોટા ગામતરે ચાલ્યા ગયા હતા,તે વખતે સૂરજસિંહની ઉંમર તેરેક વર્ષની અને વ્રજલાલની ઉંમર દસેક વર્ષની હતી.
જતનબા એક વીરાંગના સ્ત્રી હતા.પતિના અવસાન પછી શોક-સંતાપને દુર કરી,ઘર અને જમીન જાગીરનો વહિવટ સંભાળી લીધો અને બંને દિકરાઓને લાડકોડથી ઉછેરવા લાગ્યા.ઉભાગળે ઘી-દુધના ચળુ કરાવતા અને મર્દાનગીના પાઠ ભણાવવા લાગ્યા.
સત્તર-અઢાર વર્ષની ઉંમર થતાં તો બની ભાઇઓ પડછંદ પુરુષો બની ગયા અને તલવારબાજી,ભાલાબાજી,બરસીફેક લાઠીદાવ,મલ્લકુસ્તી અને તીરબાજીમાં પારંગત બની ગયા.
તે વખતનો જમાનો ‘ બળિયાના બે ભાગ ‘ અને ‘ મારે એની તલવાર ‘ નો હતો.ચારેબાજુ અનીતિ,અત્યાચાર,ચોરી ચપાટી,લુંટફાટ અને ખૂનામરકીએ માઝા મુકી હતી.ન્યાય નીતિ જેવુ કઈ હતુ નહી.કોઈ,કોઇનું રણી ધણી ન હતુ.સીમચોરી, ઢોરચોરી તો સામાન્ય બાબત હતી.એટલી હદે આરાજકતા ફેલાયેલી હતી કે એકલ-દોકલ માણસ તો ધોળા દિવસે લુંટાઇ જતુ.
મેમદપુરની આજુબાજુના ગામના મેવાસીઓ ( ઠાકરડાઓ ) અને ભીલ લોકોનો મુખ્ય વ્યવસાય જ ચોરી અને લુંટફાટનો હતો,જોકે મેમદપુરના બ્રહ્મભટ્ટોની અને એમાંય હુજા-વજાની હાકને કારણે મેમદપુરની સીમમાં ચોરી કરતા નહી અને કદાચ જો ભુલથી ય ચોરી થઈ ગઈ હોય તો બીજા દિવસે ચોરેલ વસ્તુ પાછી મુકી જતા.આવો વટ હતો.
દિવાળીનો દિવસ છે.હુજા-વજાની ડેલીએ બ્રહ્મભટ્ટ ડાયરો ભેળો થયો છે.ગલઢેરા,આધેડ,જવાનીયા મળીને આશરે ચાલીસેક બ્રહ્મભટ્ટો બેઠા છે.કહુંબા ઘોળાઇ રહ્યા છે,હજામ વાયરો ઢોળી રહ્યો છે,હુક્કો એક પાસેથી બીજા પાસે ફરિ રહ્યો છે,અલક મલકની વાતું ચાલી રહી છે.જવાનીયા ટીખળ કરિ રહ્યા છે.
આજ ડાયરો એટલા માટે ભેળો થયો છે કે,દર વર્ષે ઝાયણીના ( બેસતુ વર્ષ) દિવસે ગામમાં ઘોડા દોડની હરિફાઇ થાય છે તેમાં જે ઘોડુ પ્રથમ આવે તેનુ અને ઘોડા માલિકનું સન્માન કરવામાં આવે છે,ગઈ સાલ મોહનસિંહ ની ઘોડી પ્રથમ આવી હતી પરંતુ બાપુસિંહનો ઘોડો આગળ હતો પણ છેક નજીક આવતાં તે ઘોડાના પગમાં પથ્થર ઘુસી જતાં તે લંગડો થઈ ઢળી પડેલો અને મોહનસિંહની ઘોડી પ્રથમ આવેલી.આ વખતે આવી કોઈ બિના ના બને તેની ચર્ચા માટે ડાયરો જામ્યો હતો.ચર્ચા ચાલી રહી છે ત્યાં
” બાપુ! ગજબ થઈ જ્યો.” કરતો અરજણ ડાયરામાં દાખલ થયો.અરજણ પગી હુજા-વજાનો હેડુ ( ખેડુત) હતો.
