આજકાલ સગાઈ તુટવાના કીસ્સા કેમ વધુ બની રહ્યા છે ? : – રોહીત શાહ
[ પ્રસ્તુત લેખ વડગામ વેબસાઈટ ઉપર મુકવાની સંમતિ આપવા બદલ શ્રી રોહીતભાઈ શાહનો આભાર વ્યકત કરું છું – નિતિન પટેલ ]
એક યંગ ગર્લનો ઈ.મેલ દ્વારા લેટર આવ્યો છે. એ યંગ ગર્લનું નામ બદલીને લખવું પડે એમ હોવાથી લખવું જ નથી, પણ તેનો ઈ.મેલનો જવાબ મેં તેને ઈ.મેલથી મોકલી આપ્યો છે એ વાત અહીં જરુર ઉલ્લેખવી છે. પહેલાં તેનો પત્ર થોડોક એડીટ કરીને મુકું છું :
‘મારી ઉંમર 23 વર્ષ અને ત્રણ મહીનાની છે. બી.કૉમ. છું. સાતેક મહીના પહેલાં મારી સગાઈ 24 વર્ષના છોકરા સાથે થઈ હતી. બીજું બધું બરાબર છે; પણ મને એમ લાગ્યા કરે છે કે છોકરો મેચ્યોર નથી. કાં તો મારી હાઈ એક્સ્પેક્ટેશન હશે કાં તો ખરેખર તેની પાત્રતા ઓછી હશે. જે હોય એ, પણ મને ઉંડે–ઉંડે ચપટીક અસન્તોષ છે. ક્યારેક મનમાં સવાલ થાય છે કે આ છોકરાની સાથે આખી લાઈફ હું વીતાવી શકીશ ખરી ? મેરેજ પછી સમ્બન્ધ તોડવો પડે તો કેવી બદનામી થઈ જાય ! સગાઈ તોડી નાખવાના વીચારો વારંવાર આવ્યા કરે છે. આ વાત મેં મારી ફૅમીલીમાં પણ કહી છે. તેઓ કહે છે કે અમને તો છોકરો શાન્ત, ડાહ્યો અને ખાનદાન લાગે છે. તું હવાઈ ખ્વાબોમાં રાચે છે. સગાઈ તોડવાની જરુર નથી. એક વખત સગાઈ તુટ્યા પછી છોકરીને ફરીથી સારું પાત્ર મળવામાં વીલમ્બ થાય છે. લોકો હજારો શંકાઓ કરે છે. લોકો એમ કહેશે કે સાત–સાત મહીનાથી બન્ને જણ સાથે ફરતાં હતાં; તેમણે આટલા સમયમાં નજીક આવવામાં શું બાકી રાખ્યું હશે ? ભલે આપણે ગમે તેટલાં ચોખ્ખાં હોઈએ તોય સમાજ મહેણાં–ટોણા મારશે. તારે સગાઈ તોડવી ન જોઈએ. સર, મારે મારી ફૅમીલીની સલાહ માનવી કે મારા હૈયાની બળતરા શાન્ત કરવી ? હું કન્ફ્યુઝ થઈ ગઈ છું. પ્લીઝ, મને ગાઈડન્સ આપો કે મારે શું કરવું જોઈએ ?’
ફરીથી જણાવી દઉં કે આ પત્ર એડીટ કરેલો છે. મુળ પત્રમાં તો તેણે ઘણી નીખાલસ વાતો લખી છે.
હવે મેં આપેલો જવાબ :
‘આજકાલ સગાઈ તોડવાની વરવી ફૅશન કે ભુંડી સ્પર્ધા જાણે ચાલી રહી છે. સહેજ કંઈક અણગમતું બન્યું નથી કે તરત બનેના રસ્તા અલગ થઈ જાય છે. એનું મારી દૃષ્ટીએ એક કારણ એ છે કે આજની યુવતીઓ એજ્યુકેટેડ અને સેલ્ફ-ડીપેન્ડન્ટ બની ચુકી છે. તેમને કોઈની તાબેદારી કે જોહુકમી સહન કરવાનું ગમતું નથી. હું પણ માનું છું કે કોઈએ કોઈની તાબેદારી વેઠવાની જરુર નથી. સેલ્ફ–ડીપેન્ડન્ટ હોવું એ ખરેખર ગૌરવની ઘટના છે; પરંતુ મહત્ત્વની વાત લાઈફની છે, ફ્યુચરની છે.
