સાહિત્ય-લેખો

માણસને છતી આંખે અન્ધ કરતી અન્ધશ્રદ્ધા.

[વહાલા નીતીનભાઈ,‘વડગામ.કોમ’ની મુલાકાત લીધી. ખુબ જ સરસ વેબસાઈટ તૈયાર કરી છે. અભીનંદન..મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ ઉપરથી ‘માણસને છતી આંખે અન્ધ કરતી અન્ધશ્રદ્ધા’ લેખ ‘વડગામ.કોમ’ ઉપરમુકવાની ઈચ્છા દર્શાવી તે મારા બ્લોગ માટે અને લેખકશ્રી માટે પણ ગૌરવ અને આનંદની ઘટના છે.કારણ આપણો મકસદ સારા વીચારો વહેંચાય, વંચાય અને અનુસરાય તે જ છે. તમારી વેબસાઈટ ઉપર લેખકનું નામ, સરનામું, ફોન/સેલફોન નંબર અને મારા બ્લોગની લીન્ક લખી સૌજન્ય સ્વીકારવા વિનંતી.કુશળ હશો. આભાર. – ગોવીન્દ મારુ]
———————————————————————————————————————————

રોશની ચાહો તો તખ્લીક કરો કોઈ ચીરાગ,

યું દુવાઓં સે નહીં ચાંદ નીકલને વાલા.

અન્ધશ્રદ્ધાનું નખ્ખોદ જાય ! તે હજી વેબસાઈટ યુગમાં પણ પીછો છોડતી નથી. મોબાઈલ ફોન સ્વરુપે વીશ્વ આખું ગજવામાં લઈને ફરતો માણસ, પોતાનું ભવીષ્ય સુધારવા ઢોંગી ભુવાઓ, બાબાઓ, બાપુઓનાં ચરણોમાં મસ્તક ટેકવી દેતાં શરમાતો નથી. માણસ ચન્દ્ર પર પહોંચવા ઉત્સુક છે; પણ અન્ધશ્રદ્ધા છોડવી નથી. એ ચન્દ્ર પર જશે તો પણ, પીયરમાંથી મળતા દહેજની જેમ અન્ધશ્રદ્ધાના લબાચા પણ જોડે લઈને જશે. ચન્દ્ર પર ઘર બનાવશે તે પણ વૈજ્ઞાનીક ઢબે નહીં; વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ ઘર બનાવશે. ઘરમાં તીજોરી મુકાવશે; પણ લાઈબ્રેરીનું કબાટ મુકવાનું સુઝશે નહીં. ચન્દ્ર પર જઈનેય જન્મકુંડળીના આધારે જ જીવવાનું પસંદ કરશે.

ચન્દ્ર પણ એક ગ્રહ છે. અત્યાર સુધી માણસને ગ્રહો નડતા હતા. હવે વીજ્ઞાનના પ્રતાપે માણસ ગ્રહોને નડતો થઈ ગયો છે. તોય ગ્રહોની પુજા કરવાની કુટેવ છુટવાની નથી. ચન્દ્રની છાતી પર બેસીને ચન્દ્રની જ પુજા કરશે, ચન્દ્ર પર હવન કરાવશે, ગણપતી અને તાજીયાનાં જુલુસ કાઢશે, દારુ ઢીંચીને જુલુસમાં કુદકા મારશે, કાંકરીચાળો પણ કરશે ને હુલ્લડ પણ કરશે; કારણ કે ધરતી પર એણે કર્યાં છે, એવાં તમામ કારસ્તાનો જોડે લઈને જ એ ચન્દ્ર પર જવાનો છે. હવે વીચારો, આ ચન્દ્ર નામનો ગ્રહ માનવ ગ્રહથી મુક્તી મેળવવા કયા ભુવા પાસે જશે? એ માટે એને ધરતી પર ઉતરવું પડશે તો ? ધરતી પર ઉતરશે તો પણ, અહીં બધા માણસની જ તરફદારી કરનાર મળશે. ચન્દ્રની વગ તાણે એવો કોઈ બાવા-બાબા ચન્દ્રને મળવાનો નથી, બીચારો ચન્દ્ર !