” શું થયુ અરજણ ? કેમ આટલો હાંફળો ફાંફળો થઈ ગયો છે.” હુજાએ પુછ્યુ.
” બાપુ! આપણા બળદ ચોરાંણા.” અરજણે હાંફતાં હાંફતાં કહ્યુ.
” હે! કોણે ચોર્યા ? ” હુજાએ નવાઇ પામતાં પુછ્યુ.
” એતો ખબર નથી બાપુ ! પણ પગેરુ મેપડા ગામે જાય છે,એટલે કદાચ હરચનનુ કામ હોય એમ લાગે છે.” અરજણ પગેરાનો ફોડ પાડતાં બોલ્યો.
” ઓહ ! મારુ હાળુ હરચનિયુ આપણામાં ચાળો કરી જ્યુ.એના દાડા ભરાઇ જ્યા લાગે છે.” વજાએ ગુસ્સાથી કહ્યુ.
” જગા,મારી ઘોડી તૈયાર કર,મારે અટાણે જ મેપડા જવુ છે.” તલવાર સાબદી કરતાં હુજાએ કહ્યુ.
” મોટાભાઇ હુ પણ આવુ છુ,મારે પણ તલવાર ખેલવાના ઓરતા છે.”
” ભાઈ ! હુજા-વજા.” કેશરીસિંહ બ્રહ્મભટ્ટ બોલ્યા.
” બોલોને બાપા ! ” બંને ભાઇઓ બોલી ઉઠ્યા.
કેશરીસિંહ ગામના વડિલ હતા,બુધ્ધિશાળી અને મુત્સદી પુરુષ હતા.સિત્તેર દિવાળીયો જોઇ બેઠેલા,સારા નરસાનો ભેદ પારખી જાણનારા હતા તે વિચાર કરીને બોલ્યા.
” અથરા ના થાવ તો સારુ.”
” કેમ બાપા? ” હુજો બોલ્યો.
” હરચન હોય કે બીજો કોઈ આપણી સેમમાં ચોરી કરવાની હિમત કરે નહી,પણ કદાચ ભુલથી થઈ ગયુ હશે.કાલનો દી રાહ જુવો,કદાચ તમારા બળદ પાછા આવી જાય.” કેશરીસિંહે સમજાવતાં કહ્યુ.
” બાપા ! ડોશી મરે તેનો વાંધો નથી પણ જમ ઘર ભાળી જાય તે ખોટુને? ” હુજો બોલ્યો.
” તમે બંને ભાઇઓ ભડ છો,શૂરવીર છો પણ હરચન પણ કાંટીયુ વરણ છે,તેની પાસે સાત વીહુ સાગરીતો છે,આજુબાજુનાં રજવાડામાં એનાથી શેહ ખાય છે,એવા હારે ખોટી દુશ્મની વોરવાનો કોઈ અરથ નથી.” કેશરીસિંહે સમજાવવાની વાત કરતાં કહ્યુ.
” આપણે પણ ક્યાં બંગડીઓ પહેરી છે,બાપા ! આજ કાં હરચન નહી કાં આપણે નહી.” એક જવાનિયો ક્રોધમાં આવી બોલી ઉઠ્યો.
” હુજાભાઇ અમે ય તમારી સાથે છીયે. ચાલો મેપડા માથે પડીએ.” પંદરેક બ્રહ્મભટ્ટો બોલી ઉઠ્યા.
હુજો અને વજો સજ્જ થઈ ગોંદરે આવ્યા,ત્રીસ જેટલા બ્રહ્મભટ્ટ અસવારો પણ સજ્જ થઈ આવી પહોચ્યા.32 અસવારોએ મેપડા તરફ ઘોડા દોડાવી મુક્યા.