તારા પત્રમાં તેં તારી ફૅમીલીનો પ્રતીભાવ જણાવ્યો ન હોત તો કદાચ હું મીસગાઈડ થઈ ગયો હોત અને તને સગાઈ તોડવાની સલાહ આપી બેઠો હોત. આખી જીન્દગી રીબાઈ–રીબાઈને જીવવું પડે એના કરતાં એક વખત જલદ ફેંસલો કરવો પડે તો ભલે – એમ જ મેં પણ કહ્યું હોત; પણ તને જે પાત્રમાં મેચ્યોરીટીનો અભાવ લાગે છે એ જ પાત્રમાં તારી ફૅમીલીને સારા ગુણો દેખાય છે !
પૉસીબલ છે કે તેં જણાવ્યું છે એ પ્રમાણે કદાચ તારી ઉંચી અપેક્ષાઓને કારણે તને છોકરો મેચ્યોર નથી લાગતો. એવી જ રીતે તારી ફૅમીલીને સગાઈ તોડવાથી થનારી સંભવીત બદનામીના ભયને કારણે છોકરામાં સારા ગુણો દેખાતા હોય એ પણ પૉસીબલ છે. હું સંપુર્ણ ન્યુટ્ર્લ છું. હવે તારી લાગણી સમજીને, તને મારે કહેવું છે કે તારો ફીયાન્સ તારી દૃષ્ટીએ પુરો મેચ્યોર નથી એટલું જ ને ? એ તને ખુબ ચાહે છે અને તને ખુશ રાખવા પ્રયત્ન કરે છે એમ પણ તેં લખ્યું છે. શું હૅપી લાઈફ માટે આટલું ઈનફ નથી ? તું કહે છે કે છોકરો મેચ્યોર નથી લાગતો એ વાત સાવ સાચી જ હોય તોય; તારે સગાઈ તોડવાની જરુર નથી. સપોઝ, તને બીજો કોઈ મેચ્યોર છોકરો મળી જશે; પરન્તુ તે વ્યસની કે વ્યભીચારી કે ઉગ્ર સ્વભાવનો કે જોહુકમી કરનારો હશે તો તને ગમશે ? ગરીબ અને ઓછું ભણેલો હશે તો ચાલશે ? તેની ફૅમીલીના બીજા પ્રૉબ્લેમ્સ હશે તો એ બધું તું સહન કરી શકીશ ? તું પત્રમાં લખે છે કે આખી લાઈફ અનમેરીડ રહેવાની પણ તારી તૈયારી છે. શું એ હૅપી લાઈફ હશે ? હૅપીનો અર્થ એ નથી કે અનહૅપી ન હોવું. હૅપીનો અર્થ છે અનહૅપીનેસ સાથે કૉમ્પ્રોમાઈઝ કરવું. ફીલ્મ ‘સરસ્વતીચન્દ્ર’ ના એક ગીતની પંક્તી તારા કાનમાં કહીને મારી વાત પુરી કરીશ. નીર્ણય તો તારે પોતે જ લેવાનો રહેશે, ઓકે ? પેલા ગીતની પંક્તી વારંવાર યાદ કરીને ફેંસલો કરજે–
ચાંદ મીલતા નહીં, સબકો સંસાર મેં,
હૈ દીયા હી બહુત, રોશની કે લીએ…
શું કરવું જોઈએ ?
