ઉત્તમભાઈ મહેતા - જીવન ચરિત્ર, વ્યક્તિ-વિશેષ

એક બાજુ નિષ્ફળતા, બીજી બાજુ હતાશા.-કુમારપાળ દેસાઈ

પ્રકરણ- છ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રી ઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભારસહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયે ટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. નથી કિનારો કે નથી દીવાદાંડી  એ પુસ્તકનું છઠ્ઠુ પ્રકરણ છે.આ અગાઉ પ્રકરણ –  – ૩ – ૪  ૫ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટ લિમિટેડ,અમદાવાદનો આભારી છું.- તંત્રી : www.vadgam.com]

 

બાહ્ય સપાટીએ સામાન્ય લાગતી ઘટના કવચિત કાળના પ્રવાહમાં વિકરાળ રૂપ ધારણ કરે છે અને માનવીના જીવનને અકલ્પ્ય અને અણધાર્યો વળાંક આપે છે. કઈ ક્ષણે કેવી ઘટના સર્જાશે એની કોને ખબર હોય છે ? ‘ન જાણ્યું જાનકીનાથે, કાલે શું થવાનું છે’ એમ એક નગણ્ય લાગતી ઘટના સમય જતાં જીવનમાં વિરાટ ઝંઝાવાત સર્જી જતી હોય છે ! ઇ.સ. ૧૯૫૪માં ઉત્તમભાઈને શરદીની તકલીફ ઊભી થઈ હતી. આ સમયે તેઓ ભાવનગરમાં હતા. અહીંના ડૉકટર પાસે ગયા અને શરદીની વાત કરી તો ડૉક્ટરે કહ્યું કે તમારી શરદી અને બેચેની બધું જ તત્કાળ દૂર થાય એવી રામબાણ ઔષધી જેવી ટેબ્લેટ તમને આપું છું. તમે તરત સ્ફૂર્તિવાન બની જશો.

ઉત્તમભાઈએ ડૉકટરે આપેલી શરીદીની ગોળીઓ લીધી અને ખૂબ ઝડપથી સ્વસ્થ થઈ ગયા. એમની શરદી તો મટી ગઈ અને વિશેષમાં આશ્ચર્યજનક રીતે એમને શરીરમાં એકાએક અજબ સ્ફૂર્તિનો અનુભવ થયો. એ પછી ફરીવાર ફરતાં-ફરતાં તેઓ ભાવનગર પહોંચ્યા ત્યારે ડૉક્ટરને મળવા ગયા અને કહ્યું કે તમે આપેલી પેલી ટેબ્લેટ અત્યંત અસરકારક હતી. મારી શરદી ખૂબ ઝડપથી દૂર થઈ ગઈ હતી. એમણે ડૉક્ટરને એ ટેબ્લેટનું નામ પૂછ્યું ત્યારે ડૉક્ટરે કહ્યું કે તમને મેં શરદી દૂર કરવા માટે ‘એમ્ફેટેમિન ટેબ્લેટ’ આપી હતી.

આ ટેબ્લેટ એવી હતી કે વ્યક્તિ ગમે તેટલી થાકેલી હોય, તો પણ એ લેવાથી એને તત્કાળ સ્ફૂર્તિનો અનુભવ થતો હતો. એનું મન ઉદાસીન હોય કે સહેજે ‘મૂડ’ ન હોય, તો એકાએક તે ‘મૂડ’ માં આવી જાય. દવા રામબાણ ઔષધ જેવી હતી, પરંતુ સમય જતાં એની આડઅસરો ઘણી ભયંકર થાય એવી હતી. એકાદ દિવસ પૂરતો દવાથી તાજગીનો અનુભવ થાય, પરંતુ સમય જતાં એની આડઅસર કેટલીય શારીરિક અને માનાસિક મુશ્કેલીઓ સર્જે તેમ હતી.

