સાહિત્ય-લેખો

કારતક ની વાત : દિનેશ જગાણી

[ પ્રસ્તુત લેખ વડગામ તાલુકાના નાંદોત્રા ગામના શ્રી દિનેશભાઈ જગાણી (અલિપ્ત) એ લખેલ છે. વડગામ વેબસાઈટ ઉપર પ્રકાશન અર્થે મોકલી આપવા બદલ શ્રી દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર]

કારતક માસ અડધો વીતી ગયો છે પણ ઠંડી જેવું ખાસ કઈ લાગતું નથી. દિવસે તો ઉનાળાનું વાતાવરણ હોય છે. અડધી રાત વીત્યા બાદ ઠંડી જેવું લાગે પણ શિયાળો ન કહી શકાય.

અત્યારે સરકારી વસાહતના કેમ્પસમાં સ્ટ્રીટલાઈટના અજવાળામાં બેસીને લખી રહ્યો છું.  ઉનાળાની કોઈ રાત હોય એવું લાગી રહ્યું છે. મંદ મંદ પવન વહી રહ્યો છે, આવી રાતોમાં બર્મ્યુડા-ટીશર્ટમાં  ખુલ્લા પગે બેસવાની મજા અલગ હોય છે, એમાંય જો મનગમતું પુસ્તક હાથમાં હોય કે ગમતી કંપની સાથે હોય તો કહેવુજ શું? અત્યારે તો કાગળ અને પેનની કંપની છે.

આકાશ તરફ નજર ફેકું છું. કુત્રિમ રોશનીના આધિપત્યના કારણે એક પણ તારો દેખાતો નથી. વળી પાસે હાઇવે પસાર થાય છે. વાહનોનો અવાજ અને પ્રકાશ વાતાવરણને વધારે વિરૂપ બનાવે છે. આ નગરમાં રહેવા આવ્યો ત્યારથી આ જ પરિસ્થિતિ છે. એક પણ દિવસ આકાશ દર્શન થયું નથી.

આ પહેલાના નોકરીના સ્થળે આવી જ પરિસ્થિતિ હતી પણ ત્યાનું નાનું રેલ્વે સ્ટેશન મારા માટે મોટું આશ્વાસન હતું. ઘરથી સાવ નજદીક. એકદમ શાંત, વળી સામે ખેતરો આવેલા હોઈ કોઈ ગામની સીમમાં આવી ગયા હોય તેવું લાગ્યા કરે. બેસવા માટે આરસ જડેલા બાંકડા પણ સરસ. નાનું સ્ટેશન હોઈ મુસાફરો પણ વિરલ જોવા મળે. ઘણીવાર તો સાંજે ઓફીસ પતાવી સીધો ત્યાંજ જતો. એક-બે અંતરંગ મિત્રો પણ આવી જતા. પછી મોડે સુધી ત્યાં બેસી રહેતા. પૂનમની રાતે જો કોઈ વિઘ્ન ના આવેલું હોય તો હું ત્યાંજ હોઉં. ખેતરો પર પ્રસરેલી ચાંદની જોયા કરતો.

હમણાં શરદપૂનમના એ રેલ્વે સ્ટેશનની ખોટ ખુબ સાલી. ચાંદની જોવા આ નવા નગરના બધા રસ્તા ખુંદી વળ્યો પણ  નિરાતે બેસી  શકાય એવી શાંત જગા ક્યાંય ન મળી. બધી જગાઓ કુત્રિમ પ્રકાશના આધિક્યથી દુષિત હતી.  વધું દુર જવાની ઇચ્છા થઇ પણ અજાણ્યા નગરના અપરિચિત વગડાઉ  રસ્તા પર મોડી રાતે એકલું જઈ બેસવું યોગ્ય ના લાગ્યું. છેલ્લે એક દોસ્તને ફોન કર્યો તો એ કંપની આપવા તૈયાર થઇ ગયો. અહીના એક જુના મંદિરના બાંકડે જઈ બેઠા, વસ્તીથી સહેજ દુર અમે અને ચાંદની. પણ આ આનંદ થોડી વાર જ રહ્યો મારો એ દોસ્ત ‘વોટ્સ એપ’ પર એની નવી બનેલી પ્રેયસી સાથે મેસેજીંગમાં લાગી ગયો, વાતોનો વિષય એના પર કેન્દ્રિત થઇ ગયો, એને કદાચ મજા આવતી હશે પણ મને મજા ન આવી. ન ચાંદની બરાબર જોવાઈ ના વાતોની મજા આવી. બધું ખીચડી થઇ ગયું. હું ટેકનોલોજી અને પ્રેમ બેમાંથી એકેનો વિરોધી નથી પણ  દરેક વસ્તુનો એક  સમય હોય છે.