મેપડા ગામનો હરચન ભડ અને બહાદુર મેવાસી હતો.આસપાસના મેવાસી અને ભીલ લોકોની સાત વીહુ એટલે કે 140 માણસોની ટોળી હતી.બધાય બળુકા અને માથાભારે લુટારા હતા.હરચન અને એની ટોળી ધાણધાર,દાંતા વિસ્તાર,દેસોતર( ખેરાળૂ ટપ્પો) વિસ્તાર,અને છેક ઇડરવાડા સુધી ચોરી લુંટફાટ કરતા.રજવાડા પણ એની હારે બાથ ભરવામાં સાત વાર વિચાર કરતા.તેની વીરતા અને બહાદુરીના ચારણોએ રાસડા રચ્યા છે.
” વંકો મેવાસી વસે હરચન નામે આદ
નાદ ઉતારણ નરપતી વહે નહી કોઈ વાદ
વાદ નિશાને વદીયા તડમલ ઊંચી તાણ
ખાગ છાંડી ઉઠ્યો ખરો ઝડવા કાજ જુવાણ
સાત વિહુડા સજ થયા કોપે હરચન કાળ
સમરાંગણ ખેલતો દીઠો જાણે કોઈ ભુપાળ.”
આવો ભડ માણસ કે,જેનો ડંકો આખા મલકમાં વાગતો હતો તે પણ મેમદપુર ગામ ઉપર નજર નાખતો નહી.
ગઈ કાલે હરચનના ઘેર ઇડરવાડાના પરોણા આવ્યા હતા.કાળીચૌદસનો દિવસ હતો,ચોરો માટે આ દિવસ ખુબ જ ઉત્તમ ગણાય છે,એ દિવસે આ લોકો શુકન કરતા હોય છે.હરચનને ખબર નહિને આ પરોણા હુજા-વજાના બળદ ચોરી લાવેલા.
ત્રીસેક બ્રહ્મભટ્ટ ઘોડેસવાર માર માર કરતા મેપડા તરફ ધસી રહ્યા છે.
” આપણામાં કોણ ભડનો દિકરો છે,જે આગળ થઈ પહેલો ઘા કરે.” હુજો અસવારોને પાનો ચડાવતાં બોલ્યો.
હુજાના વેણ સાંભળી વજાએ ઘોડાને એડી મારી આગળ કર્યો,એટલે બીજા અસવારો પણ ગેલમાં આવી,પોતાનુ ઘોડુ સૌથી આગળ કરવા મથવા લાગ્યા.
ઘોડેસવારો મેપડા ગામને ધમરોળતા હરચનને આંગણે આવી ઉભા રહ્યા.
” હરચન ! ઓ,હરચન ! બહાર નીકળ.” હુજાએ બૂમ પાડી.
પોતાના નામની બૂમ સાંભળી હરચન ઘરની બહાર આવ્યો મેમદપુરના હુજા બ્રહ્મભટ્ટને જોઇ બોલ્યો.
” આવો ! આવો ! બાપુ ! આ બધુ શું છે? ”
” હરચન,મારો ચોર લેવા આવ્યા છીયે.” હુજાએ ગુસ્સે થતાં કહ્યુ.
” બાપુ ! ચોર મારો હગો છે ને ભુલ કરી બેઠો છે,એને માફ કરો.તમારી વસ્તુ તમને સોંપી દઉ છું.” હરચન સમજાવટથી બોલ્યો.
” પહેલાં મારે ચોર જોઇએ પછી માલ ” હુજાએ કડકાઇથી કહ્યુ.
” ચોર તો નહી મળે બાપુ! ” હરચને કહ્યુ.
” કેમ નહી મળે? ” કહી હુજાએ મ્યાનમાંથી તલવાર ખેચી.
આ બખેડો સાંભળી ગામના મેવાસી ને ભીલ મળી પંદરેક હરચનના સાગરીતો આવી પહોચ્યા.સાગરીતોને જોઇ હરચનમાં હિંમત આવી.
” અલ્યા ! હુજલા,ક્યારનોય બાપુ,બાપુ કરુ છુ એટલે માથા ઉપર ચડયો આવે છે,થા સાબદો.” હરચન પણ ક્રોધથી બરાડી ઉઠ્યો અને તલવાર લેવા ઘરમાં ગયો.