ઉત્તમભાઈએ વિચાર્યુ કે કામનો વધુ પડતો બોજ હોય, સામા પ્રવાહે તરવાનું હોય, એકલે હાથે પુરુષાર્થ ખેડવાનો હોય ત્યારે ક્યારેક આ દવા લેવી સારી ગણાય. થાક ઉતરી જાય, બેચેની જતી રહે અને તત્કાળ સ્ફૂર્તિ આવતાં વળી કામ કરી શકાય. થોડી આળસ વરતાતી હોય કે કામ કરવાનું મન થતું ન હોય ત્યારે આવી ટેબ્લેટ લેવામાં કશું ખોટુ નથી. વળી કવચિત એનો ઉપયોગ કરવામાં મોટી તકલીફ ઊભી થવાની શક્યતા પણ નથી. મનોમન એમ વિચારતા કે માત્ર પા ટેબ્લેટ લેવાથી ક્યાં આભ ફાટી પડવાનું છે ? અથાક પરિશ્રમ એ એમનો જીવનમંત્ર હતો. ખૂબ શ્રમ લીધા બાદ આ ટેબ્લેટ લઈને ફરી પાછા પૂરા જોશથી કામ કરવા લાગી જતા હતા. બન્યું એવું કે જેમ જેમ પરિશ્રમ વધતો હતો, તેમ તેમ ટેબ્લેટની આદત પણ વધતી ગઈ. આ ટેબ્લેટને કારણે અનેક નવી મેશ્કેલીઓ ઊભી થઈ. ઇ.સ.૧૯૫૭માં સેન્ડોઝ કંપનીએ એક નવા સુપરવાઇઝરની નિમણૂક કરી. આ ઘટનાથી ઉત્તમભાઈને ઊંડો આઘાત લાગ્યો. સેન્ડોઝ કંપનીને માટે રાત-દિવસ જોયા વિના એકનિષ્ઠાથી કામગીરી બજાવી હતી. એને માટે સ્વાસ્થયની પણ સંભાળ લીધી નહીં. કંપનીની મોટી શાખ ઊભી કરી. સૌરાષ્ટ્ર અને કચ્છનાં દૂર-દૂરનાં ગામડાંઓ ખૂંદી વળ્યા હતા. પંદર-પંદર વર્ષ સુધી કરેલી આકરી મહેનતનો આ બદલો ! એમના ઉપરી તરીકે કંપની કોઈકને સુપરવાઈઝર નીમે એ વાત જ ઉત્તમભાઈને સહેજે પસંદ પડી નહીં. બળતામાં ઘી હોમાય એવી ઘટનાઓ બનવા માંડી. આ સુપરવાઈઝર ઉત્તમભાઈને કોઈપણ સમયે બોલાવે અને તેમને હાજર થવું પડે. વળી તેઓ બોલવામાં વધુ પડતા ઉત્સાહી હતા. શાંત, વ્યવસ્થિત અને વ્યહવારિક ઉત્તમભાઈને એમનો આ અતિ ઉત્સાહ અનુકૂળ આવતો નહોતો. બીજી બાજુ ઉત્તમભાઈને માટે પ્રત્યેક મુસાફરી એ મહાયાતના બની જતી હતી. એમને સતત બે મહિના બહારગામ રહેવાનું આવ્યું. આટલી લાંબી મુસાફરી એમની નબળી તબિયતને કેવી કથળાવી મૂકશે એનો વિચાર ઉત્તમભાઈને કંપાવતો હતો. એમણે મનોમન નોકરી છોડવાનો વિચાર કર્યો. ઉત્તમભાઈ કોઈની સલાહ લેવા જાય તો સલાહ આપનાર એમની વાતને હસી કાઢે. એ કહે, “તમે કેવી વાત કરો છો ? આવી સારી વિદેશી કંપનીની નોકરી આમ છોડી દેવાય ખરી? આટલો બધો પગાર અને ભથ્થાં મળતાં હોય ત્યારે કોઈ બીજો વિચાર કરવાનો હોય જ નહી.”

