વડગામ તાલુકાની આજકાલ

વડગામ તાલુકાની આજકાલ : ભાગ–૫

  • તા. ૩૧.૧૦.૨૦૧૪ ને શુક્રવારનાં રોજ વડગામમાં સમસ્ત  વડગામ આંજણા ચૌધરી ડેકલિયા પરિવાર દ્વારા શ્રી રામજી મંદિર પાસે આવેલા શિકોતર માતા મંદિરે ઉત્સાહપૂર્વ અને ધર્મમય વાતાવરણમાં હવન-દર્શન-પ્રસાદ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઊપસ્થિત ગ્રામજનો એ શિકોતર માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા સમૂહમાં  ભોજન પ્રસાદનો આનંદ મેળવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગના અનુસંધાને રાત્રી દરમિયાન ભજન-સત્સંગ દ્વારા ઉપસ્થિત ભક્તજનો એ ભક્તિરસ ની મજા માણી હતી. સમસ્ત આંજણા ચૌધરી ડેકલિયા પરિવાર  પોતાની કુળદેવી શિકોતર માતાજી માં અતૂટ આસ્થા ને લીધે દર વર્ષે આઠમનાં રોજ આ પ્રકારનુ ધાર્મિક આયોજન ગોઠવે છે અને ધન્યતા અનુભવે છે.

 

  • મોહમંદ પયંગબર અને તેમના સાથીઓની શહાદત ની યાદ માં તા ૦૪.૧૧.૨૦૧૪ ને મંગળવાર નાં રોજ વડગામ ની મુખ્ય બજાર માંથી ભવ્ય તાજિયા જુલુસ નીકળ્યું હતું . વડગામ તાલુકાના મુસ્લિમ બિરાદરો શોક વ્યક્ત કરતા કાળા વસ્ત્રોમાં તાજિયા જુલુસમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગ ને અનુરૂપ અનેક કરતબો કરી  માતમ મનાવી રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યા માં ઉપસ્થિત હિંદુ ભાઈઓ અને બહેનો પણ કોમી એખલાસ નુ ઉતમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા હતા. મંગળવાર ની સાંજે શોકમય વાતાવરણ માં તાજિયા ની વિદાય આપવામાં આવી હતી. તાલુકાના અન્ય મથકો એવા છાપી અને મેતા મુકામે પણ મહોરમની ઉજવણી કરવામાં આવી હતી.

 

  • વડગામ ચૌધરી સમાજ અગિયાર ગામનાં ઝલાની મીટીંગ નુ આયોજન તા.૦૪.૧૧.૨૦૧૪ નાં રોજ વડગામમાં આવેલા આદર્શ સંકુલ માં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડગામ ગામના જે યુવકો વિશિષ્ટ પદ ઉપર સેવા બજાવે છે તેમજ તાજેતરમાં નોકરી માં જોડાયા છે તેમનું વડગામ ચૌધરી સમાજ દ્વારા ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજના તેજસ્વી તારલાઓને ૧૧ ગામ ઝલા તરફથી ચાંદીના સિક્કા તેમજ ૧૦૦ રૂપિયા આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઝલા નાં નવીન પ્રમુખ તરીકે વડગામ નાં વતની શ્રી રામજીભાઈ વિરસંગભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. મંત્રી તરીકે વરસડા ગામ નાં શ્રી ધનરાજભાઈ ચેલાભાઈ ની પુન: વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સમાજનાં  હિસાબ-કિતાબનુ વાચન સાથે વડગામ અગિયાર ગામ ચૌધરી સમાજની મગરવાડા રોડ ઉપર આકાર પામનાર ૧૧ ગામ સમાજની નવીન વાડી અંગે તેમજ અન્ય સુધારાલક્ષી ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત  સમાજના ભાઈઓ માટે સામુહિક ભોજનની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

 

  • તાલુકા મથક વડગામમાં સૌ પ્રથમવાર આર.એસ.એસ દ્વારા પ્રાથમિક શિક્ષા વર્ગ યોજાયો આ પ્રસંગે વડગામ આર્ટસ કોલેજ તેમજ વી.આર.વિદ્યાલયમાં અંદાજિત ૪૨૫ શિક્ષાર્થિઓએ તા ૨૯.૧૦.૨૦૧૪ થી ૦૫.૧૧.૨૦૧૪ દરમિયાન ઉપસ્થિત રહી વ્યક્તિ ઘડતર ની સાથે સાથે સંઘના આદર્શો ને આત્મશાત કરી રાષ્ટ્ર સેવા કાજે  વિશિષ્ટ તાલીમ હાંશલ કરી.

