વ્યક્તિ-વિશેષ

હિરૂજીની મર્દાઈની શાખ પૂરતો વણસોલનો પાળીયો……

ધાણધાર ધરતી ઉત્તરે અરવલ્લીની હારમાળા શરૂ થાયને થોડીક હારમાળા વટોળ્યા બાદ સિરોહી ધરતીની સરહદ લાગે. પૂર્વે દાંતાની સાઠને દક્ષિણે ગઢવાંડુ ને દોતોરના પંથકો આવેલા ઉત્તર પૂર્વ ભાગ ડુંગરમાળાથી ઘેરાયેલો. પશ્વિમે  કોળીયારાનો એક સરાયો મલક.

આવા પહાડી અને સૂકા ભઠ્ઠ સીમાડા મધ્યે માળવા જેવો મલક ધાણધાર. ત્રણ સરા (પાક) થાય, વરી,કમોદુના નોળવા (ડૂંડા) દરિયાની મોંજાની માફક લહેરો લે, શેરડીનો પાક જુમી ઉઠે, આખા વગડે ચણાના મોલનો કરપ લાગે, આંબા, જાંબુ, રાયણ જેવા ફળાઉ ઝાડોના જુંડ લચી પડે, કેવડના વનેવન મીઠી મધમધતી આખા મલક માથે મહેંકની ફોરમ ફેલાય,તેવી ધીંગી ધરતી, આ ધીંગી ધરાના છૈયા પણ ધીંગા, જેવી ધરતી ઉજળી તેવા મનેખોના મન ઉજળા, ધાણધાર ધરતીની મહેમાનગતિમા બાદરશાહી ગોળ ને ઘીની છોળો ઉડેને ધોળા બાસ્તા જેવી કમોદની મધમધતી ખુશ્બોવાળી ખીચડી અને દૂધ, બત્રીસ પકવાનને છત્રીસ ભોજનને ભુલાવી દે તેવી સવાદવાળી જ્યા ઈદર મા’રાજ ને ઈદરાપુરીનો ત્યાગ કરી આ ધાણધાર ધરતી માથે વાસ કરવા લલચાય તેવી ધરતી.

“સંધી,તુવરને ચાવડા વખત બાલંદ  બિહાર;

ઝળહળતા જગતમે,ઘર ઉજળી ધાણધાર”.

આવી ધાણધાર ધરતી ચારે તરફથી સૂકાને પહાડી વિસ્તારોથી ઘેરાયેલ,લોકો સુખી જેથી આ મલક પર કોઈ રૂપવાન નવયોવનાના કામણગારા નેણો માથે મનેખની નજરું  મંડાય તેવી નજરું  કાંટાળી વસ્તીની આ ધરતી માથે મંડાયેલી રહે. તેવી જ રીતે સિરોહી ધરતીના દબાણી ગામના ઠાકોર લાલસિંહ ની નજરું આ મલક માથે ખંડાણી છે,ને મન માં નિર્ણય કર્યો. “ આ ધાણધાર ધરતીને ઘમરોળી છિનભિન્ન કરી નાખી , તેની અસ્મતને લૂંટી લેવી.” પોતાના બાવડા અને તલવારના બળ માથે મગરૂર બની ધાણધાર ધરતી માથે પોતાના માણસોનું દળ કટક લઈ ઉતરી આવ્યો છે.

આ ધાણધાર ધરતી ની વચાળે અનત આભલીયાની છબડીમા શોભા,તારોડીયાની જેમ શોહતુ આજ ના વડગામ તાલુકાનુ ગામ વણસોલ. ગામ ખાધે પીધે સુખી. આ ગામ માથે કુડી નજરુંના લાલસિંહ ની આંખ્યુમા  રતાશ પકડાણી છે. ને તેના પર નજરું માંડી,ને પોતાના ઘોડા ઈ ગામ તરફ વાળ્યા છે.

સૂરજ દાદાની સવારી સવા રાસવા ચઢી છે.ગામના ઢોર વગડે ચરવા હાલી રહ્યા છે. ગામના પાદરે હાડતી ગામની ઠાઠીના (ધણ) પોદલા ભેગા કરવા ગામની દીકરીયુ ને વહવારુ વાંસના છબોયા લઈ ભેગા કરી રહી છે,તેમા એક ઘાંચીની તાજી પરણેલી દીકરી દાગીના દેહ માથે ઠસોઠસ પહેરી છાણ વીણવા આવી છે,ને છાણ ભેગુ કરવામા મશગુલ છે.ત્યા દબાણીનુ દળકટક આવી ખાબક્યુ છે,ને આ ઘાંચીની દીકરીને હડફ દઈને ગરી છે,બીજી બાઈયુ છબોયા મેલીને જીવ લઈને ભાગી ગામ ભણી.પાદરે કોઈ નો મળે ,ઘાંચીની દીકરીએ બચવા રાડ્યુ નાખી પણ કોઈ ના આવ્યુ, તે આ ગામ મા રીડીયાળો થ્યો. ઈ સમે હીરૂજી રેણ પોતાના ખેતરેથી ગામ માં આવી રહ્યા હતા. રીડ સાંભળી દોડતા ત્યા આવ્યા.ઘાંચીની દીકરીએ હીરૂજીને ભાળ્યા અને કાકલૂદી કરી.