મેવાસીઓ અને બ્રહ્મભટ્ટો વચ્ચે બગડાટી બોલી.હબહબાટ તલવારો ઉડવા લાગી.ત્રણેક મેવાસીઓ અને એક ભીલની લોથો ઢળી,બે બ્રહ્મભટ્ટ જવાનીયા પડ્યા.
હરચન ઘરમાંથી તલવાર લઈને છુટ્યો તેવી જ વજાની નજર તેના ઉપર પડી.વજો તૈયાર જ હતો,પોતાની પાસેની બરછી છુટ્ટી ફેકી.સનનન..કરતી બરછી હરચનની છાતી વિંધી આરપાર નીકળી ગઈ.હરચન ધફ દઈને હેઠો પડ્યો.વજો દોડીને તેની પાસે ગયો,છાતીમાંથી બરછી ખેચી લીધી,લોહીનો ફુવારો છુટ્યો.વજાએ ફરીથી બરછીનો એક ઘા નાભિ ઉપર રીહ કરીને માર્યો.હરચનના પ્રાણ પંખેરૂ ઉડી ગયા.
હરચન મરાયો જાણી બાકીના સાગરીતો નાઠા.
” સળગાવી મારો ઘર. ” એક જવાનિયો બોલ્યો.
” ના! ભાઈ ના ! એવુ ના કરતા.આપણે એના નિર્દોષ ઘરવાળાઓને હેરાન નથી કરવા.” હુજાએ કહ્યુ.
આ બનાવ પછી હુજા-વજાની નામના ચારે બાજુ ફરી વળી.
આ પ્રસંગનો એક રાસડો છે.
” સોયવાર એક સમે ડાયરો ભરી બ્રહ્મભટ્ટ બેઠા સહુ
આવ્યો ડાયરા માંહી હેડુ બૂમ દેતો અરજણ બહુ
કેણે માર્યો કુણ કોપીઓ નહી માર્યો નહી કો લુંટીયો
વાડી માંહેથી હરિયા ખુંટ હુજો વેણ સુણ રોષિયો
સરવ ભાઈ સજ કરે ચઢે એણ તો સુચ લે
પાર નહી બહુ પરખ રેણ સાથે જ્યમ રેલે
વિંધી વાડી કર વેગશુ હુજો બોલ્યા અખાડે
જે આગળ થઈ જાય ભડ તે ચઢી વિભાડે
વેણ સુણી તે રાહ વજો આગળ થઈ રેલે
હદયે સહુ રળિયાત પણ ખેંગ વજલો ખેલે.”
આ સત્ય બનાવની હકિકત અંગે એક કવિએ દૂહો રચ્યો છે.
” સંવત સતર છિયાનવે વળી આસો જ માસ
ગુરુવાર વદ અમાસ વજે હણીયો મેવાસ.”

× × × ×

પાલણપુરનો દિવાન પહરખાન દરબાર ભરીને બેઠો છે.મેતા, મસીદ,કારભારી,સેનાપતિ હાજર છે.
” આ દાંતા દરબારનુ શું કરવુ એજ મને સુઝતું નથી,આજ ઘોડીયાર ગામે ફરી વખો કર્યો છે.” પહરખાને દરબારીઓ વચ્ચે વેણ કાઢ્યા.
” હજુર! કહેતા હો તો લશ્કર લઈ દાંતા માથે ચડુ ને ભાંગીને ભુક્કો કરી નાખુ.” સેનાપતિ બોલ્યા.
” કરીમખાં એવુ તો મનેય સુજે છે,પણ તેમ કરવા જતાં આપણા કેટલાક સૈનિકો માર્યા જાય અને સામે વાળાના ય સૈનિકો માર્યા જાય.એક નાનકડા ગામ માટે આટલી ખૂનામરકી શું કરવા કરવી.બીજો કોઈ રસ્તો હોય તો બતાવો.” પહરખાને કહ્યુ.
