આપાણા તહેવારો

ખુશીઓથી ઝગમગતો રોશનીનો ઉત્સવ દિવાળી : નિતિન પટેલ

શુભ દિપાવલી – ૨૦૧૪

દીપાવલી એ  એ પ્રજાજીવનનું ઉત્સવરૂપ, આનંદરૂપ, સમૂહરૂપ, પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે.  દર વર્ષની જેમાં આ વર્ષે પણ વડગામ પંથક માં ઉજવાઈ રહ્યો છે ત્યારે માનવજીવનની સફરમાં અનેક પડકારોનો સામનો કરતા કરતા  વ્યાપેલા અંધકાર નાં ઓછાયાને દૂર કરી નવી ચેતના,નવા ઉમંગ અને નવલા રૂપરંગ સાથે જીવન સફરની થકાન દૂર કરી ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રયાણ જારી રાખી નવા જોમ,જુસ્સા  અને તાજગી સાથે અર્થસભર પડાવ સુધી આ જીવન નૈયાને પાર ઉતારવા માટે મદદરૂપ એવા મહત્વના તહેવારો પૈકીના એક  દિવાળી પર્વને લઈને વડગામ પંથકનાં લોકો રંગેચંગે રોશનીનાં ઝગમગાહટ વચ્ચે દિવાળી-૨૦૧૪ના તહેવારોની ઉજવણી કરવાના આયોજન માં મસ્ત છે

શુભ દિપાવલી – ૨૦૧૪

દિવાળી સાથે રામ રાજ્યાભિષેકની કથા જોડાયેલી હોવાથી પણ આ પર્વનું મહત્વ વધી જાય છે. કહેવાય છે કે દિવાળીના દિવસે જ ચૌદ વર્ષના વનવાસને પૂર્ણ કરીને રામચંદ્ર ભગવાન અયોધ્યા આવ્યા હતા. પ્રજાના પરમ પ્રિય રાજા અને અયોધ્યાનું હૃદય કહેવાતા શ્રીરામના આગમનમાં અમાસની અંધારી રાતને લોકોએ ઘીના દીવા કરીને રોશન કરી દીધી હતી. આખીય અયોધ્યા નગરીને ઘીના દીવાથી સુશોભિત કરવામાં આવી હતી અને કાળી અંધારી અમાસ જાણે પૂનમની જેમ રોશનીથી ઝગમગી ઊઠી હતી. રામાયણના સમયથી લઈને આજ સુધી આ દિવસને સમગ્ર ભારત પ્રકાશના પર્વના રૂપમાં મનાવે છે. સત્યની હંમેશાં જીત થાય છે. અંધકાર ઓગળે છે અને પ્રકાશરૂપી પ્રભાત થાય છે એ વિશ્વાસ સાથે જ દીપોત્સવના દીપક ઘરમાં પ્રગટાવવામાં આવે છે અને આ સકારાત્મક વિચારધારા સાથે મનમાંથી હતાશારૂપી અંધકાર દૂર કરીને મનને ઓજસ-તેજસથી સંપન્ન કરવાની પ્રેરણા આપવામાં આવે છે.દિવા જો સૌના દિલોમાં પ્રગટે તો બધા જ દિવસો દિવાળી બની જાય. ઘરેઘરોમાં,કુટુંબોમાં,શુદ્ધતા-નવિનતા-પ્રેમ-આત્મયિતાનો આધ્યાત્મિક શુભારંગ કરવાનો,નિભાવવાનો એક શુભ અવસર દિવાળી છે.