ધરતી પરથી ચન્દ્ર પર જનાર વીનોદચન્દ્ર, નવીનચન્દ્ર, જગદીશચન્દ્ર, સુભાષચન્દ્ર, ચાંદ મહંમદ, અને ચાંદમીયાં જેવા કંઈ કેટલાય ફઈબાએ નામાભીધાન કે નામાંકીત કરેલા ચન્દ્રો સાચુકલા ચન્દ્રની છાતી પર બેસીને બાબાએ બાંધી આપેલી કંઠીને આંખો મીંચીને ચુંબન કરશે; પણ ચન્દ્ર સુધી જવાનો રસ્તો કરી આપનાર વૈજ્ઞાનીકના નામનું તો નાળીયેર નહીં જ ફોડે. વૈજ્ઞાનીકનું નામ યાદ કોણ રાખશે ? જતે દીવસે આ વીજ્ઞાનની દેણ છે એવું પણ એ કબુલ કરવાનો નથી. મન્દીર–મસ્જીદ બાંધાવવામાં મશગુલ થઈ જશે. કોઈ સમસ્યાના નીરાકરણ માટે દરગાહ પર ચાદર ચડાવવાની મન્નત રાખશે. સમસ્યાનું નીરાકરણ વૈજ્ઞાનીક ઢબે થયું હશે તો પણ, ચાદર તો દરગાહ પર જ ચડશે.

અભણ, ગરીબ અને પછાત વર્ગના લોકોમાં અન્ધશ્રદ્ધા ખુબ જ ફાલી છે, એવું જાહેરમાં કહેનાર વ્હાઈટ–કોલર મેયરો, અધ્યક્ષો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને પોલીસ અમલદાર સુધીના શીક્ષીત અને સમાજમાં આદર્શરુપ ગણાતા માણસો, પોતાની અન્ધશ્રદ્ધાને વહાલથી બચીઓ કરી કરીને પંપાળતા રહે છે. આ બધા લોકો વરસાદ ન પડે તો કથા કરાવે, કોઈ રસ્તે વારંવાર જીવલેણ અકસ્માતો થતા હોય તો એ સ્થળે હવન કરાવે છે. ચુંટણીમાં ટીકીટ મેળવવા બાધા રાખે, ટીકીટ મળી જાય એટલે ચુંટાઈ જવાની બાધા રાખે, ચુંટાઈ જાય એટલે મન્ત્રીપદ કે અધ્યક્ષપદ મેળવવા બાધા રાખે. પરીક્ષામાં પાસ થવા બાધા રાખે, નોકરી માટે મન્નત માને, બદલી માટે પણ બાધા રાખે. આ બધાં કામો પૈસા ખવડાવવાથી જ થઈ જતાં હોવાં છતાં; બાધા રાખી હોય તે તો પુરી કરવાની જ ! ઉપરી અધીકારીને ખવડાવવા માટેના પૈસા ઘર ગીરવે મુકીને મેળવ્યા હોય તો પણ; એ પૈસાનું કોઈ મુલ્ય નહીં. બધો જશ બાધાને ફાળે જાય છે. ફલાણા બાબાની બાધા રાખી એટલે આ કામ થયું.

આપણે ત્યાં વાહનવ્યવહાર વધ્યો છે. માર્ગ અકસ્માતો પણ નીરન્તર થતા રહે છે. માર્ગમાં કોઈ સ્થળે વારંવાર અકસ્માત થતા હોય તો રસ્તો દુરસ્ત કરાવવાને બદલે હવન કરવા બેસી જવાનું. મુળભુત નડતર અને નડતરના નીરાકરણ માટે માર્ગ દુરસ્તીનું કામ હાથ પર લેવું જોઈએ, પણ આવું કોણ કહે ? કહેનારના ઘર પર પથ્થરમારો થાય. નાતબા’ર મુકી દેવાય. સમાજમાં હુક્કાપાણી બંધ કરી દેવાય.