” મને એક રસ્તો સુજે છે બાપુ.” કારભારીએ કહ્યુ.
” કોઈ સારો રસ્તો હોય તો બતાવો કારભારીજી,મને તો કોઈ રસ્તો સુજતો નથી.” પહરખાને નિરાસ થતા કહ્યુ.
” બાપુ! આપણા તાબાનુ મેમદપુર ગામ છે,ત્યાં હુજો ને વજો નામના બે બ્રહ્મભટ્ટ ભાઇઓ છે,જે ભડ,ટેકીલા અને શૂરવીર છે.થોડા સમય પહેલાં મેપડાના ખુંખાર લુટારા હરચન મેવાસીને આ ભાઈઓએ જ ઠાર માર્યો હતો.મારુ તો માનવુ છે આ મામલો એમને સોંપી દઈયે,આ ગામ તેમને બક્ષિસ કરી દઈએ.” કારભારીએ મુત્સદી વાપરતા કહ્યુ.
કારભારીની વાત સાંભળી પહરખાનના મોં પર ખુશીની લહેર દોડી આવી .એકદમ ઉત્સાહમાં આવી ગયા અને હુકમ કર્યો, ” બંને ભાઇઓને દરબારમાં તેડી લાવવા કાસદ મોકલો.”
કાસદ મેમદપુર જવા રવાના થયો.

પહરખાન દિવાનખાનામાં ઢોલિયા માથે બેઠા,બેઠા હુક્કો ગડગડાવી રહ્યા છે.પસાયતાએ તેમનુ ધ્યાન દોર્યુ.
” હજુર! કારભારી સાયેબ આયા છે.”
” અંદર મોકલ.” હુક્કાની ઘૂંટ ભરતાં પહરખાને કહ્યુ.
કારભારી દિવાનખાનામાં દાખલ થયા.તેમને જોઇ પહરખાને કહ્યુ, ” આવો,આવો ! કારભારીજી ! શું વાત છે? ”
” હજુર ! હુજો ને વજો બે બ્રહ્મભટ્ટ ભાઇઓ આવ્યા છે.” કારભારીએ ઉત્સાહમાં આવી કહ્યુ.
” અંદર બોલાવો એમને.” પહરખાન આનંદમાં આવી બોલી ઉઠ્યા.
કારભારી હુજા-વજાને લઈને દિવાનખાનામાં દાખલ થયા.
બે બ્રહ્મભટ્ટ ભાઈઓને જોઇ પહરખાન રાજી રાજી થઈ ગયા.ઢોલિયા માથેથી ઉભા થઈ, ” આવો,આવો,મારા વીરો! ” કહેતાં ભેટી પડ્યા.માનસહિત આસને બેસાડ્યા.મેમદપુરના હાલ ચાલ પુછ્યા.
થોડીક વાર પછી હુજાએ પુછ્યુ, ” બાપુ! અમને કેમ યાદ કર્યા ? અમારા જોગ કૈં કામ હોય તો ચિંધો.”
” તમે બંને ભાઇઓ તો મારા રાજનું હીર છો બાપ ! કાંઇ કામ પડશે ત્યારે પહેલા તમને જ યાદ કરીશ.તમારી શૂરવીરતા,ટેક,હિંમત અને વફાદારી જોઇ આજ મને પોરહના પલ્લા છુટે છે,અટલે ઘોડીયાર ગામ તમને બક્ષિસ કરુ છુ.” પહરખાને બળતું ઘર કૃષ્ણાર્પન કરતાં કહ્યુ.
” ના,ના,બાપુ! અમારે ગામ અને ગરાસ શું કરવા છે? આપની અમારા ઉપર કૃપા છે એ જ ઘણુ છે.” હુજાએ વિવેક દાખવતાં કહ્યુ.
” તમારા જેવા વીરોનુ સન્માન કરવુ એ રાજની ફરજ છે,આજ અતિ મોજમાં આવી ગામ બક્ષિસ કરુ છુ.મારો હાથ પાછો ના ઠેલશો.” પહરખાને ઉમળકાથી કહ્યુ.