આ સમયે ઉત્તમભાઈ જુદા જુદા ડૉક્ટરો પાસે નિદાન કરાવવા દોડી જતા હતા, પરંતુ અસ્વસ્થ તબિયતનું કોઈ મૂળ કારણ હાથ લાગતું નહોતું.

આ સમયે ઉત્તમભાઈને મુંબઈમાં વસતા એમના સ્નેહાળ મિત્ર અને વિખ્યાત તબીબને મળવાનું બન્યું. ઉત્તમભાઈએ એમને તબિયત બતાવી અને સલાહ માંગી. ઉત્તમભાઈએ કહ્યું કે સેન્ડોઝની નોકરી હવે કપરી અને આકરી બની ગઈ છે. સ્વાસ્થયનો ઘણો ભોગ આપ્યો છે. હવે વધુ ભોગ આપી શકાય તેમ નથી. વળી સામે પક્ષે કશી કદર તો છે જ નહીં. હવે હું શું કરું ?

એમના સ્નેહાળ ડૉક્ટર મિત્રે સદ્દભાવથી સલાહ આપી કે સેન્ડોઝની નોકરી છોડવી હોય તો પણ રાજીનામું આપવાની જરૂર નથી. એમણે યોગ્ય માર્ગદર્શન આપતાં કહ્યું કે રાજીનામું આપીશ એટલે તારા બધા હક્કો ડૂબી જશે. આમ કરવા જતાં તારે ત્રીસ-ચાલીસ હજારની ખોટ ખમવી પડશે.

ઉત્તમભાઈએ કંપની સાથે પત્રવ્યહવાર કર્યો. પોતાનું રાજીનામું ધરી દેવાને બદલે એમણે પોતાની પ્રતિકૂળતાની રજૂઆત કરી. આવા સંજોગોમાં સંચાલકો કર્મચારીના રાજીનામાનો આગ્રહ સેવાતો હોય છે, કારણ કે છૂટા થનાર કર્મચારીને વધુ પગાર અને હક્કો આપવા પડે નહી. મિત્રની સલાહ મુજબ ઉત્તમભાઈએ રાજીનામું આપ્યું નહીં, આથી સેન્ડોઝ કંપનીએ ઉત્તમભાઈની અમદાવાદથી બદલી કરી દીધી. ઉત્તમભાઈને માટે આવા કથળેલા સ્વાસ્થયને કારણે ક્યાંય બીજે જવું પાલવે તેમ નહોતું અને અન્યત્ર સ્થાયી થવું શક્ય નહોતું. બીજી બાજુ એમ પણ થયું કે રાજીનામું ધરી દઈ ત્રીસ-ચાલીસ હજાર ગુમાવવા શા માટે ? અંતે સંચાલકો એ એમને ટર્મિનેશનની નોટિસ આપી અને ઉત્તમભાઈએ ઉદાસીન અનુભવો સાથે સેન્ડોઝની નોકરી છોડી.

ઇ.સ.૧૯૫૮ના ઑગષ્ટ મહિનાનો એ સમય હતો. લાંબી મુસાફરી અને શારીરિક તકલીફને લીધે ઉત્તમભાઈ નોકરીમાંથી નિવૃત થયા, પરંતુ એમની કાર્યશૈલી એમના સહકાર્યકરોના મનમાં જડાઈ ગઈ હતી.

આવી સારી અને પ્રતિષ્ઠિત કંપનીની નોકરી છોડ્યા પછી તેઓ કરશે શું ? આવો સવાલ એમની આસપાસ સહુ કોઈના મુખે હતો. આની પાછળ કેટલાંકને જાણવાની સાચી જિજ્ઞાસા હતી, તો કેટલાકના મનમાં થોડું કૌતુક પણ ખરું.

