ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર, વ્યક્તિ-વિશેષ

પછાતપણાના કલંકના મુક્તિદાતા સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ

પૂજ્ય શ્રી ગલબાભાઈ સાથેના ભૂતકાળમાં વિલિન થઈ ગયેલા મારા પ્રસંગો વાગોળું છું ત્યારે જેના માથે કુદરતનો અભિશાપ લદાયેલો છે, જેના માથે પછાતપણાનું કલંક લાગેલું છે એવા બનાસકાંઠા જિલ્લાને એના અભિશાપમાંથી મુક્તિ અપાવવા અને પછાતપણાના કલંકને મિટાવી દેવા સતત મથતા અને ઉત્કૃષ્ટ બનાસકાંઠા સર્જવાના સ્વપ્નદ્રષ્ટા સ્વગર્સ્થ શ્રી ગલબાભાઈની પ્રતિભા મારી સમક્ષ એમના મૂળ સ્વરૂપે ઉપસ્થિત થાય છે. અને એ પ્રસંગે સેવાના આજીવન ભેખધારી,સાદગીભર્યા અને આડંબર વગરના જીવનના પ્રબળ હિમાયતી, પોતાના જીવનભરના સેવાકાર્યોથી લોકપ્રિય બનેલા કર્મઠ લોકનેતાને અંજલી અર્પતાં એમના મેઘાવી જીવન અને કવનની આછી ઝલક આ લેખ દ્વારા વ્યકત કરતાં હું અત્યંત ગૌરવ અનુભવું છું.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાનકડા નળાસર ગામમાં એક સાધારણ સ્થિતિના ખેડૂત પરિવારમાં જન્મ પામીને પોતાના સાદાઈભર્યા પવિત્ર જીવનથી નિષ્ટાપૂર્વકની લોકસેવા દ્વારા બનાસકાંઠામાં  જ માત્ર નહીં પણ ગુજરાતમાં પણ અપૂર્વ લોકચાહના મેળવનાર શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ આપણી વચ્ચે ન હોવા છંતા પણ તેમની ચિરકાલીન સુવાસ મૂકતા ગયા છે.

ગ્રામ સંગઠનના પ્રખર પુરસ્કર્તા અને પ્રેરણાદાતા સંતબાલજી મહારાજના સંપર્કમાં આવ્યા પછી મુનિશ્રીની વાણી અને વિચારો સ્વર્ગસ્થશ્રીના હર્દયમાં ઊંડું સ્થાન પામ્યા અને એ પ્રેરણાથી પ્રેરાઈને બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ સંગઠન ઊભું કરવાનો એમણે દ્રઢ નિર્ધાર કર્યો. આ માટે એમણે સમગ્ર જિલ્લાનો પ્રવાસ કરી ગામડાની જનતાને પોતાના હક્કો અને અધિકારો પ્રત્યે જાગ્રત કરી. એમના આ કાર્યમાં જિલ્લાના ખેડૂતોએ ખૂબ જ હૂંફ આપી- પરિણામે જિલ્લામાં એક અજોડ ખેડૂત સંગઠન ઊભું કરવામાં અને તે દ્વારા ખેડૂત જનતાના પ્રાણપ્રશ્નોને વાચા આપી. સરકારમાં તેની અસરકારક રજૂઆત કરી ખેડૂતોના પક્ષે ઉકેલ લાવવાના પ્રશ્નોના સંતોષકારક ઉકેલ લાવવામાં તેઓ યશભાગી બન્યા. એની સાથે સાથે જ ખેડૂતોને નૂતન ભારતમાં થઈ રહેલા વિકાસકાર્યોનો પ્રત્યક્ષ પરિચય કરાવવા ત્રણ વખત સમગ્ર ભારત દર્શનના પ્રવાસો યોજી એના ફળદાયી પરિણામો લાવવામાં સફળ રહ્યા.

ભૂતપૂર્વ મુંબઈ રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા ત્યારે લોકોના સતત સંપર્કમાં રહીને તેમના પ્રશ્નોનો તલસ્પર્શી અભ્યાસ કરી વિધાનસભામાં તેની રજૂઆતમાં આ જિલ્લાની વિશિષ્ઠ તળપદી ભાષાને ચમકાવવામાં અને તે પ્રશ્નોના સંતોષકારક નિકાલ લાવવામાં એમનું સ્થાન મોખરાની હરોળમાં આવે છે.

પંચાયતી રાજ્યની સ્થાપના પછી પાંચ વર્ષ સુધી વડગામ તાલુકા પંચાયતના પ્રમુખપદે રહી વડગામ તાલુકાની જનતાની સેવા કરી. ત્યારબાદ ૧૯૬૮માં જિલ્લા પંચાયતના પ્રમુખપદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા. આ સ્થાનેથી, તે પ્રાપ્ત થતાંની સાથે જ આમજનતાના પ્રશ્નોમાં ગૂંથાઈ ગયા. એ માટે રાત દિવસ મથામણ કરતા અને એના ઉકેલ માટે વ્યસ્ત શ્રી ગલબાભાઈ સાથે થોડો સમય એ પણ જીવનનો એક લ્હાવો હતો. જિલ્લાને મોખરાનું સ્થાન પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નશીલ સ્વગર્સ્થશ્રીએ એ વખતની કોંગ્રેસ સરકારમાં મહત્વના રાજપુરૂષ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. તેમની ગણત્રી રાજ્યના એક અદના પુરૂષ તરીકે થવા લાગી હોવા છતાં અને ગુજરાતના અન્ય નેતાઓના પણ પ્રેરણાદાયી બન્યા હોવા છતાં તેમની નમ્રતા, સાદાઈ, કર્તવ્યનિષ્ઠા અને સેવામાં કદાપિ ન્યૂનતા આવી નહોતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેઓ ખેડૂતો, ખેતમજૂરો, આદિવાસી, હરિજનો, પછાત અને નબળા વર્ગો, લઘુમતી વર્ગો અને સામાન્ય જનતામાં અત્યંત પ્રિય હતા. ફલસ્વરૂપે એમના માર્ગદર્શન અમે પ્રેરણા જિલ્લાના કોઈ પણ સંગઠન કે પ્રવૃતિને વેગ આપવા માટે આવશ્યક તત્વો બની રહેતા. એમની સહાનુભૂતિ જિલ્લાની કોઈપણ શુભ પ્રવૃતિના સાફલ્ય માટે સમર્થક બનતી. આમ બહોળા જનસમુદાય સાથેના એમના સંપર્કો એમને વ્યક્તિ મિટાવી એક સંસ્થા બનાવી દીધા હતા.