“હીરૂભાઈ અ કાળમુખા મને લૂંટી રિયા સે ! મારી આબરૂ લેશે , મને બચાવો !”

હીરૂજી ઠાલા હાથે હતા. જેથી ગામ ભણી હડી કાઢીને પૂગ્યા કાકાની પાસે.

”કાકા, તલવાર દયો ! ગામની કુવાંસીઓને કાળમુખા પીંખી રહ્યા સે, મારે ઈમની હામે જાવુ છે.”

”હાલતો થા, રેડ(કાદવ) કરવામા તો પેટનુ હાંડલુ વધી ગ્યુ સે, ને પગ દોયડી જેવા સે, ઘેંસ ખાનારનુ કામ નો હા કે !

”અરે કાકા ! તલવાર દયો, સમો જાય છે.”

“અલ્યા અમારી તલવારને તુ લજવે ! ઈ તલવાર તારા જેવા હારુ નથી, હાલવા માંડ્ય ને ધાડાની પૂંઠે પડવુ હોય તો ડફણુ કે દાતરડુ લઈને જા ! સિપાઈનો દીકરો થઈ ઘરમા દાતરડા જેવુ ય નથી રાખતો, ને હામ રાખે છે ધાડુવાતોનો મકાબલો કરવાની !”

કાકા એ હીરૂજી રેણની મશકરી કરતા ટોણો માર્યો.

”કાકા હામ તો સે મને સમો નથી. ને દુનિયાને બતાવી દઈશ કે આ ન માનવીમા કેટલી મર્દાઈ સે.”એમ સામો ઉત્તર દઈ પોતાના ઝૂપંડામા વગર મ્યાનની તલવારનુ કાતુ ખોસેલ હતુ તે યાદ આવ્યુ. ને હડી કાઢી પૂગ્યા પોતાના ઝુપંડે, માથે તાંસળી ને શરીરે ગોદડાનુ રાલુ વીંટ્યુ ને ઝુપંડાના ટાટા માં ખોસેલુ કાટ ખાધેલુ તલવારનુ ખેંચી ઉપડ્યા ધાડવાળાઓની પાછળ.રસ્તા માં હિરૂજીનો મીરાસી મળ્યો.

“રંગ સે ! બાપુ આજ શદ તલવાર બાંધી !”

”ધાડાવાળાની પૂંઠે !”

”બાપુ હુ આવુ ! આપને રંગ દેવા !”

” હાલ્ય મીરાસી.”

મીરાસી હિરૂની હારે થ્યો,તે ધાડાની પૂંઠે પડ્યા.

ધાડાવાળા ગામમા હાથ મારી વણસોલ ગામના સીમાડા વટોળવા લગુભગુ થયા ત્યા હિરૂજી એ ત્રાડ નાખી.

” થાજો મરદ , કાય આ તો બોડી બામણીનુ ખેતર ભાળી ગ્યા, કે ગરી ગ્યા ?”

ધાડાના માણસોએ પૂંઠવાળી જોયુ એક દુબળી પાતળી કાયા વાળો ડીલે રાલુ વીંટીને ઘા નાખી આવી રહ્યો છે.તેની પાછળ એક બીજો માણસ વગર હથીયારે આવી રહ્યો છે.

આ બાજુ વણસોલ ગામ માંથી જીવોજી સંધી પણ ધાડાની પાછળ પડ્યા છે.

પહેલો ઘા રાણાનો એ ન્યાયે હિરૂજીએ એક ધાડપાડુના હાથ માથે બુઠી તલવારનો ઘા કર્યો.ધાડપાડુની તલવાર હાથ માંથી છૂટી ગઈને પડી હેઠી.તે ડફ દઈને હિરૂજીએ લીધીને સારી તલવાર હિરૂજીના હાથ માં આવતા હિરૂજી રેણ રંગ માં આવી ગયા, તે ખાંડાના ખેલ ખેલવા મંડ્યા.ત્યા જીવાજી સંધીની વિર હાક સંભળાણી “હિરૂજી તમે ઘા દીધે રાખો,હુ એમના માથા વાંઢુ.તમે ધાડવાતોને ઘોડા પરથી ઘા કરીને હેઠા નાખો.ઈમના માથા હુ લણી લઉ.

હિરૂજી તલવારના ઘા દીધે રાખે છે જે ઘોડા પરથી જેમ આંબા લટકી કેરીની લૂબને પાણા નો ઘા દઈએ ને કેરીની લૂબ હેઠી આવે તેમ હિરૂજીના ઘા એ ધાડપાડુઓ પડી રહ્યા છે. તો જીવોજી સંધી આ પડેલા ઘાયલ ધાડાવાળાના માથા વાઢે છે.