સગાઈ કરતાં પહેલાં યુવક–યુવતીઓએ ખુબ ધીરજ રાખવી જોઈએ, ઉતાવળે નીર્ણય ન કરવો જોઈએ. એકબીજાને મળીને પોતપોતાનાં રસ–રુચી તથા અપેક્ષાઓ સંપુર્ણ નીખાલસપણે જણાવવાં જોઈએ. કોઈના આગ્રહ કે દબાણથી ‘હા’ ન પાડવી જોઈએ. ગાઈડન્સ ભલે અનેકનું લઈએ; પણ નીર્ણય પોતાનો જ હોવો જોઈએ. સગાઈ પહેલાં કોઈ કૉમ્પ્રોમાઈઝ ન કરો તો ચાલે; પણ સગાઈ પછી થોડું લેટ–ગો કરતાં શીખવું જરુરી જ નહીં, અનીવાર્ય છે. મેરેજ પછી તો ડગલે ને પગલે લેટ–ગો કરવું જ પડવાનું રહે છે. ભવીષ્યમાં પોતે કઈ બાબતે કૉમ્પ્રોમાઈઝ કરવા તૈયાર છે એ વીચારીને જ સગાઈ કરવી જોઈએ.
હા, સગાઈ થયા પછી જો કોઈ એક પાત્ર ખોટી માગણીઓ (દહેજ વગેરે) રજુ કરે કે ખોટી અપેક્ષાઓ (મેરેજ પહેલાં સેકસ વગેરેની) માટે જીદ્દ કરે તો કદાચ નીર્ણય બદલવો પડે; પરંતુ નાની–નાની બાબતમાં સગાઈ તોડવા ઉશ્કેરાઈ જવાનું ઠીક નથી. સગાઈને હાફ–મેરેજ કહેવાય છે. સગાઈનો નીર્ણય ભલે થોડો વીલમ્બથી થાય; પણ શકય હોય ત્યાં સુધી એ નીર્ણયને વફાદાર રહેવું જોઈએ.
સગાઈ કેમ તુટે છે ?
સગાઈ તુટવાના કીસ્સા આજના યુગમાં વધી પડ્યા છે એ ભારે ચીંતાનો વીષય છે. પહેલાંના જમાનામાં યુવક–યુવતી પરસ્પર મળી શક્તાં નહોતાં. બન્નેની ફૅમીલી તરફથી જ સગાઈ નક્કી થઈ જતી. હવે તો યુવક–યુવતી એકબીજાને મળી શકે છે, ચાર–પાંચ વખત મીટીંગ કરી શકે છે. પર્સનલી મળીને પરસ્પરનાં રસ–રુચી જાણી–સમજી શકે એવી અનુકુળતા તેમને આપવામાં આવે છે. તો પછી સગાઈ કેમ તુટે છે ? બે મુખ્ય કારણો છે: એક તો લાઈફ–પાર્ટનર પ્રત્યેની વધુપડતી અપેક્ષાઓ અને બીજું કારણ સમાધાનવૃત્તીનો અભાવ. સગાઈ કરનારાં દરેક યુવક–યુવતીએ એટલો વીચાર કરવો જોઈએ કે સામેના પાત્રમાં એક–બે ખામીઓ છે; તો પોતે કાંઈ સર્વગુણસમ્પન્ન તો નથી જ ! વ્યક્તી કાંઈ ઈશ્વર નથી. પોતાની નબળાઈઓ કે ખામીઓનો વીચાર કર્યા વગર માત્ર સામેની વ્યક્તીના દોષો કે તેની ઉણપો જોવાનું ઠીક નથી.
–રોહીત શાહ
મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક ‘મીડ–ડે’માં લેખક શ્રી. રોહીત શાહની અત્યન્ત લોકપ્રીય કૉલમ ‘નો–પ્રોબ્લેમ’ પાંચ વર્ષથી સતત લાખો વાચકો દ્વારા પોંખાતી રહી છે. તેમાં પ્રગટ થઈ ચુકેલા લેખોમાંથી કેટલાક પસન્દ કરેલા ખાસ લેખોનું નમુનેદાર પુસ્તક ‘મુઝ કો યારો માફ કરના’ પ્રકાશીત થયું છે. (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001 ફોન નં.: (079) 221 44 663 પૃષ્ઠ: 8 + 136 = 144, મુલ્ય: રુપીયા 100/-)માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…
લેખક સંપર્ક: શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન: 079-2747 3207 ઈ–મેઈલ: rohitshah.writer@gmail.com
****
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ http://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..