જીવનના સંબંધોને ગણિતના દાખલાની માફક ગોઠવી શકાતા નથી. લાગણીના ભીના સબંધો એક એવી બાબત છે કે જ્યાં કોઈ ગણતરી કામ આવતી નથી. મુંબઈના ડૉકટર કીર્તિલાલ ભણશાળી એક વિખ્યાત ડૉક્ટર હતા. એમની ખૂબ સરસ પ્રેક્ટિસ ચાલતી હતી અને એમની ખ્યાતિ પણ ચોતરફ ફેલાયેલી હતી. આ ડૉક્ટરને ઉત્તમભાઈ તરફ એવી અંગત સ્નેહભરી લાગણી હતી કે સતત એમની ચિંતા કરતા હતા. એમનું સ્વાસ્થ્ય તપાસીને એમની ચિકિત્સા પણ કરતા કરતા. વળી હિતેચ્છુ મિત્રની જેમ જીવનના પ્રશ્નોનું સહચિંતન કરતા. ડૉ. કીર્તિભાઈ ભણશાળીએ ઉત્તમભાઈને પૂછ્યું, “હવે તમે શું કરવાનો વિચાર રાખો છો ? આજીવિકા માટે હવે કેવી નોકરી કરવી છે ?”

ઉત્તમભાઈએ કહ્યું “નોકરીનો સ્વાદ તો મેળવી લીધો. હવે એટલું તો નક્કી છે કે મારે નોકરી કરવી નથી. ભલે નાનકડો પણ ધંધો કરીશ. મારા જીવનનાં અરમાન વિશાળ પાયે ધંધો ખેડવાનાં છે, આથી કોઈ નવા ધંધાની શોધમાં છું.”

ઉત્તમભાઈના સ્નેહાળ મિત્ર ડૉ. કીર્તિભાઈએ લાગણીવશ થઈને કહ્યું, “હું કોઈની જોડે ભાગીદારી કરતો નથી, પરંતુ જો તમે ધંધાનું ખેડાણ કરતા હો તો તમારી સાથે હું ભાગીદારી કરવા તૈયાર છું.”

ડૉક્ટર મિત્રના સૈજન્ય, સજ્જનતા અને સહયોગી થવાની ભાવનાનો ઉત્તમભાઈને પ્રત્યક્ષ અનુભવ હતો. એક ક્ષણે એમ પણ થયું કે આવી વ્યક્તિ સામે ચાલીને સાથ આપવા તૈયાર થતી હોય તો બીજું જોઈએ શું ? ઉત્તમભાઈ અમદાવાદ છોડીને મુંબઈ ગયા. ઘણી વિચારણા ચાલી પણ ભાગીદારીનો યોગ સધાયો નહીં.

તપોધન નામના સાવ નવા પણ મહેનતુ વકીલ પાસે ગયા. એ વકીલ ઉત્તમભાઈ પ્રત્યે લાગણી વાળા હતા. એમણી ઉત્તમભાઈને ઘરે બોલાવીને હિંમત આપી કે તમે કશી ફિકર કરશો નહીં. હું બધુ કરી આપીશ. એ સમયની એમની આર્થિક પરિસ્થિતિ જોઈને વકીલે ફી પણ ઘણી ઓછી લીધી. આમ એક ઇમ્પોર્ટ લાઈસન્સ મળી જાય તો સારો એવો નફો થાય એમ હતું.

ઉત્તમભાઈના જીવનમાં તો આવી ઘટના ડગલે ને પગલે જોવા મળે છે. લાંબી મહેનતને અંતે કિનારે આવેલું નાવ ડૂબી જતું હતું. ઉત્તમભાઈની પ્રગતિ અને પુરુષાર્થની પરાકાષ્ઠા સાધવામાં જાણે વિધિ એમની અગ્નિપરીક્ષા કરવા વચ્ચે-વચ્ચે કોઈ અવરોધ ન રચતી હોય !