ધાડાના સરદારે ત્રાડ નાખી “આપણે ઝાઝા ને , આ બેઉએ કેટલાને ગૂડ્યા ? ઘરવાળીયુને શુ મોઢુ બતાવશુ ?“ થાવ સાબદા, ને બેઉને ગૂડી નાખો. ધાડવાતો એ પોતાની કમાનો સંભાળી પણછ ચઢાવી ભમરીયા તીરોનો મારો ચલાવ્યો. હિરૂજીનુ શરીર તીરોથી ચારણી જેવુ થ્યુ, જીવોજી સંધી પણ તીરો ના મારાથી  ઘવાણાતો યે આ બેઉ રોસ મા આવી ધાડવાતોથી ખાંડાના ખેલ ખેલતા રહ્યા,બેઉ ઘા દે છે. ને એક ઘા ને બે કટકા” ત્યા હિરૂજીના કપાળમા તીર વાગ્યુ, હિરૂજી ઢીંચળભર થયા ને ગુડી વાળી, ત્યા મીરાસી હડી કાઢી હિરૂજી પાસે આવ્યો. ને પીઠ થાબડીને રંગ ચઢાવવા લાગ્યો.

“રંગ છે બાપ ! ભલે તને જણ્યો,તારી જનેતાએ,” ને મોઢે સરસ્વતિએ આવી વાસ કર્યો.

“રંગ હે તરકડા યુ ખાગા કાઢે રોગ,

ભાટી સંગ તેગ બાંધી;

કી જાલોરી મચાવે જાટ,જોવાને સૂર થંભી.”

“રંગ સે બાપુ, પાચ પાડ્યા છઠ્ઠાને ગૂડી નાખો.”

હિરૂજી તલવારના ટેકે ઉભા થ્યા, ને હડી કાઢી એકને વધેર્યો. જીવાજી સંધી એ માથુ વાઢ્યુ.આમ મીરાસી રંગ ચઢાવે જાય છે,તેમ તેમ ધાડવાતોમાના ગૂડાતા જાય છે. ને ધાડવાતોની હિમંત તુટીને ભંગાણ પડ્યુ ને વેરણ છેરણ થયા.એક ધાડવાતે મીરાસીના પગ મા તીર માર્યુ,મીરાસી ઘવાણોને પડ્યો, પણ હિરૂજીને જીવોજી સંધી ધાડવાળાઓની સામે ખાંડાના ખેલ ખેલતા રહ્યા.ધાડવાળા આખરે જીવ લઈને ભાગ્યા.

હિરૂજી રેણ ઢીંચણ પર ગુડી વાળી કપાળમા તલવાર ટેકવી ટેકો લઈ બેઠા છે. ગામના લોકો આવ્યા હિરૂજીને પાણી પાયુ, થોડી કળ વળી.

“ખેંચી નાખો આ તીરો.”

ગામ લોકો તીર ખેંચવા લાગ્યા,તીર ભમરીયા હતા, માંસ ના લોચા સાથે બહાર નીકળતા ખેંચનારાઓને કમકમા છૂટ્યા તે તીરો ખેંચવાની ના ભણી દીધી.

”અલ્યા રખી ! વગાડ બૂંગીયો” કહી ગામના હિન્દુ મુસલમાનને રામ રામ ને સલામ કર્યા, ને બોલ્યુ ચાલ્યુ માફ કરાવ્યુ.

રખી ઢોલ માથે તરધાયી ગેડીઓ દેવા માંડ્યો, હિરૂજી ઢીંચણ માથે ઉભા થ્યાને બેઉ હાથથી તીર ખેંચવા માંડ્યા.જેમ જેમ  પગમા ખૂંપી ગયેલો બાવળની સૂળનો ભલકારો ચીમટાથી ખેંચાય તેમ તીર ખેંચી કાઢ્યા. ને હિરૂજી એ આ જગત માથેથી સદાય આંખ મીંચી દીધીને સ્વર્ગે હૂર વરવા હાલી નીકળ્યા. જીવોજી સંધી ને પડદે લીધાને બચી ગયા. લાંબુ આયખુ ભોગવી અલ્લાહના બોલાવ્યા તેના દરબાર મા સિધાવ્યા.

હિરૂજી (હીરાજી) રેણની મર્દાઈની શાખ પુરતો પાળિયો વણસોલ ગામની સીમમા આવેલ છે. દબાણી ઠાકોર તેમજ તેમના ભાયાતો જ્યારે કસુંબો પીયે છે,ત્યારે હીરાજી રેણ ને રંગના છાંટણા દે છે.

-મુરાદખાન ચાવડા

”ધાણધારનુ ધાવણ માંથી સાભાર

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)