સાહિત્ય-લેખો

‘ચાંદની’ : અલિપ્ત જગાણી

[ અલિપ્ત જગાણી તખલ્લુસથી જાણીતા મૂળ વડગામ તાલુકાના નાંદોત્રા ગામના વતની શ્રી દિનેશભાઈ જગાણી એ સ્વરચીત નિબંધ ‘ચાંદની’ વડગામ વેબસાઈટ ઉપર પ્રકાશન અર્થે મોકલી આપ્યો છે તે બદલ દિનેશભાઈનો આભાર. આપ દિનેશભાઈનો ઈ-મેલ dmjagani@gmail.com અથવા મો. ૯૮૭૯૮૬૦૯૯૬ ઉપર સમ્પર્ક કરી શકો છો.]

 

રૂમમાં ચેન પડતું નોતું. બારીમાંથી કુત્રિમ પ્રકાશ વચ્ચે પણ ચાંદની જોઈ શકાતી હતી. એકદમ  જ  રેલ્વે સ્ટેશન તરફ ચાલી નીકળ્યો.

યુકેલીપ્ટ્સના વૃક્ષો પર ચાંદો પ્રકાશી રહ્યો હતો.  પાસે જ ઓટલો બનાવી વચ્ચે ઉગાડેલું વડનું મધ્યમ કદનું વૃક્ષ ચાંદનીમાં શોભી રહ્યું હતું. એને અમે મિત્રો બોધિવૃક્ષ નામે જ ઓળખતા.વાતાવરણમાં ઠંડી પ્રસરવા લાગી હતી. મેં અદબ વાળી હુંફ મેળવવા પ્રયત્ન કર્યો.

ક્યાંક બેસવા માટે ઈચ્છા થઇ  આવી. સ્ટેશન ના અંદરના ભાગમાં ચાંદની સરસ રીતે જોઈ શકાતી હતી. અહી સંપૂર્ણ સમગ્ર ચાંદનીમય હતું. પણ પાટાના બીજી તરફની સ્ટ્રીટ લાઇટો રસભંગ કરતી જણાઈ.

એક ક્ષણ માટે ફિલોસોફર બની ગયો: ‘ સંપૂર્ણ ચાંદની જોવાનું શહેરમાં શક્ય નથી રહ્યું. માણસે કેટલું મેળવીને કેટલું ગુમાવી દીધું! આમ સાવ મફતમાં મળતા કુદરતના વરદાનની માણસોને કિંમત કેમ નહિ હોય?’

રેલવેના પાટાની સામેની તરફ ના ખેતરો પર ચાંદો પ્રકાશી રહ્યો હતો. વાતાવરણમાં કોઈ અજનબી ફૂલછોડની ખુશ્બુ પ્રસરી ગઈ હતી. દુરના ખેતરમાંથી ક્યાંક ભજન ચાલી રહ્યા હોય એવો અવાજ આવતો હતો. મને ફોટો લેવાની ઈચ્છા થઇ આવી પણ, સેલફોન ના કેમેરામાં બરાબર દ્રશ્ય આવ્યું નહિ. ઠંડી વધવા લાગી હતી. રેલવે સ્ટેશન લગભગ સંપૂર્ણ નિર્જન લાગ્યું. એકાદ બે ભિખારી-બાવા ઓઢીને સુઈ ગયેલા જણાયા.

ફરી નજર ચાંદની પર સ્થિર થઇ. મનમાં વિચાર આવ્યો: કેટલી સદીઓ વર્ષોથી ચાંદ આમજ પ્રકાશતો હશે? કેટ-કેટલી પુનમો આમજ પસાર થઇ ગઈ હશે!

વડોદરા પાસે મહી નદીના કોતરોમાં વસેલું વાસદ નામે સુંદર ગામ છે. એક ચોમાસામાં ત્યાંથી પસાર થવાનું બનેલું. ખુબજ સુંદર જગા લાગેલી. ત્યારે વિચાર આવેલો: ‘ચાંદની રાતમાં આ ગામ કેટલું સરસ લાગતું હશે?’ એક ચાંદની રાત વાસદમાં મહિ ના કિનારે વિતાવવાનો સંકલ્પ કરેલો પણ, બીજા ઘણા સંકલ્પોની પેઠે એ પણ અધુરો રહી ગયેલો. અત્યારે મને સાવ અચાનક જ વાસદ યાદ આવી ગયું. શરીરમાંથી એક લહેર પસાર થઇ ગઈ. ત્યાના કોતરો ઉપર આવો જ સરસ ચાંદ પ્રકાશી રહ્યો હશે. મહિ માતાના મંદિર ની ધજા ચાંદનીમાં સ્થિર થઇ શોભી રહી હશે! શહેરથી દુર કોઈ પ્રેમી યુગલ ટેકરી પર બેસીને કૃષ્ણ-રાધાની જેમ એકબીજામાં ખોવાઈ ગયું હશે. વડોદરામાં મારી સાથે નોકરી કરતી એક છોકરીનું નામ પણ ચાંદની!. મિત્રો પાસેથી સાંભળેલું એણે એન્જીનીયરીંગ વાસદની કોલેજમાંથી કરેલું! વળી દેખાવ-સ્વભાવમા પણ ચાંદની જેવીજ ચંચળ! ચાંદનીના કારણે વાસદ અને વાસદના કારણે ચાંદની યાદ આવી ગઈ.

મનમાં થયું જે રસિક મિત્રો છે તેમને ચાંદની દર્શન માટે જણાવું. દસેક ને મેસેજ કર્યો. એકાદ અપવાદ સિવાય કોઈનો પણ પ્રત્યુત્તર આવ્યો નહિ..

વાતાવરણમાં ઠંડી ખુબ વધી ગઈ હતી. તમરાનો અવાજ નિશાને સુંદરતા બક્ષતો હતો. મને લાગ્યું હવે ઘર તરફ જવું પડશે, ઉનાળો હોત તો થોડું વધારે બેસી શકાત. ફરી વાર આવતી પૂનમે અહી આવીશ એવો સંકલ્પ કરી ઘર તરફ ચાલી નીકળ્યો. ઘરે આવી વિચાર આવ્યો: હું જ્યાં બેઠો હતો તે બાંકડો હવે ખાલી હશે.પણ હા, ચાંદની હજુ ત્યાજ હશે……..

-અલિપ્ત  જગાણી

****

ઇતિહાસની અટારીએથી :-

મીરખાન નામના નામચીન બહારવટીયા સામે લડતાં સોરમખાન શહીદ થયા. તેની અમર શહિદીની શાખ પૂરતો ચિલ્લો (પાળિયો) વડગામ તાલુકાના મોરિયા ગામના પાદરે ઊંડી નેળમાં આવેલો છે. આ બનાવ સોરમખાનજીના પાળિયાના મસ્તકે શિલાલેખમાં નોંધ્યું છે કે વિક્રમ સવંત ૧૯૭૯ જેઠ સુદ બીજ શનિવાર ઇ.સ.૧૯૨૩ (પાલનપુર શહેરના ઇતિહાસ પુસ્તક માંથી સાભાર)