થોડી આનાકાની પછી બંને ભાઇઓ ગામ લેવા તૈયાર થયા.તાંબા પત્ર ઉપર લેખ લખી કારભારીએ સહી કરી.લેખ હુજાના હાથમાં આપ્યો.
બંને ભાઇને જતાં જતાં કારભારીએ કહ્યુ, ” હવે ઘોડીયાર ગામનું રખોપુ તમારુ છે.ધ્યાન રાખજો.”
” ભલે, ” કહી બંને ભાઇઓ મેમદપુર આવવા રવાના થયા.
રહિયો ગાંધી નામે વાણિયો દાંતાના રાણાનો કારભારી હતો.આ વાત જાણી તેના પેટમાં તેલ રેડાયું.હુજા અને વજાને દાંતા દરબારમાં બોલાવ્યા.
રહિયો ગાંધી ખુબ ખંધો અને શઠ માણસ હતો.કાવતરાં રચી પોતાની મહત્તા જાળવવામાં પાવરધો હતો.
ખાટ માથે ઝુલતો રહિયો બેઠો છે,ત્યાં ચોકિદારે આવી કહ્યુ:, ” શેઠ,મેમદપુરથી બે માણસો મળવા આવ્યા.”
” માનસહિત અંદર તેડી લાવ.” રહિયાએ ચોકિદારને હુકમ કર્યો.
બંને ભાઈઓ અંદર દાખલ થયા એટલે રહિયા ગાંધીએ મીઠો આવકારો આપ્યો.
” તમે પાલણપુરના દિવાનનુ કામ કર્યુ તેમ અમારુ ય કામ કરો એટલા માટે તમને બોલાવ્યા છે.” રહિયાએ મમરો મુક્યો.
” અમે તો દિવાનનુ કંઇ કામ કર્યુ નથી શેઠ,” હુજાને કંઇ સમજણ ન પડતાં બોલ્યો.
” તમે ઘોડીયાર ગામનું રખોપુ લીધુ છે તેમ અમારા ય ધનાવી અને શિસરાણુ ગામનું રખોપુ રાખો.” રહિયાએ પાસો ફેકતાં કહ્યુ.
“શેઠ ! એક મ્યાનમાં બે તલવાર ના રહે,અમે દિવાનને વચન આપી દીધુ છે,એટલે ફરી ના જવાય.” હુજાએ પોતાની ટેક જાહેર કરતાં કહ્યુ.
” પણ ઘોડીયાર ગામ તો દાંતાના તાબાનુ છે અને પાલણપુરના દિવાન હારે વાદ ચાલે છે.” રહિયાએ દમ મારવાના આશયથી કહ્યુ.
” શેઠ !હવે આ ગામ તો નથી દાંતાનુ કે નથી પાલણપુરનુ,આ ગામ તો અમારુ છે.” હુજાએ સામી ધમકીના સૂરમાં કહ્યુ.
આ વાત સાંભળી રહિયો કાળઝાળ થઈ ગયો.ગુસ્સામાં આવી બોલ્યો:, ” સારુ તઈ સાચવજો ગામ”
” શેઠ ! જેવી જોગમાયાની મરજી.” કહી બંને ભાઇઓ નીકળી ગયા.
દાંતાની બજારમાં આવી બંને ભાઈઓ વાતે વળગ્યા.
” આ રઈયુ કંઈક ખેલ તો કરશે મોટાભાઈ.” રહિયાના હાવભાવ કાળી જઈ વજાએ હુજાને કહ્યુ.
” હા વજા,મને પણ એમજ લાગે છે.” વજાની વાતને હુજાએ ટેકો આપ્યો.
” તો હવે શું કરશું મોટાભાઇ? ” વજાએ પુછ્યુ.
” હવે પાલણપુર જઈ દિવાન પાસેથી દસેક ઘોડેસવાર લેતા આવીએ અને સૈનિકો સાથે ઘોડીયાર ગામમાં મેલાણ કરીએ પછી બધાયને ભરી પીશું.” હુજાએ વિગતવાર સમજાવ્યું.
