વડગામ તાલુકાની આજકાલ, વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ

જળ સંચયનું પ્રેરણાદાયી કાર્ય કરતા ટીંબાચુડીના ગ્રામજનો

વડગામ તાલુકામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવા જળ સંચયનું પ્રેરણાદાયી કાર્ય કરતા ટીંબાચુડીના ગ્રામજનો*

આલેખનઃ- રેસુંગ ચૌહાણ (સિનિયર સબ એડીટર, પાલનપુર)

*********
*બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રીની સ્પેશ્યલ પાંચ લાખની ગ્રાન્ટ અને ગ્રામજનોએ અઢી લાખ ફાળો કરી રૂ.૭.૫૦ લાખના ખર્ચથી જળ સંચયનું સ્ટ્રક્ચર બનાવ્યું*
*********

*અવાવરૂ કુવાઓ રિચાર્જ કરવા તથા વરસાદી પાણીનાં એક- એક ટીંપાનો સંગ્રહ કરી બનાસકાંઠા જિલ્લાને પાણીદાર બનાવવાનું ગ્રામજનોએ અભિયાન આદર્યુ*
*********

*પાણીના તળ ઉપર લાવવા ગ્રામજનોએ સામૂહિક પ્રયાસો કરીને ૩૦ જેટલાં કુવાઓ રિચાર્જ કર્યાઃ ગામનું પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે જળ સંચયનું સ્ટ્રક્ચર બનાવ્યું*
— *ટીંબાચુડીના અગ્રણીશ્રી કેશરભાઇ ચૌધરી*

Timb-1

(માહિતી બ્યુરો પાલનપુર)
ખેતી અને પશુપાલન પર આધારીત બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ દિવસે દિવસે ઉંડા જઇ રહ્યા છે. ભૂગર્ભ જળ ભંડારોને સમૃધ્ધ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુજલામ- સુફલામ જળ સંચય અભિયાન ચલાવીને તળાવો ઉંડા કરવા, નદીઓના વહેણ સાફ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વડગામ તાલુકાના ટીંબાચુડીના ગ્રામજનોએ વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવા માટે એક પ્રેરણાદાયી અભિયાન આદર્યુ છે.
ચોમાસામાં વરસાદનું વહી જતું પાણી જમીનમાં ઉતરે અને ભુગર્ભ જળ ભંડારો ભરાય તે માટે ટીંબાચુડીના ગ્રામજનોએ અવાવરૂ કુવાઓ રિચાર્જ કરવાનું શરૂ કર્યુ છે. પાણીના તળ ઉપર લાવવા ટીંબાચુડીના ગ્રામજનોએ સામૂહિક પ્રયાસો કરીને અત્યાર સુધીમાં ૩૦ જેટલાં કુવાઓ રિચાર્જ કર્યા છે. ચોમાસું હવે નજીકમાં છે ત્યારે ગામનું પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે ગામલોકોએ ગામમાં જળ સંચયનું સ્ટ્રક્ચર બનાવ્યું છે.
ટીંબાચુડી ગામના અગ્રણીશ્રી કેશરભાઇ શામળભાઇ ચૌધરીએ જણાવ્યું કે, અમારા ગામમાં કુલ એક હજાર વીઘા ખેતીની જમીન છે અને ૨૭૦ વીઘા ગોચરની જમીન છે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોવા છતાં પાણીના અભાવે ખાવા માટે ઘઉં વેચાતા લાવવા પડે છે. સિંચાઇ, ખેતી અને પશુપાલન માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારી જળ ભંડારો સમૃધ્ધ બનાવવા જરૂરી છે. ખેતરનું પાણી ખેતરમાં રહે, સીમનું પાણી સીમમાં રહે અને ગામનું પાણી ગામમાં રહે તે માટે સરકારશ્રીના જળ સંચય અભિયાનના સથવારે અમારા ગામે જળ સંચયનું સામૂહિક કામ શરૂ કર્યુ છે. તેમણે કહ્યું કે, ગામના યુવા મિત્રો અને વડીલોની ટીમ જળ સંચય અને ભૂગર્ભ જળ ઉંચા લાવવા લોક જાગૃતિનું કાર્ય કરી રહ્યાં છે તેમની સાથે હવે બીજા ખેડુતો અને ગ્રામજનો પણ જોડાઇ રહ્યાં છે.

તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની સ્પેશ્યલ પાંચ લાખની ગ્રાન્ટ અને ગ્રામજનોએ અઢી લાખ ફાળો કરી રૂ. ૭.૫૦ લાખના ખર્ચથી ગામમાં જળ સંચયનું સ્ટ્રક્ચર બનાવ્યું છે. જેનાથી ૧ થી ૨૦ ઇંચ સુધીના વરસાદમાં ૧.૫ કરોડ લીટર પાણી ભૂગર્ભમાં ઉતરશે. તેમણે ઉમેર્યુ કે, વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળ સંચય કરવા જૂના પડતર અને અવાવરૂ કુવાઓ તેમજ બંધ પડેલા ટ્યુબવેલમાં પધ્ધતિસરની સીસ્ટમ ગોઠવી વરસાદનું પાણી વાળી કુવાઓ અને ટ્યુબવેલ રીચાર્જ કરવાનું કાર્ય શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, યુવાનોની ટીમ વિવિધ ગામડાઓમાં ખેડૂત સભાઓ યોજી કુવા અને ટ્યુબવેલમાં કઈ રીતે રિચાર્જ કરવા અને તેનાથી શું ફાયદા થાય છે તેની પધ્ધતિ સમજાવી ખેડુતોને માર્ગદર્શન પુરૂ પાડે છે.

Timb-2

ટીંબાચુડી ગામના બીજા અગ્રણી શ્રી નટુભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, અમારું ગામ પાણીની અછતવાળું છે એટલે લાંબાગાળાનું આયોજન કરીને આગળ વધીએ છીએ. તેમણે કહ્યું કે, ૧૯૮૦ થી પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ બતાવેલા માર્ગે ચાલીને અમારા પ્રકૃતિપ્રેમી ગામે અનેક સેવાકીય કાર્યોમાં પહેલ કરી છે. ગોચરમાં સીડબોલ બનાવીને વૃક્ષારોપણ હોય કે જળ સંચયનું કામ હોય તમામ રચાનાત્મક કામોમાં ગામ અગ્રેસર છે. તેમણે કહ્યુ કે, ભૂગર્ભ જળ ભંડારો સમૃધ્ધ બનાવી બનાસકાંઠા જિલ્લાને પાણીદાર જિલ્લો બનાવવા સરકારશ્રી દ્વારા સુજલામ- સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવે છે તેવી જ રીતે અમારા ગામે પણ નક્કી કર્યુ છે કે અમારી પણ આ રાષ્ટ્ર ના એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ છે કે આવતીકાલની પેઢીને સમૃધ્ધ જળ ભંડારો આપીએ.

તેમણે કહ્યું કે, કુવા રીચાર્જ અંગે હવે ખેડુતોમાં જાગૃતિ આવી રહી છે. આ કામમાં ખેડુતો જોડાતા હવે ધીરે ધીરે સફળતા પણ મળી રહી છે. એક કુવો કે બોરવેલ રીચાર્જ પાછળ રૂપિયા ૨૦ થી ૨૫ હજાર ખર્ચ થાય છે, જેમાં વરસાદી પાણીને સીધુ કુવામાં જવા દેવાતુ નથી પરંતું તેને શુધ્ધિકરણ માટે કુંડી અને કુંડીની અંદર કપચી, કાંકરી, મોટા કાંકરા, એસ.એસ.જાળી બે નંગ અને ચારકોલની જરૂર પડે છે.
શ્રી નટુભાઇ પ્રજાપતિએ કહ્યુ કે, આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારશ્રી સુજલામ- સુફલામ જળ સંચય અભિયાન દ્વારા ભૂગર્ભ જળ બચાવવા વિરાટપાયે કામ કરવામાં આવે છે ત્યારે આપણે પણ વરસાદના પાણીના એક- એક ટીંપાની ચિંતા કરી જળ સંગ્રહ કરવાના કાર્યમાં સહભાગી બનીને જિલ્લાને પાણીદાર બનાવીએ.
૦૦૦૦૦૦૦૦૦૦૦
આલેખનઃ- રેસુંગ ચૌહાણ સિનિયર સબ એડીટર, પાલનપુર