શુભ દિપાવલી – ૨૦૧૪

અનેક સમસ્યાઓ તેમજ યોગ્ય સગવડોના અભાવ વચ્ચે અંધકાર યુગનો સામનો કરી રહેલો વડગામ તાલુકો પોતાની ઐતિહાસિક વિરાસત ને યાદ કરીને આશ્વાસન મેળવી રહ્યો છે ત્યારે  નવા અરમાનો અને નવી આશાઓ સાથે પ્રજાજનો આ દિવાળી નાં તહેવારોને મનભરીને શોખથી માણતા માણતા માનવજીવન ની મહેંક અનુભવશે. આ વખતે  ભૂતકાળ ની જેમ દિવાળીના પર્વોની શરૂઆતમાં જોવા મળતી ખરીદી માટેની ભીડ બજાર માં પ્રમાણમાં ઓછી જોવા મળી રહી છે. વધતીજતી મોંઘવારીનું કારણ હોય કે પછી દુકાનોમાં થયેલા વધારાનું કારણ હોય યા તો ઓનલાઈન શોપિંગની શરૂઆત થઇ હોય ગમે તે કારણ હોય બજારમાં દિવાળીને લઈને ખરીદી માટેની ચહલપહલ ઓછી જોવા મળી રહી છે. હા  સત્તાધીશો દ્વારા દિવાળીને અનુલક્ષીને કે સ્વચ્છ ભારત અભિયાનને લીધે સફાઈની કામગીરી ક્યાંક ક્યાંક વત્તે-ઓછે દેખાઈ રહી છે. આ વખતે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ખાસ કરીને બપોરના સમયે થોડું વધારે જણાઈ રહ્યું છે.જો કે એ હકીકત છે કે દર વર્ષે આ સમયે પ્રકૃતિનું સૌન્દર્ય પણ ખીલી ઉઠાતું જોવા મળતું હોય છે. નવરાત્રી પર્વમાં માં અંબાની પૂજા અર્ચના કરી અને ગરબે ઘૂમી ને  વોર્મ અપ થયેલા પ્રજાજનો આ તહેવારને  દિલથી આવકારવા થનગની રહ્યા છે.ધંધાર્થે કે નોકરી અર્થે વતન થી દૂર વસતા પ્રજાજનો આ તહેવારોમાં માદરે વતનમાંપોતાના કુટુંબીજનો,મિત્રો અને  સ્નેહીજનો તથા ગ્રામજનો સાથે સહભાગી થઇ દિવાળી નાં તહેવારો ઉજવશે ત્યારે અનેરા રોમાંચ અને ઉત્સાહ સાથે સમગ્ર તાલુકો ખરા અર્થમાં વાઈબ્રંટ બનશે.