બંને ભાઇઓએ પાલણપુર તરફ ઘોડાં દોડાવી મુક્યા.

રહિયા ગાંધીએ તક જોઇ પચ્ચીસ ઘોડેસવાર લઈ ઘોડીયાર ગામ ઉપર હુમલો કરી ગામને લુંટી લીધુ.અને પોતાનુ થાણુ મુકી દાંતા ભેગો થઈ ગયો.
હુજો ને વજો પાલણપુર પહોચે તે પહેલાં ઘોડીયાર ગામ ભાગ્યાના સમાચાર પહરખાનને પહોચી ગયા.જેવા હુજો અને વજો પહરખાન પાસે પહોચ્યા કે પહરખાને કહ્યુ ; ” તમારા જેવા ભડ માણસો હોવા છતાં દાંતાવાળા ગામ ભાંગે તે તો ઘણુ વસમું કહેવાય.” પહરખાનના ચહેરા ઉપર ગુસ્સો તરવરતો હતો.
“આ રૈયુ દગો કરશે એવી અમને ધાસ્તી હતી જ,એટલે જ આપની પાસે આવ્યા હતા,પણ આને તો બહુ ઉતાવળ કરી.” હુજાએ આખી હકિકત કહી સંભાળાવી.
“તમારે જે કરવુ પડે તે કરો પણ લુટેલો માલ પાછો લાવો તો જ સાચુ.”પહરખાને કહ્યુ.
“આમ તો અમે લશ્કર લેવા આવ્યા હતા પણ હવે તો એ કારભારીના દિકરાને અમે એકલા બતાવી દઈશુ.”કહી બંને ભાઈઓ નીકળી ગયા.
બંને ભાઇઓ મેમદપુર આવ્યા.એક મિત્રને વાત કરી.સજ્જ થઇ ઘોડીયાર ગામ માથે ત્રાટક્યા.રહિયા ગાંધીએ મુકેલા સૈનિકોને મારી ભગાડી મુક્યા.સૈનિકોના સરદારને બંધક બનાવી લીઘો.રહિયા ગાંધીને સમાચાર મોકલ્યા ” તમારા માણસને છોડાવી જજો.”
મેમદપુરમાં જતનબાને આ વાતની ખબર પડી એટલે કાળઝાળ થઈ ગયા.ગામના સોએક બ્રહ્મભટ્ટ સ્ત્રી પુરુષોને લઈને દાંતા માથે ચડ્યા.
સો માણસોનો કાફલો માર માર કરતો દાંતા તરફ આગળ વધે જાય છે.જતનબા ‘ જય જોગમાયા,જય જોગમાયા.” નુ રટણ કરતા જાય છે.પુંજપુર ગામની સીમ આવતા જતનબાને સત ચડે છે.કાફલાને કહ્યુ; મારે ઝમોર કરવુ છે.”
જતનબાની વાત સાંભળી બ્રહ્મભટ્ટ સ્ત્રી પુરુષો હેબતાઇ ગયા.ઝમોર નહી કરવા સમજાવવા લાગ્યા,પરંતુ જતનબા માન્યા નહી.
જતનબાએ પોતાના શરીરે જાતે આગ ચાંપી દીધી.ભડ ભડ સળગવા માંડ્યા.સળગતા શરીરે દાંતા તરફ દોટ મુકી,એકાદ ગાઉ જેટલે જઈ ઢળી પડ્યા.જતનબા પડ્યા એટલે કેશરીસિંહે પોતાની જાતને આગ ચાંપી,તે પણ ભડ ભડ સળગવા લાગ્યા.
જતનબા ઝમોર બળયા તે વાતની ખબર દાંતાના રાણા પૃથવીરાજને મળતાં મારતે ઘોડે પુંજપુર આવી પહોચ્યા.તે જ વખતે કેશરીસિંહ ઢળી પડ્યા.રાણાને ત્રાસ,ત્રાસ થઈ ગયો.