અંતે ઉત્તમભાઈએ જાતે દવા બનાવવનું નક્કી કર્યુ. એમણે પહેલો સિધ્ધાંત એ રાખ્યો કે જો આ ક્ષેત્રમાં વ્યાપારી તરીકે પ્રતિષ્ઠા મેળવવી હોય તો ગુણવત્તાવાળી દવા તૈયાર કરવી જોઈએ. આમ કરવાથી શાખ બંધાય અને ભવિષ્યમાં આસાનીથી વેપાર વધતો રહેશે.

ગડમથલના એ દિવસો હતા. દવાબજારના વેપારીઓને મળીને કઈ દવા વધુ અસરકારક બનશે એનો અભ્યાસ કરતા હતા. વળી પોતાની પાસે મૂડી ઓછી હતી એટલે ઓફિસની જગા મેળવવા માટે મુંબઈમાં ઠેર-ઠેર ફરતા હતા. આખરે તેમણે ટ્રિનિપાયરીન નામની વાની અને ટ્રિનિસ્પાઝમીન નામની પેટના દુ:ખાવાનો ઇલાજ કરતી દવા બજારમાં મૂકી. આ સમયે મહિને ચારસો રૂપિયા જેટલો અમદાવાદનો ખર્ચ થાય. થોડી જાહેરાત પણ કરવી પડે.

આમ સાવ ટૂંકી મૂડીએ બહોળી કામગીરી કરવાની હતી. નસીબમાં હજીયે હોટલનો ખોરાક જ રહ્યો ! વળી એકલા રહેવાનું હતું. કામનો બોજો વધતો જતો હતો. પરિણામે ઊંઘ ઘટતી જતી હતી. મુંબઈમાં બે હજાર રૂપિયા આપીને નાનકડી ઓફિસ પણ રાખી. એમણે ટ્રિનિપાયરીન, ટ્રિનિસ્પાઝમીન અને ટ્રિનેક્ટીન જેવી ટેબ્લેટો તૈયાર કરી. આના માટે ઘણું મોટું રોકાણ કરવું પડ્યું. બીજી બાજુ મુંબઈમાં હોટલનો ખર્ચ અને વાહનનો ખર્ચ પણ ઘણો થતો હતો. પરિણામ એ આવ્યું કે ઘણી મોટી આશા સાથે મુંબઈમાં દવાઓ વેચાણમાં મૂકી હતી. નાદુરસ્ત તબિયતને કારણે એમાં વળી અવરોધ ઊભો થયો અને સફળતા મળી નહીં.

દવાની ગુણવત્તાની સહુએ પ્રશંસા કરી, પણ દવાના વ્યવસાયમાં એકલે હાથે કામ કરનારી વ્યક્તિ ફાવતી નથી. વ્યક્તિ ગમે તેટલી બાહોશ હોય, પણ એને માટે જુદા જુદા પ્રકારની કામગીરી ધરાવતો સમગ્ર વ્યવસાય સંભાળવો મુશ્કેલ હતો. આમાં એક બાજુ દવાનું ઉત્પાદન કરવું પડે. દવાના લેબલ અને એ અંગેના સાહિત્યનું પ્રિન્ટિંગ કરાવવું પડે. એને પેક કરવા માટે પેકિંગ મટીરિયલ જોઈએ. આથી ઓછી મૂડી અને એકલો માણસ આમાં સફળતા ન મેળવે. ઉત્તમભાઈને એમ હતું કે એકલે હાથે ધંધામાં કમાણી કરીને આગળ વધીશ. પરંતુ એમની આગેકૂચને તબિયતે પીછેહઠમાં પલટાવી નાખી. મુંબઈના આટલા બધા ખર્ચ ઉપરાંત વિશેષમાં અમદાવાદના મકાનનો અને અમદાવાદમાં રહેતા કુટુંબનો ખર્ચ ઉઠાવવો પડ્યો.

