રંગભૂમિની મહેંક ધરાવતા ભલગામ (વડગામ)ના રહિમ ભાઈ મીર.

સને 9/12/1953ના રોજ રહિમ ભાઈ મીરનો જન્મ થયો. તેઓએ સને 1972માં નવમું ધોરણ પાસ કર્યું. બાળપણથી જ તેઓને માતા-પિતાનો વારસાગત કલા-વારસો મળેલો. આમ અટક ‘મીર’ એટલે ગાયન-વાદન તો આવે જ.
નવ પાસ કરીને ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડવો પડ્યો. પરંતુ એકાઉન્ટની સૂઝને કારણે ગામની દૂધ મંડળીના મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. ગામમાં લોકચાહના મેળવી. બાદમાં ગામની પોસ્ટ બ્રાન્ચના મેનેજર તરીકે નિમણૂક થઈ.
પરંતુ જીવનમાં કંઈક નવું કરવું હતું, લોકોના હૈયે ધબકવું હતું. એટલે તેમણે પોસ્ટ મેનેજરની નોકરીમાંથી રાજીનામું ધરી દીધું અને કલાકાર બનવાના સપના સેવ્યા. ગાવું-વગાડવું તો નાનપણથી જ શોખ હતો. ભજન, ગીતો અને નાટકો એમનો આત્મા હતા. એટલે તેઓ શ્રી ગુજરાત આખ્યાન મંડળમાં જોડાયા. ત્યાં વિવિધ પાત્રો ભજવ્યાં – તોરલ, રાણકદેવી, ઑથલ, તારામતી, પદ્મિની, સંતોક, મનોરમા, દેવકી અને દેવી જેવાં ઐતિહાસિક નાટકોના સ્ત્રી પાત્રો તેમણે જીવંત કર્યાં.
સાથે સાથે નવદુર્ગાની નવરાત્રી પ્રસંગે નવ દિવસ માતાજીના ગરબા ગાવા અને ઑર્ગન વગાડવા જતા. લગ્ન પ્રસંગોમાં શરણાઈ વગાડી લોકોને મંત્રમુગ્ધ કરતા.આમ, તેમણે 2010માં અને 2012માં શિક્ષણ અને યુનિસેફ જેવી સંસ્થાઓના કાર્યક્રમો કર્યાં. વિવિધ સન્માનપત્રો પ્રાપ્ત કર્યાં અને સરકારશ્રી તરફથી એક લાખ રૂપિયાના કાર્યક્રમો પણ મળ્યા.
60 વર્ષની ઉંમરે માંદગી સપડાયા. શરીર અશક્ત થયું. આજે તેઓ અશક્ત શરીર સાથે પોતાના ઘરે બેઠા-બેઠા બધાં જ નાટકો અને જીવનશૈલી વિશે જાણે છે અને પરિવાર સાથે ખૂબ જ ખુશ રહે છે.
લેખન સંપાદન : – રિયાઝ મીર ભલગામ (કવિ અજ્વાસ )

Follow