ગામડાઓ નો પરિચય

ચિત્રોડા.

આજનુ પસવાદળ મધ્યકાળ માં  પુષ્પાવતી નગરી કહેવાતી,ગામની જમીનમા તેના દટાયેલા અવશેષો મળી આવે છે. ગામનુ મુખ્ય દેવસ્થાન યથાવત છે. પણ પુષ્પાવતીમાંથી પસવાદળ થયેલ ગામના ભૂભાગની દિશા બદલાઈ ગઈ છે. એ જ રીતે મેનપરમાંથી મેમદપુર ગામનુ નામ બદલાયુ. મંદિર  ત્યાનુ ત્યાંજ છે પણ ગામોનો વસવાટ બદલાઈ ગયો છે તે સત્ય હકીકત છે. સલેમકોટ, થલવાડા, કોદરામની પણ એ જ પ્રકારની ચર્ચાઓ છે. આમ વડગામ તાલુકામાં  વર્ષો પૂર્વે ઘણા કુદરતી ભૂતળમાં  ફેરફાર થયા છે તેમા કોઈ બે મત નથી.

એજ રીતે ચિત્રોડા ગામની વાત પણ એવી જ છે. આજથી એક સૈકા પહેલા પાલણપુર નવાબ સાહેબના શાસન માં  ચિત્રોડા ગામ તાલુકા મથક હતુ અને ચિત્રોડા તાલુકો કહેવાતો અને ચિત્રોડા તાલુકામાં  છાસઠ ગામોનો સમાવેશ કરાયો હતો. (પાલણપુર સ્ટેટ એજંસીની ડિરેક્ટરી પેજ ન ૬૩૦  ઉપર જુઓ વોલ્યુમ-૨ ૧૯૦૯મા પ્રકાશિત) ચિત્રોડાને એ સમયે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમા રાખીને સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વ આપાયુ હશે.

આજે ચિત્રોડા વડગામ તાલુકામાં  આવે છે. ચિત્રોડા ગામ ઉંચાઈ ઉપર આવેલ છે. જમીનના (ઘોરા) ટેબાથી ઘેરાયેલુ આ ગામ મધ્યકાળ દરમિયાન ચિત્તોડગઢ હતુ તેમ કહેવાય છે. સોળમી સદીના અંત મા રાજસ્થાન તરફથી આબુ થઈને રાઠોડો નો એક કાફલો વડગામ મહાલ માં  આવેલ. પાલણપુર નવાબ સાહેબે રાજમસલેહત કરી રાઠોડ કોમની બહાદુરી અને  ભરોસાપાત્ર વફાદારીની કદર કરી તેઓને મેમદપુર-સલેમકોટ-પસવાદળ અને કોદરામની સાથે ચિત્તોડગઢ મા વસાવી લીધા. જમીન જાગીર પણ આપી અને ગાયકવાડ સ્ટેટના સિમાડે રક્ષણની જવાબદારી સોંપવામા આવેલ હોવાનુ જાણવા મળે છે.ચિત્રોડા ગામની ખેતીની જમીનોના લેવલ સમયે મકાનોના પાયા કે કુવા બનાવતી વખતે જુના વખતના માટીના વાસણો, પહોળી અને પાતળી ઈંટોના ટુકડા તો ક્યારેક ધાતુના સાધન પણ મળી આવે છે. ગામના વયોવૃદ્ધ  વાતો કરે છે અને ભુલી જાય છે.પણ કોઈની ઉપજાવેલી કલ્પના નથી તે હકીકત છે. આમ ચિત્રોડા પહેલા અહિ કોઈ ગામ હોવાનુ પુરવાર થાય છે.

ચિત્રોડા ગામની વસ્તી સન ૨૦૧૧ની ગણત્રી મુજબ ૨૨૮૭ની છે. લગભગ નવસો બાર હેક્ટર જમીન ઉપર વસેલા ગામમા તે સમયે ચારસો સીત્તેર રહેણાંકો હતા. સને ૨૦૧૧મા સરકાર ધ્વારા ફેર ગણત્રી કરાશે તો વધગટની ખબર પડશે.

ઘઉ,રાયડો અને એરંડા મુખ્ય ખેતી પેદાશો છે. પાલનપુરથી ચિત્રોડા લગભગ ત્રીસ કિ.મી અને સીસરાણા , મોકેશ્વર મહાદેવ પાંચ છ કિ.મી. ના અંતરે આવેલ છે.

ચિત્રોડાના ગામ લોકોમા એમ કહેવાય છે કે  પરથીભા જે નિર્યણ કરતા તે આખરી નિર્ણય કહેવાતો,તેમના સતવચન ઉપર પાકો વિશ્વાસ અને તેમની નીતિ રીતિ ઉપર કદી શંકા ન થાય. આ સ્વમાની આખાબોલા પરથીભા એટલે પરથીભાઈ હેમતાભાઈ લોહ.

પરથીભાનો સ્વભાવ જ એવો હતો કે તેઓ ગામ મા ઘેર ઘેર લોકોને મળવા જતા, કામકાજ પુછતા.

મુશ્કેલીઓમા સામે ચાલીને જઈને ગાંઠનુ ગોપીચંદ  કરીને સામાવાળાને ખરા મનથી મદદરૂપ થતા. ખેડૂતો અને ખેતમજૂરોને સાથે લઈને ચાલવાની તેમની સુમેળભરી નીતિના લીધે ગામ મા અને આસપાસના ગામોમા મોટી લોકપ્રિયતા મળવાથી તેઓ “ભા” એટલે “પરથીભા” કહેવાયા. પોતે દીર્ઘદ્રષ્ટિના તો હતા જ પણ તેની સાથે તેઓએ લીધેલો નિર્યણ કોઈ બદલાવી ના શકે તેવા મક્કમ મનના હતા. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ, દલુભાઈ દેસાઈ, યુસુફ મિયાંજી અને જાગીરદારો સાથે તેઓ સારો ઘરોબો ધરાવતા હતા. પંચાયતી રાજ હોય કે સહકારી સંગઠનની વાત હોય પરથીભાની સલાહ અચૂક લેવાતી હતી.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)