 

  • પાછલા પખવાડીયામાં નીલોફર વાવાઝોડાની આશંકા વચ્ચે થોડો સમય પંથકમાં  વાદળછાયા વાતાવરણ ની અસર વચ્ચે આ મુદ્દો પંથકમાં લોકોમાં ચર્ચાસ્પદ બન્યો હતો. પરંતુ નિલોફર વાવાઝોડાનાં સમી જવાના સમાચાર વચ્ચે આ બાબતનો અંત આવ્યો. આ વર્ષે દિવાળી વીતી ગઈ હોવા છતાં ઠંડીનુ પ્રમાણ જોઈએ તેવું વધ્યું નથી વાતાવરણમાં હજી ગરમીનો અહેશાસ અનુભવાય છે જે વડગામ પંથકમાં ગ્લોબલ વોર્નિગ ની અસર તરીકે દેખાઈ રહ્યું છે. આકાશી ખેતી ઉપર નભતી ખેતી અંતે છેલ્લા વરસાદના અભાવે નબળી પુરવાર થઇ રહી છે ખાસ કરીને એરંડા અને ગુવાર માં તેની અસર વર્તાઈ રહી છે.

 

  • વડગામ પંથક માં ખેડૂતો દ્વારા નવીન બોરવેલ બનાવવાનું કામ અનેક જગ્યાએ પુરજોશમાં ચાલી રહ્યું છે…ખાસ કરીને તાલુકા મથકમાં એવું જાણવા મળી રહ્યું છે કે પાણીનાં તળ ૫૦૦ થી ૧૦૦૦ ફૂટ સુધી નીચે ઉતરી ગયા છે એટલે નવીન બોરવેલ બનાવનાર ખેડૂતે ૫૦૦થી ૧૦૦૦ ફૂટ સુધી ડી.ટી.એચ. (ડાઉન ધ હોલ ) દ્વારા જવાની તૈયારી રાખે તો જ અને તો જ  જ પાણી મળે તેવી શક્યતા બને. હાલમાં તો જે બોરવેલ બને છે તેનું પરિણામ કહી ગમ કહી ખુશી જેવું મળી રહ્યું છે સરેરાશ  ૧ થી માંડીને ૩ કોશ નુ પાણી મળી રહ્યું છે અને તે પણ જમીન ની ૫૦૦ થી ૧૦૦૦ ફૂટ નીચે એક સમયે માત્ર  ૪૦ ફૂટના હેંડપંપ દ્વારા પાણી મળતું હતું તેવું સ્મરણમાં છે જ્યારે આજે ૧૦૦૦ ફૂટ સુધી જવું પડે છે જે પંથકના ઘણા ખેડૂતો માટે મુશ્કેલ પરિસ્થિતિ જણાઈ રહી છે. નવા કનેક્શન તો મળશે પણ ભૂતળમાં પાણી આ રીતે ઊંડા ઉતરતા જશે તો આવનાર સમય પંથકના પ્રજાજનો માટે  અનેક મુશ્કેલીઓ લઈને આવશે તે નક્કી છે.

 

  • વડગામપોલીસ મથકના પીએસઆઇ એ.વી. દેસાઇની ભીલડી ખાતે બદલી થતાં અને તેમની જગ્યાએ અમદાવાદ ઘાટલોડીયાથી જસવંતસિંહ કે. રાઠોડની નિમણૂંક થઇ છે.

 

  • તાલુકા મથક વડગામ મુકામે દિવાળી વેકેશન દરમિયાન સતત ૧૫ દિવસ સુધી શ્રી બ્રહ્માણી માતા પરિસરમાં  આનંદમેળો લાગ્યો હતો. રાત્રી દરમિયાન લાઈટોના ઝગમગાહટ અને માનવમેદની થી સમગ્ર સંકુલ નયનરમ્ય લાગી રહ્યું હતું. વડગામ ગામ તેમજ તાલુકાની આજુબાજુના ગામોના નાના મોટા સૌ એ આ અનોખો મેળો મન ભરીને માણ્યો હતો. મોડી રાત સુધી ચાલતો આ આનંદ મેળો વિવિધ પ્રકારની ચકાડોળો,જાદુઈ કરતબો,મોતનો કૂવો, વિવિધ સ્ટોલો વગેરેથી ઉપસ્થિત લોકો માટે આકર્ષણનુ કેન્દ્ર બન્યો હતો…

 

– નિતિન પટેલ (વડગામ)