જિલ્લાના ગામડાંની સેવા માટે મુંબઈ વગેરે સ્થળોએ જઈ સુખી દાતાઓ પાસેથી દાનાના પ્રવાહો જિલ્લા તરફ વાળવામાં એમનો અથાક પ્રયત્ન કારણભૂત બન્યો હતો અને એ પ્રણાલિકા આજ પર્યત અસ્તિત્વમાં રહી છે અને એના મીઠાં ફળ આપણે સૌ ચાખી રહ્યાં છીએ.

જિલ્લામાં એમના પ્રમુખપદના સમય દરમ્યાન પડેલા બે કારમા દુષ્કાળોમાં પીડાતી પ્રજાને ગામડે ગામડે ફરીને સહાનુભૂતિ આપવામાં અને રોજીરોટીના એમના પ્રશ્નોમાં એમણે લીધેલો અથાક પરિશ્રમ પ્રજાનાં પ્રેરકબળો બન્યાં અને એના કારણે જનતા બેઠી થઈ શકી એમ કહેવું અસ્થાને નથી.બનાસનદીના સામા કાંઠાના વિસ્તારની પીવાના પાણીની ભીષણ મુશ્કેલીઓ નિવારવા અને બોર બનાવવા માટે પણ દાનો લાવી પ્રજાને શક્ય તેટલું પાણી પૂરું પાડવાનો યશ તેમને ફાળે જાય છે.બાળપણથી માતાપિતાની શીળી છાયાથી વંચિત રહેલા. એમના માટે પૂરતું શિક્ષણ લેવાનું શક્ય બન્યું ન હોવા છંતા શિક્ષણના પ્રશ્નોમાં એમનો રસ અને સૂઝ અવર્ણનીય રહ્યા હતાં અને પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર શિક્ષણ સુધી આ જિલ્લામાં એમનું પ્રદાન અમૂલ્ય રહ્યું છે.

બનાસકાંઠાના ખેડૂતોમાં રાજકીય જાગૃતિ લાવવામાં સફળતા મળ્યા પછી ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા માટે પશુપાલનનો ઉદ્યોગ વૈજ્ઞ્યાનિક ઢબે વિકસાવી તે દ્બારા ખેડૂત સમાજને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના આશયથી સદગતશ્રીએ બનાસડેરીની સ્થાપના કરી એટલુ નહીં પરંતુ ડેરીના વિકાસમાં એના આદ્યસ્થાપક અને પ્રમુખ તરીકે જિલ્લાના ખૂણે ખૂણામાં ફરીને ખેડૂતોની દૂધ ઉત્પાદક મંડળીઓ રચવાની પ્રેરણાનું સ્ત્રોત એમણે વહાવ્યું અને એમના એ પરિશ્રમના પરિપાક રૂપે આપણે જોઈ રહ્યા છીએ કે જિલ્લાની ગ્રામ જનતાના ઉધ્ધાર માટે બનાસડેરી પાયાના સાધન તરીકે ઉત્તરોત્તર વિકસી રહી છે. આ બનાસડેરીમાં એના સ્વર્ગસ્થ સ્વપ્નદ્રષ્ટાના જીવનનો નિચોડ છે અને તે સદગતના જીવંત સ્મારક તરીકે સ્થાન પામી છે એમા લેશમાત્ર શંકાને સ્થાન નથી.

સદગત સાથે મારે નિકટનો પરિચય હતો. રાજકારણમાં અને સેવાના કાર્યમાં મને લાવનાર અને એની પ્રેરણા આપનાર તેઓ હતા એ દ્રષ્ટિએ તેઓ મારા રાજકીય ગુરુ હતા. મારા જાહેર જીવનને ઘડવામાં તેઓશ્રીનો ફાળો ઘણો મોટો છે એ સ્પષ્ટ હકિકત છે, અને એ રીતે એમની સાથે ગાળેલા સમયનું અને એમના સંમ્પર્ક દરમિયાન મને પ્રાપ્ત થયેલ પ્રેરણાઓનું સમગ્ર વર્ણન આ એક માત્ર લેખમાં સમાવિષ્ટ કરવું શક્ય ન બને. માટે આ ક્ષણે તો એ સર્વગ્રાહી રીતે આદરપાત્ર એવા બનાસકાંઠા જિલ્લાને રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ લાવનાર અને એમાં ઘણું મોટું પ્રદાન કરનાર એવા મહાન આત્માને હું મારી શ્રધાંજલી સમર્પિત કરું છું અને તેઓશ્રીના નિધનથી પડેલી ખોટ પૂરવા માટે પ્રાર્થના સાથે વિરમું છું.

– સ્વ. દલુભાઈ દેસાઈ

[ગલબાભાઈ સ્મૃતિ ગ્રંથ-૧૯૭૯ માંથી સાભાર]

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.