મુંબઈની આ ઘટના, બગડતું સ્વાસ્થ્ય, ચિત્તની વિહવળતા અને એમ્ફેટેમિન ટેબ્લેટની આદતે ઉત્તમભાઈની કાર્યશક્તિ વિશે આસપાસના વર્તુળમાં અવિશ્વાસ જગાડ્યો. એક સમયે દવા ઉદ્યોગની પોતાની સૂઝ અને આવડતને કારણે તેઓ આત્મવિશ્વાસથી સહુને કહેતા કે આ ઉદ્યોગ દ્વારા, એ અઢળક કમાણી કરશે, પરંતુ ધીરે ધીરે સહુનો વિશ્વાસ ઓસરવા માંડ્યો. એકાદ-બે વર્ષ તો ઠીક, પરંતુ એ સ્વપ્નસિધ્ધિની સાત-સાત વર્ષ સુધી સહુએ રાહ જોઈ અને છતાં સતત નુકશાની જોતાં એમની પરની શ્રધ્ધા ઓસરી ગઈ. કેટલાંકે તો કહ્યું કે હવે ઉત્તમભાઈની શારીરિક, માનસિક અને આર્થિક ત્રણે પરિસ્થિતિ એવી છે કે તેઓ દવાનો વ્યવસાય તો ઠીક, કિંતુ કોઈ પણ પ્રકારના વ્યવસાય માટે અયોગ્ય છે.

ઊગતા સૂરજને પૂજનારો સમાજ ઉત્તમભાઈની નિષ્ફળતા જોઈને એમ માનવા લાગ્યો કે ભલે તેઓ આટલું બધું ‘ભણ્યા’ હોય પણ ધંધાની બાબતમાં ‘ગણ્યા’ નથી. આને કારણે એક વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થયું.

એક વાર મુંબઈમાં પ્રસિધ્ધ સાઈકિયાટ્રિસ્ટ ડૉ. બગડિયાને એમની તબિયત બતાવી. એમણે ‘ડ્રિપેશન’ માટે એક નવી દવા બતાવી. એ સમયે એની એક ગોળીની કિંમત આઠ આના હતી. ત્રણ-ચાર અઠવાડિયાં આ દવા લીધી હોત તો એનું પરિણામ જાણવા મળ્યું હોત, પરંતુ માત્ર અડધી બોટલ જ ખરીદી શક્યા. એને માટે વધુ રકમ નહોતી. વ્યવસાયી જીવનના પ્રારંભમાં જ હતાશાભરી પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો.

એક બાજુ નિષ્ફળતાની એક પછી એક ઠોકર ખાતા રહ્યા અને બીજી બાજુ એવો સમય આવ્યો કે એમની ધંધાની વાતોને બધા હસી કાઢે અને કોઈ નોકરી આપે નહીં.

મુંબઈના સાહસમાં પચીસ હજાર રૂપિયા વપરાઈ ગયા. કેટલાક એમ માનતા કે ઉત્તમભાઈએ સેન્ડોઝની સારી નોકરી છોડીને અણાઆવડતથી રૂપિયા ઉડાવી દીધા. હકીકત એ હતી કે ઉત્તમભાઈએ સફળતા માટે મોટો પુરુષાર્થ ખેડ્યો, પરંતુ નિષ્ફળતા જ હાથ લાગી. વિધિ એમના ખમીરની પરીક્ષા કરતી હતી.

વિધાતા અવરોધો એવા આપતી કે એના એક પ્રહારથી જ માનવી હતપ્રભ બની જાય, પણ જિંદગીના કેટલાક કડવા ઘૂંટડા પી જનાર ઉત્તમભાઈને એકાદ વધુ કડવો ઘૂંટડો પીવામાં હવે પરેશાની થતી નહોતી. અમૃતની ક્યાંય કશી આશા જ ન હોય, ત્યાં ઝેરની અસર ઓછી થઈ જાય છે.