એ ઘટના પછી રાતે બહાર બેસવાનું બન્યું નથી. જોઈએ એવું એકાંત પણ ક્યાં મળે છે? પછી તો કાર્તિક પૂર્ણિમા પણ પસાર થઇ ગઈ. ઈચ્છા હતી પુનમની રાતે સિદ્ધપુરના પ્રસિદ્ધ ‘કાત્યોક’ મેળામાં નદીના પટમાં રાત્રે રખડવાની પણ, વધારે પ્રમાણમાં શરદી થયેલી હોઈ મોડી વાળવું પડ્યું. અમારા ઉત્તર ગુજરાતના લોકો માટે કારતક માસ એટલે ‘કાત્યોક’ નો મેળો. રોજીંદા જીવન સાથે વણાઈ ગયેલી ઘટના. બચપણથી પપ્પા સાથે અને પછી મિત્રો સાથે ત્યાં નિયમિત ગયો છું. હા પાછલા સાત-આઠ વર્ષોથી બદલાતા રહેતા નોકરીના સ્થળોના કારણે લય તૂટી ગયો છે. પણ મેળા ના દિવસોમાં મન તો ત્યાંજ હોય. આ વખતે બધું અનુકુળ હતું કે ભારે શરદી થઇ ગઈ! જોકે મને આશ્વાસન આપતી ઘટના પુનમના બે દિવસ બાદ બની. હું વતનના ગામે ગયો હતો ત્યાં એક મિત્રનો ફોન આવ્યો-’ રાતે આવવું હોય તો તૈયાર રહેજે, મેળો હજુ બે-ત્રણ દિવસ ચાલુ છે.’

આ પહેલાં સિદ્ધપુરનો મેળો દિવસે જ જોયો છે. રાત નો પહેલો અનુભવ. પૂનમ જતી રહી હોઈ મનમાં સહેજ ખચકાટ હતો. ચાર મિત્રો ઠીક-ઠીક રખડ્યા. ચાલતાં-ચાલતાં શેરડી ખાધી. મઝા આવી. મેળામાંથી બહાર નીકળતા આ શું જોઉં છું? સરસ્વતી નદીના પટ માથે થાળી સમો ચાંદો દેખાયો! એનું તેજ સહેજ ઝાંખું પડી ગયેલું લાગ્યું પણ મોહક. અમે બધા ખુશ થઇ ગયા. ચાલો મારી ઈચ્છા પૂરી થઇ. નદીના પટ માથે ચંદ્ર જોવાનો આ પ્રથમ અનુભવ. પણ આ ક્યાં નદી છે? આતો સરસ્વતીના મૃતદેહ સમ ભાસતો પટ, હવે એ ક્યાં વહે છે? મોકેશ્વર ખાતે ડેમ બંધાયા પછી એના જળ ક્ષીણ થઇ ગયા છે. ચોમાસું ખુબ સારું રહ્યું હોય ને ડેમ ભરાઈ જાય તો અહી પાણી જોવા મળે, ત્રણ-ચાર ચોમાસે એકાદ વાર. એ રાત્રે થોડું વધારે રોકાઈ શકાયું હોત પણ વળતાં મોટરસાયકલ પર ઘરે પાછા જવાનું  હતું. ગામડાઓનો ખેતરો વાળો રસ્તો ને અમારામાંથી કોઈ સ્વેટર કે બીજું કઈ લાવ્યું નો’તું.