” ખમૈયા કરો દેવીપુત્રો ! ખમૈયા કરો,મારી કોઈ ભુલ હોય તો મને માફ કરી ઝમોર બળવાનું બંધ કરો.” કહી રાણાએ માફી માગી.
પાલણપુરમાં પહરખાનને પણ ખબર પડી એટલે તે પણ પુંજપુર આવી પહોચ્યા.હુજા વજાને બોલાવી સમાધાન કરાવ્યુ.
પૃથવીરાજે કહ્યુ; ” તમારે ગામ ગરાસ જે જોઇએ તે માગી લો,આજ તમે જે માગો તે આપવા તૈયાર છું.”
“અમારે તમારુ કંઇ ના જોઇએ બાપુ! અમારે તો આજથી દાંતાનુ પાણી પણ અગરાજ છે.” બધા બ્રહ્મભટ્ટો બોલી ઉઠ્યા.
રાણાએ ઘણુ કહ્યુ પણ બ્રહ્મભટ્ટો માન્યા નહી.રાણાની કોઈ પણ વસ્તુ સ્વીકાર્યા સિવાય મેમદપુર પાછા આવ્યા.
બંને ભાઇઓને ક્યાંય ચેન પડતુ નથી.શું કર્સ્વુ શું ના કરવુ એ સુઝતું નથી.એક તો આબરુ ગઈ અને પોતાને કારણે જતનબાનો જીવ ગયો તે વાત મનમાં કોરી ખાય છે.જીવવાનો હવે કોઈ અર્થ નથી એવુ લાગ્યા કરે છે.હુજાએ પોતાના હેડુને બે દિવસ માટે રજા આપી દીધી.
બીજા દિવસે હુજો પોતાની વાડીએ ગયો ચિતા તૈયાર કરી આગ ચાંપી પોતે ચિતામાં ચડી બેઠો.ભડ ભડ સળગવા લાગ્યો.
સવારથી હુજાભાઇ દેખાતા ન હોવાથી વજો વાડીએ તપાસ કરવા ગયો.મોટાભાઇને સળગતા જોઇ તે પણ ચિતામાં કુદી પડ્યો.જોતજોતામાં બંને ભાઇઓ સળગી ગયા.
વિજાપુરના કવિ જેષ્ઠલાલ બ્રહ્મભટ્ટે પ્રશંશા કરતાં લખ્યુ છે..
” અરિન કે દંડન ત્યું મંડન મહી તલકે
ખંડત અધર્મ તમ ભટ કુલ ભાન હો
જેષ્ઠ કવિ ધન્ય ધન્ય સૂત દલપત આજ
લાયક સકલ વાત સુક્રત નિધાન હો.”
જતનબા વિષે લખ્યુ છે…
” અર્ધાંગના દલપત તણી બ્રહ્મભટ્ટ કુળની માજ
સતિ થઈ જતનબા સતિ,રાખી તે પણ લાજ.”
આ સત્ય ઘટના સંવત 1797 માં એટલે કે ઇ.સ.1741માં બનવા પામેલ હતી.તેના બે વર્ષ પછી સંવત 1799 માં એટલે કે ઇ.સ.1743 માં પૃથવીરાજનુ અવસાન થયેલુ.પૃથવીરાજને સાત દિકરા હતા પરંતુ બે વર્ષના ગાળામાં આ સાતેય દિકરા રાણાની જ હયાતીમાં ટપોટપ મરણ પામ્યા,જેથી તેનો વંશ રહ્યો નહી.ભાઈના દિકરા કરણસિંહ ને ગાડીએ બેસાડવો પડ્યો.
ફાર્બસ સાહેબે “રસમાળા ” માં આ પ્રસંગનો ઉલ્લેખ કરેલ છે.તેઓ તો એટલે સુધી લખે છે કે; ” બ્રહ્મભટ્ટોના શ્રાપના કારણે પૃથવીરાજનુ નિરવંશ ગયુ.”
ધન્ય છે આવા વીર પુરુષોને અને ધન્ય છે જતનબા જેવી જનેતાને…
જય માઁ સરસ્વતી
જય માઁ સિઁકોતર