શુભ દિપાવલી – ૨૦૧૪

દિવાળીએ માત્ર તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. વાઘબારસથી ધનતેરસ,કાળીચૌદશ,દિવાળી,બેસતું વર્ષ અને ભાઈબીજ એમ સળંગ છ દિવસ સુધી ઊજવાતો દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં નવીનતા લઈને આવશે.ઘર ઘર આંગણાદીવડાઓનાં ઝગ્મગાહટથીઝળહળી ઉઠશે (જો કે દીવડાઓ ની જગ્યા એ મીણબતી અને વીજળીનાં ઉપકરણોનો ઉપયોગ મોટાપાયે વધ્યો છે.)  માટીના કોડીયા, ઊંબરાપૂજન, સ્વસ્તિક,તોરણ, શુભલાભના પ્રતિકો વગેરે ફાસ્ટફૂડના જમાનામાં આઉટ ઓફ ડેટ થઇ ગયું છે સાથે સાથે ભીતર નાં અજવાળા પણ ગાયબ થઇ ગયા છે, જે છે તે બાહ્ય ઝગમગાહટ છે માટે તો દર વર્ષે આ તહેવાર દિલો-દિમાગમાં દીવા ની નાની જ્યોત પ્રગટાવવા આવી પહોંચે  છે જેથી સમગ્ર વર્ષ દરમિયાન ભીતરના અજવાળા ટમટમતા રહે. ઘરમાં ગૃહિણીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે, શણગારેલા મંદિરોમાં  દેવદર્શન કરી નવા વર્ષના નવીન સંકલ્પો  લેવામાં આવશે.  ધનનો સદઉપયોગ થાય, સંપતિ પવિત્ર બને તે માટે  ધન પૂજન કરવામાં આવશે, સોના-ચાંદીના દાગીના તેમજ વાહનો અને ઘરગથ્થું નવી  વસ્તુઓની ખરીદી થશે, પિશાચી તત્વોને પૂજવા માટે અમુક લોકો  સાંજના સમયે સ્મશાને જશે  અને શનિ,ભૈરવ અથવા કાળકા માતાની પ્રાર્થના કરશે. નાના મોટા સૌ ફટાકડાઓનાં ધૂમ ધડાકાઓ કરી  હરખાશે, ચારેય બાજુથી આતશબાજીથી વાતાવરણ મેઘધનુષના સપ્તરંગોની જેમ રંગીન થઈ જશે, રાવણા ની જમાવટ થશે, અફણ કસુંબા ઘોળાશે સંગ સંગ ચા-પાણી, નાસ્તા, રસરંજક મિઠાઈઓ ની જયાફતો ઉડશે. નાનામાં નાના કારખાનાથી   માંડી ને મોટા માં મોટી પેઢીનાં વેપારીઓ  સારું મુર્હુત જોઈ ને તેના હિસાબ ના ચોપડા ની પૂજા કરશે. નવા વર્ષમાં  રંગબેરંગી વસ્ત્રો માં સજજ પ્રજાજનો એકબીજા ને  વીતેલા વર્ષની તમામ કડવાશો  ભૂલીને ઉમળકાથી મળી દિવાળીની શુભકામનાઓ સાથે સાથે નવાવર્ષ નાં સાલમુબારક પાઠવતા પાઠવતા રઈસી ઠાઠમાં ફરતા જોવા મળશે. વડીલોના આશિર્વાદ મેળવવામાં આવશે. ભાઈ-બહેન નાં પ્રેમ નો તાંતણો વધુ મજબૂત બને તે માટે પોતાના સાસરે ઠરીઠામ થયેલી બહેનો પોતાના ભાઈઓને ભાઈબીજ પ્રસંગે મળશે. બહેનો પોતાના ભાઈઓના દીર્ઘાયુ તથા સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરશે એવું માનવામાં આવે છે કે આજના દિવસે જે ભાઈ બહેન ને ત્યાં જમે છે તેનું મોત કમોતે થતું નથી. સબંધીઓ, મિત્રો સંગાથે પ્રવાસનું આયોજન થશે. દૈનિક ભોજનમાં વૈવિધ્ય માણવા મળશે. આમ સમગ્ર દિવાળી નાં તહેવારોની ઉજવણીમાં વ્યસ્ત પ્રજાજનો પોતપોતાની યથા શક્તિપ્રમાણે ભરપુર આનંદ ઉલ્લાસમાં સહભાગી થઇ આવનાર નવા વર્ષ માટે સજ્જ કરશે જેથી આવનાર વર્ષ સુખ-શાંતિ, તંદુરસ્તી  અને  સમૃધી થી ભરપુર રહે. જોકે આપણા દરેક તહેવારો માત્ર ખાઈ-પીને મજા જ કરવી એવું નથીપણ દરેક તહેવારની પાછળ કોઈક સંદેશનું મહત્વ સમાયેલુ હોય છે. દરેક ઉત્સવ પાછળ આપણા જીવનને ઉજાગર કરી શકીએ તે તેની પાછળનો એક મર્મ, એક સંદેશ હોય છે અને તે કૈક ને કૈક શીખવી જાય છે આ દરેક તહેવારો જો સમજી લેવાય તો તેની ઉજવણીનો આનંદ સાર્થક અને અનેરો બની રહે છે.તહેવારો અને તેના થકી ચાલતા એકાબીજાના વહેવારો જ માણસને જીવંત રાખવાનું અને કુટુંબ,સગા-સબંધી,મિત્રો અને સ્નેહી ને એક તાતણે બાંધી રાખવાનું એક અદભૂત કાર્ય કરે છે એમાંય દિવાળીના તહેવારો તો શુધ્ધિ, નવીનતા પ્રેમ અને આત્મતિયતા કેળવવાના શુભ અવસરો છે.