મેળામાંથી પાછા ફરવાનો રસ્તો થોડે સુધી નદીને સમાંતર જુના મકાનો વાળી ગલીઓમાંથી પસાર થાય છે.  વચ્ચે એક-બે નદી સુધી જવાના રસ્તા-ઘાટ પસાર થઇ ગયા. અચાનક મારામાં આ નગરની પ્રાચીનતાનો બોધ જાગ્યો. અત્યારે રાત્રીના અંધકારમાં સાવ સુના જણાતા આ ઘાટ  ભૂતકાળમાં  કેટલા બધા માણસોથી ઉભરતા હશે. કેટ-કેટલા ઋષિમુનિઓએ અહીંથી આદિત્યને જળ અર્પણ કર્યું હશે. ઋષિ કુમારો અને બ્રહ્મચારીઓ દેવ ને અર્પણ કરવા અહીંથી જળ ભરી જતા હશે. નમણી પનીહારીઓની ઠઠ્ઠા-મશ્કરીથી અહીની સવારો સુંદર બની જતી હશે.  સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્યે અહીથી વહેતી સરસ્વતી જોઈ હશે.

હું હજુ કલ્પનાલોકમાંથી બહાર આવું તે પહેલા એક પ્રાચીન ખંડેર પાસેથી પસાર થઈએ છીએ. રુદ્રમહાલય!  હા, સોલંકી યુગની ભવ્યતાની  ઝાંખી કરાવતું આ સ્થાપત્ય હવે તો સાવ જર્જરિત  અવસ્થામાં ઉભું છે. રુદ્રમહાલય વિષે બચપણમાં કેટલીય દંતકથાઓ સાંભળેલી . મૂળ તો આ સ્થાપત્ય સાત માળનું હતું પણ શેષનાગે માથું હલાવતા ઉપરના માળ પડી ગયા. અહીં ઉભારહી સિદ્ધરાજ તેની રાણી સાથે પાલનપુરનું પાતાળેશ્વર મહાદેવનું મંદિર જોતો. વળી આ મંદિરના ભૂગર્ભમાંથી એક ભોયરું રુદ્રમહાલયમાં નીકળતું!

વરંડાની ઇંટો ઉખડી ગઈ છે. આસ પાસ અવશેષો વિખરાયેલા છે. જેમણે રુદ્રમહાલયનો ફોટો પુસ્તકોમાં જોયો છે એમને તો કલ્પનામાં પણ ન આવી શકે. પુરાતત્વ ખાતા દ્વારા કઈ સંભાળ લેવાતી ન હોય એવું લાગ્યું. આમ પણ આપણે ભારતીયો ‘આપણી સંસ્કૃતિ’ ની ફક્ત વાતો જ કરીએ છીએ. આચરણ આપણા લોહીમાં નથી.  ન જાણે આવા કેટલાય સ્થાપત્યો ધ્યાનના અભાવે ધૂળ ખાતા હશે! અહી નિરાતે જોવા આવવું પડશે.

એ રાતે અગિયાર વાગે ગામડાના ઘરે આવ્યો ત્યારે ઘર આગળનું દ્રશ્ય મુગ્ધ કરીદેનારું હતું. ઘર સામે ઉભેલા વિશાળ લીમડાના વૃક્ષમાંથી ચળાઈને આવતો આછો પ્રકાશ પગથિયાં પર પથરાયો છે. આખું ગામ જંપીને  ઊંઘી ગયું છે. વાતાવરણમાં પરમ શાંતિ છે.ઘણા દિવસોથી જેની ઝંખના હતી એવું પરમ શાંતિદાયક એકાંત. પગથીયા પર બેસી જાઉં છું. જમવાનું હજું બાકી છે પણ ઘરમાં જવાનું મન નથી. એવામાં બાનો અવાજ. જમવા જવું પડશે.

એ દિવસ પછી આજે  ફરી થોડું એકાંત મળ્યું છે. ડાયરીમાં એ બધું ટપકાવી લઉં છું. મેળા વિષે વિચાર આવે છે. બધું પતિ ગયું હશે. મેળાના અવશેષો નદીના ભેંકાર પટ પર વિખરાયેલા હશે .અને પેલા રુદ્રમહાલયનું ખંડેર? ઊભું હશે, સદીઓથી ઊભું છે એમજ-નવી દંતકથાઓ જન્માવતું.

૧૩/૧૧/૨૦૧૪

-દિનેશ જગાણી ‘અલિપ્ત’ (૯૮૭૯૮૬૦૯૯૬)