અભણ અને બધી રીતે પછાત એવા માણસની અન્ધશ્રદ્ધા પણ આપણને ગમતી નથી, તો શીક્ષીત અને સમાજમાં આદરપાત્ર ગણાતો અથવા આદર્શરુપ ગણાતો માણસ અન્ધશ્રદ્ધામાં તણાવા લાગે તો એની પાછળ પાછળ દોરાતી પ્રજા પર એની શી અસર પડે ? આદર્શપાત્ર ગણાતો સમાજનો અગ્રણી એમ કહે કે રસ્તે ચાલતા કોઈ પ્રેતાત્માએ મારું ગળું ભીંસી દીધું હતું. શ્વાસ રુંધાવા લાગ્યો હતો. એ તો સારું થયું કે બાબાએ મન્ત્રેલો દોરો મારા ગળામાં બાંધેલો હતો એટલે હું બચી ગયો. પણ ભલા માણસ, પ્રેતાત્મા આવીને ગળે બાઝી પડયો એનું શું ? મંત્રેલા દોરામાં શક્તી હતી તો એ પ્રેતાત્મા તમારી પાસે આવે જ શી રીતે ?

ભુંગળાવાળું થાળીવાજું, પછી રેડીયો, ટેપરેકોર્ડર્સ, કેસેટ્સ, ટેલીફોન, કમ્પ્યુટર, ટેલીવીઝન અને મોબાઈલ ફોન વગેરે અપ્રાપ્ય અને આધુનીક ઉપકરણો વીજ્ઞાને આપણી સામે લાઈનબંધ ગોઠવી આપ્યાં છે. એમાંનું એક પણ ઉપકરણ કોઈ બાબાએ કે કોઈ બાપુએ શોધ્યું છે ખરું? સમાજને ઉપયોગી એવું કંઈ પણ કોઈ બાબાએ કે કોઈ બાપુએ શોધ્યું છે ખરું ? કોઈ વૈજ્ઞાનીકે ક્યારેય એવી મન્નત રાખી નથી કે મોબાઈલની શોધ સક્સેસ જશે તો દરગાહ પર ચાદર ચડાવશે કે કોઈ મન્દીર પર છપ્પન ગજની ધજા ફરકાવશે ! અન્ધશ્રદ્ધાએ માણસને કાયર બનાવી દીધો છે, આળસુ બનાવી દીધો છે. દીવો શોધવાનું કે સળગાવવાનું સુઝતું નથી અને અજવાળા માટે મન્નતો માનતો અને બાધા રાખતો થઈ જાય છે. અન્ધશ્રદ્ધાએ માણસને છતી આંખે આંધળો બનાવી દીધો છે.     

ખલીલ આજ વો આઈને બેચનેવાલા,

કુએ મેં ઝાંક કર ચેહરા તલાશ કરતા હૈ.

–ખલીલ ધનતેજવી

‘સંદેશ’ દૈનીકમાં દર બુધવારે પ્રકાશીત થતી અર્ધસાપ્તાહીક પુર્તીની લોકપ્રીય કટાર ‘જીવન-ઉત્સવ’માંથી (તારીખ 11 જુન, 2014ના અંકમાંથી) સંદેશ અને લેખકશ્રી. ખલીલ ધનતેજવીના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક: શ્રી. ખલીલ ધનતેજવી, પટેલ ફળીયું, યાકુતપુરા, વડોદરા – 390 006 ફોન:(0265)251 0600 સેલફોન: 98982 15767 ઈ.મેઈલ: khalil_dhantejvi@yahoo.com

અભીવ્યક્તી.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તી.બુક્સમારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com