શુભ દિપાવલી – ૨૦૧૪

દિવાળીનો તહેવાર અંધકારના વાતાવરણને ઢાળી ઉજાસમય વાતાવરણ બનાવી વર્ષમાં બનેલી ખરાબ ઘટનાઓને ભૂલાવી દે એવી એક માન્યતા છે ત્યારે આવો આપણે સૌ આ દિવાલી નાં શુભ અવસરે  એકબીજાને શુભેચ્છા પાઠવતા આશા રાખીયે કે   નવા વર્ષમાં  પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી મળે,ખેતી માટે નહેરોની સુવિધા મળે,સુકાભઠ્ઠ તળાવો ને પાણી મળે, ટ્રાફિક ની સમસ્યા ઘટે,ઠેર ઠેર વ્યાપેલી ગંદકીનાં ઢગ વિસ્તરતા ઘટે, સ્વછતાંનું પ્રમાણ વધે,અંદરો અંદર ની ટાંટીયાખેંચ ઘટે,લોકોમાં પરસ્પર સહકાર ની ભાવના વધે, ઉબડ-ખાબડ રસ્તાનું પ્રમાણ ઘટે,ધૂળ અને ધુમાડા ઘટે,જાહેરક્ષેત્રની સુવિધાઓ વધે, શાળા-મહાશાળાઓ ગ્રાન્ટેબલ બને,શિક્ષણ વધે સાથે સાથે કેળવણી પણ મળે, લોકોની ખર્ચ કરતા આવક વધે,સામાજિક કુરિવાજો ઘટે નવા સુધારાઓ વધે,આગેવાનો કરતા કાર્યકરોનું  પ્રમાણ વધે,રાજકારણનું ગંદુ રાજકારણ ઘટે,દુ:ખ કરતા સુખનું પ્રમાણ વધે, રોગચાળાનું પ્રમાણ ઘટે,તંદુરસ્તીનું પ્રમાણ વધે,સમાજ માં વ્યાપેલ દંભ નું પ્રમાણ ઘટે,ધંધાર્થે કે નોકરી અર્થે બહાર વસતા પ્રજાજનોનો  વતન પ્રત્યેનો નાતો વધુ સુદ્રઢ બને,અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઇ જ્ઞાનની ક્ષિતીજો વિસ્તરે,સામાજિક વિકાસનાં કાર્યક્રમો વધે,દુર્ગુણોની સામે સદગુણોનું પ્રમાણ વધે,સંવેદનાની સાથે સાથે સમજણ વધે, દિલ અને દિમાગમાં સંયમના, જ્ઞાનના, સંપના, સદ્દભાવનાના અને સેવાભાવનાના દિવા પ્રગટે. જ્યારે આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ અને મજાનાં પ્રકાશનાં પર્વ દિવાળી ની શુભ શરુઆત થઈ ગઈ છે અને નવા વર્ષ ના વધામણા કરવા સૌ કોઈ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે ત્યારે તાલુકામાં આવેલા તમામ ૧૧૦ ગામ આદર્શ ગામ બને તથા  નવું વર્ષ આપને તથા આપના કુટુંબીજનોને યશસ્વી, ફળદાયી અને નિરામય નીવડે તેવી હાર્દિક શુભેચ્છા સહ  હેપ્પી દિપાવલી…….!!!!

નિતિન એલ. પટેલ (વડગામ)

  M:- ૯૪૨૯૪૦૭૭૩૨

  Email:- Nitin.vadgam@gmail.com

 

****

 

અંતે શ્રી વિજય રાઠોડ રચિત કવિતા નો આસ્વાદ માણીએ….

 

ચાલો આજે સંગાથે હરકોઈના ઘેર જઈએ,

સુખ-દુઃખની વાતો આજે દુશ્મન સાથેય કરીએ,

જો    જો    હાથ    રહી    ના    જાય    કોઈ   ખાલી,

હરેક  ભારતવાસીને  “હેપ્પી દિવાલી”

 

દીપ ઝળહળે  સર્વત્ર  ને  દિલથી દિલ મળે,

દુવા છે  દિલથી  સૌ   કોઈની કામના  ફળે,

ઇચ્છીએ છીએ અમે તો બસ એક પ્રેમની પ્યાલી,

હરેક  ભારતવાસીને “હેપ્પી દિવાલી”

 

ફટાકડાંની રમઝટ સાથે મીઠાઈઓની બહાર,

લઈ આવ્યો સંદેશો પ્રેમનો અનોખો આ તહેવાર,

હર્ષ,ઉલ્લાસ ને  સદભાવની પીરસો સૌને થાલી,

હરેક  ભારતવાસીને “હેપ્પી દિવાલી”

 

સફળતાના કદમ ચૂમો  ને ખુશીઓમાં તમે ઝૂમો,

ઘર,પરિવાર ને સમાજ આપનો સદાય ફલફૂલો,

વરસાવજે કૃપા સૌ પર સદાય માં! ગબ્બરવાલી!

હરેક  ભારતવાસીને “હેપ્પી દિવાલી”

 

લક્ષ્મીજી પધારે આપના આંગણે લઈને સમૃદ્ધિ,

વ્યાપાર-ધંધો  કામ જોઈ આપનું પામે સદાય વૃદ્ધિ,

દુ:ખ  રહે  મિલો સુધી દૂર  ને પ્રસરે  બધે   ખુશહાલી,

હરેક  ભારતવાસીને “હેપ્પી દિવાલી”

 

શુભ દીપાવલી …..હેપ્પી ન્યું યર ….